Saturday, 27 July, 2024

રાજા ભરતનું ચરિત્ર

244 Views
Share :
રાજા ભરતનું ચરિત્ર

રાજા ભરતનું ચરિત્ર

244 Views

હવે રાજર્ષિ ભરતનું જીવનચરિત્ર શરૂ થાય છે. એ ચરિત્ર આમ તો સૌ કોઇને વિદિત હોવાથી એની નાનીનાની વિગતોમાં પડવાને બદલે એનો ઊડતો ઉલ્લેખ કરીએ તો ઠીક ગણાશે.

ભારતની પૂર્વે આ ખંડ અજનાભના નામથી ઓળખાતો. ભરતના રાજ્યકાળ દરમિયાન એનું નામ ભારતવર્ષ પડ્યું.

ઉત્તરાવસ્થા સમીપે આવતાં એમણે સામ્રાજ્યશાસનનાં સૂત્રો પોતાના સુપુત્રોને સોંપીને ગંડકી નદીના તટપ્રદેશ પર આવેલા હરિક્ષેત્રમાં સ્થપાયલા પુલહ ઋષિના એકાંત આશ્રમ પ્રતિ આત્મકલ્યાણની ઇચ્છાથી પ્રયાણ કર્યું.

પુલહાશ્રમના ઉપવનમાં એમણે એકલા રહીને એમના મનને ઇશ્વરારાધનમાં પરોવી દીધું. એ ઇશ્વરારાધનના પરિણામે એમના અંતરમાં જે ઉત્કટ ભાવાદ્વેગ થઇ આવતો તેને લીધે એમની આંખમાંથી અવારનવાર પ્રેમાશ્રુના પ્રવાહો વહેવા માંડતા, એમને રોમાંચ થઇ આવતાં, અને એ જડ શૂન્યમનસ્ક કે મંત્રમુગ્ધની જેમ એમનો મોટા ભાગનો સમય પસાર કરતાં. ઇશ્વરના સ્મરણ, મનન અને નિદિધ્યાસનમાં એમને સ્વર્ગસુખનો અનુભવ થતો.

અને ત્યાં તો એમનું શેષ પ્રારબ્ધકર્મ મૃગશાવકના સ્વરૂપમાં સાકાર બનીને એમના જીવનમાં અચાનક આવી પહોંચ્યું. એક દિવસ સવારે એ સંધ્યા વંદનાદિ કર્મથી નિવૃત્ત થઇને પ્રણવમંત્રના જપ કરતા ગંડકી નદીના તપઃપૂત તટપ્રદેશ પર બેઠા હતા ત્યારે એક મૃગલી પાણી પીવાની ઇચ્છાથી ત્યાં આવી પહોંચી. એણે પાણી પીવાનો પ્રારંભ કર્યો ત્યાં જ સમીપમાં ઘુરકી રહેલા સિંહની ભયંકર ગર્જના સંભળાઇ. એ સાંભળીને મૃગલી ભયભીત બની ગઇ. એની કાયા કંપવા લાગી, અને એ એકદમ કૂદીને નદીને ઓળંગી ગઇ. એ વખતે એના ઉદરમાનું મૃગશાવક નીચે પડ્યું અને એ મૃગલી પર્વતની નજદીકની કંદરામાં દોડી જઇને ભયાકુળાવસ્થામાં જ મૃત્યુ પામી.

નદીના પાવન પ્રવાહમાં તણાતા પેલા અનાથ મૃગશાવકને દેખીને ભરતના દિલમાં દયા પેદા થઇ. એ દયાભાવથી પ્રેરાઇને એને એ પોતાના આશ્રમમાં લઇ આવ્યા.

એ અનાથ મૃગશાવકને જોઇને ભરતને એના પ્રત્યે કરૂણા કે દયા થઇ એમાં કશું ખોટું હતું ? ના. દયાને તો ધર્મનું મૂળ માનવામાં આવે છે; ધર્મના ચાર પદમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે; અને કોઇ પણ ધર્મ મનુષ્યને નિર્દય થવાનો સંદેશ નથી આપતો.

‘दया धर्मका मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छोडीए जब लग घटमें प्राण ॥’

એમ કહીને સંત તુલસીદાસે શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી દયાનો ત્યાગ ના કરવાની સ્પષ્ટ સુચના આપી છે. નદીના પ્રવાહમાં પડીને પ્રવાહિત થતા મૃગશાવકને કરૂણાથી પ્રેરાઇને બચાવવામાં કાંઇ ભરતની ભૂલ નહોતી થઇ. એને ઊંચકીને પોતાના સરિતાતટવર્તી એકાંત આશ્રમમાં લાવવામાં અથવા એને આશ્રય આપવામાં પણ એમની ભૂલ નહોતી થઇ. ના. અનાથને આશ્રય આપવો અને આંતકગ્રસ્તને આતંકમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરવો એ તો દાનવીય નથી પરંતુ માનવીય ને ધર્મસંગત છે. આશ્રમમાં આવ્યા પછી એમણે એની સ્નેહપૂર્વક સંભાળ રાખી એમાં પણ કશું ખોટું ન હતું. એ પણ એમની ભૂલ ન હતી. શરણાગતની સર્વપ્રકારે સંભાળ રાખવી ને સેવા કરવી એ કાંઇ ભૂલ ન કહેવાય. એવી સંભાળ ના રાખવામાં આવે કે સેવા ન કરવામાં આવે તો જ ભૂલ થઇ એવું કહી શકાય તો પછી ભરતની ભૂલ ક્યાં થઇ ? વિવેકની જ્યોતિને જાગ્રત ના રાખવામાં, મૃગશાવકમાં અસાધારણ મમતા, આસક્તિ અથવા અનુરક્તિ કરવામાં અને એને પરિણામે પોતાના જીવનના ધ્યેયને, એકાંતવાસના પ્રયોજનને અને સાધનાને ભૂલી જવામાં. સાધકને માટે પ્રમાદ અને જીવનધ્યેયની વિસ્મૃતિ જેવો મહાદોષ બીજો એકે નથી. એ મહાદોષમાં પડીને સાધક પોતાનું અકલ્યાણ કરી બેસે છે.

ભરત મૃગશાવકમાં આસક્તિ કરી બેઠા એ એમની ભૂલ થઇ. અને એ આસક્તિ પણ કેવી ? સાધારણ નહિ પરંતુ એકદમ અસાધારણ. એ અસાધારણ આસક્તિમાં અટવાઇને એ એમના આત્મવિકાસના સાધનાત્મક અભ્યાસક્રમને, સંધ્યાવંદનને, સ્તોત્રપાઠને, ધ્યાનને, ઇશ્વરચિંતનને ને પ્રણવમંત્રને પણ ભૂલી ગયા. મૃગશાવકની સૃષ્ટિ જ એમની એકમાત્ર સૃષ્ટિ બની ગઇ. એ અહર્નિશ એના જ વિચારો કરવા લાગ્યા, એની સાથે બેસવા સુવા તથા ફરવા લાગ્યા, અને એના ભવિષ્યની ચિંતા કરવા માંડ્યા. એ મૃગશાવકમાં જે આસક્તિ કરી બેઠા એ આશ્ચર્યકારક નથી. ના જરા પણ નહિ. પરમાત્માની માયાને જે જરાક પણ જાણે છે તે તો સમજે છે કે એના પ્રભાવમાંથી છૂટવાનું કામ કપરું છે. એ સાધકની સુધરેલી ને સુધરતી જતી સાધનાબાજીને ક્યારે, ક્યાં ને કેવી રીતે બગાડી નાંખે એ વિશે ચોક્ક્સપણે કશું ના કહી શકાય. આત્મજાગૃતિ, સાધનાની નિષ્ઠા, સતત પુરુષાર્થપરતા તથા ઇશ્વરકૃપા હોય તો એ બાજી સંપૂર્ણપણે સફળ થઇ શકે.

આસક્તિ અને એના પરિણામે પ્રાપ્ત થયેલી સાધનાની વિસ્મૃતિની એવી દયનીય દશામાં ભરતનો અંતકાળ આવી પહોંચ્યો. અંતકાળ સમસ્ત જીવનનો નિર્ણાયક કાળ છે. એની ઉપર જીવનની ગતિનો આધાર છે. ભરત ધારત તો એ કાળ દરમિયાન જાગીને બગડેલી બાજીને સુધારી શકત, રંતુ એમની આસક્તિ અતિરેક પર પહોંચી હોવાથી એને માટેની શક્યતા ઘણી ઓછી હતી. અંતકાળે પરમાત્માનું ચિંતન, મનન ને નિદિધ્યાસન કરવાને બદલે એમનું મન મૃગશાવકનું જ ચિંતન, મનન ને નિદિધ્યાસન કરવા લાગ્યું. એ અવસ્થામાં એમનું શરીર છૂટી ગયું. એમનો આત્મારૂપી હંસલો શરીરના પંચમહાભૂતાત્મક પીંજરને છોડીને ઊડી ગયો. પરિમામે બીજું શું થાય ? જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ.

એ ન્યાયને અનુસરીને અંતકાળે એમની વૃત્તિ મૃગની અંદર રહી હોવાથી એમને પુનર્જન્મ લેવો પડ્યો ને મૃગની યોનિ પ્રાપ્ત થઇ. પરંતુ એ યોનિમાં પણ એમને પૂર્વે કરેલી ઉપાસનાના પ્રભાવથી જન્માંતરની સંસ્મૃતિ કાયમ રહી. એ સંસ્મૃતિને લીધે એમના ચિત્તમાં ઉદ્વેગ થવા લાગ્યો. સમસ્ત સંગનો પરિત્યાગ કરીને એકાંત અરણ્યનો આશ્રય લઇને દિવસો સુધી એકધારી આરાધના કર્યા પછી પણ યોગભ્રષ્ટ થવું પડ્યું. એથી એમને અતિશય દુઃખ થયું.

મૃગશરીરમાં રહેલા ભરત મુનિ પૂર્વસંસ્કારોના સંતાપકારક સ્મરણથી પોતાના જન્મસ્થાન કાલંજર પર્વતમાંથી પાછા ગંડકી તટવર્તી હરિક્ષેત્રમાં પુલહ આશ્રમમાં જઇ પહોંચ્યા. હવે એ અસંગ રહેવા લાગ્યા. છેવટે મૃત્યુનો સમય સમીપ આવતાં સરિતાના પવિત્ર પ્રવાહમાં ઊભા રહીને એમણે એ શરીરનો પરિત્યાગ કર્યો. ભાગવતના પાંચમા સ્કંધના આઠમા અધ્યાયના અંતભાગમાં કહ્યું છે–

मृगशरीरं तीर्थोदकविन्नमुत्सर्ज ।

ભાગવતના રચયિતા ભરતના આશ્ચર્યકારક ઉદાહરણ પરથી એ સૂચવવા માગે છે કે જીવનની પરંપરા જ્યાં સુધી એના મૂળભૂત પ્રયોજનની પૂર્તિ ના થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. એ પરંપરાની પાછળ વાસના તથા લાલસા અથવા અહંતા અને મમતા મોટો ભાગ ભજવે છે. એના પરિણામે પેદા થયેલા સંસ્કારો જ એનો નિશ્ચય કરે છે ને ઘાટ ઘડે છે. એ ઘાટ માનવશરીરનો પણ હોઇ શકે ને બીજા મનુષ્યેતર શરીરનો પણ હોઇ શકે. મનુષ્યયોનિની પ્રાપ્તિ થયા પછી બીજી યોનિમાં પણ મનુષ્યશરીર જ સાંપડશે એવું નિશ્ચયાત્મક રીતે ના કહી શકાય. શરીર છોડતી વખતે જે ભાવના કે વાસના હોય તે મહત્વનો ભાગ ભજવે છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *