જ્ઞાન પંચમી – સૌભાગ્ય પંચમી – લાભ પાંચમ
By-Gujju23-10-2023
જ્ઞાન પંચમી – સૌભાગ્ય પંચમી – લાભ પાંચમ
By Gujju23-10-2023
જ્ઞાન પાંચમને લાભ પાંચમ અને સૌભાગ્ય પાંચમ પણ કહે છે.
જૈન શાસનમાં જ્ઞાનપંચમી આરાધના સમ્યક્ જ્ઞાન માટે કરવામાં આવે છે. જ્ઞાન મહત્ત્વનો ગુણ છે. જ્ઞાનથી જ વિવેક પ્રગટ થાય છે અને વિવેકથી સુંદર આચરણ વડે સ્વ અને પરનું હિત થાય છે.
આજના દિવસે સમગ્ર જૈન સંઘોમાં જ્ઞાનને વિશિષ્ટ રીતે સજાવવામાં આવે છે. નાનાં ભૂલકાઓથી માંડીને મોટાઓ પણ જ્ઞાનનાં દર્શન અને પૂજનનો લાભ લઈ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવો સંકલ્પ કરે છે. જ્ઞાનપંચમીએ નાના-મોટા સહુ કોઈએ સંકલ્પ કરવો જોઈએ કે જીવનમાં સમ્યક્ જ્ઞાન અચૂક ભણીશું અને જ્ઞાનની, જ્ઞાનીની તથા જ્ઞાનનાં સાધનોની આશાતના કયારેય નહીં કરીએ.
જ્ઞાન પંચમીના દિવસે જૈન સંઘોમાં રહેલા જ્ઞાનભંડારમાં કબાટ સ્વરછ કરાય છે અને જીવજંતુ ન થઈ જાય તે માટે નિર્દોષ ઔષધિઓ મૂકીને પુસ્તકને સુરક્ષિત કરવામાં આવે છે. સાથોસાથ પુસ્તક, પેન, ઉચિત સ્થાનમાં અર્પણ કરવામાં આવશે.
લાભ પાંચમ એટલે માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો સમંવ્ય, સંધિકાળ. માનવો દ્વારા ઉજવવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરુઆત લાભપાંચમથી થાય છે. આ દિવસ શુભ મનાય છે. દીપોત્સવી પર્વ એટલે અધર્મ, અસત્ય અને અત્યાચાર પર વિજય. દેવોની દિવાળીની પૂર્ણાહુતી કારતક સુદ પૂનમે થાય છે. પૌરાણિક કથા મુજબ મહાદેવે કાર્તિક પૂનમે ત્રિપુર રાક્ષસોનો અને તેમનાં ત્રણ રાજ્યોનો નાશ કર્યો હતો. તેથી દેવોએ દીપમાળા પ્રગટાવી આનંદોત્સવ મનાવ્યો હતો. આમ માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો હેતુ તો એક જ છે. અત્યાચાર, અધર્મ અને અસત્ય પર વિજય.
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાલાભપાંચમ ઉત્તમ ગણાય છે. નૂતન વર્ષ, અક્ષયતૃતીયા, વિજયાદશમી, ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે તેથી આ દિવસોમા6 પંચાંગ જોવાની આવશ્યકતા નથી હોતી. લાભપાંચમને ‘સૌભાગ્ય પંચમી અથવા શ્રીપંચમી’ પણ કહે છે.
દીપોત્સવ અને લાભ પાંચમના તહેવારો એટલે જૈન અને હિંદુધર્મનો સંગમ પણ ગણાય છે. આ દિવસોની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. દેવી શારદા એટલે લક્ષ્મી અને સરસ્વતી. વૈદિક ધર્મની ‘લાભ પાંચમ’ જૈન ધર્મની ‘જ્ઞાનપંચમી’ મનાય છે.
જૈનધર્મમાં જ્ઞાનદાનને શ્રેષ્ઠદાન ગણાય છે. જ્ઞાનના પ્રભાવથી ક્લેશ, વાસના, રાગદ્વેષ વગેરે નષ્ટ પામે છે. જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી તેથી આજે દેવી સરસ્વતીનું પણ પૂજન કરાય છે
|| શ્રી જ્ઞાનપંચમી ની કથા ||
પદ્મપુર નગરમાં અજીતસેન નામે રાજા રાજ્ય કરતો હતો તેને ચોસઠ કલામાં નિપુણ યશોમતી નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હતો. તે કુમારને શુભમુહુર્તે વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મુક્યો.પંડિત પણ વરદત્તને રાજાનો પુત્ર હોવાથી ખુબ ખંતથી ભણાવવા લાગ્યા. પણ વરદત્તને જરા પણ જ્ઞાન ચડતું નહી એક અક્ષર પણ યાદ રહેતો નહી. યુવાવસ્થા પામતા તે વરદત્ત કુમારને કોઢ નો રોગ થવાથી તે દુઃખમાં દિવસો પસાર કરવા લાગ્યો.
તેજ નગરમાં સાત કોટી સુવર્ણનો માલિક સિહદાસ નામે શેઠ રહેતો હતો. તેને ગુણમંજરી નામે એક પુત્રી હતી. તે જન્મથી રોગી અને મૂંગી હતી અનેક ઉપચાર કરવા છતાં તેને કંઈજ ફરક પડતો નહોતો. તેથી તે દુઃખ ભોગવતી પરણવા યોગ્ય થઇ પણ કોઈ તેને પરણવા તૈયાર થતું નહી. તેથી માબાપ અને પરિવાર બહુ ચિંતિત હતા.
એકવાર ચાર જ્ઞાનના ધણી શ્રી વિજયસેનસૂરિજી તે નગરમાં પધાર્યા. તે વખતે પુત્ર તેમજ પરિવાર સાથે રાજા અને પુત્રી સાથે સિહદાસ શેઠ ગુરુને વંદન કરવા આવ્યા. નગરના લોકો પણ વંદન કરવા આવ્યા. સૌ વંદન કરી પોતાના સ્થાને બેઠા, તે વખતે આચાર્ય મહારાજે ધર્મ દેશના આપતા કહ્યું હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ. જે જીવો જ્ઞાનની મનથી વિરાધના કરે છે તેઓ ભવાંતરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચન થી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે. તેમજ જયણાં વિના કાયાથી વિરાધના કરે છે તેઓ કૃષ્ટ-કોઢ આદિ રોગો પામે છે.
ગુરૂ મહારાજની દેશના સાંભળી સિહદાસ શેઠે પૂછ્યું હે પ્રભો ! આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંગી થઇ છે ? ગુરૂ મહારાજે ગુણમંજરીનો પૂર્વભવ જણાવતા કહ્યું ખેટક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો, તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રી થઇ. તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચેય પુત્રોને ગુરૂ પાસે મુક્યા. તેઓ ભણવાને બદલે પરસ્પર રમત કરતાં અને ગુરૂ ઠપકો આપે અથવા શિક્ષા કરેતો, મા પાસે આવીને ગુરૂ અમને મારે છે ની ફરિયાદ કરતા. આથી માતા ગુરુને ઠપકો આપતી અને છોકરાના પુસ્તકો વગેરે બળી નાખતી. શેઠે આ વાત જાણીને કહ્યું છોકરાઓને અભણ રાખીને શુ કરીશું ? તેમને કન્યા કોણ આપશે ? વ્યાપાર કેવી રીતે કરશે ? આ સાંભળી શેઠાણી બોલ્યા તો તમેજ ભણાવો ને, કેમ નથી ભણાવતા ?
સમય વીતતાં પુત્રો મોટા થયા. અભણ હોવાને કારણે કોઈ તેમને કન્યા આપતું નથી. તેથી શેઠે કહ્યું કે તે જ પુત્રોને ભણવા દીધા નહીં ત્યારે તે શેઠનો વાંક કાઢવા લાગી કે પુત્રો પિતાને સ્વાધીન હોય છે તો તમે તેમને ભણાવ્યા કેમ નહી ? ઉલટો પોતાનો વાંક કાઢતી સ્ત્રી પર ગુસ્સે થઈને શેઠે કહ્યું હે પાપિણી ! પોતાનો દોષ છતાં તુ મારા સામે કેમ બોલે છે ? તે વખતે તે સ્ત્રી બોલી તારો બાપ પાપી. આથી ક્રોધે ભરાયેલા શેઠે તેણીને પથ્થરનો ઘા કર્યો તેથી તે સ્ત્રી મરણ પામી. ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી પુત્રી ગુણ મંજરી થઇ.
ગુરુદેવનો ઉપદેશ સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેને ગુરુદેવના કહ્યા મુજબ પોતાનો પૂર્વભવ જોયો. અને કહ્યું ગુરુજી આપનું કહેવું સત્ય છે. ત્યાર પછી સિહદાસ શેઠે ગુરુદેવને પૂછ્યું કે મારી પુત્રી નીરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાનપંચમી ની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે. અને તે સુખી થશે. ગુરુદેવના વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાનપંચમી ની આરાધના કરવાનું ગુરુદેવ પાસે સ્વીકાર્યું. અને તેને ત્યારપછી વિધિપૂર્વક પાલન કર્યું.
તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરૂ મહારાજને પૂછ્યું હે ગુરુદેવ ! આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડિત છે તેનું શુ કારણ હશે ?તે કૃપા કરી જણાવો, ત્યારે ગુરૂ મહારાજે કહ્યું હે રાજન ! તમારા પુત્રની આવી દશા શાથી થઇ તે માટે તેનો પૂર્વ ભવ સાંભળો :-
શ્રીપુર નગરમાં વાસુદેવ નામે શેઠ રહેતા હતા તેને વસુસાર અને વસુસાર નામે બે પુત્રો હતા. એકવાર બન્ને અશ્વ ક્રીડા કરવાને વન માં ગયા ત્યાં શ્રી મુનિસુંદર નામના સૂરિશ્વરને જોઈને તે બન્નેએ તેમને વંદન કર્યું. ગુરુએ તેમને ધર્મોપદેશ આપ્યો, તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા જણાવી, અને આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લેવોજ એક સાર છે.
ગુરુની દેશનાથી બોધ પામી બન્ને ભાઈઓએ માતાપિતાની આજ્ઞા લઇ ચરિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાનોભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતાં ઘણા સિદ્ધાંતોનો પારગામી થયો. યોગ્યતા જાણી ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યું.વાસુદેવસૂરિ દરરોજ પાંચસો સાધુઓને વાચના આપતાં હતા.
એક વખત વસુદેવસૂરિ સુતા હતા તે વખત એક પછી એક સાધુઓ સંદેહ પુછવા આવ્યા તેમને તેનો અર્થ સમજાવ્યો પણ મનમાં કુવિકલ્પ આવ્યો. તેઓ એ વિચાર્યું કે મારો મોટોભાઈ ભણ્યો નથી. તેથી તે કૃતાર્થથી સુખી છે, તેને નિરાતે ઊંઘવાનું મળે છે, તે મુર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી. તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિ માં રહે છે. આવું વિચારી તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહી, નવું ભણીશ નહી અને પછી બાર વર્ષ સુધી મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વસુદેવસૂરિ તમારા પુત્ર થયા. મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે.
ગુરુના મુખે પોતાના પૂર્વભવને જણાવનારા વચનો સાંભળી વરદત્તકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું ક્ષણભર મૂર્છા પામીને સ્વસ્થ થઇ ને કુમારે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું. અને રોગોનો નાશ કરવાના અને શાંતિ મેળવાના ઉપાય માટે જણાવવા કહ્યું. ત્યારે દયાળુ ગુરૂ ભગવંતે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે.પછી ગુરુદેવ વરદત્તકુમારને પણ જ્ઞાનપંચમીનું તપ કરવા કહ્યું. કુમારે જ્ઞાનપંચમી નું તપ ગુરૂ મહારાજ પાસે અંગીકાર કર્યું. ત્યાર પછી સૌ સ્વસ્થાને ગયા.
વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ કરતા વરદત્ત કુમારના સર્વ રોગો નાશ પામ્યા, શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી તે સઘળી કળા શીખ્યો, તથા અનેક રાજકન્યાઓ પરણ્યો. રાજાએ વરદત્તકુમારને રાજ્ય સોપી દિક્ષા લીધી. વરદત્તકુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રને રાજગાદીએ બેસાડી દિક્ષા લીધી.
ગુણમંજરીના મહારોગો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા, તેથી તે અતિ રૂપવતી થઇ અને ભારે ઠાઠમાઠથી તેના લગ્ન જીનચંદ્ર કુમાર સાથે થયા. તેને પણ તપનું આરાધન કરી લાંબોકાળ ગૃહસુખ ભોગવીને ચરિત્ર ગ્રહણ કર્યું. અંતે વરદ્ત્ત અને ગુણમંજરી ઉત્કૃષ્ઠ ચારિત્ર પાળી કાળ કરી બન્ને વૈજયંત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત્તકુમારનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગુણવતી રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેમનું નામ શુરસેન પાડ્યું. શુરસેનકુમાર સર્વ કળા શીખી અનેક કન્યાઓ પરણ્યો. અને રાજાગાદીએ બેઠો. એકવાર સિમંધરસ્વામી એ દેશનામાં વરદત્ત કુમાર (શુરસેનનો પૂર્વભવ) નું જ્ઞાનપંચમી આરાધના વૃતાંત કહેતા જ્ઞાન પંચમીનું મહત્યમ સમજાવ્યું.તેથી શુરસેન રાજાએ અનેક લોકો સાથે દસહજાર વર્ષ સુધી રાજ ભોગવી ચારિત્ર ગ્રહણ કર્યું.એક હજાર વર્ષ ચારિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
ગુણમંજરીનો આત્મા દેવલોકમાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં અમરસિહરાજાની અમરાવતી રાણીની કુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયો, તેનું નામ સુગ્રીવ પાડ્યું. વીસ વરસની ઉમરે રાજા બન્યા. સુગ્રીવરાજા ઘણી રાજકન્યાઓ પરણ્યા તેમને અનેક પુત્રો થયા. અંતે ચરિત્ર ગ્રહણ કરી. ભવ્ય જીવોને બોધ પમાડતા એક લાખ વર્ષનું ચરિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
આ જ્ઞાન પંચમીને સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ પણ કહેવાય છે.