એક ચબુતરાની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક ચબુતરાની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
મારો જન્મ આ ગામના કારીગરોના હાથે થયો હતો. ગામના લોકોએ મારા માટે ફાળો એકઠો કર્યો હતો. તેમાંથી તેઓ રેતી, સિમેન્ટ, ઈંટો વગેરે ખરીદી લાવ્યા. કારીગરોએ ચણતર કરીને મને મજાનો આકાર આપ્યો. તેમાં ગામલોકોએ પંખીઓ માટે દાણા નાખવાની અને પાણી ભરવાની કુંડીની વ્યવસ્થા કરી હતી.
ગામલોકો રોજ સવારે મારા પર દાણા નાખી જતા અને કુંડીમાં પાણી ભરી જતા. સવારના પહોરમાં જ ઘણાં પંખીઓ મારા પર દાણા ચણવા આવી જતાં. તેમાં જાતજાતનાં પંખીઓ હોય. ચકલાં, કબૂતર, કાગડા, કાબર વગેરે પંખીઓને દાણા ચણતાં જોઈને મને ઘણો આનંદ થતો. પંખીઓ દાણા ચણતાં અને પાણી પીતાં. તેઓ મને રોજ તેમનાં મધુર ગાન સંભળાવતાં. ક્યારેક તેઓ ઝઘડતાં પણ ખરાં. કંઈક અવાજ થતાં બધાં પંખીઓ એકસાથે ઊડી જતાં. કેટલીક વાર નાનાં બાળકો પંખીઓ જોવા માટે મારી પાસે આવતાં. મને આ બધું જોવાની ઘણી મજા પડતી.
પણ એક દિવસ ગામમાં એક ખટારો આવ્યો. રસ્તો સાંકડો હતો. તેથી ડ્રાઇવરે ખટારાને પાછો વાળ્યો ત્યારે તે મારી સાથે ટકરાઈ ગયો. તેથી મારો કેટલોક ભાગ તૂટી પડ્યો.
હવે મારું રૂપ પહેલાં જેવું રહ્યું નથી. ગામલોકો મારું સમારકામ કરાવતા નથી. ગામમાં હવે બીજી જગ્યાએ નવો ચબૂતરો બનાવવાનો વિચાર ચાલે છે. આમ છતાં, એક ડોસીમા હજી રોજ થોડા દાણા નાખે છે. થોડાં પંખીઓ હજી આવે છે. આ પંખીઓની હાજરીથી મને સંતોષ છે.