Friday, 15 November, 2024

ઉનાળાનો બપોર નિબંધ 

586 Views
Share :
ઉનાળાનો બપોર નિબંધ 

ઉનાળાનો બપોર નિબંધ 

586 Views

શિયાળાની સવાર તનમનને તાજગી આપનારી હોય છે, તો ઉનાળાની બપોર તનમનને થકવી નાખનારી હોય છે. પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપો આપણને જુદા જુદા અનુભવો કરાવે છે.

ઉનાળામાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. સવારે ધાબા પર, અગાસીમાં કે ખુલ્લામાં મીઠી નીંદર માણવાની ખૂબ મજા આવે છે. પરંતુ જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચે આવતો જાય છે તેમ તેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરના સમયે તો સૂર્ય જાણે અગનગોળા વરસાવતો હોય તેવી ગરમી પડે છે. ધરતીમાંથી ઊની ઊની વરાળો નીકળે છે. ધરતી રણ જેવી ભેંકાર લાગે છે. 

જળાશયોનાં પાણી સુકાઈ જાય છે કે ઊંડાં જતાં રહે છે. ઊની ઊની લૂ વાય છે. આ લૂ ચામડીને દઝાડે છે. ક્યાંક વંટોળિયાને લીધે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. બપોરે બહાર ખુલ્લા પગે ચાલી શકાતું નથી કે ઉઘાડા માથે ફરી શકાતું નથી. એક કવિએ ઉનાળાની બપોરનું વર્ણન કરતાં ગાયું છે કે “સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીનાં જામ્યાં જોર. બળબળતા જામ્યા બપોર”

બપોરના આકરા તાપમાં કામ કરતાં થાકી જવાય છે અને પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેથી કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી. ખેડૂતો અને કારીગરો બપોરે તેમનું કામકાજ થંભાવી દે છે. પશુઓ, વટેમાર્ગુઓ અને ફેરિયાઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ માળામાં લપાઈ જાય છે. રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઘટી જાય છે. 

લોકો ઘરમાં પંખા કે ઍરકન્ડિશનર ચાલુ કરીને તેની હવાથી રાહત મેળવે છે. કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે અને આઇસક્રીમ ખાય છે. શાળાઓ અને મહાશાળાઓમાં ઉનાળાની રજાઓ હોય છે. બાળકો ઘરમાં કૅરમ, ચૅસ કે પત્તાંની રમતો રમે છે. કેટલાક શ્રીમંતો આબુ, સિમલા જેવાં ગિરિમથકોએ હવા ખાવા જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ ઠંડા પાણી કે ઠંડી છાશની પરબો બેસાડીને સેવાનું કામ કરે છે.

ઉનાળાની બપોર પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે. પણ આ જ ઋતુમાં ગરમાળો ને ગુલમહોર જેવાં વૃક્ષો સોળે કળાએ ખીલી ઊઠે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *