Saturday, 27 July, 2024

દલો તરવાડી અને વશરામ ભુવા “રીંગણા લઉ બે ચાર ?”

84 Views
Share :
દલો તરવાડી અને વશરામ ભુવા

દલો તરવાડી અને વશરામ ભુવા “રીંગણા લઉ બે ચાર ?”

84 Views

એક હતો તરવાડી. એનું નામ હતું દલો.

દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે.
એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !

તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?

ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?

દલો તરવાડી કહે – ઠીક.

તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?

છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.

દલો તરવાડી કહે – વાડી રે બાઈ વાડી !

વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી ?

દલો તરવાડી કહે – રીંગણાં લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !

દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને આ રીતે રીંગણા લઇ જાય.

આ વાડી વશરામ ભુવા નામના ખેડુતની હતી વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં. વશરામ ભુવાએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વશરામ ભુવા ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા – વાડી રે બાઈ વાડી !

વાડીને બદલે દલો કહે – શું કહો છો, દલા તરવાડી ?

દલો તરવાડી કહે – રીંગણા લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી. એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !

દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો વશરામ ભુવા ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?

દલો કહે – કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.

માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?

દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?

વશરામ ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !

કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?

વશરામ કહે – ડુબકાં ખવરાવું બે-ચાર ?

વળી કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.

આમ કહીને કુવામાં દસ – બાર ડુબકીઓ ખવડાવી.

દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો – ભાઈસા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !

પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *