આઈ શ્રી મોગલ માતાજીની પ્રાગટ્ય કથા
By-Gujju05-04-2024
આઈ શ્રી મોગલ માતાજીની પ્રાગટ્ય કથા
By Gujju05-04-2024
મોગલ માં તુ ધીંગો ધણી, મોગલ માને બાપ.
હાજા સૌને રાખજે, બધો મોગલનો પ્રતાપ.
ભીમરાણા એ મોગલ મા નું જન્મ સ્થળ છે, આમ તો આજકાલ લોકો મોગલ આઈ ને શ્રી મોગલધામ – ભગુડા થકી ઓળખતા થયા છે, પરંતુ આઈ મોગલનો ઇતિહાસ લગભગ ૧૩૦૦ વર્ષ જૂનો છે, આઈ શ્રી મોગલ માં એટલે પિતા શ્રી દેવસુર ધાંધણીયા અને માતા શ્રી રાણબાઈ માં નું સંતાન. મોગલ મા એક માત્ર એવી આઈ છે કે જેને કોઈ એક જ્ઞાતિ નહીં પરંતુ અઢારે વરણની સમગ્ર જ્ઞાતિઓ પૂજે છે.
ઇતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળે છે કે માતાજી જન્મ સમયે બોલતા ન હતા, આસપાસના તમામ લોકોને એવું હતું કે મોગલ માં મૂંગા છે, પરંતુ આજુબાજુના લોકોને તેમની અપાર શક્તિઓનો કોઈ ખ્યાલ ન હતો, ચાલીસ વર્ષની ઉંમરે મોગલ મા ના લગ્ન જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવીયાળી ગામ થયેલા, ફઈની પાછળ ભત્રીજી જાય એવી ગઢવી સમાજ ની એક પ્રથા છે એ મુજબ ફોઈના દીકરા સાથે દીકરીના લગ્ન થાય છે.
મા ના લગ્ન અખાત્રીજના શુભ મુહુર્તે થયા હતા, માતાજી ની જાન ગાડા અને ઘોડા ઉપર આવી હતી માતાજી ને દાનમાં 15 ગાયો અને ભેસો આપી અને વળાવ્યા હતા સાથે સાથે એ સમયે દીકરીની સાથે કામ કરવા માટે કોઈ એક બીજી છોકરી અથવા સ્ત્રીને મોકલતા હતા, તો આ સમયે માતાજીની સાથે આઈ વાંજી ને તેમની સેવા કરવા માટે મોકલ્યા હતા, માતાજીની જાન પ્રસ્થાન થઇ અને રસ્તામાં ચારણે માતાજીને બહુ બધા સવાલો પૂછયા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણ ને થયું કે તેમની સાથે આવેલી વાંજીને પ્રશ્નો પૂછું અને એમણે એમ જ કર્યું. અને ચારણ વાંજી સાથે વાતચીત કરવા લાગ્યો, વાંજી તમામ પરિચય આપ્યો, આ સમયે આજથી સાડા તેરસો વર્ષ જૂનો છે જે સમયને મંત્ર યુગ પણ કહેવામાં આવે છે. વાંજીએ ચારણ ને કીધું કે બાપુ હું મંત્રવિદ્યામાં કૈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણે છે અમને પણ જણાવ, એટલે વાંજીએ અડદના દાણા લઈને ફેંક્યા અને મંત્ર બોલ્યા, એટલે જેમ નદી ફાટી ગઈ હોય એવો જળબંબાકાર થયો અને હળાહળ પાણી આવતું હોય એમ જાનૈયા બધા કપડા ઊંચા પકડી તડપ તડપ ચાલવા માંડ્યા અને સાથોસાથ મોગલ માં પણ હાલવા મંડ્યા જેથી જાનમાં આવેલા લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી નકર આવું ના કરે.
આવી રીતે પરચા દેખાડતા દેખાડતા જાન આગળ વધતી ગઈ અને એમના ગામનું પાદર આવ્યું, આખી જાને ગામના પાદરમાં ઉતારા નાખ્યા અને આરામથી બેઠા, ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયા ની તૈયારી કરી ઢોલ નગારા વગાડયા, આ સમય એવો હતો દસૈયું નાહ્યાં પછી જ કોઈ નવી વહુ તેના કપડાં બદલાવી શકે, પરંતુ મોગલ માએ તો કપડા પહેલેથી જ બદલી નાખ્યા હતા, આ બાજુ ચારણ ને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને પરચા દેખાડવામાટે કોઈ પણ પ્રકારની શાબાશી હજી સુધી આપી નથી, જે આપવી જોઈએ, અને એ શાબાશી આપવા માટે કવિરાજ બોલ્યા કે, શાબાશ વાંજી તું તો બહુ કામની બાય લાગે છે, એટલું બોલી અને ઊંચો હાથ કરી વાંજીની તાળી લઈ લીધી, પરંતુ ચારણો ના રીત રિવાજ મુજબ કોઈ પણ પરસ્ત્રીની તાળી ન લેવાય, તો ય ચારણે તો ખુશ થઈને વાંજીની તાળી લીધી, અને આ તાળીનો ફટકો પડતાં જ મોગલમાના ભ્રમરો ઉંચા થયા, માં મોગલે ચારણ ની સામે નજર કરી ને કીધું કે, હે ચારણ એ તો આપણી બેન દીકરી કહેવાય એની હારે તે શા માટે હાથ તાળી લીધી? તને શરમ ના આવી? સાથે સાથે એમ પણ કહ્યું કે આઈ માં એ જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી, આ સાંભળી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી… અને ત્યારે માં કોપાયમાન થયા અને માંના કેશ ખુલ્લા થઈ ગયા અને તેમણે મહાકાળીનું રૂપ ધારણ કર્યું…
‘મહાકાળીએ મચ્છરાળી મોગલ
કાંકળવાળી લેર કરે’
(ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું)
મોગલમાંનું આવા મહાકાળીરૂપ ના દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. સર્વે લોકો માને પગે લાગવા માંડયા આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સમેટી દે અને ધરતી તડાતડ ફાટવા માંડી, માં મોગલે પરણેતરના કપડા પહેરેલા અને માં તો ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. એમની સાથે આવેલી વાંજીના મનમાં સંકોચ થયો કે ચારણ ને આપેલી એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો મારુ તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલી કે હે માં મોગલ ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે મોગલ માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી, આ કારણે આઈ વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થળે સ્થાપિત થયેલી છે અને આજે પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ બેઠેલા છે.
માં મોગલ સીતા માતાની માફક ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને આજે મોગલ પણ ગોરવી મોગલ તરીકે આખા જગતમાં ઓળખાય છે. ધરતીમાં સમાતા સમતા મોગલ માંના શબ્દો કૈક આવા હતા, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી માં મોગલ મહાકાળી સ્વરૂપ માંથી અવતરેલ છે. આ ઉપરાંત ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક આઈ એ પહેર્યો હતો તે પોષાકના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.
‘તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો
મોળી મોગલ માને કાજે, આઈ ડાઢાળીને કાજે’
આ ચરજુ ચારણોમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધ્રુજી જાય અને ન ધુણતા હોય એ પણ ધુણવા લાગે. આ આર્તનાદની તાકાત છે આર્તનાદ થાય એટલે મળદા પણ ઉભા થઇ જાય અને ચારણની ધાબળી માંની તાકાત છે કે ‘ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય’.
ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે. માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો તો ફક્ત ને ફક્ત ચારણ કુળ જ પહેરી શકે પરંતુ હાલના યુગમાં ઈત્તર વર્ગ પણ તરવાળા ને પહેરવા માંડયા છે. ખંભે ધાબળી સુધ્ધાં રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ કુળ જ જાણે છે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ છે, આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ મોગલ માતાજીના ૨૧ નામની પુસ્તિકા બહાર પાડી છે.
મોગલમાં ના ૨૧ નામ
મોગલ માંના ૨૧ નામ આ મુજબ છે માંગલ આઈ, મુંગુઆઈ, મંગલાઆઈ, મોગલ આઈ, મોગલેશ્વરાય, લાડકીઆઈ, ચારણકુળ તારણીઆઈ, મચ્છરાળીઆઈ, શિરોમણી આઈ, જઅસવારી આઈ, હલ્કારીઆઈ, નવ લાખ નેજાળી, ડાઢાળીઆઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મહાકાળી આઈ, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર મોગલ આઈ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ. ખાસ તો લોબળી શબ્દમાં વૈજ્ઞાનિક શકિત રહેલ છે. ગુરુત્વાકર્ષણ પણ આઈ ની લોબળીમાંથી બીજી બાજુ નથી જઈ શકતું એવી ધારણા છે જેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.
ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે માહિતી આપતા ઘનશ્યામગીરીબાપુએ કહ્યું છે કે, નવ લાખ લોબળીયાળી કુલ ના બે થળા આવેલ છે. એક વોંધમાં થળો છે અને બીજો થળો જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવીના ગામ વાલોવડ માં છે. ભારતમાં આ બે મુખ્ય થળા છે. ભારતીય સંસ્કૃતિ એવી છે કે જેમાં લોકો અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ, સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય છે. વોંધનો નવ લાખનો ઈતિહાસ જણાવતા ઘનશ્યામગીરીબાપુએ કહ્યું કે વોંધનો ઈતિહાસ એ સરધાર સાથે જોડાયેલ છે. સરધારનો ઇતિહાસ એટલે આઈ શ્રી જીવણી સિંહમોય માતાજી નો ઇતિહાસ.