Friday, 19 April, 2024

ભગવાન ઋષભદેવ

234 Views
Share :
ભગવાન ઋષભદેવ

ભગવાન ઋષભદેવ

234 Views

ઋષભદેવને ભગવાનના ચોવીસ અવતારોમાંના એક માનવામાં આવે છે. તે મહારાજા નાભિના સુપુત્ર હતા. તેમણે ગુરુકુળમાં વાસ કર્યા પછી ગુરુના આદેશાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું પસંદ કર્યું. એમણે આદર્શ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઇને ઉત્તમ પ્રકારનાં અસંખ્ય કર્મોનું અનુષ્ઠાન કર્યું. એકવાર એમણે બ્રહ્માવર્ત નામના દેશમાં મહર્ષિઓની સભામાં પોતાના સુપુત્રોને અને અન્ય અસંખ્ય મનુષ્યોને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ એમની ઉદાત્ત દૃષ્ટિને સારી પેઠે રજૂ કરે છે. એ સુંદર સારગર્ભિત સદુપદેશની કેટલીક કંડિકાઓ આ રહી :

महत्सेवां द्वारमाहुर्विमुक्तेस्तमोद्वारं योषितां संगिसंगम् ।
महान्तस्ते समचित्ताः प्रशान्ता विमन्यवः सुहृदः साधवो ये ॥ (અધ્યાય પ, શ્લોક ર)

‘મહાપુરુષોની સેવા તથા સંગતિને મુક્તિનું મંગલમય દ્વાર માનવામાં આવ્યું છે અને વિષયીજનોનો સંગ અધઃપતનનું મુખ્ય કારણ છે. જે સર્વત્ર સમચિત્તવાળા, પ્રશાંત, ક્રોધરહિત, ઉત્તમ હૃદયવાળા તથા સદાચારી હોય તેમને મહાપુરુષો માની લેવાં અને એવા પવિત્ર પુરુષોનો જ સંગ કરવો. વિષયીજનોના સંસર્ગથી દૂર રહેવું.’

‘જ્યાં સુધી મારામાં અથવા વાસુદેવમાં પ્રીતિ કે શ્રદ્ધાભક્તિ નથી થતી ત્યાં સુધી દેહના સંબંધથી અથવા દેહાધ્યાસથી મુક્તિ નથી મળતી.’

‘જે મૃત્યુરૂપ સંસારચક્રમાંથી છોડાવી ના શકે કે અમૃતમય ના બનાવી શકે તે ગુરુ સાચા અર્થમાં ગુરુ નથી, તે સ્વજન સ્વજન નથી, માતા-પિતા માતાપિતા નથી, તે દેવ દેવ નથી અને તે પતિ સાચા અર્થમાં પતિ ના કહી શકાય.’

ઋષભદેવે પોતાના સૌથી મોટા સુપુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને દિગંબરરૂપે બ્રહ્માવર્ત દેશમાંથી પરમહંસ દશામાં પ્રયાણ કર્યું. એમને દિગંબર અવસ્થામાં રહેનારા પરમહંસોની પરંપરાના પુરસ્કર્તા કહી શકાય. માણસ બાહ્ય રીતે દિગંબર બને કે ના બને તોપણ એણે આત્મજ્ઞાનનો આધાર લઇને દેહાધ્યાસમાંથી મુક્તિ મેળવવી જોઇએ એ ખાસ યાદ રાખવાનું છે. જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે.

ભગવાન ઋષભદેવ અવધૂતવેશમાં વિચરતા દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં એકાએક જાગેલા દાવાનલે એમના શરીરને ભસ્મિભૂત કરી નાખ્યું.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *