Saturday, 27 July, 2024

આરુણિ – ગુરુ શિષ્ય ની અદ્ભુત વાર્તા

384 Views
Share :
આરુણિ – ગુરુ શિષ્ય ની અદ્ભુત વાર્તા

આરુણિ – ગુરુ શિષ્ય ની અદ્ભુત વાર્તા

384 Views

એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ.
આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.

સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊઠે. હોમ-હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચડવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય, કોઈ ફૂલો વીણતો હોય, ને કોઈ ગાય દોહતો હોય. કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય ને કોઈ ઝાડની ડાળી પર ભીનાં વલ્કલ સૂકવતો હોય. કોઈ શિષ્યા આશ્રમના હરણની દેખભાળ કરતી હોય. ઋષિ શિષ્યો જોડે ઊભા રહી અસ્ત્રશસ્ત્ર પણ શીખવે અને વિદ્યા પણ આપે. ઋષિપત્ની હરણાંને ધરો ને દાભ ખવરાવતાં હોય.

ભણવા આવેલા શિષ્યોમાંના એકનું નામ આરુણિ. આશ્રમમાં દાખલ થયો ત્યારથી ગુરુ માટે એને ભારે આદર. ગુરુ માટે સ્નાનના જળની વ્યવસ્થા કરવી, તેમની પથારી કરવી, તેમના ચરણ તળાંસવા, તેમને હોમની તૈયારીમાં મદદ કરવી એમ બધાં કામ તે ઉમંગથી કરે. ગુરુની સેવામાંથી વખત બચે તેમાં તે ગુરુભાઇઓને પણ ઉપયોગી થાય : કોઈની ઓરડી વાળી આપે, કોઈ માંદાની પથારી કરી આપે, કોઈ થાકેલાના ક્યારા સીંચી આપે, કોઈનું વલ્કલ સાંધી આપે.

ગુરુની પણ આરુણિ તરફ મીઠી નજર. એની પૂરી સારસંભાળ લે.

એક સવારે સંધ્યા અને હવન કરી બધા શિષ્યો ગુરુને પ્રણામ કરવા આવ્યા. ગુરુએ જોયું કે એમાં આરુણિ ન હતો. આકાશ વાદળથી ઘેરાયેલું હતું. વીજળી કડાકા લેતી હતી. પવન જોરથી ફૂંકાતો હતો. મેઘની ભારે ગર્જના થતી હતી.

ગુરુએ પૂછ્યું: ‘આરુણિ કેમ દેખાતો નથી?’

એકે કહ્યું: ‘સૂઈ ગયો હશે.’

બીજાએ કહ્યું: ‘વાછરડાં બાંધતો હશે.’

‘એ… ખેતરમાં હોલાં ઉડાડે. એને ક્યાં અધ્યયન કરવું છે ? અધ્યયન કરવું હોય તો આમ હોય? હજી વીશ વર્ષે એક વલ્લી પણ પૂરી આવડતી નથી.’

‘એ બાપડો તો કોણ જાણે કેમ અહીં આવી ચડ્યો છે! એનું ગજું શું? આપ વેદનું રહસ્ય સમજાવો છો ત્યારે અમારી બુદ્ધિ પણ કામ કરતી નથી. તો બિચારા આરુણિના શા ભાર ?’ દયા ખાતો એક વેદપાઠી બોલ્યો.

ધૌમ્યે બધી વાત શાંતિથી સાંભળી લીધી. એક ક્ષણ તેમણે પોતાના મનને અંદર વાળ્યું અને પછી બોલ્યા: ‘એ તો આવશે આવવું હશે ત્યારે. આપણે ચલાવો.’

હજી ચર્ચા ચાલે છે ત્યાં તો એકાએક વાદળાં ચડી આવ્યાં. આકાશ ઘનઘોર થઈ ગયું. વીજળીના કડાકા થવા લાગ્યા અને કાનને ફાડી નાખે એવો ગગડાટ શરૂ થયો.

‘ગુરુજી! આ તો આવ્યો, હો!’

‘હા, આ ચાલ્યો આવે.’

‘અરે, આ ખેતર દેખાતું બંધ થયું! જો પણે વાદળી ઊતરી પડી.’

‘આ આવ્યો. જુઓ, ઝાડો પણ દેખાતાં નથી.’

ગુરુએ કહ્યું: ‘બધા મારી પર્ણકુટિમાં આવી જાઓ.’

વરસાદ એકદમ તૂટી પડ્યો. મુશળધાર વરસાદ : પાણી તો ક્યાંય માય નહીં. કેમ જાણે આકશ આખું ગળી પડ્યું ! આશ્રમમાં પાણી ભરાઈ ગયું.

‘આપણા ખેતરમાં યે નવો પાળો કર્યો છે તે તૂટી જશે અને ખેતરમાં વાવ્યું છે તે બધું તણાઈ જશે. એ પાળને બરાબર બાંધી લેવો જોઈએ.’ ગુરુએ શિષ્યો તરફ આંખ ફેરવતા કહ્યું.

‘જી ! મેં મારું વલ્કલ સૂકવ્યું છે તે જોઈ આવું, ઊડી ગયું હશે.’ એક ગયો.

‘ગુરુજી ! મારી પર્ણકૂટીમાં ચૂતું હશે.’ બીજો ગયો.

‘જી ! મારી ઋચા અધૂરી છે તે પાકી કરી લઉં.’ ત્રીજો પણ ઊઠીને રવાના થયો.

એક એક પછી એક લગભગ બધા સરી ગયા.

એવામાં હાંફતો હાંફતો આરુણિ આવ્યો. ‘જી ! ખેતરનો પાળો તૂટું-તુટું થઈ રહ્યો છે. આપની આજ્ઞા હોય તો જઈને માટી નાખી આવું. હોમની તૈયારી કરવા આવ્યો છું તે કરીને જાઉં.’

‘તું તારે જા, આરુણિ ! પાણીને બરાબર ખાળી રાખજે, હો! જોજે, ક્યારો અખંડ જ રહેવો જોઈએ. હોમની તૈયારી થઈ રહેશે.’

આરુણિએ દોટ દીધી. કાંડા કાંડા સુધીના પાણીને

વીંઝતો કચરામાં ખૂંચતો અને વાગતા જતા કાંટાઓને ખેંચીને ફેંકી દેતો આરુણિ પાળા પાસે પહોંચ્યો.

પાળો તૂટું-તૂટું થઈ રહ્યો હતો. પાણી તો કહે મારું કામ! આરુણિએ પડખેથી માટી લઈને નાખવા માંડી પણ કોના ભાર કે તે ટકે ? માટી તો ગઈ પણ સાથે પાળો ય ખસ્યો અને પાણી…. ‘આ આવ્યું!’

આરુણિ જોઈ રહ્યો. તેને વિચાર કરવાનો વખત ન હતો. અંતેવાસનાં વીશેય વર્ષો આજે તેની પાસે ખડાં થયાં. ‘ગુરુજીની આજ્ઞા છે કે ક્યારો અખંડ જ રહેવો જોઈએ. વીશ વર્ષમાં એક પણ આજ્ઞાનો ભંગ થયો નથી. શું એ બધા પર પાણી ફરશે?’

એક જ ક્ષણમાં તેના મનમાં વીજળી ઝબકી તેના આખા યે શરીરમાં નવું જોમ આવ્યું અને એ પાણી વળે છે ત્યાં તો પાળાને ઠેકાણે આરુણિનું શરીર જડાઈ ગયું! હાડમાંસના એ જીવતા પાળાએ પાણીને ખાળી રાખ્યું અને ઘસડાતી માટીના થર આરુણિ પર ચડી વળ્યા.

બીજો દિવસ ઊગ્યો. હોમથી પરવારીને ગુરુ બહાર આવ્યા ને પૂછવા લાગ્યા : ‘આરુણિ ક્યાં છે?’

એમને યાદ આવ્યું : “ગઈ કાલે સાંજે આવું જ વાતાવરણ જામ્યું હતું ને વરસાદ થયો હતો. બધા આગળ હું બોલ્યો હતો ખરો કે આ વરસાદનાં પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. આરુણિ ત્યાં તો નહિ ગયો હોય? વરસાદ તો આખી રાત પડ્યા કર્યો છે.”

એમણે બીજા શિષ્યોને પૂછ્યું, “તમે કોઈએ આરુણિને જોયો?”

શિષ્યોએ કહ્યું, “ગુરુજી! ગઈ કાલ સાંજ પછી એ દેખાયો નથી.”

ત્યાં તો વરસાદ તૂટી પડ્યો.

આવા વરસાદમાં આરુણિ ત્યાં રહે તો એને કેટલું બધું સહન કરવું પડે !

બે શિષ્યોને સાથે લઈ ગુરુ આરુણિને શોધવા નીકળી પડ્યા. “ઓ આરુણિ !”, “ઓ આરુણિ !” એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે ડાંગરના ક્યારડા હતા ત્યાં આવી પહોંચ્યા.

ક્યારડા પાસે ઊભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહિ.

ગુરુએ ફરીથી મોટેથી બૂમો મારી, “બેટા આરુણિ !, બેટા આરુણિ !”

ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, “ગુરુદેવ ! હું અહીં છું. આ ઓતરાદી પાળ તરફ આવો.”

ધૌમ્ય અને શિષ્યો ઓતરાદી પાળ તરફ દોડી ગયા.

ધૌમ્યે નજર કરી તો આરુણિ ક્યારડાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો.
ધૌમ્યે કહ્યુ : “બેટા ઉભો થા…”

આરુણિ બોલ્યો, “ના ગુરુદેવ ! ઊભો નહિ થાઉં, એમ કરું તો આ ક્યારડાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારું શરીર ગોઠવ્યું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય.”

ઋષિએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી પથરા વગેરે લાવીને તેમણે કાણું પૂરી દીધું.

કાણું પુરાયું એટલે હાડમાંસના જીવતા પાળા સમા આરુણિને ધૌમ્યે આજ્ઞા કરી, “આરુણિ ! ઊભો થા.”

આરુણિ ઊભો થયો, ગુરુના પગમાં પડ્યો અને બોલ્યો, “ગુરુજી ! મારી કથની કહું?”

ગુરુએ કહ્યું, “કહે, વત્સ !”

આરુણિ બોલ્યો, “ગુરુદેવ ! કાલે સાંજે હું એકલો ફરતો-ફરતો ડાંગરના ક્યારડા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારડાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે, ‘આજે વરસાદ ખુબ જ છે. એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારુ. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહિ પાકે.’

મેં ક્યારડામાંથી માટી લઈને કાણું પૂરવા મથી જોયું. કાણું તો મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વધી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું ને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો ને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડ્યા કર્યો એટલે ન અવાયું. મને માફ કરો.”

ઋષિ બોલ્યા, “વત્સ ! માત્ર ક્ષમા આપું કે તારા કાર્યની પ્રશંસા કરું?”

આરુણિના ચહેરા ઉપર ક્ષોભની લાગણી ઊપસી આવી.

ધૌમ્યનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.

આરુણિના આ કાર્યથી ધૌમ્ય ખૂબ ખુશ થયા અને બોલ્યા, “વત્સ, ભારે વસમી પીડા સહન કરી તેં !
મારા તને આશીર્વાદ છે. તારા મોં ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. તારી વિદ્યા સફળ થાઓ. હવે તારો વિદ્યાભ્યાસ પૂરો થયો. તું મનફાવે ત્યારે ઘેર જઈ શકે છે.”

ગુરુ અને શિષ્યો ઋષિને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરુણિની ભારે પ્રશંસા કરી.

બીજા દિવસે ગુરુએ હાથમાં વિદ્યાના ગ્રંથો લીધા ને આરુણિને વિદાય અર્થે તેડ્યો. આરુણિએ ગુરુચરણે ઝૂકીને એમની ચરણરજ લઈને આશ્રમની વિદાય લીધી.

આરુણિને બધી વિદ્યા આવડી ગઈ. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ઉદ્દાલક નામે ઓળખાયો. ઉદ્દાલક એટલે પાણીનો બંધ.

આ ઉદ્દાલકને પછી ગુરુના આશીર્વાદથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થયાં. સમર્થ જ્ઞાની તરીકે ઉદ્દાલક ઉર્ફે આરુણિનું નામ પ્રખ્યાત થયું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *