Wednesday, 13 November, 2024

ઉર્વશીનો શાપ

313 Views
Share :
ઉર્વશીનો શાપ

ઉર્વશીનો શાપ

313 Views

{slide=Krishna’s promise}

During the years of exile, Arjuna with the permission of his brothers, visited Indra in the heaven. Arjun stayed there for five years and mastered the art of weaponry. During that time Indra decided to impart him with the knowledge of music and dance. Indra assigned Arjuna to Chitrasen. Even in the heaven, Arjuna could not forget the bitter memories of Hastinapur. Indra commanded Urvashi at Arjuna’s service so that she could mitigate Arjuna’s pain.
Chitrasen briefed Urvashi about Arjuna. As Urvasi was fascinated by Arjuna, she readily agreed for the task. At the dawn, she got ready and reached Arjuna’s place. Arjuna was surprised at her arrival and asked for its reason. Urvasi told Arjuna that she was at his service. Arjuna said that he could never think of desiring her as she was worthy of respect. Arjuna further added that he considered Urvashi equivalent to Shachi, wife of Chitrasen (his Guru). Urvashi argued that since she was a mere dancer, she was not bound to anyone. It was improper for Arjuna to think her as respectable and avoid her. However, Arjuna remain adamant in his stand. Urvashi got upset and cursed him that he would turn into a dancer and impotent. That cursed proved to be a blessing in disguise for Arjuna during the period of incognito, the final year of exile.
The moral of the story is that one should stick to his or her principles even in adverse conditions. It always help. 

વનવાસના વખત દરમિયાન યુધિષ્ઠિરની અનુમતિ મેળવીને અર્જુને સ્વર્ગલોકમાં પ્રવેશ કર્યો.

ઇન્દ્રે એનો પરમ પ્રેમપૂર્વક અસાધારણ સત્કાર કર્યો.

દેવો તથા ગંધર્વોએ સર્વોત્તમ પૂજાસામગ્રી લાવીને અર્જુનની અર્ચના કરી.

એ સઘળા અર્જુનને ઇન્દ્રભવનમાં લઇ ગયા.

અર્જુન ત્યાં રહીને ઇન્દ્ર પાસેથી વિવિધ પ્રકારની શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવા લાગ્યો, અને પાંચેક વરસના સમયની અંદરઅંદર તો એમાં પારંગત બની ગયો.

ઇન્દ્રે અર્જુનને નૃત્યવિદ્યા તથા સંગીતવિદ્યામાં વિશારદ બનાવવા માટે ચિત્રસેનની પસંદગી કરી.

ચિત્રસેન પાસેથી અનિયમિત રીતે અને કોઇ કોઇવાર તાલીમ મેળવવા છતાં પણ અર્જુન અલ્પ સમયમાં જ સંગીત તથા નૃત્યવિદ્યામાં નિપુણ બની ગયો.

ચિત્રસેન સાથે એની ગાઢ, અતિગાઢ મિત્રતા થઇ.

એવી પલટાયેલી પરિસ્થિતિમાં પણ એ પોતાના ભાઇઓને ને માતા કુંતીને ભૂલ્યો નહોતો. વનવાસનાં અને વનવાસ પહેલાંનાં અનેકવિધ સુખદુઃખાત્મક વિરોધાભાસી સંસ્મરણોને એ ભૂલી શકતો નહોતો.

એ સંસ્મરણો એને અવારનવાર પીડા પહોંચાડતાં.

ઇન્દ્રે અર્જુનના જીવનમાં અવનવો અનિવર્ચનીય આનંદ પ્રગટાવવા સ્વર્ગલોકની સર્વાંગસુંદરી અપ્સરા ઉર્વશીને એની પાસે પહોંચાડવાનો પ્રબંધ કર્યો. ચિત્રસેનને ઉર્વશી પાસે મોકલ્યો.

ચિત્રસેને ઉર્વશી પાસે પહોંચીને કહ્યું કે હું ઇન્દ્રના આદેશથી આવ્યો છું. તું વીર અર્જુનને જાણે છે. એ પોતાના સહજ સર્વોત્તમ સદગુણોથી, લક્ષ્મીથી, શીલથી, રૂપથી, વ્રતથી, બળથી તથા ઇન્દ્રિયનિગ્રહથી સર્વત્ર સુપ્રસિદ્ધ છે. પ્રતિષ્ઠાવાન તેજસ્વી, ક્ષમાશીલ, મત્સરરહિત છે. એ ચારે વેદોને અંગો અને ઉપનિષદો સાથે જાણે છે અને પુરાણગ્રંથમાં પણ પારંગત છે. બ્રહ્મચર્ય, દક્ષતા કુળશુદ્ધિ, સદગુરૂસેવા, શ્રવણાદિ આઠ લક્ષણવાળી મેધા તથા યુવાનીથી સંપન્ન છે. બીજાને સન્માને છે. નમ્ર છે. મધુભાષી છે. ઇન્દ્રની આકાંક્ષા છે કે તું એની સેવામાં સમુપસ્થિત રહીને એને સ્વર્ગવાસનો સર્વોત્તમ સંતોષ ધર.

ચિત્રસેનના શબ્દોને સાંભળીને ઉર્વશી પ્રસન્નચિત્ત બની ગઇ. એને લાગ્યું કે ઇન્દ્રે એને સર્વશ્રેષ્ઠ સન્માનપદ પૂરું પાડયું. એણે તરત જ જણાવ્યું કે અર્જુનની વિશેષતાને જાણીને હું પ્રથમથી જ એના પર મોહ પામી છું અને એને વરી છું. હું એની પાસે અવશ્ય આવીશ.

ચિત્રસેનને સંતોષ થયો.

એની વિદાય પછી ઉર્વશીએ સ્નાનાદિથી નિવૃત થઇને આકર્ષક અલંકારોને ધારણ કર્યા.

રાતે ચંદ્રોદય થતાં એણે અર્જુનના ભવન પ્રતિ પ્રયાણ કર્યું.

એનું સ્વરૂપ અતિશય આકર્ષક બનેલું.

સૌન્દર્યની સુમધુર સજીવ મૂર્તિસમી એ અસાધારણ આહલાદયુક્ત બનીને થોડી વારમાં જ અર્જુનના ભવ્ય ભવનમાં પ્રવેશી ત્યારે અર્જુને એનો સત્કાર કર્યો.

{slide=Click me to read the remaining story : વધુ આગળ વાંચો}

અર્જુને એના શુભાગમનનું કારણ પૂછયું તો એણે જણાવ્યું કે સ્વર્ગલોકમાં તમારા શુભ પ્રવેશ વખતે મહાન મંગલોત્સવ થયેલો. દેવરાજ ઇન્દ્રે વિશાળ સભાનું આયોજન કરેલું. એ સંમેલનમાં અસાધારણ ઐશ્વર્યથી અલંકૃત, સૂર્ય અને ચંદ્ર તથા અગ્નિ જેવા અલૌકિક અંગવાળા રુદ્રો, આદિત્યો, અશ્વિનો, વસુઓ, મહર્ષિઓ, રાજર્ષિશ્રેષ્ઠો, સિદ્ધો, ચારણો, યક્ષો, પોતપોતાનાં સ્થાન, માન, પ્રભાવ પ્રમાણે વિરાજેલા. એ વખતે ગંધર્વોએ વીણા વગાડી દિવ્ય રસમય હૃદયાભિરામ ગીત આરંભ્યું. અપ્સરાઓ અદભુત રીતે નૃત્ય કરવા લાગી.

એ વખતે તમે મારાથી મોહિત અથવા મંત્રમુગ્ધ બનીને મને કોઇક ચિત્રાંકિત વ્યક્તિની પેઠે નિર્નિમેષ નેત્રે નીરખી રહેલા.

હું તમારા અંતરના અસીમ અનિર્વચનીય અનુરાગનું અનુમાન અનાયાસે કરી શકેલી. એને સહેલાઇથી સંપૂર્ણપણે સમજી શકેલી.

દેવોએ પ્રયોજેલો એ સ્વાગત સમારંભ સમાપ્ત થયો એટલે સૌ પોતાના નિવાસસ્થાને ગયા.

અપ્સરાઓ પણ સ્વસ્થાને ગઇ.

હું સ્વયં તમને નિહાળીને સંમોહિત થયેલી.

હવે દેવરાજ ઇન્દ્રનો ચિત્રસેન દ્વારા સંદેશ સાંપડ્યો કે મારે મારા અતુલિત રૂપમાધુર્ય સાથે તમારી સેવા માટે ઉપસ્થિત થવું. મને એ સંદેશથી અત્યાધિક આનંદ થયો કારણકે મારો અંતરાત્મા પણ તમારા પ્રત્યે આકર્ષાયેલો. હું કામમોહિત થઇને તમારી પાસે આવી છું તો તમે મારો સહર્ષ સ્વીકાર કરીને સ્વેચ્છાનુસાર સુખ અનુભવો.

ઉર્વશીના ઉદગારોને સાંભળીને અર્જુનને આશ્ચર્ય થયું. એણે લેશ પણ વિલંબ વિના સ્પષ્ટીકરણ કર્યું કે તું તો મારે માટે ગુરુપત્ની સમાન છે. મારી દૃષ્ટિએ જેવી પવિત્ર અને પૂજ્ય પરમ ભાગ્યવતી કુંતી તથા ઇન્દ્રપત્ની શચી છે તેવી હે કલ્યાણી, તું પણ છે. પેલા સરસ સંગીતમય સ્વાગત સમારંભ વખતે મેં તારા તરફ વિશેષ ધ્યાનપૂર્વક જોયેલું તેનું કારણ બીજું હતું. હું તને પૌરવવંશની જનની તરીકે જોતો હતો. એક પ્રકારના વિશેષ અવર્ણનીય આદરભાવથી. એની પાછળ કોઇ પ્રકારની વિકારી દૃષ્ટિ નહોતી. આજે પણ નથી. ના જ હોય.

ઉર્વશીએ કહ્યું કે અમે તો અપ્સરાઓ છીએ. નિત્યનવી. અમારે કોઇ બંધન અથવા આવરણ નથી હોતું. અમે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. સર્વતંત્ર સ્વતંત્ર. અમને માતા માનવી યોગ્ય નથી. હું તમારા પર મોહિત થઇ છું, કામાતુર તથા પ્રેમિકા છું. મારો સ્વીકાર કરીને મારી ઇચ્છાની પૂર્તિ કરો.

અર્જુન પોતાના પૂર્વવિચારમાં અચળ રહ્યો. એણે ઉર્વશીને માતા જ માની. એને લીધે ઉર્વશી પોતાની વિવેકશક્તિ તથા સ્વસ્થતાને ખોઇ બેઠી. એણે અર્જુનને અતિશય ક્રોધાતુર બનીને શાપ આપ્યો કે તું મારી ઇચ્છાની પૂર્તિ કરવા માટે મને સ્વીકારતો નથી તો તને શાપ આપું છું કે તું સ્ત્રીઓની વચ્ચે માનહીન નર્તક બનશે અને નપુસંક થઇને વિહરશે.

ઉર્વશી પોતાના ભવનમાં ભગ્નહૃદયે પાછી ફરી.

અર્જુન અભિશાપની પ્રાપ્તિ છતાં પણ સ્વસ્થ જ રહ્યો.

ઇન્દ્રને ચિત્રસેન દ્વારા એ ઘટનાની માહિતી મળી ત્યારે એણે અર્જુનને એકાંતમાં બોલાવીને એના અણિશુદ્ધ આચરણને માટે આત્મિક અભિનંદન આપ્યાં અને કહ્યું કે તને પુત્રરૂપે પામીને કુંતી સુપુત્રવતી થઇ છે અને ધન્ય બની છે. તને અનેકાનેક અભિનંદન ઘટે છે. મોટામોટા મુનિઓને માટે પણ કઠિન કહેવાય એવું કલ્યાણકાર્ય તેં કરી બતાવ્યું છે. તને ઉર્વશી દ્વારા સાંપડેલો શાપ તારે માટે વરદાનતુલ્ય થઇ પડશે. તને ઉપયોગી થશે. તેરમા વરસે તમારે સૌને અજ્ઞાતવાસ વેઠવાનો છે તે વખતે એ શાપ ભોગવાઇ જશે. નર્તકના રૂપમાં નપુસંક તરીકે એક વરસ સુધી રહ્યા પછી તે શાપ દૂર થશે ને તને પુનઃ પુરુષત્વ પ્રાપ્ત થશે.

ઇન્દ્રના શબ્દોના શ્રવણથી અર્જુનને આનંદ થયો. આવશ્યક આશ્વાસન મળ્યું.

મહાભારતના વનપર્વના 46મા અધ્યાયની એ કરુણાસભર કથા અર્જુનના વિશદ વિરાટ વ્યક્તિત્વ પ્રત્યે અંગૂલિનિર્દેશ કરતાં સૂચવે છે કે અનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનવે પોતાના મન-અંતરને અર્જુનની પેઠે વશ, નિર્મળ અને સંયમી રાખતાં શીખવું જોઇએ. પોતાની નિષ્ઠામાં અડગ રહેવું જોઇએ. પોતાની નિષ્ઠામાં દૃઢ અથવા અડગ રહેનારને માટે જીવનનો પથ જ્યાતિર્મય તથા પ્રશસ્ત બની જાય છે, અભિશાપ આશીર્વાદરૂપ થાય છે. એણે કરેલું ધર્માનુષ્ઠાન જ એની રક્ષા કરે છે. એ સદા સુખી બને છે કે સફળ ઠરે છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *