વિક્રમ વેતાલની વાર્તા ભાગ 1
By-Gujju27-10-2023
વિક્રમ વેતાલની વાર્તા ભાગ 1
By Gujju27-10-2023
નાના ભાઈ ભર્તુહરિના સંન્યાસ લીધા પછી વિક્રમે ગાદી સંભાળી અને સુખેથી રાજપાટ ચલાવવા લાગ્યા. તેને હરાવનારું દૂર દૂર સુધી કોઈ ન હતું.
એક દિવસ નગરમાં શાન્તિશીલ નામના એક યોગીનું આગમન થયું. તેણે માથા પર ભભૂત લગાવેલી હતી. હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. ભગવા વસ્ત્રો પહેર્યા હતા. તેના મસ્તક ને જોઈને તો કોઈને પણ તે મહાન યોગી લાગ્યા વિના ન રહે.
યોગીએ રાજાને કહ્યું, ‘મહારાજ… ગોદાવરી નદીના કિનારે એક સ્મશાન છે. એ સ્મશાનમાં હું એક મંત્ર સિદ્ધ કરી રહ્યો છું. એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે. તું બસ રાત્રીના મારી પાસે તારા હથિયાર લઈ આવી જજે.’
રાજાએ તુરંત ગરદન ઘુમાવી અને હા કહી દીધું. રાજાની હા સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધારવાનો સમય કહી દીધો.
વિક્રમ રાજા ત્યાં પહોંચ્યા. ગોદાવરી નદીના કિનારે સ્મશાન હતું. આસપાસ તો શું? પણ દૂર દૂર સુધી કોઈ ન હતું. મનુષ્ય જ નહીં પ્રાણી પણ નહીં. સ્મશાન એક ગુફા જેવું હતું. ગુફાની આસપાસ ચામાચીડિયા લટકી રહ્યા હતા. અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી. રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે ધૂણી ધખાવીને ધ્યાનમાં લીન હતા. તેણે બંધ આંખે જ કહી દીધું, ‘આવ મહારાજ આવ.’
આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત-પ્રેત અને પીશાચો જંગલમાં દૂર ક્યાંક ચાલ્યા ગયા. જેના પર રાજા વિક્રમનું હજી સુધી ધ્યાન જ નહોતું પડ્યું.
‘બોલો યોગીજી મારા માટે શું આજ્ઞા છે?’
યોગીએ કહ્યું, ‘રાજન્ આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો. હું જો દાડમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે શું શું કરી શકું?’
‘ના યોગીજી તમારું ઋણ છે મારા પર અને ઋણ ત્યારે જ કોઈ રાખે છે જ્યારે તેને પોતાની પહોંચથી દૂર રહેલી વસ્તુ પ્રાપ્ત કરવી હોય.’
‘ઠીક છે. તો સાંભળ રાજન્ અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે દૂર એક સ્મશાન આવેલું છે. એ સ્મશાનમાં એક સિદ્ધવડ આવેલું છે. એ સિદ્ધવડના ઝાડ પર એક મડદું લટકે છે. એને તું મારી પાસે લઈ આવ ત્યાં સુધી હું પૂજા કરું છું. એ મડદાને તું મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે.’ આટલું કહી યોગીએ આકાશ તરફ જોયું અને ખડખડાટ હસ્યો, ‘આજની રાત લાંબી પસાર થવાની છે….’
વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડી નમન કરી ત્યાંથી ચાલી નીકળ્યો. સિદ્ધવડ તરફ જતો રસ્તો ખૂબ જ ભયાનક હતો. ચારેબાજુથી જાનવરોના અવાજ આવી રહ્યા હતા. ભૂત-પ્રેત અવાજ કરી રહ્યા હતા. રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું. સાંપ આવી ગમે ત્યારે પગમાં આટી મારી ચડી જતા હતા. રાજાને સિદ્ધવડ સુધી જતા રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેને તેના ધ્યેયથી ડગમગાવતી હતી. રાજા તલવાર ખુલ્લી રાખીને ચાલતો હોય ત્યાં તો નજીકમાં આવેલો પથ્થર પણ ગબડીને પડે.
એ સ્મશાન પાસે પહોંચી ગયો. યોગીના સ્મશાન કરતા પણ આ સ્મશાન અધિક ભેંકાર લાગતું હતું. એક સિંહ ગર્જના કરી રહ્યો હતો. અચાનક તે દોડ્યો અને પસાર થતા હરણ પર તૂટી પડ્યો. રાજા ડર્યા વિના સ્મશાનની અંદર પ્રવેશ્યો. સ્મશાનની અંદરથી સિદ્ધવડ સુધી પહોંચવા જાય છે ત્યાં ઉપરથી એક સાંપ તેની માથે પડ્યો. તેની ગરદન અને છાતીને ભીંસવા લાગ્યો. રાજાએ મહામુસીબતે તેનાથી છૂટકારો મેળવ્યો.
વિક્રમ આગળ ચાલવા જતો જ હતો ત્યાં એક ગાંડો હાથી તેના રસ્તા વચ્ચેથી પસાર થયો. રાજા સમયસૂચકતા વાપરીને ત્યાંથી ઠેકડો મારી છટકી ગયો. તેને ભારે આશ્ચર્યું થયું કે આ કંઈ જેવું તેવું સ્મશાન તો નથી જ. એક સ્મશાનમાં હાથી, સાંપ અને સિંહ જેવા ખૂંખાર જાનવરો.
તે આગળ વધતો ગયો અને પહોંચી ગયો સિદ્ધવડની પાસે. સિદ્ધવડ સળગી રહ્યો હતો. રાજા વિક્રમ આવ્યો અને આગ ઠરી ગઈ. રાજાને મનમાં થયું કે, ‘દેવે કહ્યું એ આ જ વાત લાગે છે.’
સિદ્ધવડ ઊંચું હતું. રાજાએ ઉપર જોયું તો દોરડાથી બાંધેલું એક મડદું લટકતું હતું. તેનું શરીર આખુ સફેદ હતું. રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું. મડદુ ધડામ કરતું નીચે પડ્યું.
‘હવે આને લઈ જાઉં.’ રાજા બોલતો બોલતો સિદ્ધવડ પરથી ઉતરી અને મડદાને લેવા જતો જ હતો ત્યાં મડદું રડવા લાગ્યું, ‘આહાહહાહાહા…. ઓઓઓઓઓ…’
રાજા પાછો મૂંઝવણમાં મૂકાયો. તેને કૌતુક થયું. તેણે મડદાની નજીક આવી પૂછ્યું, ‘તું કોણ છે?’
મડદાએ જવાબ ન આપ્યો. રાજાએ ફરી પૂછ્યું, ‘તું કોણ છે?’
મડદું જોરજોરથી હસવા લાગ્યું, ‘હા… હા…..હા…. હા….’
‘તું એમ નહીં માને.’ રાજા તેની નજીક ગયો તો મડદું ઉડ્યું. ઉડીને ફરી સિદ્ધવડ પર ઉલટું લટકી ગયું. રાજા ફરી ઉપર ગયો તો મડદું નીચે આવી ગયું. રાજા નીચે આવ્યો તો મડદું ઉપર ચાલ્યું ગયું. આ રમત તો ચાલી પૂરજોશમાં. રાજા ઉપર તો મડદું નીચે અને મડદું ઉપર તો રાજા નીચે. આખરે રાજાએ મડદું નીચે હતું ત્યારે કૂદકો માર્યો અને પકડી લીધું. હવે રાજા કોઈ વાર મડદા ઉપર ચડી તેને પકડવાની કોશિશ કરે તો મડદું ભાગવાની કરે. રાજા તેને પકડીને પૂછતો જાય, ‘બોલ કોણ છો તું?’
મડદું કંઈ બોલ્યું નહીં.
રાજાએ મડદાને પકડી પોતાની પીઠ પર લાદી દીધું અને ચાલવા લાગ્યો. મડદાએ વિક્રમના સવાલનો હવે છેક જવાબ આપ્યો અને પ્રતિ પ્રશ્ન પણ કર્યો, ‘રાજન મારું નામ વેતાલ છે. તું કોણ છે ? જવાબ દે.’
રાજાએ જવાબ આપ્યો, ‘હું ધારાનગરીનો રાજા વીર વિક્રમ છું. તને યોગી પાસે લઈ જવા આવ્યો છું.’
વેતાલે કહ્યું, ‘હું એક શરત પર તારી સાથે ચાલું. જો તું રસ્તામાં બોલીશ તો હું ઉડીને ફરી સિદ્ધવડ પર ચાલ્યો જઈશ.’
રાજાએ શરતનો સ્વીકાર કર્યો.
શરતનો સ્વીકાર થતાં જ વેતાલ બોલ્યો, ‘પંડિત, ચતુર અને જ્ઞાની તેના દિવસો તો સારી સારી અને મીઠી મીઠી વાતોમાં જ વીત્યા રાખે છે. જ્યારે મુર્ખાઓના દિવસો ઝઘડા અને ઊંઘમાં. સારું તો એ જ કહેવાય રાજન્ કે આપણી વાતો પણ સારી સારી સારી વાતોમાં જ પસાર થાય. હું તને એક વાર્તા સંભળાવું લે…
બીરબલનો ત્યાગ
એક નગરમાં રૂપસેન નામનો રાજા હતો. એક દિવસ રૂપસેન તેના કક્ષમાં આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે મુખ્ય પ્રવેશદ્વાર પર કેટલાક લોકોનો અવાજ સાંભળ્યો. જાણે કોઈ અંદર આવવાની કોશિશ કરી રહ્યું હતું. અને દ્વારપાળ તેને રોકી રહ્યા હતા. રાજાએ તરત દ્વારપાલને બોલાવ્યો અને મુલાકાતીને અંદર મોકલવાનો આદેશ આપ્યો.
મુલાકાતીએ રાજાને નમસ્કાર કરીને કહ્યું, “મહારાજ, મને તમારી છત્રછાયામાં કોઈ તકલીફ નથી. હું તમારી સેવા કરવા માંગુ છું, મને તમારી સેવા કરવાની તક આપો. મહારાજ, મારે મારા વેતન તરીકે રોજનું એક હજાર તોલા સોનું જોઈએ છે. પરિવારમાં પત્ની અને એક પુત્ર અને એક પુત્રી છે લોકો મને બીરબલ કહે છે.
જ્યારે બીરબલે તમામ દરબારીઓની સાથે વેતનમાં રોજનું એક હજાર તોલા સોનું માંગ્યું ત્યારે રાજા રૂપસેન પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ રાજાએ વિચાર્યું કે દરરોજ આટલું સોનું માંગતો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય, તેથી તેનું પરીક્ષણ કરવું જોઈએ. જો કામ યોગ્ય રીતે નહીં થાય તો ત્રણ દિવસનો પગાર આપીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
રાજાએ બીરબલને પોતાની સેનામાં રાખ્યો અને એક હજાર તોલા સોનું આપ્યું. રાજાએ તેના જાસૂસોને આદેશ આપ્યો કે બિરબલ દરરોજ આટલા સોનાનું શું કરે છે. તેની તપાસ કરે.
બિરબલે અડધું સોનું બ્રાહ્મણોમાં વહેંચ્યું અને અડધું સોનું બે ભાગમાં વહેંચ્યું, જેમાં એક ભાગ મહેમાનો, ઋષિ-મુનિઓ પર ખર્ચવામાં આવ્યો અને બાકીના એક ભાગનો અડધો ભાગ ભૂખ્યા અને ગરીબોને ભોજન કરાવવામાં ખર્ચવામાં આવ્યો. બીરબલે બાકીનો અડધો ભાગ પોતાના પરિવાર પાછળ ખર્ચી નાખ્યો.
બીરબલ દરરોજ એક હજાર તોલા સોનું આ રીતે ખર્ચતો હતો.
એક રાત્રે રાજા ગાઢ નિંદ્રામાં હતો ત્યારે તેણે એક સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. રાજાએ તરત જ બીરબલને બોલાવ્યો અને કહ્યું, “જા બીરબલ, જલ્દીથી શોધો કે આ સ્ત્રી કોણ છે અને તે ક્યાંથી આવી છે અને તે શા માટે રડે છે?”
બીરબલ તરત અવાજ તરફ વળ્યો. ટૂંક સમયમાં જ બીરબલ સ્મશાનગૃહમાં પહોંચ્યો, જ્યાં એક સ્ત્રી બેઠી હતી અને રડી રહી હતી.
બીરબલે સ્ત્રીને રડવાનું કારણ પૂછ્યું. સ્ત્રીએ કહ્યું, “હું રાજલક્ષ્મી છું. રાજાના ઘરમાં અકર્મ થવા લાગ્યું છે, જેના કારણે કુલક્ષ્મી રાજાના ઘરમાં આવીને સ્થાયી થઈ છે. મારા જવાના શોકમાં હું રડી રહી છું. ઘણા કષ્ટો સહન કરીને રાજાનું જલ્દી મૃત્યુ થશે. કુલક્ષ્મીના કારણે સર્વનાશ થશે.
રાજલક્ષ્મીની વાત સાંભળીને બીરબલ દુઃખી થઈ ગયો અને બોલ્યો, “હે દેવી, કૃપા કરીને કોઈ ઉપાય જણાવો જેનાથી રાજા લાંબુ જીવે. કુલક્ષ્મી ત્યાંથી નીકળી જાય અને તમે લાંબા સમય સુધી રાજાના ઘરમાં રહો.
રાજલક્ષ્મીએ કહ્યું, “બીરબલ, પૂર્વ તરફ દેવીનું મંદિર છે. જો તમે તમારા પુત્રનું માથું કાપીને દેવીને અર્પણ કરો છો, તો રાજા સો વર્ષ સુધી રાજ કરશે અને હું પણ આ રાજ્યમાં લાંબા સમય સુધી રહીશ.
બીરબલને મોકલ્યા પછી, રાજા પણ તેની પાછળ સ્મશાનમાં ગયો અને રાજલક્ષ્મીની બધી વાતો સાંભળી.
રાજાએ જોયું કે બીરબલ તેના ઘરે ગયો અને પરિવારના તમામ સભ્યોને જગાડ્યા અને રાજલક્ષ્મીએ કહેલી બધી વાત કહી.
બીરબલની પત્નીએ કહ્યું, “દીકરા, તારું મૃત્યુ રાજા અને રાજ્ય બંનેને બચાવશે.”
માતાની વાત સાંભળીને બીરબલનો પુત્ર ખુશીથી પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો.
થોડી જ વારમાં બીરબલ તેના પરિવાર સાથે દેવીના મંદિરે આવ્યો. બીરબલ પછી રાજા રૂપસેન પણ મંદિરે પહોંચ્યા.
બિરબલે દેવીની મૂર્તિની સામે ઊભા રહીને કહ્યું, “હે દેવી માતા, રાજાનો જીવ બચાવવા હું મારા પુત્રનું માથું તમારા ચરણોમાં અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો.” આમ કહીને બીરબલે પોતાના પુત્રનું માથું તલવારથી કાપી નાખ્યું. માતાના ચરણોમાં અર્પણ કર્યુ.
ભાઈની લાશ જોઈને બીરબલની દીકરીએ પોતાની છાતીમાં કટાર મારીને આત્મહત્યા કરી લીધી. બીરબલની પત્ની તેના પુત્ર અને પુત્રીના મૃત્યુનું દુઃખ સહન કરી શકી નહીં અને તેણે પણ પોતાની તલવાર છાતીમાં મારીને મૃત્યુને ભેટી લીધું. પોતાના સમગ્ર પરિવારને મૃત જોઈને બીરબલે પણ તલવાર વડે પોતાની ગરદન કાપી નાખી.
રાજા રૂપસેન છુપાઈને આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે એક જ પરિવારના ચાર લોકો મારું રાજ્ય અને મારો જીવ બચાવવા મૃત્યુને ભેટી ગયા. તેમની સેવા અને બલિદાન ખરેખર અપૂર્વ છે.
રાજાએ વિચાર્યુ કે જો આ લોકોએ મારા માટે પોતાનો જીવ આપી દીધો હોય તો મારે હવે જીવીને શુ કરવુ ? આમ વિચારીને રાજાએ તલવાર ઉગામી અને પોતાની ગરદન કાપવા તૈયાર થઈ ગયો.
ત્યારે દેવી માતા પ્રગટ થયા અને રાજાનો હાથ પકડીને કહ્યું, “રાજન, હું રાજલક્ષ્મી છું. તમે સો વર્ષ જીવો અને રાજીખુશીથી રાજ કરો. હુ તમારા પર પ્રસન્ન થઇ છુ તમારે જે જોઇએ તે વરદાન માંગો.
રાજાએ દુઃખી થઈને કહ્યું, “હે માતા ! મારે શાહીમહેલ નથી જોઈતો, બસ બીરબલ અને તેના પરિવારને જીવન દાન આપો તેને જીવતા કરો.
દેવીએ ‘તથાસ્તુ’ કહીને બીરબલ અને તેના પરિવારના સભ્યોને પુનર્જીવિત કર્યા. રાજા બીરબલની સેવાથી ખુશ થયા અને તેને અડધુ રાજ્ય આપી દીધું.
વાર્તા સંભળાવ્યા પછી વેતાલે કહ્યું, “વિક્રમ, તું બહુ જ્ઞાની છે. તો કહ આ વાર્તામાં સૌથી મોટો બલિદાની કોણ છે અને શા માટે?”
વિક્રમે કહ્યું, “સાંભળો, વેતાલ, આ વાર્તામાં રાજાનું બલિદાન સૌથી મોટું છે. બીરબલનું બલિદાન માલિક માટે નોકરનું બલિદાન છે, પુત્રનું બલિદાન પિતાનું છે, બહેનનું બલિદાન ભાઈ માટેનો પ્રેમ છે. પત્નીનું બલિદાન પતિ અને બાળકોની માટે છે. કોઇ રાજા પોતાનાં નોકર અને તેના પરિવાર માટે પોતાનાં જીવનું બલિદાન આપે એ સૌથી મોટું બલિદાન ગણાય છે.
“ઠીક છે, વિક્રમ! તારી વાત એકદમ સાચી છે. ખરેખર તુ વીર છે અને બુદ્ધિશાળી પણ છે. પરંતુ તું શરત હારી ગયો, કારણ કે મે તને પહેલા જ કહ્યું હતું. કે તુ બોલીશ તો હુ ચાલ્યો જઇશ. હું હવે જાઉં છું.”
આમ કહીને વૈતાળ વિક્રમ રાજાનાં ખભેથી સડસડાટ ઉડીને સિદ્ધવડ પર લટકી જાય છે. વિક્રમ તેને પકડવા પાછળ જાય છે.