Thursday, 30 May, 2024

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

28 Views
Share :
શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

28 Views

હિમાલયે તું કેદારમ્‌

સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના માટે બ્રહ્માનાં રૂપમાં બ્રહ્મત્વ પ્રાપ્ત કરી સૃષ્ટિ નિર્માણનો શુભારંભ થયો હતો અને ત્યારથી જ આ કેદારખંડ મારું ચિર નિવાસ એવમ્‌ ભૂ-સ્વર્ગસમાન બની રહ્યું છે.’

સંપૂર્ણ હિમાલય પાંચ ખંડમાં વિભક્ત છે, જેમાં કેદારખંડની મહિમા સહુથી અધિક છે. કવિ કાલિદાસે પણ ‘અસ્ત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા’ કહી આ ઉત્તર દિશાને જ દેવતાનું નામ દીધું છે – મહાભારતમાં પણ આ સમગ્ર ખંડમાં મંદાકિની, અલકનંદા એવમ્‌ સરસ્વતી નદીઓનો ઉલ્લેખ મળે છે જે અહીંથી જ વહેતી અને પ્રયાગ રચતી હતી તેમ જણાવાયું છે.

‘કેદાર’નો સાદો અર્થ કળણ થાય છે. આ દળ-દળ ભૂમિનો અધિપતિ શિવજી છે અને તેથી જ ‘દળ-દળનાં અધિપતિ’ પરથી આ સ્થાન ‘કેદારનાથ’ કહેવાય છે. અહીં સત્યયુગમાં એક કેદાર નામે તપસ્વી રાજાની પણ લોકશ્રુતિ છે.

કેદાર ખંડનું માહાત્મ્ય રસપ્રદ છે. દ્વાપરયુગમાં મહાભારતનાં યુદ્ધ બાદ પાંડવો પ્રાયશ્ચિત ભાવ સાથે ગ્લાનિસભર દુઃખી બની વિચરતા હતા. વેદ વ્યાસજીનાં પરામર્શ બાદ પાંડવો યુદ્ધ દરમ્યાન થયેલી ગોત્ર-હત્યાનાં નિવારણ માટે ભગવાન શંકરનાં દર્શનાર્થે અહીં ઉત્તરાખંડ આવી પહોંચ્યા, જેથી પોતાની આ હત્યાનાં પાપમાંથી મુક્તિ પામી શકે. પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા માટે ઉત્સુક ન હતાં, તેથી તેઓ ગુપ્ત-કાશી નિવાસ કરવા લાગ્યાં – જ્યારે પાંડવોને જાણ થઈ તો તેઓ પણ ગુપ્ત કાશી પહોંચ્યા, તો શિવજી કોઈ ગુપ્ત સ્થળેથી અહીંથી કેદારનાથ પહોંચી ગયા, પાંડવો પણ તેમનો પીછો કરતાં અહીં સુધી આવી પહોંચ્યા.

શિવજીને લાગ્યું કે હવે આ કળણ ભૂમિમાં વધુ સમય ગુપ્ત નહીં રહી શકાય, તેથી તેઓ ‘‘મહિષ’’ પાડાનું રૂપ ધારણ કરી વિચરવા લાગ્યા. એક દિવસ આ મહિષને જોઈ ભીમ તુરત જ પામી ગયા કે… શિવજી મહિષનાં રૂપે ચરી રહ્યાં છે.

તેઓએ તુરત જ તેનો પીછો કર્યો. મહિષ આ દરમ્યાન ભારી કાયનાં કારણે દોડાદોડીમાં કળણમાં ફસાઈને ગરક થવા લાગ્યા. મહાકાય ભીમે તુરત જ આ ભૂમિમાં ગરક થતાં સાક્ષાત મહિષ સ્વરૂપ શિવજીની પૂંછ પકડી લીધી…

પરંતુ તે દરમ્યાન તો તેઓ લગભગ ખૂંપી ગયા હતા અને તેઓની વિશાળકાય – પીઠ જ ભૂમિ ઉપર રહી ગઈ હતી. ભીમે અહીં અત્યંત ભાવપૂર્વક આપ્રસ્વરે શિવજીની સ્તુતિ કરી ભૂમિગત નહીં થવા પ્રાર્થના કરવા લાગી તો ભોળા શિવજી રીઝીને પ્રસન્ન થયા, અને પાંડવોનાં કારણે સ્વયં આ પીઠ-સ્વરૂપે ત્યાં જ સ્થાઈ થઈ ગયા.

ત્યારે નિરભ્ર આકાશેથી આકાશવાણી થઈ કે, ‘‘પાંડવો મારા આ જ રૂપની પૂજા કરવાથી તમારાં દુઃખ દર્દ એવમ્‌ મનોરથ પૂર્ણ થશે.’’ ત્યારબાદ સર્વ પાંડવોએ શિવજીનાં મહિષ પૃષ્ઠભાગની પૂજા કરી અને ગોત્ર-હત્યાથી મુક્તિ પામ્યા…

ત્યારબાદ તેઓએ સ્વયં અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી શિવજીને સ્થાપ્યાં, જે જ્યોતિર્લિંગ તરીકે પૂજાયા…

આ જ્યોતિર્લિંગની અન્ય એક કથા એવી પણ છે કે હિમાલયના કેદાર શ્રુંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. એમની તપસ્યાથી પ્રસન્ન થઇ ભગવાન શંકર પ્રગટ થયા અને એમની પ્રાથના અનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું.

કાળક્રમે આધગુરૂ શંકરાચાર્યજીએ અહીં પૂજા-અર્ચના એવમ્‌ અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડનાં આ અતિ ભવ્ય મંદિરનું પુનઃ નિર્માણ-સ્થાપન કરી આ કેદારનાથને મહત્વનું સ્થાન ગણાવી તેને પ્રસિદ્ધ કર્યું.

આ મંદિરની વિશેષ વાસ્તુ શિલ્પ શૈલી એવમ્‌ તેનું ઉન્નત સ્થાન તેનાં માહાત્મ્યમાં વૃદ્ધિ કરનાર છે.

આ ભવ્ય મંદિર લગભગ ૮૦ ફુટ ઉંચુ છે. સ્થાનીય ભૂખરા વિશાળ પથ્થરોને કોતરીને આ મંદિર ભવન નિર્માણ પામ્યું છે, જેથી તે અતિ પ્રાચીન, ભવ્ય અને કોઈ તપસ્વીસમુ ભાસે છે. મંદિરનાં આગળનાં ભાગ પર ગ્રીક શૈલી જેવો ધાતુનો ત્રિકોણ ધ્યાન ખેંચે છે, મંદિરનું સ્વરૂપ ચતુષ્કોણાત્મક છે. પથ્થરોનાં સ્તંભો પર કાષ્ઠનાં માળખા પર તાંબાની ધાતુ સજાવી છે, એવમ્‌ શિખર પર સહુથી ઉન્નત તાંબાનો કળશ છે જે સુવર્ણ મંડિત છે. મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન શિવજી સ્વયં ભૂ-જ્યોતિલિંગ રૂપે બૃહદશિલાનાં રૂપમાં મહિષનાં પૃષ્ઠ ભાગનાં આકારે બિરાજમાન છે. ગર્ભગૃહનાં બાહરી ભાગને જગમોહન કહે છે જેમાં પાર્વતીજીની પથ્થરની સુંદર મૂર્તિ છે. અહીંથી બહારનાં ભાગને સભામંડપ કહે છે જેના પાષાણ સ્થંભ પર પાંચ પાંડવો એવમ્‌ શ્રીકૃષ્ણ તથા માતા કુતીંની પાષાણની પૂર્ણ પ્રતિમાઓ કંડારાયેલી છે. અને મંદિર બહાર વિશાળ કાય પાષણનો નન્દી છે.

તેના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે “ઇન્ટરલોક”થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પુરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પુરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયુ હતુ. મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં જે નવા બાંધકામો અત્યાર સુધીમાં થયા હતા તે નામશેષ થઇ ગયા હતા.

આ કેદારનાથ મંદિરમાં શિવજીની સર્વ પૂજાઓ યાત્રીઓ જ્યોતિલિંગ પાસે બેસીને કરી શકે તેવી વ્યવસ્થા છે. અહીં સંપૂર્ણ રાત્રિ દરમ્યાન પૂજા-અર્ચના થતી રહે છે જેમાં યાત્રીઓએ મંદિર-કમિટિની ઓફિસમાં નામ નોંધાવી પોતાની પૂજાનો સમય અગાઉથી આરક્ષિત કરવાનો રહે છે.

અહીં શિવજીનાં લિંગ પર ઘી ચોપડવાનું માહાત્મ્ય છે, તેમજ તેને સ્પર્શીને બાથ ભીડી શકાય છે.

કેદારનાથના સંપૂર્ણ વાતાવરણનો અનુભવ તેમજ અહીં થતાં શ્લોકોચ્ચાર ધ્વનિ, ઘંટનાદ તેમજ મંદિરની પશ્ચાદભૂનો સુમેસ પર્વતી ઘણો દિવ્ય દ્રશ્યમાન થાય છે. આ એ જ પર્વતીય માર્ગ છે જે માર્ગે પાંચેય પાંડવોએ હિમાલે જવા પ્રયાણ કર્યું હતું, તેવો વિચાર આવતાં જ યાત્રીઓ શ્રધ્ધા સભવ ભાવુક બની નતમસ્તક બની જાય છે.

મંદિરની પાછળ આદિગુરૂ શંકરાચાર્યજીનું સમાધિ સ્થળ છે. કહેવાય છે કે ભારત વર્ષના ચાર ધામ સ્થાપીને એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિગુરૂ શંકરાચાર્ય માત્ર ૩૨ વર્ષની યુવા વયે અહીં પધારીને સમાધિસ્થ થયા હતા.

કેદારનાથ મંદિરથી લગભગ દોઢ કિ.મી.નાં અંતરે એક પ્રાકૃતિક તળાવ છે જેને ચોરાબારી તાલ કહે છે, આ તળાવ હવે તો જોકે ગાંધી સરોવરથી વધુ જાણીતું છે, કારણ ગાંધીજીનાં અસ્થિપુલને આ તળાવમાં પધરાવવામાં આવ્યા હતાં. અહીંથી ૧૨ કિ.મી. દૂર નંદાકિની નદીનું ઉદ્‌ગમ્‌ સ્થળ છે.

કેદારનાથ મંદિરથી અડધા કિ.મી.ના અંતરે ભૈરવમંદિર છે, આ મંદિરનું વિશેષ મહત્વ એટલે કે અખાત્રીજનાં શુભ દિવસે કેદારનાથનાં દ્વાર ખુલતાં જ અહીં વિશેષ પૂજા-અર્ચના થાય છે.

ભૈરવમંદિર

કહેવાય છે કે આ દિવસથી ભાઈબીજ સુધીનાં પૂર્ણ સમય દરમ્યાન કેદારનાથ ક્ષેત્રની રક્ષા સ્વયં આ ભૈરવનાથ કરે છે.

ૠષિકેશથી કેદારનાથ કુલ ૨૨૮ કિ.મી. દૂર છે, ૠષિકેશથી ગૌરીકુંડ ૨૧૪ કિ.મી. સુધી મોટર માર્ગ છે, ત્યારબાદ ગૌરીકુંડથી કેદારનાથ ૧૪ કિ.મી.ની પૈદલ યાત્રા છે. અહીં ડોલી-ખચ્ચર-પીઠ્ઠુ મળી રહે છે તેથી યાત્રીઓની સુવિધાનુસાર યાત્રા થઈ શકે છે. ૠષિકેશથી દેવપ્રયાગ શ્રીનગર, રૂદ્રપ્રયાણ એવમ્‌ ગુપ્તકાશીનાં રસ્તે ગૌરીકુંડ સુધી મોટરમાર્ગ અત્યંત રમણીય અને નયનરમ્ય હિમાલય દર્શનથી સભર છે.

ગૌરીકુંડ પર રાત્રિ નિવાસ માટે હોટલ્સ તેમજ ધર્મશાળા ઉપલબ્ધ છે. માર્ગમાં ગુપ્તકાશી સ્થળ પણ અત્યંત પ્રાકૃતિક સૌંદર્યથી સભર છે. કેદારનાથ સુધી પધાર્યા પહેલા કહે છે શિવજી અહીં થોડો સમય રોકાયા હતાં.

આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે. કહે છે અહીં ગંગા-યમુનાનો પ્રયાગ છે. અહીં નજીકમાં ઉખીમઠ છે જ્યાં અર્ધનારેશ્વર અને વિશ્વનાથનાં મંદિર ઉપરાંત સ્તુપ છે.

આ એજ ઉખીમઠ છે જ્યાં કેદારનાથનાં દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા-અર્ચના થાય છે – ગુપ્તકાશી નગરમાં રહેવાની સગવડો પ્રાપ્ત છે, અહીં ચારધામ કેમ્પનાં આધુનિક ટેન્ટમાં રહેવાનો રોમાંચ માણવો હોય તો યાત્રાળુઓ અહીં રોકાઈ શકે છે. ગુપ્તકાશીથી ગૌરીકુંડ માંડ ૪૦ કિ.મી. દૂર છે.

‘‘પંચ કેદારાય નમઃ’’

ઉત્તરાખંડની યાત્રામાં પંચ-પ્રયાગ તેમજ પંચ-બદરીની માફક પંચ-કેદારનું મહત્વ અધિક છે.

આ પંચકેદાર ક્ષેત્રમાં અલકનંદાની પશ્ચિમનો સમગ્ર ખંડ સમાવિષ્ટ છે. હિમાલયનાં બરફથી આચ્છાદિત ઉત્તુગ શિખરોની મધ્યે આ ભૂખંડ આવેલો છે. વિભિન્ન પાંચ પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરનાં પાંચ અંગોની પૂજા-અર્ચના થાય છે.

આ સમગ્ર પ્રદેશ અત્યંત રોમાંચક, શાંત, આધ્યાત્મિક તેમજ યાત્રાળુઓની સાથોસાથ સહેલાણીઓને પણ આકર્ષિત કરે તેવો નયનરમ્ય છે. પાંચેય કેદારનાં પ્રત્યેક સ્થાન પ્રાકૃતિક સંપદાથી સભર છે.

આ પાંચ કેદાર અનુક્રમે શ્રી કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, રૂદ્રનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણ પ્રસિદ્ધ છે, આ સમગ્ર પંચકેદારનો થોક કેદારખંડનાં સ્કન્ધ પુરાણમાં છે.

કેદાર મધ્યમ તુંગ રૂદ્ર કલ્પેશ્વર પ્રિયતમ્‌ |
પંચકેદારકઃ નિત્ય સ્મરેત્પાતક નાશનમ્‌ ||

જાણે ‘‘દ્વાદશ જ્યોર્તિલિંગ’’ શ્લોકનો જ અહીં ભાવ છે. પંચકેદારને જો પ્રાતઃ સ્મરણ કરવામાં આવે તો મનુષ્યનાં તમામ કષ્ટનો નાશ થાય છે.

પ્રથમ કેદાર કલ્પેશ્વરને માનવામાં આવે છે કારણ અહીં કલ્પેશ્વરમાં ભગવાન શંકરની જટાની પૂજા થાય છે.

જટામૌલિનાં રૂપમાં રૂદ્રનાથમાં ભગવાન શંકરનાં મુખારવિંદની પૂજા થાય છે. તુંગનાથમાં બે મહાબાહૂની, તથા મધ્ય-મહેશ્વરમાં મધ્ય નાભિ પ્રદેશની તેમજ કેદારનાથમાં ભગવાનનાં પૃષ્ઠ પ્રદેશની પૂજા-અર્ચના થાય છે.

શ્રી કેદારનાથ પંચકેદારમાં પ્રાધ્યાન્ય સ્થાને છે.

જય હો કેદારનાથ ભગવાન કી ….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *