Monday, 9 December, 2024

સ્તુતિ અને વરદાન

355 Views
Share :
સ્તુતિ અને વરદાન

સ્તુતિ અને વરદાન

355 Views

નૃસિંહ ભગવાનના દર્શનથી પ્રહલાદને આનંદાનુભવ થાય એ સાવ સ્વાભાવિક હતું. એનું રોમરોમ રસથી રંગાઇ ગયું. ભગવાનનું સ્વરૂપ બહારથી જોતાં જો કે ભયંકર દેખાતું પરંતુ કોને માટે ભયંકર હતું ? જે ભક્ત ના હોય તેને માટે. ભક્તહૃદયને માટે તો એ ભગવાનનું હોઇને આવકારદાયક, આનંદકારક અને મંગલ હતું. એના દર્શનથી પ્રહલાદને ભાવસમાધિ થઇ આવી. એણે ભાવવિભોર બનીને એમની સ્તુતિ કરી.

‘ધન, કુલીનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, બુદ્ધિ તથા યોગ, બધાયે ગુણો ભગવાનને પ્રસન્ન કરવામાં સમર્થ નથી થઇ શક્તા. પરંતુ ભક્તિભાવને લીધે તો ભગવાન ગજેન્દ્ર પર પણ પ્રસન્ન થઇ ગયેલા. એવી મારી માન્યતા છે.’

‘મારી તુચ્છ બુદ્ધિ પ્રમાણે, સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ પણ ભગવાનના ચરણકમળથી વિમુખ હોય તો એના કરતાં જેણે પોતાના મન, વચન, કર્મ, ધન તથા પ્રાણને ભગવાનનાં ચારુ ચરણોમાં સમર્પિત કર્યાં હોય તે ચાંડાલ શ્રેષ્ઠ છે. કારણ કે એ ચાંડાલને લીધે તો એનું સમસ્ત કુળ પવિત્ર થઇ જાય છે અને પેલો બ્રાહ્મણ તો પોતાને પણ પવિત્ર નથી કરી શક્તો.’

‘પ્રભુ ! ક્યાં આ ઘોર તમોગુણી અવિદ્યાયુક્ત અસુરકુળમાં ઉત્પન્ન થયેલો એવો હું અને ક્યાં આપની અહેતુકી અનંત અનુગ્રહવર્ષા ? આપના જે કોમળ કમનીય કરકમળને આપે બ્રહ્મા, શંકર અને લક્ષ્મીના મસ્તક પર મૂકવાની કદી તૈયારી નથી બતાવી કે કરકમળને મારા મસ્તક પર મુકીને મને ધન્ય કર્યો છે તેને માટે તમને ધન્યવાદ આપું છું. એ સર્વ સંતાપશામક કરકમળ આપના પરમ પ્રસાદરૂપ છે.’

‘મારા સ્વામી ! મોટા મોટા ઋષિમુનિ તો મોટે ભાગે પોતાની વ્યક્તિગત મુક્તિ માટે વિજન વનમાં જઇને મૌનવ્રત ધારણ કરીને બેસી જાય છે. બીજાના હિતને માટે કોઇ વિશેષ પ્રયત્ન એ કરતા નથી દેખાતા. પરંતુ મારી વાત તો જરા જુદી છે. આ માર્ગ ભૂલેલા અજ્ઞ, અસહાય દીનજનોને મૂકીને હું એકલો જ મુક્ત થવાની ઇચ્છા નથી રાખતો. અને એવા પ્રાણીઓને માટે તમારા સિવાય બીજો કોઇ આધાર પણ નથી દેખાતો.’

પ્રહલાદની પ્રાર્થના કે પ્રશસ્તિમાં આ ભાવ નવી જ ભાત પાડે છે. એ ભાવ પ્રહલાદની અન્યને માટેની નિઃસ્વાર્થ સેવાભાવનાનો અને અનુકંપાનો સૂચક છે. ભક્તનું હૃદય કેટલું બધું ઉદાર, વિશાળ, પરહિતકારક અને પવિત્ર પ્રેમથી પરિપ્લાવિત હોય છે તેની પ્રતીતિ એના પરથી સહેલાઇથી થઇ રહે છે.

પ્રાર્થનાની પરિસમાપ્તિ પછી પ્રહલાદે શાંતિ ધારણ કરી એટલે ભગવાને જણાવ્યું કે પ્રહલાદ, તારું પરમ કલ્યાણ થાવ. હું તારા પર પરિપૂર્ણપણે પ્રસન્ન છું. તારે જે માગવું હોય તે માગી લે. મારી પ્રસન્નતા વિના મારું દર્શન થયા પછી કોઇ જાતની કમી અથવા અશાંતિ નથી રહી શક્તી.

પ્રહલાદના પ્રાણમાં પરમાત્માની પવિત્રતમ પ્રેમભક્તિનું પ્રાકટ્ય થયું હોવાથી અને એ પ્રેમભક્તિ પરાકાષ્ઠા પર પહોંચેલી હોવાથી એને લૌકિક કે પારલૌકિક કોઇયે પ્રકારના પદાર્થની ઇચ્છા ન હતી. એથી એને કશું માગવાનું મન ના થયું. ભગવાનનું દેવદુર્લભ દૈવી દર્શન થયા પછી આદર્શ ભક્ત એમની પીસે બીજું શું માગે ? એ તો ભોગમાત્રને અસાર અથવા વિનાશી સમજે છે. જેના મનમાં લૌકિક કે પારલૌકિક ભોગપભોગની ભાવના કે વાસના રહી હોય એને આદર્શ જ્ઞાની કે ભક્ત ના કહી શકાય. એનું અંતર નિર્મળ છે એવું યે ના માની શકાય. આદર્શ ભક્ત તો ભગવાનની ઇચ્છા રાખે છે અને એમની અહેતુકી કૃપાની અધિકાધિક માગણી કરે છે. એ સિવાય એમને બીજી કોઇ પણ લાલસા કે વાસના નથી હોતી.

પ્રહલાદે એટલા માટે જ ભગવાનને કહ્યું કે પ્રભુ ! હું તો જન્મથી જ વિષયોના ઉપભોગમાં આસક્ત છું. મને એ વિષયોના પ્રલોભનોમાં કૃપા કરીને ના ફસાવો. એમાંથી છૂટવા માટે જ તમારા શરણે આવ્યો છું. મારામાં સાચા ભક્તનાં લક્ષણો છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે કદાચ મને વરદાન માગવા પ્રેરિત કરતા હશો. પરંતુ હું તો નિર્બળ મનનો હોવાથી મારી એવી કસોટી કરવી ઠીક નથી. ભોગો તો અંતરની અવિદ્યાગ્રંથિને વધારે ને વધારે મજબૂત કરે છે ને જન્મમૃત્યુના ચક્રમાં ફરવા માટે બાધ્ય બનાવે છે. મને એમની આકાંક્ષા જરા પણ નથી રહી. હું તો તમારો નિષ્કામ સેવક છું અને તમે મારા નિરપેક્ષ સ્વામી છો. મને જો વરદાન આપવા ઇચ્છતા જ હો તો એવું વરદાન આપો કે મારા અંતરમાં કોઇ દિવસ કોઇ કામના પેદા જ ના થાય.

પ્રહલાદે ભગવાનને પ્રણામ કર્યા એટલે એમણે પ્રસન્ન થઇને એને અભિનંદન આપીને કહ્યું કે પ્રહલાદ ! તારા જેવા પ્રેમી ભક્તો આ લોકના કે પરલોકના કોઇયે પદાર્થની સ્પૃહા નથી રાખતા. તારી ભાવના જોઇને ને તારા શબ્દોને સાંભળીને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તારે કશું નથી જોઇતું તે સાચું છે પરંતુ હું પોતે જ તને કાંઇક આપવા માગું છું. તેનો સ્વીકાર તારે કરવો જ પડશે. મારી ઇચ્છાને માન આપીને ફક્ત એક મન્વંતર સુધી આ લોકમાં તું દૈત્યોના અધિપતિના સમસ્ત સુખોપભોગોનો સ્વીકાર કર. પ્રાણીમાત્રના હૃદયમાં મારો વાસ છે. તું એમની સેવા કરતાં કરતાં મારી કથાવાર્તાના શ્રવણમનનમાં ને મારી આરાધનામાં મગ્ન રહીશ અને એવી રીતે પ્રારબ્ધનો ક્ષય કરી શકીશ. પછી સમુચિત સમય આવતાં મારી પાસે આવી પહોંચીશ. તારા જીવનનું સંકીર્તન તથા શ્રવણ અનંત મનુષ્યો માટે અનંત કાળ સુધી કલ્યાણકારક થઇ પડશે.

ભગવાનની એ ભવિષ્યવાણી સંપૂર્ણ સાચી પડી છે એ વીતેલાં વરસોએ બતાવી આપ્યું છે. પ્રહલાદના પ્રેમભક્તિયુક્ત જીવનનું જયગાન જિજ્ઞાસુઓ, ભક્તો તથા ભાવિકો આજે પણ એટલી જ શ્રદ્ધાભક્તિથી પ્રેરાઇને કર્યા કરે છે અને એમાંથી અસાધારણ પ્રેરણા તથા પ્રકાશ મેળવે છે. ધ્રુવ અને પ્રહલાદ જેવા પ્રાતઃસ્મરણીય ભક્તપ્રવરોએ પ્રજાના હૃદયમાં અક્ષય સ્થાન મેળવ્યું છે. પ્રજા એમને હોંશેહોંશે પરમપૂજ્યભાવથી યાદ કરે છે. એમની એ સુધામયી સંસ્મૃતિ શાશ્વત સમય સુધી સજીવ રહીને પ્રજાને માટે પ્રેરક ઠરશે અને અનેકના જીવનઇતિહાસનું ઘડતર કરશે એમાં શંકા નથી.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *