Thursday, 30 May, 2024

ભગવાન કૃષ્ણ વિશે

156 Views
Share :
ભગવાન કૃષ્ણ વિશે

ભગવાન કૃષ્ણ વિશે

156 Views

ભાગવતનો દસમો સ્કંધ ભગવાન શ્રીકૃષ્ણની અલૌકિક કલ્યાણકારક જીવનલીલાનો સ્કંધ છે એમ કહીએ તો ચાલે. એમાં આરંભથી માંડીને અંત સુધી સર્વત્ર ભગવાન કૃષ્ણનું જ દર્શન થાય છે. એના આરાધ્યદેવ, સેવ્ય, આત્મા સર્વ કાંઇ એ જ છે. એમાં એમનું જ જીવનપ્રેરક, જીવનોપયોગી, જ્વલંત જયગાન જોવા મળે છે. ભાગવતકારે એમને પરમપૂજ્ય અને ઉપાસ્ય માનીને એમાં પોતાનું હૃદય ખોલી દીધું છે અને અંતરના અપાર અનુરાગની અભિવ્યક્તિ કરી છે. એ અભિવ્યક્તિ આપણને પણ એવો જ અસાધારણ આહલાદ અર્પે છે. આપણા આત્માને અનુપ્રાણિત કરી, ભાવમયતાથી ભરી, શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનાવી, ઉદાત્ત અને અલૌકિક કરે છે. એનો એ પ્રભાવ કાંઇ નાનો સૂનો નથી સમજવા જેવો.

આ મધુમય મહામહિમાન્વિત મહીમંડળમાં મહાપુરુષો, જ્યોતિર્ધરો, સર્વોત્કૃષ્ટ સત્પુરુષો અને અવતારો તો અનેક થયા છે એની ના નથી પરંતુ એ પણ એટલું જ શંકારહિત, નિર્વિવાદ ને ચોક્કસ છે કે ભગવાન કૃષ્ણનું આસન એમનામાં સૌથી અગ્રગણ્ય છે. એમનું વ્યક્તિત્વ સર્વ કરતાં વિશિષ્ટ છે અને એમને સહેલાઇથી સર્વશ્રેષ્ઠ સાબિત કરે છે. એ વ્યક્તિત્વને વિચારતાં લાગે છે કે એ સર્વપ્રકારે અદ્દભુત અને અપ્રતિમ છે. એ વ્યક્તિત્વ સમસ્ત સંસારના ઇતિહાસમાં અજોડ અથવા અનુપમ છે. આજે આટલા બધા વખત પછી પણ એની સર્વોપરિતા સહેજ પણ ઓછી નથી થઇ. ભવિષ્યમાં પણ થશે કે કેમ એ શંકાસ્પદ છે.

એમણે જીવનને આંશિક રીતે જોવાને બદલે સમગ્ર રીતે જોયું, મૂલવ્યું, જીવી બતાવ્યું, ને જીવવાની, મૂલવવાની, જોવાની કે ન્યાય કરવાની પ્રેરણા પૂરી પાડી. જીવન આધ્યાત્મિક બનવું જોઇએ એ બરાબર છે પરંતુ જીવનમાં ને જગતમાં એકલી આધ્યાત્મિકતા જ નથી. એના સિવાય બીજી સમસ્યાઓ ને બીજા વિષયો પણ છે. સમાજશાસ્ત્ર, કૃષિ, પશુસંવર્ધન, શિક્ષણ, કળા, સાહિત્ય, અર્થ, ભૌતિક વિકાસ, વિજ્ઞાન, લગ્નજીવન, ધર્મ અને એવી કેટલીય વસ્તુઓનું પણ મહત્વ છે. ભગવાન કૃષ્ણે એ બધાં અંગોને ન્યાય કર્યો. એમાંથી કોઇની ઉપેક્ષા ના કરી. જીવનની, જગતની, શરીરની, લૌકિક પ્રવૃત્તિની, કશાની નહિ. એમની દૃષ્ટિ એકાંગી નહોતી. સર્વાંગીણ હતી. એમની અલૌકિક અદ્દભુત જીવનલીલામાં એ વિશાળ, ઉદાત્ત જીવનદૃષ્ટિનો પડઘો પડે છે. સઘળાં અંગોનું મહત્વ એમને મન એકસરખું હતું. એમાં ધર્મનો સમાવેશ પણ થઇ જતો અને રાજકારણનો પણ. જે વખતે એમણે જે ક્ષેત્રવિશેષમાં રહીને લીલા કરી એ ક્ષેત્રવિશેષમાં મનને લગાડી દીધું અને એને પૂરેપૂરો ન્યાય કર્યો. એ ક્ષેત્ર એમના પારસ સ્પર્શથી શોભી ઊઠયું, સજીવ બની ગયું અને અવનવું થયું.

એ એક આદર્શ લોકસેવક, આદર્શ સખા, સુહૃદ, સ્વામી તથા સદ્દગુરુ હતા. જે દૃષ્ટિથી પણ એમનું અવલોકન કરવામાં આવે છે તે દૃષ્ટિથી એ સર્વોત્તમ દેખાઇ આવે છે. પ્રેમના રહસ્યને જાણવામાં પણ પારંગત અને યુદ્ધકળામાં પણ એટલા જ કુળશ કે સિદ્ધહસ્ત. વાંસળી વગાડવામાં ને રાસલીલા રમવામાં વિલક્ષણ પ્રતિભાવાળા તો ચક્ર ચલાવવામાં ને વિનાશની ભયંકર પ્રવૃત્તિમાં પણ એવા જ પટુતાવાળા. હસી પણ શકનાર, રડી શકનાર ને સમય પર રણમાંથી નાસી પણ શકનાર. જીવનમાં જરૂર પ્રમાણે બધી જાતની લીલા કરનાર. છતાં પણ આસક્તિ, અહં કે મમત્વથી ક્યાંય પણ ના બંધાનાર. સૌમાં રહેવા અને સર્વ કાંઇ કરવા છતાં પણ કશામાં નહિ અને સૌથી પર અથવા અલિપ્ત. એ એમના વિરાટ વ્યક્તિત્વની વિશેષતા હતી, અને એવી વિશેષતા સમસ્ત માનવજાતિના ઇતિહાસમાં એટલી બધી વિલક્ષણ ને વિસ્તૃત રીતે ભાગ્યે જ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ભગવાન કૃષ્ણ દરેક રીતે આદર્શ, એમના વિષયમાં કે ક્ષેત્રમાં એક્કા, ઓતપ્રોત છતાં પણ એકદમ અલિપ્ત હતાં.

ભગવાન કૃષ્ણનું જીવન કોઇ સર્વસંગપરિત્યાગી વિવિક્તસેવી ત્યાગીનું કે વિરક્તનું જીવન નથી. રાગીનું કે ભોગીનુંય નથી. એ તો જીવનની વાસ્તવિકતાઓની વચ્ચે વસનારા, એમાંથી માર્ગ કરનારા અને એમને ઉત્તમોત્તમ આદર્શ આકાર આપવા મથનારા એક વાસ્તવદર્શી આદર્શવાદી આદર્શપરાયણ મહાપુરુષનું જીવન છે. એ દૃષ્ટિએ એની મહત્તા મોટી છે. સામાન્ય માનવને એમાંથી ઘણી ઉપયોગી પ્રેરણા મળે તેમ છે. એમની અંદર સર્વજ્ઞતા, સર્વસમર્થતા ને સર્વવ્યાપકતાનું દર્શન થાય છે. એમના જીવનના જુદા જુદા પાર વિનાના પ્રસંગો દ્વારા એ હકીકતને પુષ્ટિ મળે છે. એમનું જીવન એક જન્મથી જ મુક્ત ને પૂર્ણ જીવન તથા એમનું વ્યક્તિત્વ પૂર્ણ વ્યક્તિત્વ હતું.

માધુર્ય, સૌન્દર્ય, શૌર્ય, પ્રેમ, ક્ષમા, દયા, સેવાભાવના, શુદ્ધિ જેવા માનવોચિત સઘળા ગુણો એમની અંદર સંપૂર્ણપણે સુવિકસિત થઇને પરાકાષ્ઠાએ પહોંચેલા હતા.

0

ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેટલું બધું સુંદર, અદ્દભુત, આદર્શ અને આકર્ષક છે ! એ સ્વરૂપ શું સૂચવે છે ? એમના હાથમાં વાંસળી છે. વાંસળી વગાડવામાં એ એટલા બધા કુશળ હતા કે વાત નહિ ? કહે છે કે એમની વાંસળીના સુમધુર સ્વરનો પ્રભાવ જડચેતનાત્મક સમસ્ત સૃષ્ટિ પર પડતો. ગોપીઓનાં મન એથી મંત્રમુગ્ધ બનતાં ને જમનાનાં જળ થંભી જતા. એમની સિદ્ધહસ્તતા માત્ર વાંસળીને વગાડવામાં જ નહતી, જીવનને જીવવામાં પણ હતી. વાંસળી એમના દિવ્ય જીવનનું પ્રતીક હતી. એ જીવન સુંદર, સુરીલું, શાંત, સુમધુર, સુખદ તેમજ સાર્થક હતું. જીવનની વાંસળીમાંથી ક્યાં ક્યારે કેવો સ્વર છેડવો તેની કળામાં એ કુશળ હતા. પ્રત્યેક માનવ પાસે જીવનની એવી સુંદર વાંસળી છે. એમાંથી સમય સમય પર સુયોગ્ય સ્વર છૂટતા રહે, એની સઘળી ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ વિસંવાદી નહિ પરંતુ સુસંવાદી બને અને પોતાની સાથે બીજાને પણ સુખશાંતિ આપે એનું એણે ધ્યાન રાખવાનું છે. જીવનમાં ક્યાંય કટુતા, વિસંવાદિતા, ક્લેશ, અવ્યવસ્થા અથવા અશાંતિ ના હોય એવી રીતે જીવનની વાંસળીને વગાડવાની કળા સાધી લેવાની છે. એવી કળામાં કુશળ બનાય તો જીવન દ્વારા જડચેતનાત્મક સમસ્ત જગત પર પ્રભાવ પાડી શકાય. જગતને સુખશાંતિ તથા સંવાદિતા સંપન્ન કરી શકાય.

પીતાંબર પરમ પવિત્ર પ્રેમનું અથવા પ્રજ્ઞાનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણે ધારણ કરેલા એ પીતાંબરથી સૌ કોઇને અસાધારણ આકર્ષણનો અનુભવ થતો. માનવ પણ એવી રીતે પવિત્ર પ્રેમનું અથવા પ્રજ્ઞાનું પીતાંબર પહેરે એ આવશ્યક છે. એવું પવિત્ર પીતાંબર એને માટે ખૂબ ખૂબ ઉપયોગી થઇ પડશે.

પૂર્ણેન્દુ સમાન સુંદર મુખમંડળ, લાલ હોઠ, કમળ જેવી આંખ બધું જ સર્વોત્તમ સ્વાસ્થ્યનું સૂચક છે. એ ઉપરાંત ભગવાન કૃષ્ણનું સમસ્ત વ્યક્તિત્વ ને સર્વ કાંઇ વિશદ્ અને મધુર હતું. मधुराधिपतेरखिलं मधुरम् । ‘મધુરતાના અધિશ્વરનું સર્વ કંઇ મધુર છે’ એ શ્રી વલ્લભાચાર્યની ઉક્તિ પ્રમાણે એમની અંદર કટુતાનો અંશ પણ ન હતો. માનવનું જીવન પણ એવી જ રીતે સુંદર ને સુમધુર બની જવું જોઇએ. એના વ્યક્તિત્વના પ્રત્યેક પાસામાંથી પ્રેમ તથા મધુરતા ટપકતાં રહેવા જોઇએ.

માધુર્યમૂર્તિ સૌન્દર્યના સમુચ્ચય સરખા ભગવાન કૃષ્ણ કદંબના વૃક્ષ પાસે ત્રિભંગ કરીને ઊભા છે એવું પણ વર્ણન કરવામાં આવે છે. એ શું સૂચવે છે ? એમનો એક પગ પૃથ્વી પર અને બીજો પગ થોડોક ઊંચો છે એ શું બતાવે છે ? વેદ કહે છે કે આ મૃત્યુલોકમાં કે પાર્થિવ પૃથ્વીમાં એમનો એક જ પાદ, એમની શક્તિનો એક જ અંશ છે અને એમના ત્રણ પાદ, એમની વિરાટ શક્તિના બીજા ત્રણ અંશ સ્વર્ગાદિ દિવ્ય લોકોમાં રહેલા છે. पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि । એ કથનને જરા જુદા સાર ગર્ભિત સ્વરૂપે સમજીએ તો કહી શકાય કે ભગવાન કૃષ્ણ પોતાના એક જ પગને આ પૃથ્વી પર રાખતા ને બીજા પગને ઊંચો રાખતા, એટલે કે જે જગતમાં જીવતા, હરતા-ફરતા કે પ્રવૃત્તિ કરતા તેમાં લેશમાત્ર પણ લિપ્ત ન થતા. એમનો અંતરાત્મા અહર્નિશ અનાસક્ત રહેતો. સંસારના વિરોધાભાસી વાતાવરણમાં શ્વાસ લેવા છતાં પણ એ સંસારના થઇને ન રહેતા. એમના સમગ્ર જીવન પરથી એ જોઇ શકાય છે. એમની અસાધારણ વિશેષતા હતી-અનાસક્તિ. એમાંથી સારસંદેશ ગ્રહીને માનવે એવી અદ્દભુત અનાસક્તિથી અલંકૃત થવાનું અથવા વીતરાગ બનવાનું છે. પોતાના એક પગને જમીનથી અધ્ધર રાખવાનો છે, એટલે કે પોતાના અંતરાત્માને અલિપ્ત રાખવાનો છે. તો જ એ જીવનનો સાચો આસ્વાદ મેળવી શકશે. ભગવાન કૃષ્ણ નટવર પણ કહેવાતા કારણ કે તે નર્તનમાં તો કુળશ હતા પરંતુ જીવનને જીવવાની વિદ્યામાં પણ નિપુણ હતા. આ જીવનના ચિત્રવિચિત્ર રમણીય રંગમંચ પર માનવે પણ એવી રીતે નટની પેઠે અથવા એક આદર્શ અભિનેતાની જેમ નર્તનનો ને બીજો આવશ્યક અભિનય કરતાં શીખી લેવાનું છે. કયે વખતે, ક્યાં, કેટલા પ્રમાણમાં, કયા પ્રકારનો અભિનય કરવો છે તે શાંતિથી સમજપૂર્વક નક્કી કરવાનું છે. તો જ જીવનને ઉજ્જવળ કરી અને પૂરતો ન્યાય આપી શકાશે. વર્તમાન જીવનનો અભિનય પૂરો કરીને સ્થૂલ શરીરના રસમય રમ્ય રંગમંચ પરથી વિદાય થવાનો વખત આવે ત્યારે એ અભિનયને પણ એ મહાનટવરની પેઠે બને તેટલી આદર્શ રીતે પૂરો કરવાનો આગ્રહ રાખવો જોઇએ. એને માટેની જરૂરી તૈયારી અત્યારથી જ કરી લેવી જોઇએ.

એ મહાનટવરનું આરંભથી અંત સુધીનું સમસ્ત જીવન આશીર્વાદરૂપ હતું. એ જીવન સતત પ્રવૃત્તિપરાયણ રહેલું. એમાં પ્રમાદને માટે અવકાશ જ ન હતો. એના પ્રાક્ટય પાછળ બીજાના પરિત્રાણનું પ્રયોજન હતું. એ પ્રયોજનથી પ્રેરાઇને એમણે જીવનભર અધર્મ, અન્યાય, અત્યાચાર, અનાચાર અને શોષણનો સામનો કર્યો ને દાનવતાને દફનાવી દઇને માનવતાની માવજતનો સફળ પ્રયત્ન આદર્યો. માનવે એવા નમ્ર પ્રામાણિક પ્રયત્નને આદરવાની અનિવાર્ય આવશ્યકતા છે. આજના જમાનાના પ્રશ્નો પહેલાં કરતાં બદલાયા છે એ સાચું, પરંતુ દાનવતાનું દમન કરવાની અને અધર્મ, અન્યાય, અત્યાચાર, અનાચાર અને શોષણનો અંત આણવાની સમસ્યા તો આજે પણ કાયમ છે. એ સમસ્યાના સુખદ ઉકેલ માટે વ્યક્તિગત તથા સમષ્ટિગત પ્રયત્નોની આવશ્યકતા છે અને એ પણ તદ્દન નિઃસ્વાર્થ રીતે, કોઇ પણ પ્રકારની લૌકિક લાલસાથી પ્રેરાયા વિના. એ મહાનટવરનું સમસ્ત જીવન લૌકિક-પાકલૌકિક લાલસા કે સ્વાર્થવૃત્તિથી રહિત હતું. એમણે જે કર્મ કર્યા તે સ્વધર્મની ભાવનાથી પ્રેરાઇને જ કર્યા. એ સદા સમાજના સ્વયંસેવક જ રહ્યા. એને લીધે એમણે ધન તથા ઐશ્વર્યની એષણા ન રાખી, પ્રતિષ્ઠાની પરવા ન કરી, સુખ દુઃખાદિ દ્વંદ્વોમાં સ્થિરતા રાખી, ને પદ કે સત્તાની સહેજ પણ ઇચ્છા ના રાખી. એ કોઇને હઠાવી કે મારી-મરાવીને ક્યાંય ગાદીપતિ ના બન્યા. એમની અભિલાષા સત્તાને હસ્તગત કરવાની નહોતી; માનવનું મંગલ કરવાની હતી. એમની જીવનસાધના એ જ દિશામાં દિનપ્રતિદિન સફળતાપૂર્વક આગળ વધેલી. એમના જીવનમાંથી એ સારવાતને જીવનમાં વણી લેવામાં આવે તો વ્યક્તિનું તથા સમષ્ટિનું જીવન ઉજ્જવળ બને. એને માટે એમના આશીર્વાદ આપણી ઉપર ઉતરે એવી કામના કે પ્રાર્થના કરીએ.

એમનું જીવન વિકાસની દૃષ્ટિએ પૂર્ણ જીવન હતું. માનવ તન, મન, અંતર અને આત્મા ધરાવે છે. એ ચારેનો સમ્યક્ વિકાસ કોઇ એક વ્યક્તિવિશેષમાં જવલ્લે જ જડે છે. ભગવાન કૃષ્ણ એમાં અપવાદરૂપ હતા. એમનું શરીર સ્વસ્થ, સુંદર, સુદૃઢ તથા વૃદ્ધાવસ્થાથી ને વ્યાધિથી રહિત, એમનું મન સાત્વિકતાથી, દૈવી સંપત્તિથી તથા પરમપ્રજ્ઞાથી સંપન્ન અને એમનું અંતર ઉદાર, વિશાળ, પવિત્ર પ્રેમથી પરિપ્લાવિત, સંવેદનશીલ, સહાનુભૂતિભર્યું અને અલૌકિક હતું. એમનો આત્મા પણ અવિદ્યારૂપી અંધકારથી રહિત, મુક્ત ને પૂર્ણ હતો. એમની અંદર એવી રીતે તન, મન, અંતર અને આત્માના ચતુર્વિધ વિકાસનો, એ વિકાસની સંપૂર્ણતાનો સુભગ સમન્વય થયેલો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *