એક રૂપિયાની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023

એક રૂપિયાની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
મારો જન્મ મુંબઈની એક મોટી ટંકશાળમાં થયો હતો. તે વખતે મારું રૂપ ઊડીને આંખે વળગે એવું હતું. હું ચકચકિત હતો. ત્યાં મારા જેવા મારા અનેક ભાઈઓ પણ હતા. ટંકશાળમાંથી અમને બધાને ચોકીપહેરા હેઠળ એક મોટી બૅન્કમાં લઈ જવામાં આવ્યા.
બૅન્કમાં ગયા પછી જ મારી ખરી મુસાફરી શરૂ થઈ ગઈ. હું ઘણા લોકોના હાથમાંથી પસાર થયો. હું ઘણાં ઘર, દુકાન, ઑફિસ, મંદિર, ભિખારીની હથેળી અને નિશાળ વગેરે સ્થળો જોઈ આવ્યો છું. હું ઘણાંને મળ્યો છું. હું દેશનાં ઘણાં ગામડાં અને શહેરોમાં ફર્યો છું. હું શેઠને મળ્યો છું અને ચોરડાકુને પણ મળ્યો છું. બધાંએ મને ખૂબ સાચવ્યો છે. કોઈ બાળકને મળતાં હું ઘણો હરખાયો છું. મને જોઈને બાળકો પણ હરખાતાં હતાં. લોકો બધી વસ્તુઓની કિંમત મારા વડે જ નક્કી કરે છે.
ઘણી જગ્યાએ ફર્યો હોવા છતાં હું જરાય થાક્યો નથી. હા, મારા દેહને થોડો ઘસારો જરૂર પહોંચ્યો છે. હવે મારો ચળકાટ પહેલાંના જેવો રહ્યો નથી. મારો રણકાર પણ સહેજ બદલાઈ ગયો છે. પરિણામે લોકો હવે મારી તરફ થોડીક શંકાની નજરે પણ જુએ છે. લોકો મને સ્વીકારતાં પહેલાં હવે ચકાસી જુએ છે. પહેલા કરતાં મારાં માનપાન ઓછાં થઈ ગયાં છે. એક સમયે હું ટોસ ઉછાળવાની વિધિ માટે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રાહુલ દ્રવિડના હાથમાં પહોંચી ગયો હતો. એવો તો મારો વટ હતો!
હવે હું ફરી ફરીને કંટાળી ગયો છું. કોઈ મને ભઠ્ઠીમાં ગાળી નવું રૂપ આપે એની જ રાહ જોઈ રહ્યો છું.