એક છત્રીની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક છત્રીની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
હું એક છત્રી છું. મારી દુર્દશા જોઈને કદાચ તમને મારા પર દયા આવતી હશે. મારાં રૂપરંગ હવે પહેલાં જેવાં રહ્યાં નથી, છતાં આજે પણ હું મારા માલિકને પહેલાં જેટલી જ ઉપયોગી છું. તમે મારી જીવનયાત્રા વિશે સાંભળશો તો તમને આનંદ થશે અને મને સંતોષ થશે.
અમદાવાદમાં એક કારીગરના હાથે મારો જન્મ થયો હતો. તેણે મારાં જુદાં જુદાં અંગો જોડીને મને છત્રીનું રૂપ આપ્યું હતું. મારું કપડું ચેન્નઈની એક મિલમાં બનેલું છે. મારા સળિયા મુંબઈના એક કારખાનામાં બનેલા છે અને મારો હાથો બૅંગલોરમાં બનેલો છે. એ કારીગરે મારા જેવી મારી અનેક બહેનોનું સર્જન કર્યું હતું. અમને બધાને એક દુકાનમાં સુંદર રીતે ગોઠવવામાં આવી હતી.
ચોમાસાના દિવસો હતા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એ વખતે એક બહેન એ દુકાનમાં આવ્યાં. તેમણે અમારી બધાંની બરાબર તપાસ કરીને મને પસંદ કરી. પછી દુકાનદારને મારી કિંમત ચૂકવીને એ મને તેમને ઘેર લઈ ગયાં.
બહેન શ્રીમંત હતાં. તેમનું આલિશાન મકાન જોઈને મને ખૂબ આનંદ થયો. તેમના પતિ અને તેમનાં બાળકો મને જોઈને ખુશ ખુશ થઈ ગયાં. બાળકો મારી સાથે રમવા લાગ્યાં.
હું એ બધાંને ઉપયોગી હતી. તેથી સૌની માનીતી થઈ ગઈ. એ બહેન જ્યાં જતાં, ત્યાં મને સાથે લઈ જતાં. આથી મને દ૨૨ોજ નવાં નવાં સ્થળો જોવા મળતાં હતાં. મેં શહેરનાં ઘણાં મંદિરો જોયાં છે. ઘણાં સિનેમાગૃહો અને નાટ્યગૃહો જોયાં છે. મેં નિશાળો અને દવાખાનાં પણ જોયાં છે. મેં કેટલાંક શહેરો અને ગામડાંની મુલાકાત લીધી છે. ઉનાળા અને ચોમાસામાં એ બહેન મારો ઉપયોગ કરતાં. પછી મને તે કાગળમાં લપેટીને તેમના ક્બાટમાં મૂકી દેતાં.
આમ, મારાં પાંચ વર્ષ સુખમાં પસાર થઈ ગયાં. એક દિવસ એ બહેન મને એક મંદિરના ઓટલે ભૂલી ગયાં. ત્યાંથી પસાર થયેલા એક ભિખારીએ મને ઉઠાવી લીધી. તે પણ ચોમાસામાં અને ઉનાળામાં મારો ઉપયોગ કરવા લાગ્યો. મને એ બહેનનો સાથ ગુમાવ્યાનું ઘણું દુ:ખ હતું પણ મને એક ગરીબ ભિખારીની સેવા કરવાની તક મળી હતી. તેથી મને આનંદ પણ હતો.
હવે તો હું ખૂબ જૂની થઈ ગઈ છું. મારો રંગ ફિક્કો પડી ગયો છે. મારું કપડું પણ એક-બે જગ્યાએથી ફાટી ગયું છે. મારા થોડાક સળિયા પણ છૂટા પડી ગયા છે. બિચારા ભિખારીની પાસે મારું સમારકામ કરાવવાના પૈસા નથી. આમ છતાં, હું તેની સેવા કરી રહી છું. જોકે મારામાં હવે પહેલાં જેવો આનંદ અને ઉત્સાહ રહ્યાં નથી. હું મારા અંતિમ દિવસની પ્રતીક્ષામાં મારા દુઃખના આ દિવસો પસાર કરી રહી છું.