Sunday, 22 December, 2024

ઉનાળો – બળબળતા જામ્યા બપોર નિબંધ

211 Views
Share :
ઉનાળાનો બપોર નિબંધ 

ઉનાળો – બળબળતા જામ્યા બપોર નિબંધ

211 Views

‘ઉઘાડે અંગે જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.’

કવિ જયન્ત પાઠકે આ પંક્તિઓમાં ધોમધખતા ઉનાળાનું વર્ણન કર્યું છે. કવિએ પ્રકૃતિના ઉત્કટ રૌદ્રરૂપને ઝાળરૂપી જટાવાળા જોગી સાથે સરખાવ્યું છે. આ જોગી એટલે ધગધગતા બપોરે, આગ ઓકતો, અગનગોળો, સૂર્ય. કાકાસાહેબ કાલેલકરે આ સૂર્યને લાંબી જીભથી લાળ વરસાવતા હાંફતા કૂતરા સાથે સરખાવ્યો છે. 

લૂ વરસી રહી છે. બહાર દોડી જતા છોકરાને મા લડે છે, ‘ બહાર જઈશ નહિ, લૂ લાગશે. ‘ વાતાવરણ ધખધખતી ભઠ્ઠી જેવું લાગે છે. ગામડું હોય કે શહેર, વન કે વેરાન, બસ જ્યાં જુઓ ત્યાં સૂનકાર વ્યાપી ગયો છે. રસ્તા નિર્જન છે. માનવી તો ઠીક એકાદ પંખી કે પશુ પણ ક્યાંય નજરે ચડતું નથી. નીરવ શાંતિમાં સૌ જાણે ડૂબી ગયાં છે. શહેરની સડકો …! નિરંજન ભગતે લખ્યું છેઃ 

‘તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને, કેવી ચગદઈ ગઈ છે સડકો ! ‘

તડકાની પ્રખરતાને કવિએ કેવી રીતે વ્યક્ત કરી છે. ગ્રીષ્મની બપોરનેય પોતાનું આગવું સૌંદર્ય છે. નીરવતા સુખદ લાગે છે. પવનની ડમરીઓ વચ્ચે ખીલેલાં ગુલમહોરનાં લાલચટ્ટાક ફૂલો, માત્ર આંખોને નહિ. હૃદયને પણ ઠંડક આપે છે. 

ગામની ભાગોળે ઊભેલા ઘેઘૂર વડલાની બપોરી છાયા ને માયાની વાત કંઈક ન્યારી છે. ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલાં પશુ એના ગોવાળો સાથે વડલાની છાયામાં નિરાંતનો દમ લે છે. ભેંસો તળાવના કાદવમાં સ્વર્ગનો આનંદ માણે છે. કૂતરાં – બકરાં એકાદ ગલી કે શેરીમાં ખૂણેખાંચરે ભીનાશ શોધી લપાઈ જાય છે. જંગલી પશુઓ પણ પોતાની બોડમાં ભરાઈ જાય છે.

અમુક ડિગ્રીથી ઊંચું તાપમાન થતાં સૌના જીવ પડીકે બંધાઈ જાય છે. લૂથી કેટલાંય પશુપંખી તરફડીને મૃત્યુ પામે છે. ધરતી નિઃસહાય થઈ, હાંફતી હાંફતી જાણે બેભાન થઈ ધખધખે છે.

બજારમાં પણ કરફ્યૂ જેવું વાતાવરણ છે. સૌ ઘરમાં પુરાઈ ગયાં છે. પંખા, ઍરકૂલર કે ઍરકંડિશનર થોડાંક રાહત આપે છે. ટીવી, ચેસ, કૅરમ કે કાર્ડ્સ મનોરંજન કે આનંદ આપે છે. ગરમીમાં ઠંડાં પીણાં, આઇસ્ક્રીમ કે શરબત શરીર ને મનને ટાઢક આપે છે. કાળઝાળ ગરમીમાં કેરી, સક્કરટેટી કે તડબૂચ રાહત આપે છે. પૈસેટકે સુખી લોકો આબુ, માથેરાન કે મહાબળેશ્વર જેવાં હવાખાવાનાં સ્થળોએ જાય છે. 

કાકાસાહેબ જેવા પ્રકૃતિપ્રેમીને ધોમધખતા તડકામાં સૌંદર્ય કળાય છે ને કાવ્ય સ્ફૂરે છે, પણ સામાન્ય જનને તો ઉનાળાનો ધખતો બપાર, શુષ્ક, વ્યાકુળ ને ઉગ્ર લાગે છે. જોકે ધરતીનાં છોરું તો હૃદયનાં ઊંડાણથી આકરો તાપ પડે એમ ઇચ્છે છે કારણ કે, 

“સૂરજ જ્યાં ગરમી કરે , ત્યાં વર્ષાની આશ.”

ગરમી ભલે ત્રાસ આપનારી હોય, પણ માનવજીવન માટે એની મહત્તા ઓછી નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *