Thursday, 14 November, 2024

Adhyay 4, Pada 1, Verse 01-03

146 Views
Share :
Adhyay 4,  							Pada 1, Verse 01-03

Adhyay 4, Pada 1, Verse 01-03

146 Views

१. आवृत्तिरसकृदुपदेशात् ।

અર્થ
આવૃત્તિઃ = અધ્યયન કરવામાં આવેલી ઉપાસનાનો અવારનવાર અભ્યાસ કરવો જોઈએ.
અસકૃદુપદેશાત્ = કારણ કે શ્રુતિમાં અનેક વાર એવો ઉપદેશ આપવામાં આવ્યો છે.

ભાવાર્થ
પરમાત્માની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બનનારી જુદા જુદી સાધનાઓ અથવા ઉપાસનાઓ ગુરૂ દ્વારા અધ્યયન કરવા માત્રથી જ પોતાનું ફળ આપે છે એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે કે પછી એ સાધનાઓ અથવા ઉપાસનાઓનો ઉપરાઉપરી અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં અહીં જણાવવામાં આવે છે કે સાધના, ઉપાસના અથવા બ્રહ્મવિદ્યાના રહસ્યની માહિતી ગુરૂની પાસેથી મેળવ્યા પછી પણ સાધકે એનો અનવરત રીતે અભ્યાસ કરવો જોઈએ. કેવળ માહિતીથી કે બૌદ્ધિક જ્ઞાનથી પરમાત્મ પ્રાપ્તિ, મુક્તિ કે શાંતિની અનુભૂતિ નથી થઈ શકતી એને આચારમાં ઉતારવાની અથવા આત્મસાત કરવાની આવશ્યકતા રહે છે, અને એને માટે સુદીર્ઘ સમયની, ઉત્સાહ અને ધીરજ તેમ જ ખંતપૂર્વકની સાધના અનિવાર્ય મનાય છે. પરમાત્માની માહિતી મેળવીને બેસી નથી રહેવાનું પરંતુ એ પરમાત્માનો સાક્ષાત્કાર પણ પણ કરવાનો છે. એટલે એ હેતુની સિદ્ધિને માટે સુનિશ્ચિત, સમજપૂર્વકના સાધનાત્મક અભ્યાસક્રમનો આધાર લેવો જ જોઈએ અને એને વળગી રહેવું જોઈએ.


  
२. लिङ्गाच्च  ।

અર્થ
લિંગાત્ = સ્મૃતિના વર્ણન રૂપ લિંગ અથવા પ્રમાણથી. 
ચ = પણ.

ભાવાર્થ
શ્રુતિએ તો અવારનવાર અભ્યાસનો એવો આદેશ આપેલો જ છે, પરંતુ સાથે સાથે સ્મૃતિએ પણ સાક્ષી પૂરીને એનું સમર્થન કરેલું છે. ગીતાએ કહ્યું છે કે પ્રયત્ન કરવાથી યોગી સંપૂર્ણ સંયમી અને શુદ્ધ અથવા દોષ મુક્ત બનીને અનેક જન્મો પછી સંસિદ્ધિ મેળવીને પરમ ગતિની પ્રાપ્તિ કરે છે.

દેવર્ષિ નારદ પોતાના ભક્તિ સૂત્રમાં જણાવે છે કે નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક સતત ભજન કરવાથી પરમાત્માના દર્શનનો દેવ દુર્લભ લાભ મળે છે. अव्यावृतभजनात् ।

३. आत्मेति तूपगच्छन्ति ग्राह्ययन्ति च ।

અર્થ
આત્મા = એ મારો આત્મા છે.
ઈતિ = એ ભાવથી.
તુ = જ.
ઉપગચ્છતિ = જ્ઞાની એમને જાણે છે કે પામે છે. 
ચ = અને. 
ગ્રાહયન્તિ = એવું જ ગ્રહણ કરાવે છે કે સમજાવે છે.

ભાવાર્થ
પરમાત્માનું નિરંતર ચિંતનમનન કયા ભાવથી કરવું જોઈએ એનું સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવે છે કે પરમાત્માનું ચિંતનમનન અને પરમાત્માની ઉપાસના એ ક્યાંક દૂર સુદૂર, સાતમા આસમાનમાં વિરાજે છે એવું માનીને કરવાને બદલે, એ આપણા આત્મા, અંતરના અંતરતમમાં રહેનારા અંતર્યામી છે એવું સમજીને કરવાની આવશ્યકતા છે. બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ તારો આત્મા અંતર્યામી અમૃત છે.’ છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને અવારનવાર કહ્યું છે કે ‘એ સત્ય છે, એ આત્મા છે, એ તું છે.’

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *