Friday, 15 November, 2024

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 8 

220 Views
Share :
વિક્રમ વેતાલની વાર્તા ભાગ 8

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 8 

220 Views

વિક્રમ રાજા ફરીથી વેતાળને વશમાં કરીને આગળ વધ્યા. સમય પસાર કરવા વેતાળે વળી એક નવી વાર્તાની શરુઆત કરી..

કમાલપુર નામનાં નગરમાં ચુન્નીદત્ત નામનો એક વેપારી રહેતો હતો. તેના લગ્ન અનંત મંજરી નામની યુવતી સાથે થયા. તે પત્નીના પ્રેમમાં એટલો ખોવાઈ ગયો કે તેણે કામધંધો કરવાનું પણ છોડી દીધું. તે આખો સમય તેની પત્ની પાસે રહેવા લાગ્યો. આમ ઘણો સમય પસાર થયો અને હાલત એવી થઇ કે હવે બે ટંક ભોજનનાં પણ સાંસા પડવા લાગ્યા.

એક દિવસ અનંત મંજરીએ કહ્યું, “જ્યારથી અાપણાં લગ્ન થયાં છે ત્યારથી તમે કામધંધો કરવાનું પણ છોડી દીધું છે. ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે, આ ક્યાં સુધી ચાલશે? હવે ઘરમાં અનાજ પણ નથી. તો તમે કઇક કામધંધો કરો”

પત્નીની સલાહ મુજબ, ચુનીદત્ત ધંધાર્થે ગયો. તેણે તેની પત્નીને કહ્યું, “વહાલી! મારે બીજા શહેરમાં થોડા દિવસ રોકાવુ પડશે. તું તારું ધ્યાન રાખજે અને મારી રાહ જોજે.”

આમ ચુન્નીદત્ત ધંધાર્થે શહેરમાં ગયો. થોડો સમય પસાર થયો.

એક દિવસ પતિના વિરહમા વ્યાકુળ અનંત મંજરી અગાસી પર ગઇ અને તેણે નજીકના ઘરની છત પર કમલાકર નામના સુંદર યુવાનને જોયો. અનંત મંજરી એ યુવાનને જોઇને તેના પર મોહિત થઈ ગઇ અને મનોમન તેના પ્રેમમાં પડી. જ્યારે મંજરીને તેના પતિની યાદ સતાવતી હતી ત્યારે તેણે કમલાકરને પોતાનું દિલ બહેલાવવા માટે મનોમન પસંદ કર્યો.

અનંત મંજરી એક પરિણીત સ્ત્રી હતી, તે કમલાકરને હંમેશ માટે મેળવી શકે તેમ ન હતી, પરંતુ તેના પતિની ગેરહાજરીમાં તેનો સાથ મેળવવા ઇચ્છતી હતી. તે આખો દિવસ રાત કમલાકરના સપના જોવા લાગી. તેણે કોઇપણ રીતે કમલાકરને મેળવવો હતો. પણ આ વાત તે કોઇપણ રીતે કમલાકરને કહી શકતી ન હતી.

એક દિવસ તેની જુના સમયની દાસી મળવા આવી અને દાસીએ અનંત મંજરીને કહ્યું, “માલકીન આજે તમારો ચંદ્ર જેવો ચહેરો કેમ ઉતરેલો છે?”

“કંઈ નહિ, હું કમલાકરને મનોમન પ્રેમ કરુ છુ. પણ તેનાથી અલગ હોવાથી દુઃખી છું,” અનંત મંજરીએ કહ્યું. ,

દાસીએ કહ્યું, “ઉદાસ ન થાઓ, હું તેની પાસે જઈને કમલાકરને કોઇપણ રીતે તમારી પાસે લઈ આવીશ.

દાસી કમલાકરના ઘરે ગઈ. દરવાજો ખટખટાવતા એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. દાસીએ કહ્યું, “મા, મારે કમલાકરને મળવું છે. હું તેના માટે અનંત મંજરીનો સંદેશ લઈને આવી છું.”

વૃદ્ધ મહિલા દાસીને કમલાકરના રૂમમાં લઈ ગઈ. દાસીએ જોયું કે કમલાકર પણ અનંત મંજરીની જેમ વિયોગની આગમાં સળગી રહ્યો હતો. દાસીએ કમલાકરને કહ્યું, “અનંત મંજરી પરિણીત હોવા છતાં તારા પ્રેમની આગમાં બળી રહી છે. તું મારી સાથે તેની પાસે આવ, તે તારી રાહ જોઈ રહી છે.”

દાસીની વાત સાંભળીને કમલાકર તરત જ અનંત મંજરીને મળવા તૈયાર થઇ ગયો તેની ખુશીનો કોઇ પાર નહોતો. તેને પણ અનંતમંજરી પસંદ હતી પણ તે વિવાહીત હોવાથી પોતાની વાત કહી નહોતો શકતો.

આ બાજુ દાસીનાં ગયા પછી અનંતમંજરીને પોતાનાં જ આવા હલકા વિચાર માટે ખુબ જ પસ્તાવો થયો. તેનો પતિ ચુન્નીદત્ત તેને અનહદ પ્રેમ કરે છે. છતા પણ તેના પ્રેમને દગો આપીને તે અન્ય યુવક પર મોહિત થઇ અને પોતાને મળવાનું આમંત્રણ આપી બેઠી. પણ હવે પસ્તાવાથી કશું થવાનું ન હતુ. છેવટે કોઇ ઉપાય ન મળ્યો અને તેણે ઝેર ખાઇને આપઘાત કરી લીધો.

કમલાકર બનીઠનીને અનંતમંજરીને મળવા તેના ઘરે પહોચ્યો. પણ ત્યાં જઈને કમલાકરે જોયું કે અનંત મંજરી મૃત્યુ પામી હતી. તેને મૃત શરીરને જોઈને કમલાકર જમીન પર પડી ગયો અને તેનું હ્રદય બંધ પડી ગયુ અને તે પણ મૃત્યુ પામ્યો.

બંનેના મોતના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. નગરજનોએ બંનેની ચિતાને એકસાથે શણગારી હતી. તેમના અંતિમ સંસ્કારની ચિતા પ્રગટાવવાની સાથે જ ચુન્નીદત્ત પણ ત્યાં આવી પહોચ્યો. દાસીએ તેને બધી સત્ય હકીકત કહી દીધી.

તે રડવા લાગ્યો અને બોલ્યો – “હું અનંત મંજરી વગર રહી શકતો નથી.
ચુન્નીદત્તે તે જ ક્ષણે બંનેની ચિતામાં કૂદીને પોતાનો જીવ આપ્યો.

આટલી વાર્તા સંભળાવીને વેતાલે કહ્યું, “રાજા વિક્રમ, તું જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, મને કહે, ત્રણેમાંથી કોનો ત્યાગ મોટો છે?”

વિક્રમે કહ્યું, “વેતાલ સાંભળ અનંતમંજરીએ પોતે કરેલી ભુલ અને લોકોમાં પોતાની ખરાબ વાતો થશે એ ડરથી આત્મહત્યા કરી લીધી. અને કમલાકર એક વિવાહીત સ્ત્રી સાથે માત્ર શારિરીક આકર્ષણથી જ તેને મળવા પહોચ્યો હતો.. અને તે અનંતમંજરીનાં મૃત શરીરને જોઇને પોતાની આબરુ જવાની બિકે કે તેના મૃત્યુનો આરોપ પોતાના પર આવી શકે એ ડરથી અવસાન પામ્યો.

પરંતુ ચુનીદત્તનું બલિદાન સૌથી મોટું છે. કારણ કે અનંત મંજરીના મૃત્યુનું કારણ અને સત્ય હકિકત જાણીને પણ તે બંનેની ચિતામાં કૂદી પડ્યો અને પોતાનો જીવ આપ્યો.”

વાહ…વિક્રમ.. વાહ… તારી બુદ્ધિ અને ન્યાયનો કોઇ જવાબ નથી… પણ રાજન્ તુ આપણી શરત ભુલ્યો એટલે હુ જાઉ છુ… આમ કહી વેતાળ ફરીથી સિદ્ધવડ પર પહોચીને લટકી ગયો..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *