Sunday, 22 December, 2024

ઐતિહાસિક નગર પાટણ

352 Views
Share :
ઐતિહાસિક નગર પાટણ

ઐતિહાસિક નગર પાટણ

352 Views

ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો પાટણનો ઉલ્લેખ કરવોજ પડે. ઇતિહાસનું જીવતું જાગતું નગર એટેલે પાટણ. ગુજરાતના ઇતિહાસમાં શહેર અણહિલવાડ પાતાને નામે જાણીતું હતું. ઉત્તર ગુજરાતની શાન !!!!!ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો સોલંકીયુગ વગર ગુજરાતનો ઈતિહાસ અધુરો જ ગણાય. ગુજરાતનો સુવર્ણકાળ એટલે – સોલંકી યુગ. સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર પાટણ. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કાર લક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું.

પાટણનો ઈતિહાસ 

અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રાજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે.

patan no itihas

ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. અલાઉદ્દીન ખીલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને સાબરમતીને તીરે અહમદાબાદ (અમદાવાદ) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું.

પાટણ શહેર અલબત્ત અત્યારનું આધુનિક શહેર પાટણ નહીં પણ જુનું પુરાતન શહેર પાટણ. એના મકાનો લાકડાંની અદભુત કારીગરી અમે કોતરણીવાળા છે. એ એના ઇતિહાસની સાક્ષી પુરાવતાં આજે પણ જીવંત છે. પાટણની ગલીઓ એ ફરીતો એમ લાગે કે કનૈયાલાલ મુનશીની લખેલી પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધીરાજનો મહાનાયક કાક ભટ્ટ અહીં જ ,આમજ ફરતો હશે ને !!!!!

આમ તો આ નવલકથાનો નાયક સિદ્ધરાજ જયસિહ જ છે પણ નવલકથામાં કાક ભટ્ટને જ ઉપસાવ્યો છે. આ પહેલાંના ઈતિહાસ ભીમદેવ સોલકીના સમયમાં મહમૂદ ગઝનીના આક્રમણની વાત શ્રી કનૈયાલાલ મુનશી એ ” જય સોમનાથમાં આબેહૂબ વર્ણવી છે. અન્ય સાહિત્યકારો વિષે પછી વાત કરીએ પહેલાં એનાં દર્શનીય સ્થાનો વિષે જાણી – સમજી લઈએ

રાણીની વાવ: 

રાની ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ ભીમદેવની યાદમાં 1063માં બનાવી હતી. આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી. રાણી કી વાવ ભારતમાં શ્રેષ્ઠ વાવ નો સમાવેશ થાય છે, અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં રાણકી વાવ તરીકે જાણીતી છે. લગભગ સાત માળ સુધીની આ વાવ એના દરેકે દરેક ખૂણેથી શિલ્પ-સ્થાપત્યથી સુશોભિત છે. આ રાણીની વાવને કહોકે રાણકી વાવ એ સોલ્કીયુગના જાજરમાન સુવર્ણકાળની પુષ્ટિ કરે છે. આ વાવને “વર્લ્ડ હેરીટેજ સાઈટ”માં પણ સ્થાન મળ્યું છે. એ ગુજરાતે ગૌરવ લેવા જેવી બાબત ગણાય. આ ઉપરાંત ચાંપાનેરને પણ સ્થાન મળ્યું છે.

ranini vav

સહસ્ત્રલિંગ તળાવ:

સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે. પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક થયું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે.

sahasralinga talav patan gujarat

પાટણનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું તો તેનાં પટોળા ને કારણે આજે તો આ પટોળા બનાવતું એક જ કુટુંબ બચ્યું છે પાટણમાં પણ એક વખત એવો પણ હતો કે આ પટોલાઓ વિશ્વભરમાં વેચાતા વેપારનું કેન્દ્ર બિંદુ હતું પાટણ. અમદાવાદની મિલો તો પછીથી નખાઇ આજે પણ કાપડ ઉદ્યોગમાં પાટણનું નામ છે અને અનેક આધુનિક દુકાનો છે પાટણમાં. પાટણમાં જૈનો, બ્રાહ્મણો ,પટેલો અને રબારીઓની વસ્તી વધુ છે. આજે એક આધુનિક શહેર બની ગયું છે પાટણ. ભારતની ત્રીજા નબરની મોટી રથયાત્રા પણ પાટણમાં જ નીકળે છે. ઉત્તર ગુજરાત યુનીવર્સીટી અને હવે નામ બદલાઈને હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી થઈ ગયું છે. અનેક લોકોને અનેક વિદ્યાઓમાં પારંગત બનાવે છે ખરેખર પાટણ એક સુવિકસિત શહેર છે  !!!!

પાટણ નામ આવે એટલે “કાદંબરી”ના રચયિતા ભાલણનું નામ યાદ આવે અને હા ……. ગુજરતી વ્યાકરણના પિતા હેમચંદ્રાચાર્ય નુ નામ અચૂક યાદ આવેજ ને વળી !!!!

૧૧મી સદીમાં બનેલી પાટણની આ વાવ સૌંદર્ય-કળા-કારીગરીનો બેનમૂન ખજાનો છે. સોલંકી (મૂળ નામ ચૌલુક્ય) કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદયમતીએ બંધાવી હતી. ‘પ્રબંધચિંતામણી’માં નોંધાયેલા ઈતિહાસ પ્રમાણે ૧૦૨૨થી ૧૦૬૩ વચ્ચે તેનુ બાંધકામ થયુ હતું. ૮૦૦થી વધુ બેનમૂન શિલ્પકૃત્તિઓ ધરાવતી આ વાવ પૂર્વ-પશ્ચિમ બંધાયેલી છે. એટલે કે પૂર્વ તરફ વાવનું પ્રવેશદ્વાર છે અને પશ્ચિમ તરફ કૂવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ છે.

શિલ્પશાસ્ત્રમાં આપેલા વાવના વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકારની છે. તેની પહોળાઈ ૬૫ ફીટ, લંબાઈ ૨૧૩ ફીટ અને ઊંડાઈ ૯૨ ફીટ જેટલી છે. શાહઝહાંએ પોતાની બેગમ મુમતાઝના જન્નતનશિન થયા પછી તેની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો એ જગ-જાહેર ઈતિહાસ છે. ઈતિહાસને જરા અલગ દૃષ્ટિકોણથી જોઈએ તો રાણીની વાવ અને તાજમહેલ વચ્ચે સામ્ય શોધી શકાય એમ છે. તાજમહેલ ૧૭મી સદીમા બંધાયો હતો. તેની સદીઓ પહેલા ૧૦૬૪માં પાટણમાં તૈયાર થયેલી વાવ રાણીએ પોતાના પતિ ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં બંધાવી હતી. તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી. એ પણ તાજમહેલના પાંચસો વર્ષ પહેલાં!
તાજમહેલના સૌંદર્ય અંગે કોઈ શંકા નથી પણ તેની ઉપયોગીતા શું?

જોવાથી વિશેષ તો કશી નહીં. સામે પક્ષે રાણીની વાવ પાણીના સંગ્રહ માટે હતી. તેનો લાભ સ્વાભાવિક રીતે પાટણની જનતાને મળવાનો હતો. તાજમાં બાદશાહનો બેગમ પ્રત્યે પ્રેમ હતો તો રાણીની વાવમાં રાણીનો રાજા પ્રત્યેનો પ્રેમ છલકે છે. સદીઓ સુધી જમીનમાં સંતાયેલી રહેલી આ વાવ નજરે ચડયા પછી ૧૯૬૮માં પુરાત્ત્વ વિભાગે ખોદી કાઢી તેનું પુનરુત્થાન કર્યુ છે. એ વખતે વાવમાંથી રાણી ઉદયામતીની મૂર્તિ પણ મળી આવી હતી.

ઉલ્લેખનીય છે કે આજે આગળપડતાં ગણાતા યુરોપમાં જ્યારે અંધકાર યુગ ચાલતો હતો ત્યારે પાટણમાં જમીનમાંથી અંધારુ ઉલેચીને વાવનું બાંધકામ ચાલી રહ્યુ હતું. થોડા વર્ષો પહેલાં યુરોપિયન દેશ સ્કોટલેન્ડની એક પુરાત્ત્વ પ્રેમી સંસ્થાની ટીમ આવીને આ વાવનું થ્રીડી સ્કેનિંગ-શૂટિંગ પણ કરી ગઈ હતી.

દેખાવે કદાચ પહેલી નજરે ભવ્ય ન લાગતી આ વાવ શિલ્પ-કળા-સંસ્કૃતની દૃષ્ટિએ જગતની સર્વોત્તમ વાવો પૈકીની એક ગણવી પડે એવી છે. વાવમાં ઉતરવાનું શરૃ કરતા બન્ને બાજુએ ભવ્ય કોતરકામ નજરે પડે છે. એ જોયા પછી તેની મહાનતા કોઈને વર્ણવવાની જરૃર રહેતી નથી. સ્થાનિક ઈતિહાસકાર મુકુંદરાય બ્રહ્મશ્રત્રિયના કહેવા પ્રમાણે રાણીની વાવને વિરાસત જાહેર કરી રહાઈ છે એ ચોક્કસપણ આનંદની વાત છે. પરંતુ આખુ પાટણ એવો ઈતિહાસ ધરબીને બેઠું છે કે સમગ્ર શહેર જ હેરિટેજ જાહેર કરવુ જોઈએ. તેમના કહેવા પ્રમાણે હજુ અનેક સ્થળોએ ઉત્ખનન કરવામાં આવે તો ૯૦૦ વર્ષ પહેલાનો ઈતિહાસ પળવારમાં આળસ મરડીને બેઠો થઈ શકે એમ છે. એક સમયે ગુજરાતની રાજધાની રહી ચૂકેલુ ચાંપાનેર તો પહેલેથી જ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન ધરાવે છે.

પાટણના પવિત્ર પટોળાં ક.મા. મુનશીએ ”પાટણની પ્રભુતા” લખી પાટણ અને ગુજરાતની અસ્મિતાને ઉપસાવી. મધ્યયુગથી તે આજપર્યંત માનુનીઓના મન-હૃદય પર રાજ કરતાં પટોળાં ગુજરાતમાં પાટણ ઉપરાંત પાલનપુર, સુરત, ખંભાત, અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં પણ વણાય છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર (દોલતાબાદ), આન્ધ્રપ્રદેશ (હૈદ્રાબાદ, આમ્રપાલી), કેરાલા (ત્રિવેન્દ્રમ્) અને બનારસમાં પણ પટોળાં ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. પરંતુ પટોળાં સાથે કોઈ શહેરનું નામ નવસો વર્ષોથી જોડાયું હોય તો તે પાટણ જ છે. પાટણના રાજવી કુમારપાળે ધાર્મિક અને સામાજિક કારણોને લીધે પાટણમાં પટોળાં વણવાનો ઉદ્યોગ શરૃ કરાવ્યો. તેને માટે મહારાષ્ટ્રના જાલના શહેરમાંથી સાતસો સાળવી કુટુંબોને પાટણ લાવી વસાવ્યા અને સાચવ્યા.

patola

કેટલાક સાળવીઓ જૈન ધર્મને વર્યા, તો કેટલાકે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો. કલારખુ અને સાહિત્યપ્રેમી રાજા કુમારપાળે આ કળાને રાજ્યાશ્રય આપ્યો. પ્રાચીન રાજાઓ સંબંધ સાચવવા લોકોને પટોળાની ભેટ ધરતા. સત્તરમી-અઢારમી સદીમાં એનો વિપુલ વપરાશ નોંધાયો છે.

આ ભવ્ય સમૃદ્ધ કળા પ્રાચીન ભારતના વણાટકામ, રંગકામ અને ટકાઉપણાની છડી પોકારે છે. હળવેકથી ઓરિસાના કટક અને આન્ધ્ર પ્રદેશના પૂર્વીય દરિયાકિનારાના પટ્ટે પણ આ કળા વિકસી. પાટણની મીઠાઈ ‘દેવડા’ ઉપરાંત રાણકી વાવ અને અહીંનું સહસ્રલિંગ તળાવ સુદ્ધાં પાટણની ઓળખ છે. ખેર, પાટણનાં પટોળાં અજોડ અને અદ્વિતીય છે. અન્ય બધાં પટોળાં કરતાં એના ઉત્પાદનની વાતો નિરાળી છે અને એને પણ બજારમાં સ્પર્ધા નડે. સોંધાં વિરુદ્ધ મોંઘાં જંગે ચડે.

”પટણી પટોળાં મારે પહેરવા મારા વાલમા…… પટણી પટોળાં…મારે…” પટોળાંની કળા ઉપર સ્થાનિક સંસ્કારની અસર મળે. પટોળાંની કલ્પના જેટલી સુમધુર એટલી જ એની ભાત નિરાળી અને નયનાકર્ષક. એવું તે શું છે પટોળામાં કે જે જોઈને જ કહી શકાય કે આ કોઈ સાદી છાપેલી રેશમી સાડી નથી પણ પટોળું છે.

વિવિધ ડિઝાઈન અને રંગવાળી દરેક શુદ્ધ રેશમી સાડી પટોળું નથી પરંતુ દરેક પટોળું શુદ્ધ રેશમના તાંતણામાંથી બનાવેલું હોય છે. એની આકર્ષક ભાત, ડિઝાઈનના નમૂના લોભામણા હોય છે અને બન્ને બાજુ એકસરખા રંગ, રૃપ અને ભાતથી સુશોભિત હોય છે. કેટકેટલા પ્રકારની ડિજાઈન અને કેવાં કેવાં સૂચક તેનાં નામ ! નાના મોટા બુટ્ટા અને ભૌમિતિક ભાતને અંગ્રેજીમાં ”મોટિફ” કહે છે.

તેની ડિઝાઈનની રેઈન્જ-મર્યાદા પણ કેટલી અમર્યાદિત ! આધુનિકતાનો સ્પર્શ છતાં જોતાં વેંત હૃદયમાં પારંપરિક ભાત ઊપસે અને એની ઉપર ઝૂલે આપણી સંસ્કૃતિનો વારસો ! ચંદા ભાત (કુંડળી જેવી ડિઝાઈન), લહેરિયા ભાત, મોર, ઉંદેડી (વહોરાગજીમાં), છાબડી ભાત, ગાળો, ચોકઠા ભાત (ચોકડી ભાત). નવરત્ન ભાત, પાન ભાત, ફૂલભાત-ફૂલવાડી ભાત, નારીકુંજર (હાથી-પૌરાણિક સંદર્ભ), હાથી ઉપર રાજાની સવારી (મોટા બુટ્ટા), લક્ષ્મીજી (બે બાજુ હાથી ઝૂલે), ઝુમ્મર ભાત, ગોળ ગોળ ડિઝાઈન, મસ્જિદ, કાનખજૂરો, માનવ ફિગર, અખરોટ ભાત, ઓખર ભાત (પાણીમાં થતી વેલ), બોરજાળી, ચીર ચીર ભાત, દડા ભાત,
ગલવાળી ભાત, પોપટ ભાત, કળશ, પીપળીયા, રાસભાત, રતન ચૉક ભાત, વાઘભાત, ત્રણ ફૂલ ભાત, પાંચ ફૂલ ભાત અને હવે ક્યારેક સાંકળી ભાત કે શ્રીકાર ભાતના પણ ઉલ્લેખ મળે છે. એવી કઈ ગુજરાતણ હશે કે જેને ”પાટણનાં મોંઘાં પટોળાં” પહેરીને મહાલ્યાનું સ્વપ્ન નહિ આવ્યું હોય ?

એક નૂર આદમી (ઔરત) હજાર નૂર કપડાં જીવનમાં રંગ કોને ન ગમે ? જીવન આખુંય રંગીન હોય અને એમાં આવતા દરેક તબક્કે, દરેક વસ્તુના, માનવીના, સંયોગના અને અનુભવના નોખા-નોખા રંગ આપણને આકર્ષે. આધ્યાત્મિક અંગમાં પણ ”તું રંગાઈ જા ને રંગમાં”માં આસ્થાનો ઉલ્લેખ છે. શ્વેત-શ્યામ રંગોની પણ ભિન્ન ભિન્ન ઝાંય હોય તો આપણને ગમે જ છે ને ! તો પછી બહુરંગી પટોળાંની માગ હોય જ ને ! જ્યારે રસાયણોની જાણ નહોતી ત્યારે વનસ્પતિજન્ય રંગોનું રાજ હતું. છેલ્લાં સો વર્ષોમાં રાસાયણિક રંગ આવ્યા. એને પાકા કરવા બ્લિચીંગ ચાલુ થયું. કુદરતી રંગો બંધ થઈ ગયા પરંતુ વળી પાછલા ત્રણેક દાયકાથી પર્યાવરણમિત્ર નિસર્ગજન્ય રંગોનું મહત્ત્વ સૌને સમજાયું અને આપણે પારોઠનાં પગલાં ભરી પ્રકૃતિ તરફ પાછા વળવા વિચાર્યું. હા, તેમાં નવી પ્રક્રિયા ઉમેરી નૂતન અભિગમ અપનાવ્યો. તળપદી રીતને નવજીવન મળ્યું.

જે વનસ્પતિ કાચો માલ મળવો બંધ થઈ ગયેલો તેને બચાવવાનો – વધારવાનો પ્રયત્ન થયો. તો, ક્યા હતો એ કુદરતી ખજાનો ?- જે હજી લોકપ્રિય છે ?! નીલી-ભૂરી ગળી, કુદરતી લાખ, હરડે, મદેરનાં મૂળ, મજિષ્ઠ, રતનજ્યોત, કાથો, કેસૂડાનાં ફૂલ, દાડમછાલ, મહેંદી, ગલગોટાનાં ફૂલ, આમળાં, કીરમજ, હળદર, બોરડીનો લાખ, કંપીલો, ફટકડી, હરસીંગાર, બોજગર, લોખંડનો કાટ, લાકડાનો વહેર અને ઘણું ઘણું કુદરતને પહોંચી ન વળાય. આ રંગોની પણ વિવિધ છાયા મેળવવાના પ્રયત્નો થાય છે. એને પણ બ્લિચ કરી શકાય અને આંખોને ટાઢક આપતા મનગમતા રંગોનું મેઘધનુષ્ય પટોળાં ઉપર અને આપણા અસ્તિત્વમાં રચી શકાય.

પટોળાના ભવ્યાતિભવ્ય રંગો, ભાત અને ટકાઉપણાનું મૂળ બાંધણીની ગાંઠોમાં પડેલું છે. અગિયારમી સદીથી આજ લગીમાં આવેલી સાળવી પરિવારોની પરંપરાએ પટોળાંને સાચવી જાણ્યાં છે. પોતાના જીવનને આ સંસ્કૃતિની સાચવણીમાં સોંપી દઈને કેટલાક સાળવીઓ આજે પણ પટોળાં-વણાટકામમાં ગળાડૂબ છે. વિજયભાઈ સેવંતીલાલ સાળવી પટોળામાં શુભ, પવિત્ર અને સૌભાગ્યચિહ્નોને વણવાના મતના છે. તેઓ કહે છે કે, ”હવે તો બહેનો પણ આ કળા અને વ્યવસાયમાં જોડાઈ છે એ જાણવું અને માનવું ઘટે.” પટોળાં ક્યારેય દુકાનોમાં વેચાતાં ન મળે. એ તો ઓર્ડર મુજબ ડિલીવરીથી જ મળે, કારણ કે દરેક પટોળું ભિન્ન અને આગવું હોય છે. તેની સર્જનયાત્રા પણ કઠિન હોય છે. સૌપ્રથમ તો ઉત્તમ ગુણવત્તાવાળું સીધું, લિસ્સું, વળાંકો વગરનું શુદ્ધ રેશમ મેળવવું પડે. તેને ગરમ પાણીમાં બાફ્યા પછી જરૃરિયાત મુજબના રંગોમાં પલાળી સૂકવી સાળ પર ચડાવાય. અડતાળીસ પનાની સાળ પર આ જટિલ કળાનું સર્જન થાય છે.

કુશળતા, કલ્પના શક્તિ અને હસ્તકૌશલ્ય વગર પટોળાં ના બને. અલબત્ત, હવે કમ્પ્યૂટર પડખે છે. ગ્રાફ વગેરે એમાં તૈયાર થાય જે અગાઉ શણ ઉપર તૈયાર કરવા પડતા. તાણા-વાણા એટલે કે ડબલ ઇક્ત ઉપર વારાફરતી ડિઝાઈન અને રંગ પ્રમાણે ગાંઠો બાંધી બાંધણી પ્રક્રિયાથી બાંધ-છોડ કરવી પડે. (અસલ આપણા જીવન જેવું.) બોબિન અને શટલનો આધાર લઈ ખૂબ ચોક્સાઈપૂર્વક આ વણાટકામ થાય. પટોળાં બને પછી રંગાય નહિ. દોરા રંગીને જ પટોળાં વણાય એ નિયમ. પટોળાના પોતમાં જરી ન વપરાય. બોર્ડર અને પાલવમાં હોઈ શકે. આ વણાટકામ ધીમું થાય અને એક આખી ટીમ ખપે, પરંતુ જો એક જ માણસ એ વણે તો વર્ષ આખું મંડાય ત્યારે એક પટોળું બને, સંત કબીર યાદ આવે છે ? ‘ઝીની ઝીની બિની…ચદરિયાં…’

સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ (રોળા વૃત)

અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હૂતું
અહીંયા પાટણ જૂનું અહીં આ લાંબું સૂતું

અહીંયા રાણીવાવ તણાં આ હાડ પડેલાં
મોટા આ અહીં બુરજ મળ્યા માટીના ભેળા

એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં
પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ જ આવાં

ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં?

જળ નિર્મળ લઈ વહે કુમારી સરિતા પેલી
નાસે પાસે ધસે લાડતી લાજે ઘેલી

ઈશ્વર કરુણા ખરે! વહી આ નદી સ્વરૂપે
સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિંગન તુંયે

તુંયે પાટણ! દયા ધરતીને એ સૂચવતી
ભલે કાળની ગતિ મનુજ કૃતિને બૂઝવતી

તૂજ પ્રેમસરિતા પૂર વહ્યું જાશે અણખૂટ્યું
છો ધન વિભવ લૂંટાય ઝરણ મુજ જાય ન લૂંટ્યું

તોડી પર્વતશૃંગ મનુજ મદભરિયો મા’લે
જાણે નિજ કૃતિ અમર ગળે કાળ જ તે કાળે

ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું
તે તો તેમનું તેમ રહે યુગ અનંત પોંચું

– નરસિંહરાવ દિવેટિયા

રાણકીવાવ અને સહસ્રલીગ તળાવ જોવા એકવાર અચૂક પાટણ જજો
!!!! પાટણની ઐતિહાસિકતા અને જાહોજલાલી આગળ ગુજરાતના બધાં જ શહેરો ઝાંખા પડે છે. પાટણ એટલે પાટણ. એ તો ત્યાં જઈને જુઓ ત્યારેજ ખબર પડે ને !!!!

—————- જનમેજય અધ્વર્યુ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *