બિલાડીની જાત્રા
By-Gujju27-10-2023
બિલાડીની જાત્રા
By Gujju27-10-2023
એક હતી બિલાડી. તે રોજ એક ભરવાડના ઘ૨માં આવે ને ઘરમાં કોઈ ન હોય ત્યારે કોઠલામાં પેસી ઘી ખાઈ જાય.
પણ એક દિવસ ભરવાડ બિલાડીને ઘી ખાતાં દેખી ગયો. ભરવાડ તો એને મારવા દોડ્યો. બિલાડીનું મોઢું અને માથું ગાડવામાં (માટલું) હતાં. બિલાડીને બીક લાગી એટલે તે એકદમ દોડી, પણ ઉતાવળમાં ગાડવામાંથી માથું કાઢી શકી નહિ તેથી ગાડવો એના માથામાં રહી ગયો. દોડતાં – દોડતાં બિલાડી થાંભલી સાથે ભટકાઈ તેથી ગાડવો તો ફૂટી ગયો. પણ ડોકમાં ગાડવાનો કાંઠો રહી ગયો.
બિલાડીબાઈના ગળામાં તો કાંઠો રહી ગયો અને પોતે આગળ ચાલ્યાં. રસ્તામાં પારેવાં મળ્યાં.
પારેવાં કહે : “ બિલ્લીબાઈ , બિલ્લીબાઈ ! ક્યાં ચાલ્યાં ? ’’
બિલ્લી કહે : “જાત્રા કરવા.”
પારેવાં કહે : “આ ગળામાં શું છે ?”
બિલ્લી કહે : “ એ તો માળા છે . ’’
પારેવાં કહે : “ અમે સાથે આવીએ ? ’’
બિલ્લી કહે : “ ચાલોને ! જાત્રા કરવા આવશો તો પુણ્ય થશે. “
પારેવાં કહે : “ પણ અમને મા૨શો તો નહિ ના ? ”
બિલ્લી કહે : “ ના રે ! મારાથી તમને મરાય ? હું તો ભગત થઈ છું. જુઓ ને , મારા ગળામાં તો માળા છે, ને હું તો જાત્રાએ જાઉં છું.” પછી પારેવાં બિલ્લીબાઈની સાથે ચાલ્યાં.
રસ્તામાં એક ઉંદર મળ્યો. ઉંદર તો ડાકલી વગાડતો વગાડતો બેઠો હતો. તેણે પૂછ્યું : ‘‘ બિલ્લીબાઈ , બિલ્લીબાઈ ક્યાં ચાલ્યાં ? ”
બિલ્લી કહે : ‘‘ જાત્રા કરવા. ”
ઉંદર કહે : “ ગળામાં શું છે ? ”
બિલ્લી કહે : “ એ તો માળા છે. ”
ઉંદર કહે : “ હું સાથે આવું ? ’’
બિલ્લી કહે : “ ચાલ ને ભાઈ ! જાત્રા કરવા આવીશ તો પુણ્ય થશે. ’’
ઉંદર કહે : “ પણ અમને મારશો તો નહિ ના ? ’’
બિલ્લી કહે : “ ના રે ભાઈ ! મારાથી તે હવે કોઈને મરાય ? હું તો હવે ભગત થઈ છું. જો ને, મારા ગળામાં માળા છે, ને હું તો જાત્રાએ જાઉં છું. ” પછી ઉંદર બિલ્લીબાઈ સાથે જાત્રાએ ચાલ્યો. આગળ જતાં બિલ્લીબાઈને એક મોર મળ્યો. અમર કથાઓ
મોર બિલાડીને કહે : “ બિલ્લીબાઈ બિલ્લીબાઈ ક્યાં ચાલ્યાં ? ’’
બિલ્લી કહે : ‘‘ જાત્રા કરવા.”
મો૨ કહે : “ આ ગળામાં શું છે ? ’’
બિલ્લી કહે : “ એ તો માળા છે. ”
મો૨ : “ હું સાથે આવું ? ’’
બિલ્લી કહે : “ ચાલ ને ભાઈ ! જાત્રા કરવા આવીશ તો પુણ્ય થશે. ’’
મોર કહે : “ મને મારીશ તો નહિ ના ? ’’
બિલ્લી કહે : “ ના રે ભાઈ ! મારાથી તે હવે કોઈને મરાય ? હુ તો હવે ભગત થઈ છું. જો ને, મારા ગળામાં માળા છે, ને હું તો જાત્રાએ જાઉં છું. ‘’
પછી મોર પણ બિલ્લીબાઈ સાથે જાત્રાએ ચાલ્યો. બધાંય સાથે ચાલ્યાં. ચાલતાં – ચાલતાં એક મહાદેવની દેરી પાસે આવ્યાં. સાંજ પડી ગઈ હતી એટલે સૌ દેરીમાં રાત રહ્યાં. પારેવાં, ઉંદર અને મો૨ તો રસ્તામાં ચણતાં અને ખાતાં આવતાં હતાં. પણ બિલ્લીબાઈને તો નકોરડો અપવાસ હતો. પોતે તો ભગત બની હતી એટલે કેમ ખવાય ? ભૂખી બિલાડીએ એથી બધાંને ખાઈ જવાનો વિચાર કર્યો.
તેણે સૌને કહ્યું : “ તમે સૌ દેરીમાં સૂઓ. હું બહાર સૂઈશ ને તમારી ચોકી કરીશ. ’’
બધાંય ઊંઘી જાય ત્યારે તેમને ખાઈ જવાનો વિચાર બિલ્લીબાઈના મનમાં હતો. અડધી રાત થઈ. બિલ્લીબાઈના મનમાં થયું કે હવે સૌ સૂઈ ગયાં હશે. તે હળવેહળવે દેરીમાં ગઈ, ત્યાં સૌ જાગતાં હતાં. તેમને મીનીબાઈની બીક તો હતી જ ! પછી બિલાડીએ એક પારેવાને રોફથી કહ્યું : “ ડોળા કોના ઉપર કાઢે છે ?”
પારેવું ગભરાઈ ગયું , ને તેણે કહ્યું : “ કોઈના ઉપર નહિ”
પછી બિલાડી મોર પાસે ગઈ ને તેને કહ્યું : “ આ ફૂમકું કોના ઉપર લગાવ્યું છે ? ”
મોરે પણ બીતાંબીતાં કહ્યું : “ કોઈના ઉ૫૨ નહિ “
બિલ્લીબહેન ! પછી બિલાડી ઉંદર પાસે ગઈ ને તેને કહ્યું : “ કોના ઉપર મૂછ મરડે છે ?”
ઉંદર કહે : કોના ઉપ૨ કેમ ? મીનીબાઈ ભક્તાણી ઉપર મૂંછ મરડું છું ! ”
બિલાડી ખૂબ ખિજાઈ ને ઉંદરને મારવા દોડી. જ્યાં બિલાડી ઉંદરભાઈને મારવા જાય છે ત્યાં તો ઉંદરભાઈ શંકરના થાળાની ખાળમાં પેસી ગયા ; તે જ વખતે પારેવાં ઊડીને ઊંચે બેસી ગયાં અને મોર મંદિરની બહાર નાસી ગયો. બિલ્લીબાઈ તો મોં વકાસીને ભૂખ્યાંભૂખ્યાં ઊભાં રહ્યાં !