ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
By-Gujju20-05-2023
340 Views
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
By Gujju20-05-2023
340 Views
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી.. ત્યાગ
વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી
ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિય વિષય આકાર જી
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી
પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી
– નિષ્કુળાનંદ