જાણો ક્યારથી પાટા પર દોડશે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન? રેલવે મંત્રીએ આપી જાણકારી
By-Gujju20-03-2024
જાણો ક્યારથી પાટા પર દોડશે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન? રેલવે મંત્રીએ આપી જાણકારી
By Gujju20-03-2024
ભારતીયો દેશમાં પાટા પર બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની રાહ જોઇ રહ્યો છે. સૌથી પહેલા રૂટને લઇ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યુ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2026માં પાટા પર દોડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં તૈયાર થશે અને સુરતના એક સેક્સન પર દોડશે. તેમણે કહ્યું કે સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને દરિયાઈ ટનલ પર કામ શરૂ થઈ ગયું છે. આ ટનલ દ્વારા ટ્રેન થાણેથી મુંબઈ પહોંચશે. રેલવે મંત્રીએ મુંબઈ-અમદાવાદ ‘બુલેટ ટ્રેન’ કોરિડોરનો વીડિયો શેર કર્યો છે.
આ ટ્રેન સમુદ્ર નીચેની સુરંગમાંથી થશે પસાર
બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને 7 પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ બાંધકામ પર સતત કામ કરી રહી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના અમલીકરણમાં જાપાન સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.
માત્ર 2 કલાકમાં 508 કિલોમીટરનું અંતર
અમદાવાદ-મુંબઈ કોરિડોર શરૂ થવાથી બંને શહેરો વચ્ચેના 508 કિલોમીટરના અંતર માટે મુસાફરીનો સમય ઘટીને માત્ર 2 કલાક થઈ જશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં 1.08 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે બનાવવામાં આવી રહેલા અત્યાધુનિક ટ્રેન પ્રોજેક્ટની કેટલીક વિશેષતાઓની ચર્ચા કરવામાં આવી છે. આ રૂટ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. કોરિડોરમાં સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે, એક એવી ટેક્નોલોજી કે જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે.