Adhyay 3, Pada 4, Verse 49-52
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 4, Verse 49-52
By Gujju29-04-2023
४९. मौनवदितरेषामप्युपदेशात् ।
અર્થ
ઈતરેષામ્ = બીજા આશ્રમવાળાને માટે.
અપિ = પણ.
મૌનવ્રત્ = મનનશીલતાની જેમ.
ઉચેદશાત્ = (વિદ્યૌપયોગી સઘળાં સાધનોનો) સદુપદેશ હોવાથી (બધા આશ્રમોમાં બ્રહ્મવિદ્યાનો અધિકાર છે એવું સાબિત થાય છે.)
ભાવાર્થ
આગળના પ્રકરણમાં મનનશીલ બનવાનો સંદેશ કેવળ મુનિને માટે નથી આપવામાં આવ્યો પરંતુ સૌને માટે આપવામાં આવ્યો છે તેવી રીતે બ્રહ્મવિદ્યા માટે ઉપયોગી મનાતાં સાધનોનો સંદેશ પણ સૌને માટે આપવામાં આવ્યો છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘આવી રીતે બ્રહ્મવેત્તા પુરૂષના પરમ મહિમાને જાણનારો શાંત, દાન્ત, તિતિક્ષુ અને સમાહિત અથવા ધ્યાનમગ્ન બનીને પોતાની અંદર સૌના અંતરાત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે.’ એના પરથી પુરવાર થાય છે કે બ્રહ્મવિદ્યાનો અધિકાર બધા જ આશ્રમોમાં અપાયલો છે. બ્રહ્મવિદ્યાની અને પરમાત્માની પ્રાપ્તિને કોઈ એક જ આશ્રમનો ઈજારો ના કહી શકાય.
—
५०. अनाविष्कुर्वन्नन्वयात् ।
અર્થ
અનાવિષ્કુર્વન = પોતાના ગુણોને પ્રકટના કરીને બાળકની પેઠે દંભ અને અભિમાનથી રહિત બનવું.
અન્વયાત્ = કારણ કે બ્રહ્મવિદ્યાની સાથે એવા જ ભાવનો સંબંધ છે.
ભાવાર્થ
ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાને માટે બાલભાવમાં સ્થિતિ કરવાનું કહ્યું છે એનો અર્થ એ કે બાલકની અંદર જેવી રીતે અભિમાન, દંભ, છળકપટ, વિકાર તથા વાસનાનો લેશ પણ નથી હોતો તેવી રીતે બ્રહ્મવિદ્યાને પામવા માટે અને પામ્યા પછી વિદ્વાને નમ્ર અને નિર્મળ બનવું. એણે બાળકની પેઠે નિર્દોષ થઈ જવું.
—
५१. एहिकमप्यप्रस्तुतप्रतिबंधे तदर्शनात् ।
અર્થ
અપ્રસ્તુત પ્રતિબંધે = કોઈ પ્રકારનો પ્રતિબંધ પેદા ના થાય તો.
ભાવાર્થ
બ્રહ્મજ્ઞાનથી સર્વ પ્રકારનાં દુઃખોમાંથી તથા બંધનોમાંથી છૂટાય છે અને પરમાત્માના સાક્ષાત્કાર દ્વારા પરમ શાંતિ સાંપડે છે, તો એ ફળની પ્રાપ્તિ આ જ જન્મમાં થાય છે કે બીજા જન્મમાં, એનું સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવે છે કે સાધક સર્વ પ્રકારની સુયોગ્યતાથી સંપન્ન અને એના જીવનમાં કોઈ વિક્ષેપ કે વિઘ્ન પેદા ના થાય તો તો એક જ જન્મમાં અને એથી ઉલટું બને તો જન્માંતરમાં ફળ પ્રાપ્તિ કરી શકે છે. કરેલી સાધના કદી નકામી નથી જતી. કઠોપનિષદમાં કહ્યું છે કે આ જ જન્મમાં પરમાત્માને જાણી લો તો તો સારૂં છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે કે અધુરી રહેલી સાધનાવાળા યોગીઓ પૂર્વ સંસ્કારોના અનુસંધાનમાં બીજા જન્મમાં વળી સાધના કરે છે ને સિદ્ધિ મેળવે છે.
—
५२. एवं मुक्तिफलानियमस्तदवस्थावधृतेस्तदवस्थावधृतेः ।
અર્થ
એવમ્ = આવી રાતે.
મુક્તિ ફલાનિયમઃ = કોઈ એક જ લોકમાં મુક્તિરૂપી ફળની પ્રાપ્તિનો નિયમ નથી.
તદવસ્થાવ ધૃતેઃ = કારણ કે એની અવસ્થા નક્કી કરવામાં આવી છે.
ભાવાર્થ
બ્રહ્મવિદ્યાથી મળનારા મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ ઉપર જણાવ્યું તેમ એક જન્મમાં પણ થઈ શકે અને જન્માંતરમાં પણ થઈ શકે. એવી રીતે એ ફળની પ્રાપ્તિ આ જ લોકમાં થાય અને બ્રહ્મલોકમાં ના થાય એવો પણ નિશ્ચિત નિયમ નથી બાંધી શકાતો. મુક્તિરૂપી ફળ આ લોકમાં મળે અને બીજા લોકમાં પણ. એ ફળની પ્રાપ્તિ માટેની ભૂમિકા તૈયાર થઈ જાય એટલે આ લોકમાં કે બીજા લોકમાં એ આવી મળે છે. મુખ્ય મહત્વ ભૂમિકાના નિર્માણનું છે. કઠ ઉપનિષદે જણાવ્યું છે કે ‘જ્યારે હૃદયમાં રહેનારી સઘળી કામનાઓ શાંત થાય છે ત્યારે જ્ઞાની પુરૂષ અમૃતમય બને છે અને અહીં જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે.’
અધ્યાય ૩ – પાદ ૪ સંપૂર્ણ
અધ્યાય ૩ સંપૂર્ણ