Sunday, 22 December, 2024

દમયંતીનું લગ્ન

330 Views
Share :
દમયંતીનું લગ્ન

દમયંતીનું લગ્ન

330 Views

{slide=Damayanti’s marriage}

The story of Nal and Damayanti is part of Mahabharat, Van Parva. Nal was son of Virsen, King of Nishadh. Damayanti was daughter of Bhim, king of Vidarbha. Damayanti was extra charming and beautiful while Nal was very handsome. Though, they never met face-to-face, they knew each other from people’s references. A swan became vehicle for exchange of their feelings and made both of them desperate for a direct meeting. When they could not stay separated, Damayanti’s father arranged for her swayamvar (groom choosing). Invitations were send to various kings for the event.
Nal also set out for swayamvar. However, deities like Indra and Fire god also entered the fray to test Damayanti’s love. They assumed the form of Nal. When it was time for Damayanti to choose, she was baffled by five similar looking Nal instead of one ! She prayed to God that if Nal was her true love and one, whom she already accepted as her future husband than let God help her in making a choice. Damayanti’s prayers were heard. She could figure out that others disguised as Nal were not humans. Her real love, Nal of Nishadh was perspiring, pale, tired and his feet were touching the ground. Damayanti garlanded made her choice and deities praised Damayanti’s love for Nal. Nal also became very happy and promised to take good care of Damayanti.  

માનવ પોતાના દુઃખનો કે દુર્ભાગ્યનો નિચાર કરીને બેસી રહે તો એને એ દુઃખ અને દુર્ભાગ્ય અસાધારણ અથવા અસહ્ય લાગે. પરંતુ એને બદલે દુઃખ અને દુર્ભાગ્યના વિપરીત વખતમાં પોતાના જેવા અથવા પોતાના કરતાં વધારે દુઃખી અથવા દુર્ભાગી માનવોના જીવનનો વિચાર કરે તો તેને દુઃખને શાંતિથી સહવાની ને દુઃખનો ઉપાય કરવાની પ્રેરણા તથા શક્તિ સાંપડે. પોતાનું દુઃખ હળવું લાગે. વનવાસના દિવસોમાં યુધિષ્ઠિરને પોતાનું દુઃખ સૌથી વધારે લાગતું હતું. એટલે એ દિવસો દરમિયાન એને શાંત કરવા માટે, એમના પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે એમની પાસે પહોંચેલા મહર્ષિ બૃહદશ્વે એમને મહારાજા નળની જીવન કથા કહી. વનપર્વમાં આલેખાયેલી એ કથા રસમય અને કલ્યાણકારિણી હોવાથી એનું વિહંગાવલોકન અસ્થાને નહિ ગણાય. ઊલટું, આશીર્વાદરૂપ થઇ પડશે.

વીરસેનનો પુત્ર નળ, બળવાન, રૂપવાન, ગુણવાન અને અશ્વવિદ્યામાં નિષ્ણાત હતો. દેવરાજ ઇન્દ્રની જેમ તે દેવોનો અધીશ્વર હતો. તે નિષધદેશનો અધિપતિ, દ્યુતપ્રેમી, વેદવેત્તા તથા સત્યપ્રેમી હતો. ઉદાર, જિતેન્દ્રિય, પ્રજાપાલક, ધનુર્ધરોમાં શ્રેષ્ઠ, સાક્ષાત્ મનુ જેવો.

વિદર્ભદેશમાં ભીમ નામે રાજા હતો. તેને દમયંતી નામની લક્ષ્મીના અવતાર જેવી, સુંદરતાની પ્રાણવાન પ્રતિમૂર્તિ સરખી સદગુણસંપન્ન સુપુત્રી હતી.

એની વિશિષ્ટતાનું વર્ણન સાંભળીને નળને એના પ્રત્યે અગમ્ય આકર્ષણ થયું.

એવી રીતે દેવાંગનાથી પણ અધિક આકર્ષક દમયંતીને નળના ગુણમહિમાની વાતોને સાંભળીને નળને માટે પણ અનંત આકર્ષણ પેદા થયું.

એ આકર્ષણ દિનપ્રતિદિન વધતું જ ગયું. બંનેને એકમેકને મળવા અને એકમેકનાં બનવા માટે અતિશય આતુર કરવા લાગ્યું.

એક દિવસ નળ પોતાના એકાંત આહલાદક અંતઃપુરની પાસેના ઉદ્યાનમાં બેઠેલો ત્યાં એણે સોનેરી પાંખવાળા હંસોને નિહાળીને એમાના એક હંસ પક્ષીને પકડી લીધું.

હંસે કહ્યું કે મારો વધ કરશો નહીં. મને મુક્ત કરશો તો હું તમારું પ્રિય કરીશ. દમયંતી પાસે પહોંચીને એવી રીતે વાત કરીશ કે તેનું મન તમને છોડીને બીજે ક્યાંય નહિ જાય. તમારા સિવાય એ બીજા કોઇ પુરુષનો વિચાર જ નહિ કરે.

હંસના કથનથી પ્રસન્ન બનીને નળે એને મુક્તિ આપી એટલે એ બધા હંસો દમયંતી પાસે વિદર્ભદેશમાં ગયા.

સખીસમૂહથી ઘેરાયેલી દમયંતી એ અદભુત સ્વરૂપવાળા હંસોને નિહાળીને હર્ષ પામીને એમને પકડવાના આશયથી એમની પાછળ દોડી એટલે પેલો હંસ એને કહેવા માંડયો કે દમયંતી, નિષધદેશમાં નળ નામે રાજા છે તેનું સ્વરૂપ અશ્વિનીકુમાર જેવું છે. કોઇ માનવ તેની બરાબરી કરી શકે તેમ નથી. તે સાક્ષાત્ કામદેવ સમાન છે. તું તેની પત્ની થશે તો તારું જીવન સાર્થક બનશે. તું તેને માટે સર્વપ્રકારે યોગ્ય છે. તું સ્ત્રીરત્નરૂપ છે ને નળ પુરુષોમાં શ્રેષ્ઠ છે. તમારા બંનેનો સમાગમ સરિતા અને સાગરના સમાગમ જેવો સફળ તથા સર્વશ્રેષ્ઠ નીવડશે.

દમયંતીએ નળને પણ એવું જ કહેવાની ભલામણ કરી.

હંસે નિષધદેશમાં પહોંચીને નળને સઘળી વાત કહી સંભળાવી.

હંસની પાસેથી નળની વિશેષતાની વાતને સાંભળીને દમયંતી વિહવળ બની ગઇ. એનો પ્રેમ તથા વિરહ પરાકાષ્ઠા પર પહોંચી ગયો. એણે યેન કેન પ્રકારેણ નળને મળવા તથા વરવા મનોરથ કરવા માંડયા.

એ અતિશય અસ્વસ્થ બની ગઇ. એનો રંગ પીળો પડી ગયો. આત્મા અસ્વસ્થ બન્યો.

વિદર્ભનરેશને એની માહિતી મળતાં એના તરફથી એના સ્વયંવરની વ્યવસ્થા કરી.

જે નીરક્ષીરનો, સત્યાસત્યનો, બંધમોક્ષનો, આત્માનો અને અનાત્માનો, ગ્રાહ્યત્યાજ્યનો વિવેક કરી શકે તે પરમહંસ કે પરમ સંત. તે જ હંસ પક્ષી.

જીવ દમયંતી જેવો.

એની પાસે પહોંચીને એ સંત કે પરમહંસ એના મૂળભૂત સ્વામી; સખા કે પ્રિયતમ પરમાત્માનો મહિમા કહી બતાવે છે. તે મહિમાના શ્રવણમનનથી જીવ સંસ્કારી હોય છે તો શિવ પ્રત્યે આકર્ષાય છે. શિવને મળવાના મનોરથને સેવે છે. શિવને માટે આતુર બને છે.

આધ્યાત્મિક જીવનના વિકાસપથમાં એવી પરિસ્થિતિ અથવા ભૂમિકા સહજ બને છે.

નળ-દમયંતીની જીવનકથા એના તરફ અંગુલિનિર્દેશ કરે છે.
*
દમયંતીની માનસિક પરિસ્થિતિને વિચારીને એના પિતા વિદર્ભનરેશ ભીમે એને માટે સ્વયંવરનું આયોજન કરીને અસંખ્ય મહીપતિઓને આમંત્રણ મોકલ્યા.

એ આમંત્રણને અનુલક્ષીને જુદા જુદા રાજાઓ અને રાજપુરુષો એ સ્વંયવરમાં ભાગ લેવા માટે પોતાની સેના સાથે આવી પહોંચ્યા.

ઇન્દ્ર તથા અગ્નિ જેવા દેવો પણ સ્વયંવરની વાતને સાંભળીને એમનાં વાહનો તથા ગણો સાથે વિદર્ભદેશમાં પહોંચી ગયા.

દમયંતીના ધ્યાનમાં ડૂબેલા નિષધનરેશ નળે પણ સ્વયંવર માટે પ્રયાણ કર્યું.

સુયોગ્ય સમયે પરમ લાવણ્યમયી દમયંતી પોતાના શરીરસૌષ્ઠવથી રાજાઓનાં મન અને નયનને આકર્ષતી સ્વયંવરમંડપમાં પ્રવેશી ત્યારે દર્શકો એને અવલોકીને અતિશય આશ્ચર્યચકિત, આકર્ષિત અને  મંત્રમુગ્ધ બની ગયા.

સ્વયંવર મંડપમાં પાંચ સમાન રૂપરંગ અને આકૃતિવાળા પુરુષોને પેખીને દમયંતી નળને ઓળખી શકી નહી. એ સંદેહમાં ને મૂંઝવણમાં પડી. નળને ઓળખ્યા વિના એને વરમાળા કેવી રીતે  પહેરાવવી ?

છેવટે એણે દેવોનું શરણ લઇને શ્રદ્ધાભક્તિપૂર્વક સ્તવન કરીને કહ્યું કે મેં હંસના શબ્દોને સાંભળીને નિષધનરેશ નળને મારા સ્વામી તરીકે સ્વીકાર્યા છે. જો એ સત્ય હોય તો એ સત્યના પ્રભાવથી દેવો મને એ નળનું દર્શન કરાવો. મન અને વાણીથી મેં એમના વિના બીજા કોઇનો મારા સ્વામી તરીકે સ્વીકાર નથી કર્યો. એ સત્યના પ્રભાવથી હું નળને ઓળખી શકું તેમ કરો. દેવોએ પણ એ નળનું મારા પતિ તરીકે નિર્માણ કર્યું છે. તો એ સત્યના પ્રભાવથી હું નળનો પરિચય પામી શકું એમ કરો. નૈષધનાથ નળની આરાધના માટે જ મેં મારા વ્રતને આરંભ્યું છે. એ સાચું હોય તો એ સત્યના પ્રભાવથી હું નળને ઓળખી શકું એવું કરો. મહાસમર્થ લોકપાલો પોતાના સ્વરૂપને મારા પવિત્ર પ્રેમના પ્રભાવથી પ્રગટ કરો જેથી હું નળને સહેલાઇથી ઓળખી શકું.

દમયંતીની પ્રાર્થનાને સાંભળીને; એનો દૃઢ નિરાધાર, નળને માટેનો સત્ય પ્રબળ પારદર્શક પ્રેમ, એની ભાવના તથા પવિત્રતા, બુદ્ધિ અને નળ માટેની એકનિષ્ઠ ભક્તિને દેખીને દેવોએ ખૂબ જ પ્રભાવિત થઇને પોતાના સ્વરૂપને પ્રગટાવ્યું.

દમયંતીએ એ સર્વ દેવોને પરસેવા વિનાના, સ્તબ્ધ આંખવાળા, પ્રફુલ્લ પુષ્પમાળાઓ પહેરેલા, રાજ વગરના અને પૃથ્વીને સ્પર્શ કર્યા સિવાય વિરાજેલા વિલોક્યા. નળને છાયાવાળો, કરમાયલી માળાવાળો, પરસેવાવાળો, રજવાળો, પાંપણના પલકારવાળો અને જમીનને સ્પર્શીને બેઠેલો જોયો.

નળને ઓળખીને દમયંતીએ એના કંઠમાં વરમાળા આરોપી.

દેવો, માનવો, મુનિઓ અને મહર્ષિઓએ નળની પ્રશંસા કરી.

નળે દમયંતીને જણાવ્યું કે દેવોની સમક્ષ તેં મને પતિ તરીકે પસંદ કર્યો છે માટે હું પણ તને સર્વ પ્રકારે અનુકૂળ રહીશ. મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી તને પ્રેમ કરી તથા તારું ધ્યાન રાખીશ. તને લેશ પણ દુઃખ નહિ પડવા દઉં.

ભીમરાજે નળ-દમંયતીનાં વિધિ સહિત વિવાહસંસ્કાર કરાવ્યા.

દમયંતીની એ કથા સૂચવે છે કે જે માગે છે તેને મળે છે. જેને જેને માટે પ્રમાણિક પ્રેમ છે તેને તે અવશ્ય મળે છે. પ્રેમની શક્તિ અસીમ અથવા અવર્ણનીય છે. એ શક્તિથી દેવો પણ પ્રસન્ન થાય છે, અનુકૂળ બની જાય છે, અને ઇચ્છાનુસાર આશીર્વાદ વરસાવે છે. અણિશુદ્ધ અને એકનિષ્ઠ અનુરાગની એ પરમ સનાતની શક્તિને કેળવવા માટે માનવે પ્રયાસ કરવો જોઇએ. એ શક્તિનું પ્રાગટય અને પ્રાબલ્ય થતાં સઘળી સિદ્ધિઓ સહજ રીતે જ આવી મળે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *