ચડે પડે જીભ વડે જ માનવી વિષે નિબંધ
By-Gujju07-11-2023
ચડે પડે જીભ વડે જ માનવી વિષે નિબંધ
By Gujju07-11-2023
સ્વસ્થ જીવન માટે આપણાં તન અને મન બંને સ્વસ્થ હોવાં જરૂરી છે. તનની તંદુરસ્તી માટે આપણે આરોગ્યના નિયમો અને મનની તંદુરસ્તી માટે શુદ્ધ વ્યવહારના નિયમો પાળવા જોઈએ. મનની અને તનની તંદુરસ્તી એકબીજાની પૂરક છે. તેથી આ બંનેની તંદુરસ્તી જળવાય તે અત્યંત જરૂરી છે.
શરીરની તંદુરસ્તી માટે શુદ્ધ પાણી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી દાક્તરો ઉકાળેલું અને ચોખ્ખું પાણી પીવાની સલાહ આપે છે. શરીર અને મન બંનેની તંદુરસ્તી માટે જીભ જવાબદાર છે. જીભના ચટાકાવાળો ખોરાક લેવાથી આપણું આરોગ્ય બગડે છે. તેથી જીભ જે માગે તે બધું તેને આપવું જોઈએ નહિ. જીભને વશમાં રાખવી તે આપણા માટે આશીર્વાદરૂપ ગણાય છે.
મનુષ્ય મીઠી વાણીથી તેનાં કુટુંબીજનો , મિત્રો અને પાડોશીઓનો પ્રેમ જીતી શકે છે. તે મીઠી વાણીથી મિત્રોની સંખ્યા વધારી શકે છે, પોતાના સહકાર્યકરોનો સાથ મેળવી શકે છે અને પોતાના ઉપરી અધિકારીનો કૃપાપાત્ર પણ બની શકે છે. વેપાર – ઉદ્યોગના ક્ષેત્રે તો મીઠી વાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. મધુર સંભાષણ વડે ગ્રાહકોને રાજી રાખીને વેપારી પોતાનો વેપાર વધારી શકે છે. અધ્યાપક પોતાની મીઠી જબાન વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી શકે છે. તે જ રીતે વિદ્યાર્થી મીઠી વાણીથી શિક્ષકોનો પ્રેમ અને પોતાનાં માતાપિતાનો સ્નેહ મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણા નેતાઓ દ્વારા બોલાયેલા શબ્દો અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી એકએક શબ્દ સમજી – વિચારીને બોલવો તેમના માટે જરૂરી બને છે. તેઓ મીઠી અને સંયમિત વાણીથી બીજાં રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારી તેમજ વધારી શકે છે, એટલે જ કહ્યું છે કે :
“ વાણીને પાણીની જેમ નહીં,
દૂધની જેમ વાપરવી જોઈએ.’’
એવું કહેવાય છે કે જેણે જીભ જીતી લીધી છે, તેણે આખું જગત જીતી લીધું છે. જીભ મનુષ્યના જીવનમાં સ્વર્ગ રચી શકે છે તેમ મનુષ્યના જીવનને નર્કાગાર પણ બનાવી શકે છે. ‘આંધળાનો પુત્ર આંધળો’ એવા દ્રોપદીએ ઉચ્ચારેલા કટુ શબ્દોને કારણે મહાભારતનું યુદ્ધ થયું હતું. જીભમાં અમૃત છે અને ઝેર પણ છે. મનુષ્ય પોતાની કડવી જીભ વડે દુશ્મનો વધારે છે, કૌટુંબિક સંબંધો બગાડે છે તેમજ પોતાના સહકાર્યકરોનો સાથ અને સહકાર ગુમાવે છે.
કામદાર તેની કડવી જીભથી નોકરી ગુમાવે છે. અધ્યાપક કડવી જીભ વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ ગુમાવે છે. રાજકીય નેતાઓ કડવી. વાણીનો ઉપયોગ કરે તો લોકોનો વિશ્વાસ ગુમાવે છે. મનુષ્યની જીભ વડે જ તેની ઓળખ થાય છે. જંગલમાં વસતા એક અંધ સાધુ સિપાઈ , વજીર અને રાજાને તેમની વાણીથી ઓળખી શક્યા હતા. એટલે જ કહેવાયું છેઃ
“કોયલડી ને કાગ , વાને વરતાય નહિ,
જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે.’’
મીઠી જીભનો અર્થ એવો નથી થતો કે આપણે સૌની ખુશામત કરવી જોઈએ, પણ આપણી વાણીમાં વિનમ્રતા તો હોવી જ જોઈએ. વળી, આપણી જીભમાં અમૃત હોય પણ આપણા વ્યવહારમાં કપટ હોય તો એવા વિરોધાભાસનો પણ કશો અર્થ નથી. એટલે આપણાં વાણી અને વર્તનમાં સંવાદિતા હોય તે ખૂબ જરૂરી છે.
સત્ય હંમેશાં કડવું હોય છે. છતાં, મનુષ્ય એ કટુ સત્યને શક્ય તેટલી મધુર ભાષામાં કહેવું જોઈએ . જેમ કે, ‘કાણાને નવ કાણો કહિયે, ધીરે રહીને પૂછીએ : શેણે ખોયા નેણ ? ’ કે અંધને અંધ કહેવાને બદલે સૂરદાસ કહેવાથી એમની લાગણી દુભાતી નથી.
ઓછું બોલો અને વધુ સાંભળો. ઓછું બોલો પણ મધુર બોલો.
” સત્યં યાત્ પ્રિયં વ્રૂયાત્ ન બ્રૂયાત્ સત્યમ્ અપ્રિયમ્ । ”
અર્થાત્ આપણે પ્રિય હોય એવું જ સત્ય બોલવું જોઈએ. અપ્રિય એવું સત્ય પણ ન બોલવું જોઈએ.