Sunday, 22 December, 2024

બકોર પટેલ નો પાપડિયો જંગ

152 Views
Share :
બકોર પટેલ નો પાપડિયો જંગ

બકોર પટેલ નો પાપડિયો જંગ

152 Views

જમવા માટે શકરી પટલાણીએ પાટલા ઢાળ્યા. આજે જ તેમણે પાપડ બનાવ્યા હતા. ખૂબ હોંશથી બનાવેલા. તેથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયાં હતાં. થાળી પીરસીને એક બાજુ રકાબીમાં બે પાપડ મૂક્યા.

બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા : ‘ઓહોહોહોહો ! આજે તો પાપડમ્ વણી નાખ્યામ્ ને કંઈ !’

‘શું કરું ત્યારે ?’ શકરી પટલાણીએ જવાબ આપ્યો,
‘રોજરોજ તમે બબડોકે પાપડમ્ તૈયાર નહિ થાય, તો સાપડમ્ (ભોજન) કરવાનો નથી જ ! તેથી આજે બપોરે બેચાર બહેનપણીને બોલાવી તાબડતોબ વણી નાંખ્યા !’

‘પણ મને તો રાખ્યો અંધારામાં ! તમે બૈરાં માળાં બહુ પાક્કાં !’ પટેલ તાજેતરમાં મદ્રાસની મુસાફરી કરી આવેલા. ત્યાંની તામિલ ભાષામાં પાપડને ‘પાપડમ્’ કહે અને ભોજનને ‘સાપડમ્’ ત્યારથી ગમ્મતમાં પટેલ જ્યારે ને ત્યારે તામિલ ભાષાના એ શબ્દો વાપરી વારે વારે પાપડમ્ સાપડમ્ લગાવ્યા કરતા.

બકોર પટેલ પાપડના બડા શોખીન. હાલ બે’ક મહિનાથી પાપડ ખાધેલા નહિ, તેથી સૌ પ્રથમ તેમણે પાપડનો જ કટકો ભાંગીને મોંમાં દાબ્યો. થોડોક ચાવ્યો ન ચાવ્યો ત્યાં તો મોટેથી હસવા લાગ્યા : ‘હોહોહોહો ! હીહીહી ! હુહુહુહુહુ !’ શકરી પટલાણી તો આભાં જ બની ગયાં ! તેમને કંઈ જ સમજ ના પડી !
‘કેમ કેમ કેમ ? શું થયું, શું થયું ? આટલું બધું હસો છો કેમ ?’

હસતાં હસતાં જ પટેલે જવાબ આપ્યો, ‘કેમ ના હસું ? આ તેં બનાવ્યું છે શું ? પાપડ કે તાપડ ? તદ્દન તાપડા જેવા પાપડ છે ! બિલકુલ તાપડા ! આબાદ તાપડા ! અચૂક તાપડા !’

‘બહુ પાતળા વણવાથી શેકતાં શેકતાં બળી જતા. તેથી આ વખતે જરા જાડા વણ્યા. પણ સ્વાદમાં કેવા છે ? તે વાત કરો ને……’

‘તદ્દન ફુઉઉસ જેવા ! આવા તે હોતા હશે પાપડ ? આવડ્યા જ નહિ તને પાપડ કરતાં ! આવડતા જ નથી. પાપડ તો આમ…. કેવા હોય ! ફાંકડા ! લહેજતદાર ! તમતમાટ ! ધમધમાટ ! ભમભમાટ !’

શકરી પટલાણી જરા ચિડાઈ ગયાં.
બોલ્યાં : ‘ઓહોહોહોહો ! પાપડ ખાનાર દીઠા ન હોય તો ! લોકો કરતાં તો ઘણા સારા બનાવું છું હું તો. તમારામાં બહુ આવડત હોય તો એકવાર પાપડ બનાવી તો બતાવો ! આવા ય તો બનાવી આપો !’

‘એ એમ? જોવું છે ?’

‘હા ! હા ! હા ! જોવું છે. સત્તર વાર જોવું છે. જોઉં તો ખરી, કે તમને કેવુંક પાપડ બનાવતાં આવડે છે ?’

‘તો લાગી ! લાગી ! જા ! ઝીલી લઉં છું તારો પડકાર. તક મળતાં જ પાપડ બનાવીને ખવડાવું ત્યારે હું બકોર પટેલ ખરો. એવા તો ફાંકડા બનાવું કે ચાખીને તારો રોલો ઊતરી જાય. મગજની રાઈ પણ ઊતરી જાય. ખુશ ખુશ થઈ જઈશ ! આમ મોં બગાડવું નહિ પડે !’ થઈ ચૂક્યું ! બકોર પટેલ અને શકરી પટલાણી વચ્ચે પાપડિયા જંગનો પડકાર ફેંકાઈ ગયો ! પટેલે ઝીલી લીધો ! ને પછી તેઓ યોગ્ય તકની રાહ જોવા લાગ્યા. બરાબર લાગ મળવો જોઈએ ને ?

એક દિવસ એ લાગ મળી ય ગયો.
શકરી પટલાણીની એક ખાસ બહેનપણીને ત્યાં લગ્ન હતાં. તેથી સાંજે તેને ત્યાં જવાનું ને બીજો આખો દિવસ અને રાત પણ ત્યાં રોકાવાનું હતું. પટલાણીની આ લાંબી ગેરહાજરીનો બકોર પટેલે લાભ લીધો. કામવાળી બાઈ ખુશાલડોશી પાસે તેમણે પાપડનો લોટ બંધાવી રાખ્યો. ગૂંદવાનું બાકી રાખ્યું. પછી મિત્રમંડળને નોતરાં દેવા નીકળ્યા. સૌથી પહેલાં વાઘજીભાઈને ત્યાં ગયા. કહ્યું :

‘વકીલસાહેબ, બહુ ઉતાવળમાં છું, ઝાઝું થોભી શકાય તેમ નથી પણ કાલે સાંજે ચાર વાગે જરૂર જરૂર જરૂર મારે ત્યાં આવજો. તમારું અંગત અને બહુ ખાનગી કામ છે.’

‘શું કામ છે ?’ એવી કંઈ કચ કચ વાઘજીભાઈ કરે, તે પહેલાં તો પટેલ હાથ હલાવતા બહાર નીકળી ગયા. આવી જ રીતે કશો પણ ફોડ પાડ્યા વિના ટીમુ પંડિત, હાથીશંકર અને ડૉ. ઊંટડિયાને ત્યાં નોતરું દઈ આવ્યા. કામ શું છે તે કોઈને જણાવ્યું નહિ.

બીજો દિવસ થયો.
પાપડ વણવા માટે આડણીવેલણ જોઈએ. ખુશાલડોશીને મોકલી પટેલે આડોશપડોશમાંથી ચાર પાંચ આડણી વેલણ મંગાવી રાખ્યાં. બે કિલો આઈસક્રીમ મંગાવીને ફ્રીઝમાં મુકાવી રાખ્યો. તેમનો વિચાર પોતાના મિત્રમંડળ પાસે પાપડ વણાવવાનો હતો ! મનમાં એવું, કે પટલાણી પોતાની સખીઓને પાપડ વણવા બોલાવે, તો હું મારા સખાઓને પાપડ વણવા કેમ ના બોલાવું ?…..

પટેલે માત્ર એક કિલો લોટ બંધાવેલો. એટલા પાપડ વણવામાં વાર કેટલી ? પણ હા, પાપડ વણવાના છે, તેવું કોઈને અગાઉથી કહેલું નહિ. જરા પણ ઈશારો કરેલો નહિ. આખરે ચાર વાગ્યા. સૌથી પહેલાં ડોલતા ડોલતા ટીમુ પંડિત આવી પહોંચ્યા. બહારથી જ તેમનો ઘાંટો સંભળાયો. તેમણે લલકાર્યું :

પ્રભાતે મગસો મોદક,
આરોગે જે માનવી;
બળબુદ્ધિ ને વધે કાન્તિ,
એવં ચરકઃ ઉચ્યતે….

પંડિતજીની પાછળ પાછળ વાઘજીભાઈ આવી પહોંચ્યા. થોડીવારે ડૉક્ટર ઉંટડિયા પણ પધાર્યા. ચાર જણ એકઠા થયા એટલે ખુશાલડોશી બધાને માટે આઈસ્ક્રીમની પ્લેટો લાવી. બધાએ તે આરોગવા માંડ્યું, એટલે બકોર પટેલે ઊભા થઈ ભાષણ આપવા માંડ્યું :
‘પ્રિય મિત્રો ! આજના શુભ દિને આપ સૌ ટેસથી આઈસ્ક્રીમ આરોગો.’

‘શાનો શુભ દિન છે ?’ ટીમુ પંડિતે ભવાં ચડાવી પૂછ્યું, ‘વહેલું કહ્યું હોત તો હું આવીને ધાર્મિક વિધિ કરાવત.’
‘વિધિ તો તમારી પાસે કરાવાની જ છે.’ પટેલ બોલ્યા, ‘આપ સૌ આઈસ્ક્રીમ સારી પેઠે આરોગતા જાઓ. ત્યાં હું આજના શુભ દિનની વાત કરું.’ બધા ચમચી વડે આઈસ્ક્રીમ ઉડાવવા મંડ્યા તથા ધ્યાનથી સાંભળવા લાગ્યા.

‘મિત્રો, માળાં બૈરાઓનું અભિમાન બહુ વધી ગયું છે. કહે છે, એમના જેવી વાનગીઓ આપણે મરદ લોકો બનાવી શકીએ નહિ. મારી અને પટલાણી વચ્ચે પાપડ બાબતે ચકમક ઝરી છે. મેં પડકાર ઝીલી લીધો છે. તેથી મિત્રો, આઈસ્ક્રીમ પૂરું કરીને આપણે થોડાક પાપડ વણવાના છે ! પૂરતાં આડણીવેલણ તૈયાર છે !’ સૌનું ધ્યાન આડણીવેલણની ચાર જોડી ઉપર પડ્યું ને સૌ ખડખડાટ હસી પડ્યા.

પટેલે જરા વિસ્તારથી પાપડિયા જંગની વિગત સમજાવી દીધી. શકરી પટલાણી આજે આવવાનાં નથી, તેવું પણ જણાવી દીધું.

હવે ?
બધાને નવાઈ લાગી; પણ પટેલ સાથે સૌને દોસ્તી, કાયમ હસવાનું મળે એટલે કોઈને વાંધો નહોતો. લોટ મશાલો બગડે તો ય શું થઈ ગયું ? ઝોકાવો ભઈલા, પાપડિયા જંગમાં, યાહોમ !….. બધાએ બાંયો ચઢાવી વેલણ આડણી લીધા, અને પાપડની કણકના લચકા લઈ લઈ આડણી પર મૂક્યા. ટીમુ પંડિત કહે :

‘ચાલો ભઈલા, હવે હું એક બે ને ત્રણ બોલું છું. ત્રણ શબ્દ પડતાં જ સૌએ વેલણ મારવા માંડવું….’ ડૉ. ઉંટડિયા બોલ્યા : ‘વાહ વાહ ! ચલને દોજી ! લગાવો તમારી પાપડિયા હરાજી, પંડિતજી !’
‘એ એ એ એ ક
બે એ એ એ એ એ
ત્ર અ અ અ ણ……’
પણ ત્રણ શબ્દ પૂરો થાય ન થાય ત્યાં તો આંગણામાં બરાડો સંભળાયો :

‘ખબરદાર, સ્ટોપ ! હું આવ્યો છું, આવ્યો છું, આવ્યો છું….’ બધાએ ઊંચું જોયું તો બારણામાં શ્રીમાન હાથીશંકરજી. ફરી તે વદ્યા : ‘અલ્યાઓ , મારી હાજરી વિના કામ કેમ શરૂ કરો છો ? શું સમજો છો તમારા મનમાં…..?’ કહી હાથીશંકર ખડખડ હસ્યા. પછી પ્લેટો પર નજર પડવાથી કહે : ‘ને….ને… ક્યાં છે મારું આઈસ્ક્રીમ ?’

બકોર પટેલ બોલ્યા : ‘હાથીશંકરભાઈ તમારા વિના ગાડું ગબડે ખરું ? તમારે માટે ડબલ પ્લેટ રાખી મૂકી છે !’
‘ત્યારે થવા દો !’

ને ખુશાલડોશીએ હાથીશંકર માટે ખાસ રહેવા દીધેલી હિમાલય પ્લેટ તેમની પાસે લાવીને મૂકી. ચમચો પણ મોટો જ ને ! એ ચમચાથી આઈસ્ક્રીમનાં ગાબડે ગાબડાં લગાવતાં હાથીશંકર પૂછવા લાગ્યા : ‘પણ આખર બાત ક્યા હૈ ? મામલો શું છે ?’ પટેલે બધી હકીકત કહી, પોતે પાપડિયા જંગમાં ઉતર્યા છે, તે પણ જણાવ્યું. હાથીશંકરને એકદમ શૂરાતન વ્યાપી ગયું.

‘એમ બાબત છે ? તો પહેલાં તો કણકને હું બરાબર ગૂંદી આપું. જેમ કણક ગૂંદાય તેમ પાપડ એકદમ પોચા બને. લાવો ખાંડણી અને દસ્તો.’ પટેલને હાથીશંકરની વાત વ્યાજબી લાગી. પાપડની કણક ઉપર જેમ પુષ્કળ ઘા પડે, તેમ લોટ મુલાયમ બને. ખુશાલડોશીએ ખાંડણી ગોઠવી આપી. તેમાં પાપડની કણક મૂકી. હાથીશંકરે દસ્તો ઉપાડીને ઝીંકવા માંડ્યો :

‘હેઈસો ! હઈસ ! હેઈસો ! હેઈસો !’ હાથીશંકરની ફાંદ ઉછળવા માંડી. શ્વાસની ધમણ ચાલવા લાગી. નસકોરાં ફૂલવા માંડ્યા. પણ એક વખત એવો ભારે ઘા ઝીંકવા ગયા, કે પોતે જ ગલોટિયું ખાઈ ગયા !? પડ્યા હેઠા !
‘હાં ! હાં ! હાં ! હાં ! હાં !’ કરતા બકોર પટેલ તેમને ઊભા કરવા દોડ્યા. પણ પટેલનું એકલાનું શું ગજું ? તેમની મદદે ટીમુ પંડિત અને વાઘજીભાઈ આવ્યા. ત્રણેએ મળીને હાથીશંકરને ઉભા કર્યા.

‘બહુ પછડાટ લાગી છે ?’ પટેલે પૂછ્યું.

‘ના ના !’

ડૉ. ઊંટડિયા કહે : ‘ઘરમાં ટિંકચર છે કે નહિ ? એમને ટિંકચર આયોડિન ચોપડી દો. લાવો શીશી મારી પાસે. હું લગાડી આપું.’ પટેલે કબાટ ખોલી શીશી કાઢી. હાથીશંકર ના ના કહેતા રહ્યા અને ડૉક્ટર ઊંટડિયાએ તેમના શરીરે લપેડા કરી દીધા !

થોડી વાર બધાએ થાક ખાધો. પછી પટેલ કહેવા લાગ્યા : ‘હવે આપણે વાટા બનાવી લુઆ પાડીએ.’
‘એ વાટાફાટા આપણને ના આવડે !’ વાઘજીભાઈ હાથ ખંખેરીને બોલ્યા : ‘બાકી લુઆ પાડવા હોય તો સહેલી વાત છે. વાટાનું કામ આ પંડિતજીને સોંપો.’

‘ભલે. હું પ્રયત્ન કરી જોઉં. લાડવા મેં ઘણા વાળ્યા છે પણ વાટા કોઈ દિવસ પાડ્યા નથી. પણ આજે કરું અખતરો !’ ટીમુ પંડિત કણક લઈને બેઠા. તેઓ વાટા વાળવાનો પ્રયત્ન કરે. છતાં આદતના જોરે ગોળ ગોળ લાડવા જ વળાઈ જાય !

ડૉ. ઊંટડિયા હસી પડ્યા !
‘લાવો એ લાડવા !’ ડૉક્ટર બોલ્યા, ‘અમે વાટા પાડીએ.’ આખરે બધાએ જેમ તેમ કરીને વાટા પાડ્યા. મીણની દોરી વડે લુઆ પણ પાડ્યા. લુઆમાં ય ગોટાળો થઈ ગયો ! કોઈ લુઓ જાડો તો કોઈ વળી એકદમ પાતળો ! પણ છેવટે આ રીતે પાપડ વણવાની તૈયારી થઈ.

પટેલ કહે : ‘મિત્રો, પાછાં સંભાળી લ્યો સૌ સૌનાં આડણી અને વેલણ ! મારે માટે હું રસોડામાંથી લઈ આવું છું. ચાલો ત્યારે. આપણે સૌ ઝોકાવો.’

આમ એક બાજુ પટેલ અને વાઘજીભાઈ આડણી વેલણ લઈને ગોઠવાયા. બીજી બાજુ ટીમુ પંડિત અને ડૉ. ઊંટડિયા ગોઠવાયા. પ્રમુખસ્થાને હાથીશંકર બિરાજ્યા.

પાપડ વણવાનું શરૂ થયું.
લુઆ ઉપર વેલણ ફરવા માંડ્યાં !
પાપડિયા જંગનો આરંભ થઈ ચૂક્યો !

પાંચે પાંચ જણ પાપડ વણવા માંડ્યા. પણ એ બધા મહાનુભાવોએ કયે દહાડે પાપડ વણ્યા હોય ? વણતાં આવડે જ કેવી રીતે ? એટલે દરેકના પાપડે જાતજાતની આકૃતિનું રૂપ પકડવા માંડ્યું. કોઈના પાપડની આકૃતિ બંબાની સૂંઢ જેવી થવા લાગી ! કોઈની વળી ડોકવાળા જિરાફ જેવી ! કોઈના પાપડને છ બાજુ ખૂણા નીકળવા લાગ્યા ! તો કોઈનો પાપડ રબ્બરના ફુગ્ગા જેવો આકાર પકડવા લાગ્યો !

ડૉ. ઊંટડિયાએ કંટાળીને આડણી વેલણ આઘાં ધકેલ્યાં !

‘કેમ !’ બકોર પટેલે ચિંતાતુર ચહેરે પૂછ્યું.

‘આ આપણને ના પાલવે !’

‘શું ?’

‘આ વાંકાચૂંકું મોઢું કરે છે ! દવાખાનામાં દરદીને ઈંજેકશન આપું છું, ત્યારે તે આવું વાંકુંચૂંકું મોઢું કરે છે ! આ પાપડ જોઈને મારો દરદી યાદ આવે છે !’
બધાં હસી પડ્યાં !

પટેલે ધીરજ આપતાં કહ્યું : ‘ડૉક્ટર ! આગે બઢો ! જે ડગલું હિંમતથી ભર્યું, તે ભર્યું ! તેમાં પીછેહઠને અવકાશ જ ના હોય ! તમામ વાંકાચૂંકા પાપડ માટે મેં ઈલાજ તૈયાર રાખ્યો છે !’

‘શો ?’

પટેલે એક વાટકો અને ચપ્પુ બતાવ્યાં : ‘આ તેનો ઈલાજ !’
કોઈને સમજ પડી નહિ.

‘કેવી રીતે ?’ ડૉ. ઊંટડિયાએ પૂછ્યું.

‘આ રીતે !’ કહીને પટેલે એક વાંકાચૂંકા પાપડ ઉપર વાટકો ઊંધો પાડ્યો. પછી તેના ગોળાકારની આજુબાજુની વાંકીચૂંકી ધાર ચપ્પુથી કાપી નાંખી !

‘આફરીઈઈન !’ ડૉ. ઊંટડિયા બોલ્યા : ‘આમ તો બધા જ પાપડ આબાદ ગોળાકાર બનાવી શકાશે !’

ફરીથી બમણા ઉત્સાહથી સૌ પાપડ વણવા મંડી પડ્યા. ત્યાં દશબાર મિનિટ પછી અચાનક શકરી પટલાણીનો અવાજ સંભળાયો, ‘વાહ ! વાહ ! પાપડ વણવા તો મોટી ફોજ આવી પડી છે ને !’ શકરી પટલાણીને અચાનક આવી પડેલાં જોઈ સૌ ચમક્યા અને શરમાઈ ગયાં.

શકરી પટલાણી તો આજે આવવાનાં જ ન હતાં ! ટીમુ પંડિત તો શરમના માર્યા ધોતિયું ખંખેરીને સડાક દેતા ઊભા થઈ ગયા ! બકોર પટેલથી પૂછાઈ ગયું :
‘એકાએક ક્યાંથી તું ?’

પટલાણીએ હસીને જવાબ આપ્યો : ‘જરિયાન સાડી લેવા આવી છું ! કાલે ભૂલી ગયેલી. પણ આવી પહોંચી તો આ તમારા વજનદાર આબરૂદાર સખાઓ પાપડ વણતા જોવા મળ્યા !’ બધાનો વેશ જોઈ પટલાણી ખડખડાટ હસી પડ્યાં.

બકોર પટેલે મામલો સંભાળી લીધો.
‘વાંધો નહિ, મિત્રો ! પાપડનો લોટ પૂરો થવા આવ્યો છે. પડકાર આપણે બરાબર ઝીલી લીધો છે. પટલાણીને બતાવી આપ્યું છે કે તમારા કરતાં અમે કમ નથી !’

શકરી પટલાણી મલકાઈને બોલ્યાં : ‘અત્યારે તો ઉતાવળ છે એટલે જાઉં છું. કાલે પાપડ સૂકાશે ત્યારે ચાખીશ. લાડી પાડીનાં નીવડ્યે વખાણ !’ શકરી પટલાણીએ સાડીનું ખોખું હાથમાં લીધું. પછી હસતાં હસતાં વિદાય થયાં.

ખુશાલડોશી પાપડ સૂકવતાં જતાં હતાં. પછી તેમણે વધેલા આઈસ્ક્રીમની પ્લેટો ફરીથી ભરી. મિત્રમંડળે બીજીવાર આઈસ્ક્રીમ ઉડાવ્યો. પછી સૌ જવા તૈયાર થયા.

પટેલ કહે : ‘ખડે રહો !’

‘કેમ ? શું બાકી છે ? મગસની ગોટીઓ કાઢો છો ?’ ટીમુ પંડિતે સ્મિત કરી પૂછ્યું.
બકોર પટેલ હસી પડ્યા !

‘પંડિતજી !’ તેઓ બોલ્યા, ‘મગસની ગોટીનું તમારું દાપું તો હું વિસરી જ ગયો ! પહેલાં મગસ કાઢી લાવું.’

પંડિતજી જ્યારે પધારે ત્યારે મગસની એકાદ-બે ગોટીનો પ્રસાદ તો લે જ લે ! મગસની ગોટીનું ખોખું પટેલે દરેક જણ સામે ધર્યું. દરેકે પ્રસાદરૂપે એક એક ગોટી ઉઠાવીને મોંમાં મૂકી. પંડિતજીએ સીસકારો બોલાવી બે ઉઠાવી ! પછી પટેલ બોલ્યા : ‘મિત્રો, આપણમાં રિવાજ છે કે પાપડ વણવા આવનારી દરેક જણીને 5-10 પાપડ આપવા !’

‘પણ આપણે ‘વણનારી’ નથી ! ‘વણનારા’ છીએ !’ વકીલ વાઘજીભાઈએ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો !

‘ભલે !’ પટેલે જવાબ આપ્યો, ‘પણ એ રિવાજનો મારે ભંગ કરવો નથી. તમે દરેક જણ પાંચ પાંચ પાપડ લેતા જાઓ ! ખુશાલડોશી, પેલી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને પાંચ પાંચ પાપડ દરેક જણને આપો.’

ખુશાલડોશીએ ઝડપથી પેકેટ તૈયાર કર્યાં અને બધાને આપ્યાં.
સર્વે વિદાય થયા.

પટેલે આંખો મીંચીને ભગવાનને પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! અમે તૈયાર કરેલા પાપડ ‘ચાંગલા’ બનાવજે હોં !’

બીજો દિવસ થયો.
શકરી પટલાણી સવારમાં જ આવી પહોંચ્યાં. તેમનું ચિત્તેય પટેલ મંડળીએ વણેલા પાપડમાં હતું. સવારે જ ચા સાથે તેમણે બે-ત્રણ પાપડ શેક્યા. પટેલને પણ ચા સાથે એક પાપડ આપ્યો. ચા-બિસ્કિટની પેઠે ચા-પાપડ ! પટેલનું ધ્યાન તો શકરી પટલાણીના મોં તરફ જ. તેમને એમ થતું હતું કે પટલાણી ક્યારે પાપડ ચાખે અને ખુશ થઈ જાય !

પટલાણીએ પાપડ ખાધો કે લાગલું તેમનું મોં કટાણું થઈ ગયું ! પટેલ ગભરાયા ! શકરી પટલાણી બોલ્યાં : ‘ઊંહુંહુંહુંહું ! આ તે પાપડ કે સુદર્શન ચૂરણ ? કેટલા બધા કડવા છે ! આંખો મીંચીને હિંગ ઝીંકી લાગે છે !’
વાત સાચી. પટેલને હિંગના પ્રમાણની શી ખબર ? એ તો એટલું જ સમજેલા કે હિંગવાળા પાપડ ભારે સ્વાદિષ્ટ બને. પણ હિંગ વધારે ઝીંકાઈ જાય તો કડવા વખ જેવા થઈ જાય, તેની તેમને સમજ નહિ.

પટેલે પાપડ ચાખી જોયોને તરત ખાતરી થઈ ગઈ કે ઘાણ બગડ્યો છે ! પણ તેઓ કંઈ બોલે, તે પહેલાં ફોનની ઘંટડી રણકી. ભૂંગળું ઊપાડી પટેલે વાત શરૂ કરી :
‘હલ્લો ! કોણ ?’

‘હું વાઘજીભાઈ !’

‘ફરમાવો સાહેબ !’

‘શું ફરમાવું ? ચાખ્યા પેલા પાપડ ! અંદર માસાલાને બદલે સુદર્શન ચૂરણ નંખાઈ ગયું છે ? ખૂબ કડવા કેમ લાગે છે ?’

પટેલ હસીને બોલ્યા : ‘વકીલ સાહેબ ! જેનાં કામ તે કરે ! આપણે વળી પાપડ બનાવી શકવાના હતા ? અંદર હિંગ ડબલ પડી ગઈ ! હાથી શંકર અને બીજાને પણ પાપડ આવા જ લાગ્યા હશે !’

‘એ બધાના ટેલિફોન મારા ઉપર ક્યારના ય આવી ગયા ! બધાની એ જ ફરિયાદ ! કહે કે અમે પટેલ સાહેબને ફોન કરીએ તો ખોટું લગાડી બેસે ! બાકી પાપડ બનાવવા એ કંઈ ડાબા હાથનો ખેલ થોડો જ છે ?’

‘સાચી વાત. હમણાં જ હું પટલાણી પાસે હાર કબૂલી લઉં છું.’ આમ કહીને પટેલે ભૂંગળું મૂકી દીધું. પટલાણી પૂછવા લાગ્યા : ‘વાઘજીભાઈનો ફોન હતો ?’

‘હા.’

‘તમે પાપડ આપ્યા હશે ! ખુશાલડોશી મને કહેતાં હતાં ! કેવા લાગ્યા ?’

‘સુદર્શન ચૂરણ જેવા ! જો, આ કાનપટ્ટી પકડીને કબૂલ કરું છું કે આ પાપડ નહિ પણ થાપડ છે ! જેનાં કામ જે કરે ! બીજાં માથાં મારવા જાય તો ગબડેહેઠા ! મારે કહેવું જોઈએ કે મારા પાપડ કરતાં તારા પાપડ અનેક દરજ્જે સારા ! જંગે પાપડિયામાં હાર કબૂલ કરી લઉં છું – સોવાર, હજારવાર, લાખવાર !’

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *