Thursday, 5 December, 2024

યોગમાયાની વાણી

327 Views
Share :
યોગમાયાની વાણી

યોગમાયાની વાણી

327 Views

ભગવાનનું સાધારણ શિશુ તરીકેનું સ્વરૂપ પણ એટલું જ અસાધારણ અને આકર્ષક હતું. વસુદેવ અને દેવકી એ સ્વરૂપને ખૂબ જ સંતોષ અને સુખપૂર્વક નિહાળી રહ્યાં. એટલામાં વસુદેવના મનમાં ભગવાને પ્રેરણા કરવાથી એમને કારાવાસમાંથી બહાર નીકળવાની ઇચ્છા થઇ. એ જ વખતે ભગવાનની અચિંત્ય મહામહિમામયી શક્તિના પ્રભાવથી વસુદેવ બંધનમુક્ત બની ગયા, દ્વારપાલો તથા નગરનિવાસીઓની ચેતના લુપ્ત થઇ અને એ બધા અચેત બન્યા. પોતાના સદ્યજાત શિશુને લઇને બહાર નીકળવા લાગ્યા ત્યારે એમણે આશ્ચર્યચકિત આંખે જોયું કે કારાવાસના બધા જ દરવાજા ખુલ્લા છે અને એમની ઉપરનાં તાળાં ઊઘડી ગયાં છે.

વસુદેવ આશ્ચર્ય અને આનંદનો સંમિશ્રિત અનુભવ કરતા બહાર નીકળ્યા. એમના જીવનની એ પ્રત્યેક પળ મૂલ્યવાન હોવાથી એને વ્યર્થ વ્યતીત કરવાનું ફાવે તેમ નહોતું. એમને થયું કે અસાધારણ શક્તિથી સમલંકૃત ભગવાનને માટે કશું જ કઠિન અથવા અશક્ય નથી. એ શું ના કરી શકે એ જ સવાલ છે. એમની પ્રેરણાશક્તિથી આ બધી જ અનુકૂળતાઓ થઇ રહી છે અને આગળ પર પણ થયા કરશે. એવા વિચારથી એ નિશ્ચિંત બની ગયા. માનવને ચિંતા, ભીતિ કે વિષાદ ક્યાં સુધી રહે છે ? જ્યાં સુધી એની અંદર અહંતા અથવા મમતાનું આધિપત્ય હોય છે ત્યાં સુધી. એ જ્યારે પરમાત્માની મંગલમયતામાં વિશ્વાસ રાખીને પરમાત્માની પરમપાવની પ્રેરણા તથા યોજના પ્રમાણે ચાલે છે ત્યારે નિર્ભય, નિશ્ચિંત ને નિર્વિષાદ બની જાય છે.

આકાશ અક્ષમંડળની ગર્જનાથી ઘેરાયલું હતું. વરસાદની મંદમંદ ધારા પણ ધરતી પર ઢળતી હતી. શેષ ભગવાન એનાથી રક્ષા કરવા માટે ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. યમુનાનું પાણી પ્રચંડ વેગથી પ્રમત્ત બનીને વહી રહેલું. વસુદેવને યમુના માર્ગમાં જ મળી, પરંતુ એની અંદર પણ એકાએક ક્રાંતિ થઇ. એણે ભગવાનના મહિમાને સમજીને એમને તરત જ શાંત થઇને માર્ગ કરી આપ્યો.

ભગવાનના અદ્દભુત મહિમાનો વિચાર કરીને વસુદેવ ભાવવિભોર અને ગદ્દગદ્દ બની ગયા. પોતાના શરીરધારણને સફળ તથા સાર્થક સમજીને એ ધીમે ધીમે આગળ વધ્યા. ભગવાનને યમુનાએ માર્ગ કરી આપ્યો એ વાતનું આશ્ચર્ય અનેકને થશે પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવું કે ના માનવા જેવું કશું જ નથી.

એ તો પ્રકૃતિના પ્રભુ હતા અને પ્રકૃતિના ઇશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તે કરી શકે. એ તો સર્વશક્તિમાન છે.

વસુદેવ યમુનાને પ્રસન્નતાપૂર્વક પાર કરીને ગોકુલમાં આવી પહોંચ્યા. ગોકુલ આખું એ વખતે ભગવાનની યોગમાયાના પ્રભાવથી ઘોર ઊંઘમાં ઘોરી રહેલું. સૌ કોઇ ક્યારનાંય અચેત હતાં. ભગવાનની શક્તિથી નંદ તથા યશોદા પણ એકદમ અચેતાવસ્થામાં હતા. વસુદેવે અંતઃપ્રેરણાને અનુસરીને ભગવાન કૃષ્ણને યશોદાની પાસે સુવાડી દીધા ને એની નવજાત કન્યાને લઇને જેવી રીતે ગયા હતા તેવી જ સલામત રીતે કંસના કારાવાસમાં પાછા ફર્યા. કારાવાસમાં પાછા ફર્યા પછી એમની બેડીઓ પહેલાંની પેઠે જ પહેરાઇ ગઇ. નગરના અને કારાવાસના દરવાજા પણ આપોઆપ જ બંધ થઇ ગયા.

એ બધી વિધિ પૂરી થઇ ગયા પછી એ નવજાત છતાં જન્મમરણ રહિત લોકોત્તર શિશુએ સામાન્ય શિશુની પેઠે ક્રંદન શરૂ કર્યું. એને સાંભળીને દ્વારપાલો જાગી ગયા. એમની દ્વારા કંસને સંતાનના જન્મની માહિતી મળી એટલે એ તલવાર લઇને કારાવાસની દિશામાં દોડવા માંડ્યો.

એને કારાવાસમાં આવેલો જોઇને દેવકીએ કન્યાની રક્ષા માટે ભારે કાકલૂદીભરી પ્રાર્થના કરી. પરંતુ કંસ તો કૃતનિશ્ચય હતો. એના પર એ ઉત્કટ પ્રેમપૂર્ણ પ્રાર્થનાની કશી અસર ના થઇ. એના મનમાં પેલા આકાશવાણીના શબ્દો ફરી રહેલા. દેવકીના આઠમા સંતાનથી પોતાનું મૃત્યુ થવાનું છે એ વાતનું વિસ્મરણ એને નહોતું થયું. પછી તે સંતાન પુત્ર હોય કે પુત્રી એની સાથે એને સંબંધ નહોતો. મૃત્યુનું કારણ તો કોઇ પણ થઇ શકે. એટલે એ સંબંધમાં એ કોઇ છૂટછાટ મૂકવા કે ઢીલી નીતિ અપનાવવા અને એવી રીતે પોતાના જ પગ પર કુહાડી મારવા નહોતો માગતો.

વસુદેવ તથા દેવકીની સઘળી પ્રાર્થના વ્યર્થ ગઇ. કંસે એ નવજાત કોમળ કન્યાને ખેંચી લઇ, એના પગને પકડીને એક મોટી શિલા પર પોતાની પૂરેપૂરી શક્તિથી પછાડીને ભયંકર સફળતાપૂર્વક અટ્ટહાસ્ય કર્યું. પરંતુ એનું એ અટ્ટહાસ્ય થોડા જ વખતમાં બંધ થઇ ગયું. કન્યાને પથ્થર પર પછાડતાં વેંત જ એક અદ્દભુત ચમત્કાર બન્યો. એ કન્યા અષ્ટભુજા દેવીના રૂપમાં ઉપર ચઢીને આકાશમાં દેખાઇ. એના હાથમાં હથિયાર હતાં અને એ દિવ્ય માળા, વસ્ત્ર, ચંદન તથા અસંખ્ય આભૂષણોથી અલંકૃત હતી. એણે કંસને કહ્યું કે મૂર્ખ ! મને મારીને શું મેળવીશ ? તને મારવા માટે તો તારા પૂર્વજન્મનો શત્રુ એક બીજી જ જગ્યાએ જન્મી ચૂક્યો છે. હવે નિર્દોષ બાળકોનો નિરર્થક નાશ ના કર.

એટલું કહીને એ દેવી અદૃશ્ય થઇ ગઇ. એના શબ્દો સાંભળીને કંસને આશ્ચર્ય થયું. આકાશવાણીમાં વિશ્વાસ રાખીને એણે દેવકી તથા વસુદેવ પ્રત્યે જે દુર્વ્યવહાર કરેલો તેને યાદ કરીને એના દુઃખનો પાર ના રહ્યો. એમની સાથે ભયંકર દુર્વ્યવહાર કરવા ઉપરાંત એણે એમના કુસુમકોમળ બાળકોને પણ રહેંસી નાંખેલાં. એમ કરતાં એના અંતરમાંથી સહેજ પણ અરેરાટી નહોતી છૂટી. એ બધાને માટે હવે એને પશ્ચાતાપ થવા માંડ્યો.

મૃત્યુનો ભય માનવની કેવી દુર્દશા કરે છે તે જોવું હોય તો કંસના જીવન પરથી જોઇ શકાય છે. એ ભયને લીધે એની ચિંતા વધી ગઇ, ઊંઘ ટળી ગઇ, અને અશાંતિનો પાર ના રહ્યો. એ ભયે એને કુકર્મ પ્રત્યે પ્રેરિત કર્યો ને માનવરૂપે રાક્ષસ બનાવી દીધો એમ કહીએ તો ચાલે. આગળ પર એમાંથી જ એના વિનાશનું બી વવાયું. ભાગવત એનાથી ઉલટું એક બીજું ઉદાહરણ પણ રજુ કરે છે -પરીક્ષિતનું. એને પણ મૃત્યુની માહિતી તો મળી છે પરંતુ એ માહિતીએ એને ભયભીત કે ચિંતીત નથી બનાવ્યો. એથી પ્રેરાઇને એણે કોઇ કુકર્મનો આધાર પણ નથી લીધો. એણે સદ્દબુદ્ધિથી સંપન્ન થઇને જીવનના પરમકલ્યાણને માટે શુકદેવ જેવા સમર્થ સત્પુરુષના સત્સંગનો આધાર લીધો અને એને પરિણામે પોતાનો ઉદ્ધાર કર્યો. માનવની પાસે બંને પ્રકારની શક્યતાઓ પડેલી છે : કંસ બનવાની અને હંસ બનવાની : કુમાર્ગગામી બનીને પોતાને ને બીજાને માટે નૃશંસ થવાની કે સદ્દબુદ્ધિથી સંપન્ન બનીને જીવનના પરમમંગલ માટે પરમહંસ થવાની. બંનેમાંથી કોઇ પણ એક પંથની પસંદગી કરવાની એને સંપૂર્ણ સ્વતંત્રતા છે. માનવે પોતાનો સર્વનાશ નોતરવો છે કે સર્વોત્કર્ષ કરવો છે તેનો વિચાર શાંતિપૂર્વક કરી લેવાનો છે.

કંસે પોતાનાં કુકર્મો માટે દેવકી અને વસુદેવની પાસે પશ્ચાતાપ કરીને એ બંનેને કારાવાસમાંથી મુક્ત કર્યા. દેવકી અને વસુદેવના જીવનમાં એવી રીતે એક બીજા નવીન અધ્યાયનો આરંભ થયો.

0                                          0                                      0

પરંતુ કંસની એ સદ્દબુદ્દિ લાંબા સમય સુધી ના ટકી. એણે બીજે જ દિવસે એના મંત્રીઓને બોલાવીને યોગમાયાની આકાશવાણીની વાત કહી બતાવી.

મંત્રીઓ પણ એને એટલા બધા ઉત્તમ કોટિના ને નીતિનિપુણ નહોતા મળ્યા. એ સ્વભાવથી જ દેવોના દુશ્મન હતા. એટલે કંસને કહેવા લાગ્યા કે યોગમાયાની અમંગલ આકાશવાણીને અનુસરીને આજથી જ નગરોમાં, ગામોમાં, અહીરોના પ્રદેશોમાં અને અન્ય સ્થળોમાં છેલ્લા દસ દિવસમાં અને તે પહેલાં જન્મેલાં બધાં જ બાળકોને મારી નાખવા જોઇએ. એવું કરવાથી આકાશવાણી નિરર્થક થશે ને મરણનો લેશપણ ભય નહિ રહે. દેવતાઓ આપણને શું કરવાના છે ? તમારાં કરતાં એમની શક્તિ અત્યંત ઓછી છે. એમનો નાશ કરવા આપણે બનતું બધું જ કરી છૂટીએ. દેવોના આશ્રયદાતા ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુનો વાસ સનાતન ધર્મમાં છે. એ સનાતન ધર્મ વેદ, બ્રાહ્મણ, ગાય, તપ તથા યજ્ઞને લીધે ટકે છે. એટલે એ બધાનો વિરોધ કરીએ, ઋષિઓને હેરાન કરીએ ને મારી નાખીએ તો દેવતાઓનો કે વિષ્ણુનો કોઇ પણ પ્રકારનો ભય ના રહે.

કંસને એમની સલાહ ગમી ગઇ. એણે એમને એવું જ કરવાની સલાહ આપી. સંતપુરુષોનો નાશ કરવાનો હિંસાપ્રેમી અસુરોને આદેશ આપ્યો એ અસુરો અસામાન્ય સામર્થ્યથી સંપન્ન હતા. એ ઇચ્છાનુસાર રૂપ ધારી શક્તા પરંતુ દૈવી સંપત્તિથી સંપન્ન બનવાને બદલે ઘોર તમોગુણની મૂર્તિ જેવા હતા. એમના અંતરમાં અવિદ્યારૂપી અંધકાર ફરી વળેલો. એમનું એ અસાધારણ સામર્થ્ય એમને અને અન્યને માટે આશીર્વાદરૂપ ક્યાંથી હોય ? જે સામર્થ્ય – પછી તે શારીરિક હોય, માનસિક હોય અથવા આત્મિક હોય – માનવને અહંકારી, ઉદ્દંડ, વિપથગામી અને વિષયાભિમુખ બનાવે છે અને માનવના અંતરને ઉદાત્ત કે પરમાત્માભિમુખ નથી કરતું તે સામર્થ્ય એનું અભ્યુત્થાન નથી કરતું, અધઃપતન નોતરે છે. કંસના સાથી અસુરોએ સંતોનો દ્વેષ કરીને પોતાના નાશને નોતરી લીધો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *