એક ઘડિયાળની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક ઘડિયાળની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
મારો જન્મ આજથી દસ વર્ષ પહેલાં મોરબીના એક કારખાનામાં થયો હતો. એક કારીગરે મારાં જુદાં જુદાં અંગો જોડીને મને ઘડિયાળનું સુંદર રૂપ આપ્યું હતું. મારી સાથે મારી અનેક બહેનો હતી. અમારાં રૂપરંગ અને આકાર જુદાં જુદાં હતાં
એક દિવસ એક વેપારી અમારા કારખાનામાં આવ્યો. તેણે અમારાં રૂપરંગ અને આકાર જોઈને અમારી ખરીદી કરી. અમારા માલિકે અમને કાળજીપૂર્વક પેં કરાવીને એ વેપારીની દુકાને મોકલી આપી. બસમાંની આ અમારી પહેલી મુસાફરી હતી. મને બસમાં મુસાફરી કરવાની ખરેખર ઘણી મજા પડી.
વેપારીએ તેની દુકાનમાં અમને આકર્ષક રીતે ગોઠવી દીધી. અમારી હાજરીથી તેની દુકાનની શોભા વધી ગઈ. આ દુકાનમાં ઘણા ગ્રાહકો ઘડિયાળ ખરીદવા આવતા હતા. તે બધાને જોતી. તેઓ અમારામાંથી કોઈ પણ એકને ખરીદીને લઈ જતા. મારી કિંમત જરા વધારે હોવાથી તેઓ મને ખરીદતા નહિ.
એક દિવસ એક વિદ્યાર્થી તેના પિતાજી સાથે આ દુકાનમાં આવ્યો. મારા પર તેની નજર પડતાં જ હું તેને ગમી ગઈ. આથી મારી કિંમત વધુ હોવા છતાં તે મને ખરીદીને પોતાની સાથે લઈ ગયો. તેણે મને તેના અભ્યાસખંડની દીવાલ પર લટકાવી લીધી.
તે મને જોઈજોઈને ઘણો ખુશ થતો. તેણે તેના અભ્યાસ અને બીજી પ્રવૃત્તિઓ માટેનું સમયપત્રક બનાવ્યું હતું. મારા આગમનથી તેની દરેક પ્રવૃત્તિમાં તે નિયમિત થઈ ગયો. હું પણ તેને ઘણી વફાદાર હતી. હું હંમેશાં તેને સાચો સમય જ બતાવતી. સમયની બાબતમાં હું પૂરેપૂરી ચોક્સાઈ રાખતી. આથી તેના ઘરના બધા લોકો મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખતા. તેમના ઘરમાં મારી બીજી બહેનો પણ હતી. એ બધાનો સમય મારા સમય મુજબ મેળવવામાં આવતો.
આમ, સુખ-સાહેબીમાં દસ વર્ષ જોતજોતામાં પસાર થઈ ગયાં. મને મારાં રૂપરંગ અને વફાદારીનું અભિમાન હતું. પરંતુ મારું એ અભિમાન લાંબો સમય ટક્યું નહિ.
એક દિવસ એ ઘ૨માં મહેમાન આવ્યા હતા. તેમનાં બે નાનાં બાળકોને દડો રમવાનો ઘણો શોખ હતો. તેઓ ઘરમાં દડો રમવા લાગ્યાં. રમતાં રમતાં તે મારા ઓરડામાં આવ્યાં. એક છોકરાએ ઉછાળેલો દડો મારી સાથે અથડાયો. હું ભીંત ઉપરથી નીચે પડી ગઈ. મારો કાચ અને કાંટા તૂટીને અલગ પડી ગયા. મારા પડવાનો અવાજ થતાં ઘરનાં બધાં માણસો ત્યાં દોડી આવ્યાં. મારી અવદશા જોઈને એ સૌને ઘણું દુ:ખ થયું. પરંતુ બાળકોને ઠપકો આપવાનો હવે કશો અર્થ ન હતો.
મારું સમારકામ કરાવવામાં આવ્યું. પરંતુ હવે હું પહેલાંની જેમ સાચો સમય બતાવી શકતી ન હતી. વળી મારો ચળકાટ પણ ઓછો થઈ ગયો હતો. આથી મને ઓરડામાંથી દૂર કરવામાં આવી. અત્યારે હું ભંગારમાં પડી છું. પરંતુ મને તેનો જરાયે અફસોસ નથી, કારણ કે ઘરનાં બાળકો મને ઘણી વાર અહીંથી ઉપાડી જાય છે અને મારી સાથે મોજથી રમે છે.