Sunday, 22 December, 2024

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 5 

210 Views
Share :
વિક્રમ વેતાલની વાર્તા ભાગ 5

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 5 

210 Views

વિક્રમ રાજા ફરી સિદ્ધવડ પાસે પહોંચ્યા. સિદ્ધવડ પરથી તેણે વેતાળને ઉતારી પીઠ પર નાખ્યો અને ચાલવા લાગ્યા. વેતાળે રસ્તો કાપવા માટે રાજાને વાર્તા કહેવાની શરૂઆત કરી.

એક નગરમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને હરિદાસ નામનો પુત્ર હતો. હરિદાસની ખૂબ જ સુંદર પત્ની હતી. નામ હતું લાવણ્યવતી. એક રાતે પતિ પત્ની બંને મહેલની છત પર ઊંઘી રહ્યા હતા. અડધી રાત વિતી ગઈ હતી ત્યાં તો ગંધર્વ કુમાર આકાશમાં રખડતો રખડતો ત્યાંથી પસાર થયો.

આકાશમાંથી છત પર ઊંઘી રહેલી લાવણ્યવતીના સૌંદર્યને જોઈને એ મુગ્ધ થઈ ગયો. સવારે ઉઠતા જ હરિદાસે પથારીમાં જોયું તો લાવણ્યવતી ત્યાં હતી જ નહીં. લાવણ્યવતીના પ્રેમમાં પાગલ થયેલો ગંધર્વ કુમાર તેને ઉઠાવી ગયો હતો. આ બાજુ હરિદાસ પત્નીની ગેરહાજરીના કારણે ચિંતિત થઈ ગયો હતો.

હરિદાસે પત્નીને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ એ કોઈ જગ્યાએ મળી નહીં. પત્નીને ન જોતા હરિદાસે મોતને મીઠું કરવાનું નક્કી કર્યું. આજુબાજુ લોકો એકઠા થઈ ગયા. લોકોએ તેને સાંત્વના આપી.

વડીલોની વાત માની હરિદાસે આત્મહત્યા તો ન કરી પણ તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું. નહીં ને કોઈ પાપ થયું હોય તેમાંથી તીર્થયાત્રા થકી મુક્તિ મળી જાય.

તીર્થયાત્રા કરતાં કરતાં તે એક ગામમાં બ્રાહ્મણના નિવાસસ્થાને પહોંચ્યો. તેને ભૂખ્યો જોઈ બ્રાહ્મણીએ તેને કટોરો ભરીને ખીર આપી. હરિદાસ ખીર લઈને એક તળાવની પાસે રહેલા વૃક્ષની નીચે આવ્યો અને કટોરાને ત્યાં રાખી તળાવના કિનારે હાથ મોઢું ધોવા ચાલ્યો ગયો.

આ વચ્ચે એક બાજ એક સાંપને લઈને એ વૃક્ષ પર આવી બેઠો. સાપને લોચી લોચીને ખાવા માંડ્યો. મરેલા સાંપના મોઢામાં રહેલું વિષ હરિદાસના ખીરથી ભરેલા કટોરામાં પડી ગયું. હરિદાસને તો આ વાતની ખબર પણ નહોતી. એ તો ગીત ગાતો ગાતો હાથ મોઢું ધોતો હતો.

હાથ પગ ધોઈ પરત આવીને તે ખીર ખાઈ ગયો. ઝેરની અસર થતા જ તે તડફડવા લાગ્યો. અને દોડીને બ્રાહ્મણીની પાસે આવીને કહે, ‘તે તો મને ઝેર આપી દીધું….’ આનાથી વધારે એક શબ્દ પણ હરિદાસના ગળામાંથી ન નીકળ્યો અને તે ત્યાં જ પડીને મરી ગયો.

પતિએ આ જોયું તો પત્નીને બ્રહ્મઘાતિની કહી ઘરમાંથી કાઢી મૂકી.

વેતાલે વાર્તા પૂરી કરી, ‘રાજન્ બતાવ કે સાંપ, બાજ અને બ્રાહ્મણી આ ત્રણેમાં અપરાધી કોણ કહેવાય ?’

રાજાએ કહ્યું, ‘કોઈ નહીં.’

‘શા માટે ?’ વેતાલે પૂછ્યું

રાજાએ આખી વાત કહી, ‘સાપ તો એ માટે નહીં કારણ કે તે શત્રુના વશમાં હતો. બાજ એટલા માટે નહીં કારણ કે તે ભૂખ્યો હતો. જે તેને મળી ગયું એને જ તે ખાવા લાગ્યો.
બ્રાહ્મણી એટલા માટે નહીં કારણ કે તેણે તો તેને પોતાનો ધર્મ સમજીને અતિથીને ખીર આપી હતી અને ઝેર વિનાની જ ખીર આપી હતી.
જો આ ત્રણેમાંથી કોઈને પણ કોઈ દોષ આપે છે તો એ સ્વયં અપરાધી ઠરશે. અેટલે સૌથી મોટો અપરાધી તો પેલો ગંધર્વ હતો કે જેને કારણે આ ઘટના બની હતી અને બિજો અપરાધી બ્રાહ્મણ હતો જેણે કંઈ આગળ પાછળનું વિચાર્યા વિના કે સત્ય જાણ્યા વગર બ્રાહ્મણીને ઘરેથી કાઢી મૂકી.’

‘ વાહ..અતિ ઉત્તમ રાજા અતિ ઉત્તમ.. રાજા માત્ર પરાક્રમી નહીં પણ જ્ઞાની અને ન્યાયી પણ હોવો જોઈએ, તે બીજા રાજાઓએ તારી પાસેથી શીખવાની આવશ્યકતા છે ‘

પણ ન બોલવાનું તારે એ રાજાઓ પાસેથી શીખવાની જરૂર છે…. હાહાહાહાહાહાહાહા….’ કારણ કે તુ બોલ્યો અને હુ ચાલ્યો કહી વેતાલ આકાશમાં ઉડી ગયો અને સિદ્ધવડ પર લટકી ગયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *