Wednesday, 9 October, 2024

દેવર્ષિ નારદનો પૂર્વજન્મ

274 Views
Share :
દેવર્ષિ નારદનો પૂર્વજન્મ

દેવર્ષિ નારદનો પૂર્વજન્મ

274 Views

ભાગવતના આરંભમાં જ દેવર્ષિ નારદના પૂર્વજન્મની કથા કહેવાઇ ગઇ છે. તો પણ એનો જે અંશ શેષ રહ્યો છે તે સાતમા સ્કંધની સમાપ્તિ વખતે રજૂ કરવામાં આવ્યો છે. એ અંશ દેવર્ષિ નારદે પોતે યુધિષ્ઠિરને રહેલો છે. એનો સાર આ રહ્યો:

પૂર્વજન્મમાં પહેલાંના મહાકલ્પમાં દેવર્ષિ નારદ ગંધર્વ હતા. એમનું નામ ઉપબર્હણ હતું. એમનું સૌન્દર્ય ને માધુર્ય અપૂર્વ હતું. એમના શરીરમાંથી સુવાસ નીકળતી અને સ્ત્રીઓ એમના પ્રત્યે આકર્ષાતી. એ ખૂબ જ વિલાસી હતા. એકવાર દેવોના જ્ઞાનયજ્ઞમાં દેવોએ ભગવાનની લીલાઓના જયગાન માટે ગંધર્વોને અને અપ્સરાઓને આમંત્રણ આપ્યું. એમને એ સ્થાનવિશેષના મહિમાની માહિતી હોવા છતાં એમણે ત્યાં ઉન્મત્તની જેમ લૌકિક ગીતોને લલકારતાં પ્રવેશ કર્યો. એમની સાથે વિલાસિની સ્ત્રીઓ પણ હતી. એવી રીતે દેવોનો અનાદર થવાથી એમણે એમને સત્વર શાપ આપ્યો કે તમે અમારી અવજ્ઞા કરી હોવાથી તમારી સઘળી સુંદરતા અત્યારે ને અત્યારે જ નષ્ટ થઇ જાવ ને તમે શૂદ્રનું શરીર પ્રાપ્ત કરો.

એ શાપના પરિણામે દેવર્ષિ નારદ-એ વખતના ઉપબર્હણ નામના ગંધર્વ – બીજા જન્મમાં દાસીપુત્ર બન્યા. એ જન્મમાં મળેલા સંતાનુગ્રહને લીધે એમની જ્ઞાનદૃષ્ટિ ઊઘડી ગઇ, એમને અલૌકિક અમોઘ ભગવદ્દભક્તિની પ્રાપ્તિ થઇ અને એમનું જીવન પરમમંગલમયી ભગવત્કૃપાથી કૃતાર્થ બન્યું. એનું વિસ્તૃત વર્ણન એમણે પ્રથમ સ્કંધના પાંચમા તથા છઠ્ઠા અધ્યાયમાં હૃદયંગમ રીતે કરેલું છે.

દેવર્ષિ નારદના પૂર્વજન્મનો એ પ્રસંગ મહાપુરુષોની અવજ્ઞાના દુષ્પરિણામ પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાની સાથે સાથે ભાગવતના જન્માંતર વિષયક સરસ સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરો કરે છે ને કહે છે કે માણસે સઘળા સંજોગોમાં શુભાશુભ-વિચારથી સંપન્ન તથા સદાચારી બનવું જોઇએ. જીવન સ્વચ્છંદ તથા વિલાસ માટે નથી પરંતુ સંયમ માટે છે ને સંયમની સાધનાથી સુશોભિત થવું જોઇએ. આજના યુવાનોએ એ પ્રસંગમાંથી પ્રેરણા લેવાની છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *