આઠમા નોરતે જાણો મા મહાગૌરી ની કથા અને સ્વરૂપ !
By-Gujju02-10-2023
આઠમા નોરતે જાણો મા મહાગૌરી ની કથા અને સ્વરૂપ !
By Gujju02-10-2023
નવરાત્રિના આઠમા દિવસે માં આદિશક્તિના સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દુર્ગા માંનુ આઠમુ સ્વરૂપ છે. માંના બધા વસ્ત્રો અને આભૂષણ સફેદ છે. આ જ કારણ છે કે તેમને શ્વેતામ્બરધરા પણ કહેવામાં આવ્યુ છે. માંની 4 ભુજાઓ છે અને તેમનુ વાહન વૃષભ છે. માંની ઉપરવાળો જમણો હાથ અભય મુદ્રામાં છે. માંના નીચેવાળા હાથમાં ત્રિશુળ છે. ઉપરવાળા ડાબા હાથમાં ડમરૂ અને નીચેવાળો ડાબો હાથ વર મુદ્રામાં છે. જે પણ શ્રદ્ધાળુ ભક્તિભાવની સાથે માંની પૂજા-અર્ચના કરે છે. તેમની બધી મનોકામનાની પૂર્તિ માં મહાગૌરી કરે છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રી મહાપર્વના છેલ્લા બે દિવસ એટલેકે આઠમ અને નોમને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે માં ભગવતીના સિદ્ધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માં દુર્ગા પાસે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. આ વખતે આઠમ 3 ઓક્ટોબરે છે. આ દિવસને દુર્ગાષ્ટમી અથવા દુર્ગોત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ રીતે પડ્યુ દેવીનુ નામ મહાગૌરી
પૌરાણિક કથા મુજબ, પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધા બાદ માં પાર્વતીએ મહાદેવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. હજારો વર્ષ કઠોર તપ દરમ્યાન માંએ કશુ ખાધુ ન હતુ અને તેના કારણે તેમનુ શરીર કાળુ પડી ગયુ. તેમની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન ભોળાનાથે તેમનો પત્ની રૂપે સ્વીકાર કર્યો અને માતાના શરીરને ફરીથી ગોરું બનાવ્યું. ત્યારબાદ માતાને મહાગૌરીના નામથી પણ ઓળખવામાં આવ્યાં.
મહાઅષ્ટમીના દિવસે કરો આ ઉપાય, મળશે સફળતા
આઠમના દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને વ્રતનુ પાલન કરવામાં આવે છે. માન્યતા છે કે મહાગૌરીને પ્રસન્ન કરવાથી જીવનમાં બધા પ્રકારના દુ:ખ, દર્દ દૂર થાય છે અને બધા કામ સફળ થાય છે. આ સાથે શાસ્ત્રોમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને મહાઅષ્ટમીના દિવસે કરવાથી શુભ માનવામાં આવે છે.
માનસરોવરમાં કર્યુ હતુ સ્નાન
માં મહાગૌરીને લઇને એક અન્ય પૌરાણિક કથા છે. જ્યારે માં કાલરાત્રિએ રાક્ષસોનો વધ કરવા માટે જન્મ લીધો હતો ત્યારે ભગવાન ભોળાનાથે માંને કાળી કહીને ચિડાવ્યા હતા. ત્યારબાદ માંએ શરીરને ગોરું બનાવવા માટે બ્રહ્માજીની આકરી તપસ્યા કરી હતી. ત્યારબાદ બ્રહ્માજીએ પ્રસન્ન થઇને માં પાર્વતીને હિમાલયના માનસરોવરમાં સ્નાન કરવા માટે કહ્યું. માંએ જ્યારે માનસરોવરમાં સ્નાન કર્યુ ત્યારે તેમનુ શરીર દૂધની જેમ વ્હાઈટ થયુ. ત્યારબાદ માંને મહાગૌરી કહેવામાં આવ્યું.
અવશ્ય કરો કન્યા પૂજન
મહાઅષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યા પૂજનનુ વિશેેષ મહત્વ છે. આ દિવસે નવ કન્યા અને એક બટુકને બેસાડીને ભોગ ધરાવવામાં આવે છે અને તેમને વિદાય આપતા પહેલા દક્ષિણા અથવા ઉપહાર આપવામાં આવે છે. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે.
હવનથી થશે લાભ
હિન્દુ ધર્મમાં હવનને ખૂબ પવિત્ર માનવામાં આવ્યો છે. માં દુર્ગાને સમર્પિત હવન કરવાથી બધા પ્રકારના દુ:ખ, દર્દ દૂર થાય છે અને ઘર-પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા એવી પણ છે કે હવન વગર નવરાત્રીનુ વ્રત પૂર્ણ થતુ નથી.
કરો સોળ શ્રૃંગારના દર્શન
આઠમના દિવસે માં દુર્ગાને સોળ શ્રૃંગાર અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. આ સાથે પરિણીત મહિલાઓને શણગારની વસ્તુઓનુ દાન કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે.