Sunday, 22 December, 2024

ઉષા અને અનિરુદ્ધનો મેળાપ

339 Views
Share :
ઉષા અને અનિરુદ્ધનો મેળાપ

ઉષા અને અનિરુદ્ધનો મેળાપ

339 Views

ઉષા અને અનિરુદ્ધના મેળાપની કથા ભાગવતના દસમા સ્કંધના ૬૨મા તથા ૬3માં અધ્યાયોમાં કહેવામાં આવી છે. એ કથા અનેક રીતે આહલાદક તથા પ્રેરક છે.

ઉષા મહારાજા બલિના પુત્ર બાણાસુરની પુત્રી હતી. એને અનિરુદ્ધને પ્રત્યક્ષ રીતે જોયા વિના જ અનિરુદ્ધને માટે અનુરાગ થયેલો. એ અનુરાગના આવિર્ભાવ પાછળ અદ્દભુત ઇતિહાસ હતો. એ ઇતિહાસ પ્રમાણે એણે રાતે સ્વપ્નાવસ્થામાં અનિરુદ્ધના સમાગમનો અવર્ણનીય આનંદ અનુભવ્યો. એના દર્શન કે શ્રવણનો અવસર એના જીવનમાં એ પહેલાં કદાપિ નહોતો આવ્યો તો પણ એ સ્વપ્નાનુભવના અદ્દભુત આનંદથી એનું અંતર અત્યંત અનુરાગપૂર્ણ થઇને એના તરફ આકર્ષાયું. સ્વપ્ન પૂરૂં થયા પછી તો એ સ્વપ્નના એ પ્રેમવર્ષણ કરનારા યુવકને મેળવવા એકદમ અધીરી બની ગઇ. પરંતુ એને કેવી રીતે ને ક્યાં મળવું એ એને ના સમજાયું. કારણ કે એનાથી એ એકદમ અજ્ઞાત હતી.

એની એક પ્રાણપ્રિયા સખી હતીઃ મહારાજા બાણાસુરના મંત્રી કુંભાંડની કન્યા ચિત્રલેખા. એ એના નામ પ્રમાણે ચિત્રલેખનની કળામાં અતિશય કુશળ હતી. એનામાં એ કુદરતી બક્ષિસ હતી એમ કહીએ તો ચાલે. એણે ઉષાના હાવભાવ તથા વર્ણન પરથી સ્વપ્નામાં દેખાયેલા એ સુંદર યુવકની વાત જાણી લીધી. ઉષાએ એને જણાવ્યું કે એ યુવક સુંદરતાના સદન જેવો, શ્યામ શરીરનો ને કમળદલ જેવાં કમનીય નેત્રોવાળો હતો. એણે પીતાંબર પહેરેલું, એના હાથ લાંબા હતા, અને એની આકર્ષકતા અને આહલાદકતા અસીમ હતી. એના પુનર્મિલન માટે મારું મન તલસી રહ્યું છે. એનો સુખદ સમાગમ નહિ થાય ત્યાં સુધી મને શાંતિની પ્રાપ્તિ નહિ થઇ શકે.

ઉષાની અનુભવપૂર્ણ પ્રેમ વાત સાંભળીને અને પ્રેમની મીઠી પીડાને પેખીને ચિત્રલેખાને એને માટે ઊંડી સહાનુભૂતિ થઇ. એણે પોતાની સવિશેષ શક્તિનો સદુપયોગ કરીને બનતી બધી રીતે મદદ કરવાનું આશ્વાસન અને વચન આપ્યું.

એ પછી એણે પોતાની ચિત્રાલેખનની વિશિષ્ટ શક્તિથી જુદા જુદા પુરુષોનાં ચિત્રો તૈયાર કરવા માંડ્યા. એ ચિત્રોને તૈયાર કરવાનું પ્રમુખ પ્રયોજન એ હતું કે ઉષા એમનું અવલોકન કરીને પોતાના પ્રેમાસ્પદ પ્રિય યુવકને ઓળખી લે. એણે એની અનુપમ કળાશક્તિથી કેટલાય દેવો, સિદ્ધો, ગંધર્વો, ચારણો, પન્નગો, વિદ્યાધરો, દૈત્યો, યક્ષો અને મનુષ્યોના ચિત્રો તૈયાર કર્યા. વસુદેવના પિતા શૂરનું, વસુદેવનું, ભગવાન કૃષ્ણનું, બલરામનું ને કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્નનું પણ ચિત્રાલેખન કરી બતાવ્યું. પરંતુ ઉષાએ એમાંથી કોઇ પણ પુરુષને પોતાના પ્રિય સ્વપ્નપુરુષ તરીકે ના ઓળખી બતાવ્યો ત્યારે અંતે એણે પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર દોરી બતાવ્યું. એ ચિત્રને જોતાંવેંત જ ઉષા પ્રસન્નતાપૂર્વક બોલી ઊઠી કે એ સ્વપ્નપુરુષ આજ હતો, આજ મારો પ્રિયતમ, પ્રાણવલ્લભ.

ચિત્રલેખાને એ સાંભળીને સંતોષ થયો. એની મહેનત આખરે ફળી, એની ચિત્રાલેખનની શક્તિ કેવી સર્વોત્તમ અને સચોટ હશે એની કલ્પના સહેલાઇથી કરી શકાય છે. એ કલ્પના આપણા અંતરમાં એને માટે અસાધારણ આદરભાવ જગાવે છે ને દર્શાવે છે કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ પછાત નહોતી. વિદ્યાનાં બીજાં બધાં ક્ષેત્રોની જેમ ચિત્રકળાના ક્ષેત્રમાં પણ એ આગળ વધેલી. કોઇની પાસેથી માત્ર ઉપલક વર્ણન સાંભળીને તે વ્યક્તિના આબેહુબ ચિત્રને અંકિત કરવાની ચિત્રલેખાની કળા જેવી કળા આજના સર્વોત્તમ કહેવાતા કળાકારો પણ કદાચ નહિ સાધી શક્યા હોય. એની કળા એવી અનોખી હતી.

અને એથી ય અધિક યોગ્ય એની સાધના હતી. એ ક્ષેત્રમાં પણ પોતાની અંગત અભિરુચીથી આગળ વધીને સિધ્ધિનાં સોનેરી શિખરોને સર કરીને એક મહાન યોગિની બનેલી. સ્ત્રીને માટે વિકાસનું એ ક્ષેત્ર પણ ખુલ્લું છે અને એમાં એ પુરુષની પેઠે જ અને ઇચ્છા હોય તો એનાથી પણ વધારે આગળ વધી શકે છે એવું એણે પોતાના જીવન પરથી પુરવાર કરેલું. પોતાની અસાધારણ યોગશક્તિથી અનિરુદ્ધ દ્વારકામાં છે એવી માહિતી મેળવીને એ આકાશગમનની સર્વોત્તમ યોગીઓને પણ સુદુર્લભ સિધ્ધિ દ્વારા રાત્રીના શાંત સમયે દ્વારકાપુરીમાં પહોંચી ને ત્યાં સુંદર પ્રાસાદમાં પર્યંક પર સુતેલા અનિરુદ્ધને ઉપાડીને યોગશક્તિ દ્વારા શોણિતપુરમાં ઉષાના મહેલમાં લઇ આવી. ઉષા એથી આનંદ પામી. પોતાના પ્રેમપાત્રને પેખીને એનું વદનકમળ પૂર્ણ ચંદ્રના દર્શનથી ખીલે તેમ ખીલી ઊઠ્યું. ચિત્રલેખાની શક્તિ જોઇને એ વિસ્મય પામી.

*

શોણિતપુર શોણિતથી ભરેલું શરીર છે. એમાં જીવાત્મા અથવા ચિતશક્તિ ઉષા છે. એની સખી સદ્દબુદ્ધિ અથવા ઋતંભરા પ્રજ્ઞા છે. અનિરુદ્ધ અલૌકિક આનંદ છે. ચિત્રલેખા ચિંતનમનન-નિદિધ્યાસન દ્વારા એને મેળવવામાં મદદ કરે છે. પરંતુ અહંકારરૂપી બાણાસુર એમના મધુમય મિલનને જોઇ નથી શક્તો. એનું કાયમ માટે કશું ચાલતું તો નથી તો પણ એ મિલનમાં ભંગ પાડવા અને એને કાયમી બનતું અટકાવવા એ બને તેટલા અંતરાયો ઊભા કરે છે અને એનો સામનો કરે છે.

*

ઉષા અનિરુદ્ધની સાથે રાજમહેલમાં મન મૂકીને વિહાર કરવા લાગી. એને એના જીવનનું સર્વ કાંઇ મળી ગયું. અનિરુદ્ધ પ્રત્યેનો એનો પ્રેમ દિનપ્રતિદિન વધવા લાગ્યો. અનિરુદ્ધ પણ એના સ્વર્ગસુખદ સંસર્ગમાં બીજું બધું જ ભૂલી ગયો અને એના પ્રેમથી પ્રભાવિત થઇને એને જ જીવનનું સર્વસ્વ સમજવા માંડ્યો.

ઉષાની પ્રસન્નતાનો પાર ના રહ્યો. અનિરુદ્ધના સુખદ સમાગમથી એના શરીરમાં ફેરફાર થયો. એના હાવભાવ અથવા વર્તન પરથી એના રાજભવનના સંરક્ષકોએ સમજી લીધું કે કોઇક પુરુષ સાથે એનો સંબંધ અવશ્ય થયો હોવો જોઇએ. એમણે બાણાસુરની આગળ એમની આશંકા પ્રકટ કરી. બાણાસુરને એ સાંભળી દુઃખ થયું. એણે ઉષાના ભવનમાં પ્રવેશીને એના અસાધારણ વિસ્મય વચ્ચે જોયું તો ત્યાં અનિરુદ્ધ બેઠેલો. ઉષાની આગળ બેસીને એ એની સાથે દ્યુત રમી રહેલો.

બાણાસુરને શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જ આક્રમણકારી સૈનિકો સાથે આવેલો જોઇને સઘળી પરિસ્થિતિને પામી જઇને અનિરુદ્ધે લોઢાના ભયંકર પરિધ વડે એનો સામનો કરવાનો સંકલ્પ કર્યો. બાણાસુરના સૈનિકો એને પકડવાનો સશસ્ત્ર પ્રયાસ કરવા લાગ્યા પરંતુ એણે એમને મારવા માંડ્યા. એ દેખીને ક્રોધે ભરાયલા બાણાસુરે એને નાગપાશથી બાંધી દીધો. એને બંધાયેલો જોઇને ઉષા શોકિત તથા દુઃખી બનીને રડવા લાગી. એના જીવનમાં જાણે કે ઘોર અંધકાર ફળી વળ્યો.

*

આ બાજુ દ્વારકાના પ્રજાજનો અને અનિરુદ્ધના કુટુંબીઓ એના એકાએક અદૃશ્ય થવાથી ખૂબ જ ચિંતાતુર બની ગયા. ચોમાસાના ચાર મહિના પસાર થઇ ગયા તો પણ એના સમાચાર ના મળવાથી એમને શું કરવું તેની કશી સમજ ના પડી. એ દરમિયાન દેવર્ષિ નારદે આવીને અથથી ઇતિ સુધી સઘળા સમાચાર કહી સંભળાવ્યા. એ સાંભળીને યદુવંશીઓએ શોણિતપુર પર આક્રમણ કર્યું. કૃષ્ણ તથા બળરામે પણ એમાં ભાગ લીધો. વિરોધી સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. એ યુદ્ધ મહાબલી બાણાસુરને માટે ખૂબ જ હાનિકારક સાબિત થયું. ભગવાન કૃષ્ણે ચક્રની મદદથી એની ભુજાઓને કાપવા માંડી ત્યારે એના પક્ષે લડતા ભગવાન શંકર કૃષ્ણની પાસે પહોંચીને પ્રેમપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા.

*

ભગવાન શંકરે બાણાસુર પર પ્રહલાદની પેઠે જ કૃપા કરવાની પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણે એ પ્રાર્થનાને માન્ય રાખીને બાણાસુરના નાશનો વિચાર પડતો મૂક્યો. એ પછી બાણાસુરે કૃષ્ણને પ્રણામ કર્યા અને અનિરુદ્ધને ઉષા સાથે રથમાં બેસાડીને એમની પાસે પહોંચાડી દીધો. કૃષ્ણે શંકરની સંમતિ મેળવીને વસ્ત્રાલંકારભૂષિત ઉષા તથા અનિરુદ્ધ સાથે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. એ આખાય પ્રકરણનો એવી રીતે સુખદ અંત આવ્યો એથી દ્વારકાવાસીઓની પ્રસન્નતાનો પાર ના રહ્યો. ચિતશક્તિનું અને પરમાનંદનું સદાને સારુ શાશ્વત સંમિલન થયું.

દસમા સ્કંધના ઉત્તરાર્ધમાં બળરામની વ્રજયાત્રાને પણ વર્ણવવામાં આવી છે. વ્રજની પૂર્વપરિચિત પુણ્યભૂમિમાં પુનઃ પ્રવેશીને બળરામ, નંદ, યશોદા તથા ગોપગોપીઓને મળ્યા એ અવસર લાગતાવળગતા સૌ કોઇને માટે અતિશય આનંદદાયક હતો. ગોપીઓના કૃષ્ણપ્રેમને પેખીને એ ખૂબ જ પ્રસન્ન થયા. ગોપીઓ પણ કૃષ્ણના સઘળા સમાચાર સાંભળીને સંતોષ પામી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *