Wednesday, 20 November, 2024

દાનવીર કર્ણ

236 Views
Share :
દાનવીર કર્ણ

દાનવીર કર્ણ

236 Views

કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું.

સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે બીજાને દાન આપે છે ખરા પરંતુ પોતાની સુરક્ષાનો વિચાર કરીને, એ સુરક્ષાને અલ્પ પણ આંચ ના આવે એવી રીતે, દાન કરે છે. પોતાના જીવનમા સર્વસ્વનું દાન કરનાર અને એ દાન પોતાને માટે હાનિકારક છે એવું જાણ્યા પછી પણ સંકલ્પાનુસાર દાન કરનાર જવલ્લે જ જડતા હોય છે. કર્ણની ગણના એવા અતિવિરલ અપવાદરૂપ દાનેશ્વરી મહાપુરુષોમાં કરાતી.

મહાભારતના નિર્દેશનુસાર એને જન્મની સાથે જ જે કવચ તથા કુંડળ પ્રાપ્ત થયેલાં તે એને જીવાદોરી સમાન હતાં. એ કવચ તથા કુંડળને લીધે એ યુદ્ધમાં અજેય હતો. છતાં પણ દાન આપવાના સત્ય સંકલ્પ વચનને વળગી રહીને દાનને લેનારના પ્રયોજનની પૂર્વમાહિતી મળવા છતાં એણે દાન આપી દીધું.

કર્ણની અસાધારણ દાનપ્રિયતાની એ કથાને મહાભારતના વનપર્વના વર્ણનાનુસાર વિચારી લઇએ. પાંડવોને વનવાસનાં બાર વર્ષ પૂરાં થયાં અને તેરમું વર્ષ બેઠું ત્યારે પાંડવોના હિતકારી ઇન્દ્ર કર્ણ પાસે ભિક્ષા માગવાને તૈયાર થયા.

ઇન્દ્રના એ વિચારને જાણી જઇને પ્રકાશરૂપી ધનવાળા સૂર્યદેવ કર્ણની પાસે પહોંચ્યા.

તે સમયે વીર, બ્રાહ્મણભક્ત, સત્યવાદી કર્ણ ઉત્તમ પ્રકારના બિછાનાવાળી મહામૂલ્યવાન શય્યામાં નિશ્ચિંતપણે સૂતો હતો. સૂર્યે તેને રાતે સ્વપ્નમાં દર્શન આપ્યાં. યોગની સમૃદ્ધિથી અનેક રૂપને ધારણ કરનારા સૂર્યે. પરમકૃપાથી યુક્ત થઇને તથા પુત્ર પ્રત્યેના સ્નેહને લીધે વેદવેત્તા બ્રાહ્મણનું રૂપ લીધું અને કર્ણના હિતાર્થે તેને કહેવા માંડયું કે પાંડવોનું હિત કરવાની ઇચ્છાથી ઇન્દ્ર તારાં કુંડળ લઇ લેવા માટે બ્રાહ્મણના વેશે તારી પાસે આવશે

તે તથા સમસ્ત જગત તારા સ્વભાવને જાણે છે કે સત્પુરુષો તારી પાસે ભિક્ષા માગે એટલે તું તેમને તે આપે જ છે. અને કોઇની પાસે તું યાચના કરતો નથી. તારી પાસેથી બ્રાહ્મણો ધન કે બીજું જે કાંઇ માગે છે તે તું તેમને આપે જ છે. તું કોઇને પણ પાછો કાઢતો નથી. તારા એ શીલને જાણીને ઇન્દ્ર પોતે જ તારી પાસે કવચ અને કુંડળની ભિક્ષા માગવા માટે આવનાર છે.

ઇન્દ્ર યાચના કરે તો પણ તું તેને કુંડળો આપીશ નહીં. તું એને સમજાવી લેજે. એમ કરવામાં જ તારું પરમકલ્યાણ રહેલું છે. કુંડળ મેળવવા ઇચ્છતા પુરન્દરને તારે રત્નો, સ્ત્રીઓ, ગાયો અને વિવિધ પ્રકારનાં દ્રવ્યોથી તેમજ અનેક દાખલા દલીલોથી અટકાવવો અને કુંડળો આપવાં નહીં.

તું જો જન્મ સાથે સાંપડેલાં એ કલ્યાણકારક કુંડળોને આપી દેશે તો તારું આયુષ્ય ક્ષીણ થશે અને તું મૃત્યુને અધીન થઇશ. તું જ્યાં સુધી કવચ અને કુંડળથી સંયુક્ત છે ત્યાં સુધી કોઈ પણ તને રણમાં મારી શકે એમ નથી. એ બંને રત્નકુંડળો અમૃતમાંથી ઉદભવ્યા છે તેથી તને જો જીવન પ્રિય હોય તો એમનું રક્ષણ કરજે.

હું સહસ્ત્રકિરણ સૂર્ય છું. આ હું તને સ્નેહથી કહું છું. માટે મારાં વચનો અનુસાર કર એમાં જ તારું પરમકલ્યાણ છે.

કર્ણે કહ્યું કે, હું જો આપને પ્રિય હોઉં તો આપ મને આ વ્રત પાળતાં અટકાવશો નહિ. ઇન્દ્ર જો પાંડુપુત્રોના હિતાર્થે બ્રાહ્મણનો વેશ લઇને મારી પાસે ભિક્ષા માગવા આવશે તો હું તેને મારાં કવચ તથા ઉત્તમ કુંડળો આપી દઇશ. એટલે ત્રણે લોકમાં પ્રસિદ્ધ થયેલી મારી કીર્તી નાશ પામશે નહીં. અપયશને આપનારા કર્મને કરીને પ્રાણરક્ષણ કરવું એ મારા જેવાને માટે યોગ્ય નથી. મારા જેવાને માટે તો યશવાળું અને લોકમાન્ય મરણ જ યોગ્ય છે.

મનુષ્યને માટે કીર્તિ જ આયુષ્ય છે. આથી હું શરીર સાથે મળેલાં એ કવચ તથા કુંડળો આપીને અક્ષય કીર્તિ સંપાદન કરીશ.

સૂર્યે જણાવ્યું કે તું જો કુંડળોથી યુક્ત હશે તો અર્જુન તને સંગ્રામમાં જીતી નહીં શકે. પછી ભલેને ઇન્દ્ર પોતે એનો સહાયક થયો હોય. તું જો રણમાં જીતવા ઇચ્છતો હોય તો તારે આ શુભ કુંડળો ઇન્દ્રને ના આપવાં.

કર્ણે કહ્યું કે આપ જાણો છો તેમ હું આપનો ભક્ત છું. ભક્તિ વડે તમે મને જેવા પ્રિય છો તેવાં પત્ની, પુત્રો, સ્નેહી સંબંધીઓ અને મારો દેહ પણ મને પ્રિય નથી. હું જેટલો અસત્યથી ડરું છું તેટલો મૃત્યુથી ડરતો નથી. તમે મને પાંડુપુત્ર અર્જુનના સંબંધમાં કહ્યું છે પણ અર્જુન તરફથી મને થનારા ભય વિશે તમારા મનમાં જે સંતાપજનક દુઃખ છે તે દૂર થાવ.

હું સંગ્રામમાં અર્જુનને જીતીશ જ. મેં જમદગ્નિપુત્ર પરશુરામ પાસેથી તથા મહાત્મા દ્રોણ પાસેથી અસ્ત્રવિદ્યા મેળવી છે. મારા તે મહાન અસ્ત્રબળને તમે જાણો છો.

કર્ણની દૃઢતાને નિહાળીને અન્ય વિકલ્પ ના રહેતાં સૂર્યે જણાવ્યું કે જ્યાં સુધી એ કુંડળો તારી સાથે છે ત્યાં સુધી તું સર્વ પ્રણીઓથી અવધ્ય છે. આથી અર્જુનના હાથે તારો રણમાં વિનાશ થાય એટલા માટે ઇન્દ્ર તારાં કુંડળોને લઇ લેવા ઇચ્છે છે. આથી તું પણ તેમને કહેજે કે તમે મને શત્રુનો નાશ કરનારી અમોઘ શક્તિ આપો એટલે હું તમને એ કુંડળો અને ઉત્તમ કવચ આપીશ. તું એ શક્તિથી રણમાં રિપુઓને રોળી નાખી શકીશ. દેવરાજની એ શક્તિ સેંકડો અને હજારો શત્રુઓને હણ્યા વિના પાછી હાથમાં આવતી નથી.

એ પ્રમાણે કહીને સૂર્ય એકાએક અંતર્ધાન થઇ ગયા. એ ઘટના પછી એક દિવસ દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કર્ણની પાસે પહોંચી ગયો. કર્ણે ઇન્દ્રને દાન આપવાની તૈયારી બતાવતાં પૂછયું કે તમને સુવર્ણની કંઠીવાળી પ્રમદાઓ, ગાયો, અથવા ગોકુલો આપું ? ઇન્દ્રે એના પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે તમે જો સત્યવ્રતી હો તો તમારી કાયા પરનાં કવચ કુંડળ ઉતારીને મને અર્પણ કરો. મારે એના વિના બીજી કોઇ જ વસ્તુની ઇચ્છા નથી.

ઇન્દ્રના છૂપા વેશને ઓળખતાં કર્ણને વાર ના લાગી. એને સૂર્યનારાયણના શબ્દોની સ્મૃતિ થઇ. એણે જણાવ્યું કે ——– પૃથ્વી, પ્રમદાઓ, ગાયો અને અનેક વરસો સુધી આજીવિકા ચાલે એવી જાગીરનું દાન દેવા માટે હું તૈયાર છું. તમે મારાં કવચ-કુંડળના બદલામાં તેમને માગી શકો છો. મારાં આ કવચ-કુંડળ જન્મની સાથે જ આવેલાં છે અને અમૃતમાંથી પ્રાદુર્ભાવ પામ્યાં છે. એમને લીધે હું અહર્નિશ અવધ્ય છું. એથી હું એમનો ત્યાગ કરી શકું નહીં. એમનાથી અલગ થઇશ તો મારા શત્રુઓ મારો નાશ કરી નાખશે.

એટલા સ્પષ્ટીકરણ પછી પણ ઇન્દ્રે કવચ કુંડળ માટેની માગણી ચાલુ રાખી ત્યારે કર્ણે કહ્યું કે મેં તમને આરંભથી જ ઓળખી લીધા છે. હું તમને મિથ્યા વરદાન આપું એ શક્ય નથી. તથા ન્યાયોચિત પણ નથી. તમે સાક્ષાત્ દેવરાજ છો, અન્ય પ્રાણીઓના ઇશ્વર અને ભૂતોના સર્જક છો. તેથી તમારે મને વરદાન આપવું જોઇએ. તમે મને તમારી અમોઘ શક્તિ આપો તો તેના બદલામાં હું તમને મારાં કવચકુંડળ આપી શકીશ.

ઇન્દ્રે સહેજ વિચાર કરીને કહ્યું કે તારાં કવચકુંડળના બદલામાં હું તને મારી અમોઘ શક્તિ આપું છું. એ અમોઘ શક્તિ સેંકડો શત્રુઓના સંહાર પછી જ મારી પાસે પાછી આવે છે. એ શક્તિ તારી સાથે લડનારા એક તેજસ્વી શત્રુને મારીને ફરી પાછી મારી પાસે પહોંચી જશે. તું જેને મારવાને ઇચ્છે છે તેનું તો વેદવેત્તાઓ જેમને વરાહ, અપરાજિત, નારાયણ અને અચિંત્ય કહે છે તે કૃષ્ણ પોતે રક્ષણ કરી રહ્યા છે.

કર્ણે કવચ કુંડળને કાઢવાથી પોતાની કાયામાં કોઇ પ્રકારની કુરૂપતા કે બિભત્સતા આવે નહીં એવી કરેલી માગણીને ઇન્દ્રે માન્ય રાખીને જણાવ્યું કે તારી કાયા કુરૂપ નહિ બને તેમજ તેમાં જખમ પણ નહિ રહે. તને તારા પિતાના જેવા જ વર્ણની તથા તેજની પ્રાપ્તિ થશે. તારી પાસે બીજાં શસ્ત્રો હશે અને તને વિજયની શંકા નહિ હોય ત્યારે પણ પ્રમાદવશ એ શક્તિ છોડશે તો તે શત્રુને બદલે તારા પર જ તૂટી પડશે.

ઇન્દ્રે કર્ણને એની અમોઘ શક્તિ અર્પણ કરી. કર્ણે સુતીક્ષ્ણ શસ્ત્રની મદદથી કવચકુંડળને ઉતારી આપ્યાં. એની ઉપર અંતરીક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થઇ.

દાન આપવું એ તો દરેકનો ધર્મ છે પણ પોતે જેનાથી જીવિત રહેવાનો છે અને એનાં જ વડે એ બીજાનો સંહાર કરી શકે એમ છે તે વસ્તુઓ આપી દેવી એજ સાચી શૂરવીરતા અનેમહાનતા ગણાય જાણતો હોવા છતા આપવું એજ તો છે કર્ણની દાનવીરતા અને મહાનતા !!!!!

શત શત પ્રણામ શુરવીર અને દાનવીર કર્ણને !!!!!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *