Monday, 18 November, 2024

માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા અંબાજીમાં યોજાય છે ભાદરવી પૂનમનો મેળો

150 Views
Share :
ભાદરવી પૂનમનો મેળો

માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા અંબાજીમાં યોજાય છે ભાદરવી પૂનમનો મેળો

150 Views

‘બોલ માડી અંબે… જય જય અંબે’ મેળામાં ભાગ લેવા અંદાજે ૩૦ લાખ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવે છે : અંબાજી મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી : પવિત્ર ‘શ્રી વિસા યંત્ર’ ને અંબાજીના સ્‍વરૂપ તરીકે પૂજવામાં આવે છે : ખુલ્લી આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી : મેળામાં ૩૬ હંગામી આરોગ્‍ય કેન્‍દ્ર, ૧૫- ૧૦૮ સહિતની એમ્‍બ્‍યુલન્‍સ સેવા, રરર- જેટલા આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા આરોગ્‍ય વિષયક સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે : કુલ-૬૮૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ મેળા દરમ્‍યાન ફરજ બજાવશે : કુલ – ૩૦૨ સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્‍સ દ્વારા મોનીટરીંગની સિસ્‍ટમ ઉભી કરવામાં આવી

દેશના ૫૧ શક્‍તિપીઠોમાં જેનું સૌથી અગત્‍યનું સ્‍થાન છે તે શક્‍તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્‍તિના શક્‍તિપીઠમાં માં નું હૃદય વસે છે. જેના કારણે દર વર્ષે લાખો ભક્‍તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્‍વ છે. લોકો પગપાળા આવી માં અંબાના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. શક્‍તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા.

કેમ યોજાય છે શક્‍તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્‍વ ? ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્‍તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્‍વ એ જ છે કે નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્‍તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. જે ઉપરાંત અને પગપાળા લોકો ગરબો લઈ મા ના દ્વાર સુધી આવે છે. માં અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પરત કરવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્‍તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઇ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. ઉલ્લેખનીય છે કે, ‘અરાસુરી અંબાજી’ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર ‘શ્રી વિસા યંત્ર’ ને અંબાજીના સ્‍વરૂપ તરીકે પૂજવામાં આવે છે. ખુલ્લી આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. તેની પૂજા પણ પૂજારી આંખે પાટા બાંધી કરે છે. યંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે.

ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજયના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલ છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્‍તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્‍તિનો માના દર્શાનાર્થે આવે છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્‍તિ પણ મેળવે તે માટે રાજય સરકાર અથાગ પ્રયત્‍નો કરી મંદિરનો જીર્ણોધ્‍ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્‍તિપીઠ છે. ૫૧ શક્‍તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્‍તોની શ્રદ્ધાનું કેન્‍દ્ર છે. અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ૨૪૦-૨૦ ઉ અંક્ષાશ અને ૭૨૦-૫૧ રેખાંશ પર દરિયાઈ સપાટીથી ૧૬૦૦ ફુટની ઉંચાઈ પર આવેલ છે. જેની આજુબાજુ નજીકમાં આવેલ ગામોની થઈને વસ્‍તી આશરે ૨૦૦૦૦ જેટલી થાય છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને લગતા માલ સામાનના વ્‍યાપારની તથા માર્બલ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયેલ છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃહસ્‍પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્‍યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્‍યા ન હતા. પિતાના ત્‍યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્‍યાં પહોંચી ગયા. પિતાના ત્‍યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્‍યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્‍યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્‍ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્‍વી પર અંતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્‍થળો પર પડયા. આ સ્‍થળે એક એક શક્‍તિ તથા એક ભૈરવ ટચુકડા સ્‍વરૂપો ધારણ કરી સ્‍થિર થયા. તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્‍તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્‍યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્‍ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્‍થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્‍થાનકે જવારા વાવ્‍યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્‍થળ ગબ્‍બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્‍યાન માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્‍યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્‍યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્‍યા ત્‍યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્‍યું હતુ અને એ બાણથી જ રાવણનો નાશ થયાની માન્‍યતા છે. અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.

અંબાજીના વર્ણન સ્‍તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્‍ધ પરિસ્‍થિતી જોતા અત્‍યારનું સ્‍થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.

દર વર્ષે ભાદરવી પૂનમે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા અને જિલ્લા પ્રશાસન દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ભાગ લેવા અંદાજે ૩૦ લાખ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવે છે. ગુજરાતના દરેક ક્ષેત્રોમાંથી શ્રદ્ધાળુઓ જય અંબે ના નાદ સાથે ત્રિશૂળ, ધજાઓ વગેરે સાથે અંબાજી પગપાળા આવે છે. આ સમય દરમિયાન મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે. ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે મેળા દરમિયાન અંબાજી તરફના દરેક રોડ ઉપર ભક્‍તોનું ઘોડાપૂર જોવા મળે છે. લોકો આનદમાં અને ભક્‍તિની મસ્‍તિમાં સંઘ સાથે પગપાળા યાત્રા કરે છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો સંઘ લઈને આવે છે. એ સિવાય દેશના અન્‍ય વિસ્‍તારોમાંથી પણ ભાવિક ભક્‍તો માતાના દર્શને આવે છે. આ સમયે અરવલ્લીની ગિરિમાળાઓ ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠે છે. પગપાળા યાત્રીઓને સાથે બસમાં અને અનેક ખાનગી વાહનો મારફતે લાખો લોકો પણ મા અંબાના દર્શને પહોંચે છે. આ મેળા દરમિયાન ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસોની સગવડ કરવામાં આવે છે. એ સિવાય અનેક ટ્રાવેલ એજંસીઓની ખાનગી બસો પણ યાત્રાળુઓ માટે દોડે છે. ભાદરવી પૂનમના દિવસે ભરાતો મેળો એ અંબાજી શક્‍તિપીઠનો મોટામાં મોટો મેળો છે. આ મેળાને લાંબો પણ કહી શકાય. કારણ કે લગભગ એક અઠવાડિયા પહેલાથી જ ભાવિક ભક્‍તોનો ઘસારો શરૂ થઈ જાય છે. આ મેળા દરમિયાન મંદિરને વિશેષ રીતે રોશનીથી સજાવવામાં આવે છે. લાખોની સંખ્‍યામાં લોકો આ મેળામાં ભાગ લેતા હોવાથી મંદિર ટ્રસ્‍ટ અને સ્‍થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાનું વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. સેનાના જવાનો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે. ખાનગી વાહનો અને બસોને મંદિરથી દૂર પાર્ક કરાવવામાં આવે છે જેથી દર્શનાર્થીઓને અગવડ ન પડે. મંદિર પરિસરમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. ભક્‍તો લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી માતાના દર્શન માટે ઊભા રહે છે. ગુજરાતના મોટા મેળાઓ પૈકીનો ભાદરવી પૂનમનો મેળો ખરેખર ભક્‍તોની આસ્‍થાનું પ્રતિક છે.

આ રીતે સ્‍થપાયુ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ

સ્‍વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્‍ય ઉપાસક હતા. તેઓએ ઉચ્‍ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવેલ છે. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્‍વીરાજસિંહજી ગાદી પર આવ્‍યા તેમના શાસન દરમ્‍યાન ભારતે સ્‍વંતત્રતા પ્રાપત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્‍ડિયાના પ્રતિનિધિ તરીકે શ્રી વી.પી.મેનન, ભારત સરકારના સચિવશ્રી (મિનિસ્‍ટ્રી ઓફ સ્‍ટેટસ) અને દાતાના રાજવી શ્રી પૃથ્‍વીરાજસિંહજી વચ્‍ચે તા.૫-૮-૧૯૪૮ ના વિલિનીકરણ કરાર મુજબ દાતાનું રાજય ભારતના સંઘમા વિલિન થયું. દાતા રાજય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્‍થિત થતા શ્રી પૃથ્‍વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્‍કાલિક મિનીસ્‍ટર ઓફ સ્‍ટેટસ શ્રી એચ.ગોપાલ સ્‍વામી આયગર તથા યારબાદ ડો.કે.એન.કાન્‍જે તથા બાદમાં શ્રી વી.વિશ્વનાથન વચ્‍ચે ઘણો પત્ર વ્‍યવહાર થયો. છેવટે શ્રી પૃથ્‍વીરાજસિંહજી દ્વારા તા.૨૫-૫-૫૩ ના પત્ર ધ્‍વારા ભારતના રાષ્ટ્રપતિ શ્રીને આ બાબત નામ.સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્‍ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા ના.સુપ્રિમકોર્ટ પૃથ્‍વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાંત ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્‍યું. ત્‍યારબાદ રાજય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટની સ્‍થાપના કરવામાં આવી.

અંબાજી ભાદરવો મેળો : પગપાળા ભક્‍તોના ઘોડાપુર વચ્‍ચે ઠેર ઠેર સેવા કેમ્‍પોનો જમાવડો

બોલ મારી અંબે,. જય જય અંબેના જયઘોષ સાથે ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મેળાની શરૂઆત થઇ ચુકી છે. આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્‍યામાં માઇભક્‍તો પગપાળા ઉમટી પડ્‍યા છે સાથે જ અંબાજીના માર્ગો ઉપર મોટી માત્રામાં સેવા કેમ્‍પો પણ ચાલી રહ્યા છે. જે પગપાળા આવતા યાત્રિકોની સતત સેવા કરી રહ્યા છે. સમગ્ર રસ્‍તા ઉપર નાના મોટા અનેક સેવા કેમ્‍પો માઇભક્‍તોની સેવાર્થે સેવાર્થીઓ દ્વારા યોજવામાં આવ્‍યા છે જેનો મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ લાભ લઈ ધન્‍યતા અનુભવી રહ્યા છે.

ભાદરવા સુદ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતના ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી માં ના દરબારમાં માથું ટેકવીને ધન્‍યતાનો અનુભવ કરે છે. ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજીનું મહાત્‍મ્‍ય એકદમ અલગ જ જોવા મળે છે. આ દિવસોમાં એક જુદા જ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. ઉંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી અંબાજીના ભકતો ‘અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ*’, ઙ્કબોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા કરીને આગળ વધે છે. સાથે સાથે માના રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને માતાજીની સ્‍તુતિમાં ભાવવિભોર બનીને માના ભકતો, ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જયઘોષથી પોતાનો જુસ્‍સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે.

મા અંબા પ્રત્‍યે ગજબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભકતો ઉમંગ અને હોંશથી જોડાય છે. જેમાં દેશભરના ખુણે ખુણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્‍યા ઉત્તરોત્તર વધતી જાય છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કચ્‍છ-ભૂજ, રાજકોટ, મુંબઇ-નાગપુરથી પણ ઘણા સંઘો આવે છે. અંબાજી સુધીના માર્ગ પર પદયાત્રાળુઓનું દિવસ-રાત અવિરત પ્રયાણ જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ સહિત રાજયભરમાંથી કોઇ સંઘ સાથે તો કોઇ ગામના સમૂહ સાથે, કોઇ રથ સાથે તો કોઇ હાથમાં ત્રિશૂલધારી ધજા સાથે અંબાજીનાં દર્શને જવા નીકળે છે. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે નં. ૮ ફોરલેન બની જતાં યાત્રીઓમાં રાહતની લાગણી અનુભવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્‍થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા તેમજ મઘ્‍યપ્રદેશના રતલામ, નીમચ, ઝાંબુઆ વિસ્‍તારમાંથી પણ સંઘો પગપાળા ધજા-પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે.

માતાના દર્શને આવતા ભક્‍તો માટે વિવિધ જગ્‍યાએ અનેક વિસામાઓ તૈયાર કરાય છે. દર્શને આવનાર દરેક યાત્રીને પાણીની, જમવાની, રહેવાની, આરામની વગેરે જેવી વ્‍યવસ્‍થાઓ કરવામાં આવે છે. સાથે સાથે મનોરંજન માટે સાંસ્‍કૃતિક કાર્યક્રમ ગરબા, ભજનનું પણ આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો આ સેવાના કાર્ય અર્થે અંબાજી તરફના રોડ પર પોતાના સ્‍ટોલ ઊભા કરી લોક-સેવામાં જોડાય છે.

લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન !

લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જયારે પ્‍લેગ રોગ ફાટી નીકળ્‍યો હતો ત્‍યારે તત્‍કાલીન નગરશેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્‍લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ માં અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્‍યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્‍યા હતા.

દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જયારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્‍યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્‍થાન કરે છે. જયાં અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના ચેરમેન કમ કલેકટર આ લાલ દંડા સંઘનું સ્‍વાગત કરે છે.

માં ને નવરાત્રી નિમિત્તે આમંત્રણ આપવા આજે પણ લાખો ભક્‍તો પગપાળા આવે છે. આધુનિક યુગમાં પણ અંબાજી મા લોકોની આસ્‍થા અકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખથી વધુ માઇભક્‍તોએ મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માં અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જયારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્‍યારે ગુજરાત જ નહીં પરંતુ અન્‍ય રાજયોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેમા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે.

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દર્શનના સમયમાં ૪ કલાકનો વધારો અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરાથી વોચ રાખશે

જેમાં ગુજરાતભરમાંથી આવતા યાત્રિકો દર્શનાથીઓ માટે જીએસઆરટીસી દ્વારા મેળા દરમિયાન ૧૦ હંગામી બુથો ઉભા કરી ૧૧૦૦થી વધુ બસોના દ્વારા યાત્રિકોનું સંચાલન હાથ ધરવામાં આવશે. તેમજ મેળામાં પોલીસ બંદોબસ્‍તમાં કુલ-૬૮૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ મેળા દરમ્‍યાન ફરજ બજાવશે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકો અને તેમના માલ સામાની સલામતી માટે તેમજ મેળા દરમિયાન કાયદો વ્‍યસ્‍થાની સ્‍થિતિ જળવાઈ રહે એ માટે અંબાજી ગામમાં ૧૪૪ હંગામી સીસીટીવી કેમેરા, મંદિર સંકુલ-૧૧૨ કાયમી અને ૪૬ વિશ્વાસ પ્રોજેકટના એમ કુલ – ૩૦૨ સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્‍સ દ્રારા મોનીટરીંગની સિસ્‍ટમ ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળાને લઇ માં અંબાજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. જે મુજબ સવારે આરતી નો સમય પ થી ૫.૩૦, માં ના દર્શન – ૫.૩૦ થી ૧૧.૩૦, દર્શન બપોરે – ૧૨.૩૦ થી ૫.૩૦, આરતી સાંજે – ૭ થી ૭.૩૦, દર્શન સાંજે ૭.૩૦ થી રાત્રે ૧૨.૦૦ કલાક સુધી ખુલ્લા રહેશે.

મેળામાં વિશાળ સંખ્‍યામાં જનમેદની ઉમટી રહી છે ત્‍યારે તેમના જમવા અને રહેવાની સગવડનું પણ સુંદર આયોજન કરવામાં આવું છે. તમામ દર્શનાથીઓ માં અંબા ના પ્રસાદ રૂપે ભોજન લઈ શકે એ પ્રકારની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

(૧) અંબિકા ભોજનાલય (ર) ગબ્‍બર તળેટી (૩) દિવાળીબા ગુરૂભવન

પ્રસાદના ૭ વધારાના કેન્‍દ્રો ચાચર ચોક ખાતે તેમજ ગેટ તં.૭ની બહાર અને શકિતદ્વારની સામે પણ પ્રસાદ કેન્‍દ્રો, પબ્‍લીક એડ્‍સ સિસ્‍ટમ સહિતની સુવિધાઓ યાત્રિકો માટે કરવામાં આવી છે. મેળા દરમિયાન હંગામી પાર્કિંગ પ્‍લોટોમાં ૧૭૨ યુનિટ ટોયલેટ બ્‍લોકની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રિકોના સ્‍વાસ્‍થ્‍ય અંગે પણ દરકાર રાખી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવું છે. જે અંતર્ગત આરોગ્‍ય વિભાગ દ્વારા મેળામાં ૩૬ હંગામી આરોગ્‍ય કેન્‍દ્ર, ૧૫- ૧૦૮ સહિતની એમ્‍બ્‍યુલન્‍સ સેવા, રરર- જેટલા આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા આરોગ્‍ય વિષયક સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાશે, વ્‍યવસ્‍થા જાળવવા ૨૮ જેટલી સમિતિઓની રચના કરાઇ છે. મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળામા આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્‍યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્‍યવસ્‍થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્‍યો છે. ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્‍યામાં તૈનાત કરાયા છે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્‍ક્‍વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.

ભાદરવી પૂનમના મેળા અનુસંધાને અંબાજીમાં ૪ લાખ કિલોᅠ મોહનથાળ પ્રસાદ તૈયાર કરાશે

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભમાં ૩૦ લાખથી વધુ માઇભકતો આવવાની ધારણા મુજબ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં આવનાર માઇભકતો માના પ્રસાદ તરીકે મોહનથાળ લઈને જાય છે ત્‍યારે આ વર્ષે ૧૮, ૨૮ અને ૫૨ રૂપિયાની કિંમતના મોહનથાળના અંદાજિત ૪૦ લાખ પેકેટ તૈયાર કરાશે.

અંદાજિત ૪ લાખ કિલો પ્રસાદ તૈયાર કરવા અને વિતરણ કરવા ૫૦૦થી વધુ લોકો, કારીગરો કામે લાગ્‍યા છે. યાત્રાધામ શ્રી આરાસુરી દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા આ વર્ષે અંદાજીત ચાર લાખ કિલો મોહનથાળ નો પ્રસાદ બનશે જેમાં ૭૦૦૦ ડબ્‍બા ઘી ૧૦૦ થી ૧૨૦ ટન દાળ, ૧૫૦ થી ૧૭૫ ટન ખાંડ, ૨૧,૮૭૫ લીટર દૂધ અને ૨૫૦ કિલો ઈલાયચીનો ઉપયોગ કરી પ્રસાદ બનાવવામાં આવશે.

૮૦ ગ્રામના વજનવાળા અંદાજિત ૩૨ લાખ પેકેટ તૈયાર કરવા છે જેની કિંમત ૧૮ રૂપિયા રખાઇ છે. ૧૩૦ ગ્રામ વાળા ૫ થી ૬ લાખ પેકેટ તૈયાર કરાશે જેની કિંમત ૨૮ રૂપિયા છે અને ૨૫૦ ગ્રામ વાળા બેથી અઢી લાખ પેકેટ તૈયાર થશે જેની કિંમત ૫૨ રૂપિયા રાખવામાં આવી છે. અંદાજિત ૪ લાખ કિલો પ્રસાદ તૈયાર કરવા અને વિતરણ વ્‍યવસ્‍થા પાર પાડવા ૫૦૦થી વધુ લોકો કામે લાગ્‍યા છે.

આ પ્રસાદમાં વર્ષો થી એક જ ગુણવતા અને સ્‍વાદ રહે છે, અને જયાં પ્રસાદ બને છે ત્‍યાં ક્‍યારેય કીડી મકોડાનો ઉપદ્રવ જોવા મળ્‍યો નથી જે સાક્ષાત ચમત્‍કાર સમાન ઘટના છે. પ્રસાદ બનાવવા ૧૦૦ લોકો જયારે ૫૦૦ લોકો પ્રસાદ પેકિંગ અને વિતરણની કામગીરી કરશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *