Saturday, 27 July, 2024

Adhyay 3, Pada 1, Verse 08-09

88 Views
Share :
Adhyay 3,  							Pada 1, Verse 08-09

Adhyay 3, Pada 1, Verse 08-09

88 Views

८. कृतात्ययेङनुशयवान्द्दष्टस्मृतिभ्यां यथेतमनेवं च ।

અર્થ
કૃતાત્યયે = કરેલાં પુણ્ય કર્મોનો નાશ થતાં.
અનુશયવાન્ = શેષ સંસ્કારવાળો (જીવાત્મા)
યથેતમ્ = જ્યાંથી ગયેલો તે જ માર્ગથી. 
ચ = અથવા.
અનેવમ્ = એથી ભિન્ન કોઈ બીજી રીતે પાછો આવે છે.
દ્દષ્ટસ્મૃતિભ્યામ્ = શ્રુતિ તથા સ્મૃતિથી (એ જ સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
પુણ્યકર્મોના ફળનો ઉપયોગ કરવા માટે જીવાત્મા સ્વર્ગલોકમાં જાય છે અને એ કર્મોનો ક્ષય થતાં એ ફરી પાછો મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે એવા વિધાનના અનુસંધાનમાં શંકા થાય છે. સ્વર્ગલોકમાં જીવાત્માનાં સમસ્ત પુણ્યકર્મોનો ક્ષય થાય છે કે પછી એનો કોઈક અંશ બાકી રહે છે ! એ શંકાનો ઉત્તર એટલો જ છે કે જે પુણ્યકર્મોના ફળોપભોગને માટે સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ હોય છે તે પુણ્યકર્મો સિવાયના બીજા સત્કર્મો શેષ રહે છે, અને એ શેષ રહેલા સત્કર્મ સંસ્કારો સાથે જીવાત્મા મૃત્યુલોકમાં પાછો ફરે છે.

સ્વર્ગલોકમાંથી પાછા ફરતી વખતે જીવાત્મા જે માર્ગનો આધાર લઈને સ્વર્ગલોકમાં ગયો હોય છે એ જ માર્ગથી અથવા બીજા માર્ગથી પાછો ફરે છે એવું ઉપનિષદમાં કહેલું છે. ગૌતમ સ્મૃતિમાં પણ આવાગમનની એ પ્રક્રિયાની પુષ્ટિમાં કહેવામાં આવ્યું છે કે ‘જે વર્ણાશ્રમી માનવ પોતાના કર્મોનું સમ્યક્ અનુષ્ઠાન કરે છે તે માનવ અહીંથી સ્વર્ગલોકમાં જઈને ત્યાં કર્મોના ફળોનો ઉપભોગ કરીને શેષ રહેલાં કર્મોને અનુસરીને ઉત્તમ જન્મ, કુળ તથા રૂપાદિની પ્રાપ્તિ કરે છે.’

९. चरणादिति  चेन्नोपलक्षणार्थेति कार्ष्णाजिनिः ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
ચરણાત્ = ચરણ શબ્દનો પ્રયોગ કરાયો હોવાથી. (એ શેષ કર્મસંસ્કારોની સાથે આવે છે એવું કહેવાનું બરાબર નથી)
ઈતિ ન = તો એવું નથી સમજવાનું.
ઉપલક્ષણાર્થા = કારણ કે એ કથન અનુશય અથવા શેષ કર્મસંસ્કારોનું ઉપલક્ષણ કરવા માટે છે.
ઈતિ = એ વાત.
કાર્ષ્ણાજિનિઃ = કાર્ષ્ણાજિનિ નામના આચાર્ય પણ કહી બતાવે છે.

ભાવાર્થ
रमणीयचरणाः ઈત્યાદિ શ્રુતિમાં જે ચરણ શબ્દનો પ્રયોગ જોવા મળે છે તે કર્મસંસ્કારોને વાચક નથી ને કર્મસંસ્કારોને માટે વાપરવામાં નથી આવ્યો, એટલા માટે સ્વર્ગલોકમાંથી પાછા ફરતી વખતે જીવાત્મા શેષ રહેલા કર્મસંસ્કારોની સાથે પાછો ફરે છે એવું કહેવાનું બરાબર નથી.’ એવી વિરોધી દલીલના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે रमणीयचरणाः પદમાં જે ચરણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે પ્રયોગ જીવાત્મા શેષ રહેલા કર્મસંસ્કારોને લઈને પાછો ફરે છે એવું સૂચવવા માટે જ કરવામાં આવ્યો છે. આચાર્ય કાર્ષ્ણાજિનિનો એવો અભિપ્રાય છે. એટલે જીવાત્મા શેષ રહેલા કર્મસંસ્કારોની સાથે સ્વર્ગલોકમાં સત્કર્મોના ફળોપભોગ પછી પાછો ફરે છે એવું માનવામાં કોઈ પ્રકારનો દોષ નથી પેદા થતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *