Sunday, 3 March, 2024

વાણીયાની ચતુરાઇ

69 Views
Share :
વાણીયાની ચતુરાઇ

વાણીયાની ચતુરાઇ

69 Views

વાણીયાની દાઢી

એક વાર અકબર બાદશાહ બીરબલ સાથે અલક મલક ની વાતો કરતા બેઠા હતા, અકબરે બીરબલ ને પૂછ્યું “કહો સૌ થી ચતુર જાતિ કઈ?”

બીરબલ કહે “હોંશીયાર તો વાણીયા”,

અકબર કહે “અને મૂરખ કોણ?”

બીરબલ કહે “મૂરખ તો મુલ્લા…”

અકબર આ વાત ન માન્યા, તે બીરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે “ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોંશીયાર હોય છે.”

બીરબલ કહે “તો ચાલો પરીક્ષા કરી જોઈએ…”

અકબર કહે “ભલે તો કાલે કરીએ પારખા…”

બીજે દિવસે બીરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણીયા ને તેડાવ્યા. પહેલા એણે મુલ્લા ને પૂછ્યું, “મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?”

મુલ્લાજી કહે  “બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે ક્બૂલ છે”….બીરબલે હજામ તૈયાર રાખ્યો હતો, તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રુપીયા આપ્યા.

હવે બીરબલ વાણીયા તરફ વળ્યો અને તેને કહ્યું, “બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?”

વાણીયો કહે “બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવુ એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઈજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢી ની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપીયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્ન માં પચીસ હજાર આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. ..આવા તો ઘણા ખર્ચા કર્યા હતા, બીરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ…”

બીરબલ કહે “જા વાણીયા તને પચાસ હજાર આપ્યા, ગણી લે…હવે દાઢી આપી દે”

વાણીયાએ તો પચાસ હજાર ગણી લઈ લીધા, પછી તે દાઢી મુંડાવવા બેઠો.

પણ જેવો હજામે દાઢી ને હાથ લગાડ્યો કે વાણીયાએ તેને એક તમાચો મારી દીધો. કહે “અલ્યા મૂરખ, આ કોઈ વાણીયાની દાઢી થોડી છે? આ તો બાદશાહ સલામતની દાઢી છે અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ…..બાદશાહ સલામતની આબરૂ ને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો….”

અકબર બાદશાહ હસવા લાગ્યા, બીરબલ કહે જોયું? વાણીયા એટલે ડાહીમાના દીકરા”

વાણીયા બદાણીયા વાર્તા

વીશ હતા વાણિયા. વીશે જણા જાત્રા કરવા નીકળ્યા. ચાલતાં ચાલતાં રસ્તે એક નહેરું આવ્યું. નહેરાનું નામ જાંબુડિયું. નહેરું ખૂબ જ ઊંડું; દિવસે ય પૂરો તડકો ન આવે.

વાણિયા એ નહેરામાંથી જતા હતા, ત્યાં સામેથી ચોર મળ્યા. એક તો વાણિયા, ને એમાં ચોર મળ્યા ! વાણિયાની કાછડીઓ ઢીલી થવા માંડી.

ત્યાં તો ચોરે હાકલ કરી : “ એલા કોણ છે એ? લૂગડાંલત્તાં ને ઘરેણાંગાંઠાં કાઢી નાખો- નહિ તો મૂઆ પડ્યા છો!”

વાણિયા સમયસૂચક ખરા ને ! સામા થઇને શું કરે?
કહે: “ ક્યો ભાઇ ના પાડે છે? આ લૂગડાં ને આ લત્તાં, આ ઘરેણાં ને આ ગાંઠાં. ના પાડે ઇ તમારો દીકરો !”

ચોરને તો બસ પાકી. ઘરેણાંગાંઠાં ને લૂગડાંલત્તાં ઝટઝટ ઉપાડી લીધા અને ગાંસડી બાંધીને ચાલી નીકળ્યા.

વાણિયાભાઇ તો ઊભા થઇ રહ્યા, પણ મનમાં વિચાર કરવા લાગ્યા: “ માળું, આમ ચોર લૂંટી જાય એ તો કાંઇ ઠીક નહિ. એમ તો પછી આપણી ડાહી જાત લાજે. માટે કાંઇક જુક્તિ કરવી જોઇએ.”

જુક્તિ વિચારીને એક વાણિયો ચોરની પાછળ દોડ્યો. પાસે જઇને બે હાથ જોડી કરગરીને કહેવા લાગ્યો: “ એ ભાઇ ! એક મારી અરજ છે; જરા સાંભળશો ?”
ચોર કહે:” “ હવે જા જા, ગોલો થા મા ! એમ કાંઇ અમે ભોળવાઇએ એમ નથી. તું વાણિયો, તો અમે સાત વાણિયા !”

વાણિયો કહે: “ બાપુ ! એમાં ભોળવવાની વાત જ નથી. અમારાથી તે કાંઇ તમને પહોંચાય ?”

એક ચોર કહે: “ ઠીક, જરાક જોઇએ; શી અરજ છે?”

વાણિયો કહે: “ આ જરાક જોતા જાઓ, અમે એક નવી ભવાઇ શીખ્યા છીએ. અમારે સામે ગામ બતાવવી છે. તમે પારખુ માણસ; જોઇને કહો કે બરાબર આવડે છે કે નહિ ?”

બીજો ચોર કહે: “ એ ભાઇ ! એમાં ક્યાંક વાણિયાભાઇની ગત ન હોય, હોં ! ઇ વાણિયાની ગત વાણિયા જ જાણે.”

વાણિયો કહે: “ એમાં કાંઇ ગતે નથી ને બતે નથી. આ અમારે તો તમને બતાવવું છે. જોતા જાઓ તો ભલા ઠીક, નીકર અમારો કાંઇ હુકમ ચાલે છે?”

ત્રીજો ચોર કહે: “ અરે ભાઇ ! કોને સમજાવે છે? ભવાઇ તો તરગાળા કરે, ઓછબિયા કરે—ક્યાંય વાણિયા તે કરતા હશે?’

વાણિયો કહે: “ વાણિયાય કરે ને એના બાપે ય કરે. વખાના માર્યા સૌ કરે. હવે ભાઇ , જોવી હોય તો હા કહો એટલે કરીએ, નહિતર રહ્યું !”

ચોરો કહે: “ તો ભાઇ, ચાલોને જોતા જઇએ! ત્યાં ઇ બકાલ વાણિયાની શી બીક છે? ને સિવાય, આપણી આ બંદૂક ને તલવાર ક્યાં ગઇ છે?”

ચોર તો ભવાઇ જોવા બેઠા ને વાણિયા ભવાઇ કરવા માંડ્યા. પહેલો વેશ ગણપતિ દાદાનો લાવ્યા ને ગાવા માંડ્યા:

“દુંદાળો દુ:ખભંજણો
ને સદાય બાળે વેશ;
દુંદાળો દુ:ખભંજણો
ને સદાયે બાળે વેશ.”

ચોર કહે:“ માળું, ભવાઇ કરતાં આવડે તો છે!”
પછી બ્રાહ્મણનો વેશ આવ્યો. ચોર કહે:” “ સાચું હો ! વાણિયાને ભવાઇ તો આવડે છે !” પછી કહે: “એલા વાણિયાઓ ! આ નવો વેશ નથી. આ તો બધે જ થાય છે. એ જ વેશ છે.”

વાણિયા કહે: “લ્યો ત્યારે, નવો વેશ તો હજી હવે આવશે. ઇ નવા વેશ સારુ તો તમને દેખાડીએ છીએ.”ત્યાં વાણિયે જાંબુડિયાનો વેશ કાઢ્યો. જાંબુડિયો થયેલો વાણિયો તો કૂદવા, નાચવા ને ગાવા લાગ્યો:

“આમ કડો, તેમ કડો,
જઇ જાંબુડિયે જાણ કડો,
આમ કડો, તેમ કડો,
જઇ જાંબુડિયે જાણ કડો.”

વાણિયા તો બધા નાચવા ને ગાવા માંડ્યા:

આમ કડો, તેમ કડો,
જઇ જાંબુડિયે જાણ કડો….

ચોર તો સામે જોઇ રહ્યા. એકબીજાને કહે: “ માળા વાણિયા છે કાંઇ ! હટાણું વેચતા ભવાઇ કરવા મંડ્યા, પણ માળી આવડે તો છે !”

ત્યાં તો બધામાંથી એક વાણિયો જરા જુદો ચાલવા લાગ્યો:

આમ કડું, તેમ કડું,
જઇ જાંબુડિયે જાણ કડું.
આમ કડું, તેમ કડું,
જઇ જાંબુડિયે જાણ કડું.

બીજા વાણિયા ઝીલવા લાગ્યા, ને આ વાણિયો ગાતો ગાતો પાછે પગે જવા લાગ્યો. ચોરો તો જોઇ રહ્યા. એમ ગાતાં ગાતાં એક વાણિયો તો ક્યાંય નો ક્યાંય દૂર જઇને જાંબુડિયે ગામ પહોંચ્યો. જઇને ફોજદારને બધી વાત કહી, ને સિપાઇ લઇને નહેરા ભણી ચાલી નીકળ્યો. અહીં તો બીજા વાણિયાઓએ વેશ ઉપર વેશ કાઢવા માંડ્યા. કેરબાનો વેશ કાઢ્યો, દગલાનો વેશ કાઢ્યો,બીજા કેટલાયે વેશ કાઢ્યા. ત્યાં તો ઘોડાના ડાબલા સંભળાયા.

વાણિયાઓએ જાણ્યું કે, હં… સિપાઇ આવી પહોંચ્યા છે; હવે ચોર સપડાશે.

ચોરે ઘોડાના ડાબલા સાંભળ્યા ને તેઓ ચમક્યા. પણ ત્યાં તો વાણિયાઓએ ઘોડાનો જ વેશ કાઢ્યો ને ગાવા માંડ્યા:

“વાણિયા બદાણિયા આવે છે,
ને ઘોડાનો વેશ લાવે છે.
વાણિયા બદાણિયા આવે છે,
ને ઘોડાનો વેશ લાવે છે.”

ચોરોના મનમાં એમ થયું કે, આ તો ઘોડાનો વેશ આવે છે, અને એમાં ઘોડાના ડાબલા સંભળાય છે. તેઓ તો બેઠા. ત્યાં તો ખાખી લૂગડાંવાળા ફોજદારને સિપાઇ દેખાયા. ચોર બીના ને નાસવા લાગ્યા- પણ ત્યાં તો વાણિયાઓએ ગાયું:

“વાણિયા બદાણિયા આવે છે,
ને ફોજદારનો વેશ લાવે છે.
વાણિયા બદાણિયા આવે છે,
ને ફોજદારનો વેશ લાવે છે.”

ચોર કહે: “ અરે, આ તો વેશ છે ! વાણિયા માળા ભારે સાચેસાચા વેશ કાઢતા લાગે છે.”

ત્યાં તો સિપાઇઓ અને ફોજદાર આવી પહોંચ્યા ને ચોરને પકડી મુશ્કેટાટ કર્યા. પછી વાણિયાભાઇ પોતાનાં લૂગડાંલત્તાં ને ઘરેણાંગાંઠાં લઇ ઘરભેગા થઇ ગયા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *