ધોબીનો ગધેડો અને કૂતરો
By-Gujju24-11-2023
ધોબીનો ગધેડો અને કૂતરો
By Gujju24-11-2023
એક નાના એવા ગામમાં એક ધોબી તેનાં પરિવાર સાથે રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો પણ હતા. બંને પ્રાણીઓ વર્ષોથી ધોબીની સેવા કરતા હતા. ગધેડો ધોબીને તેનાં કામમાં મદદરૂપ થતો, ધોબી નદીએ કપડા ધોવા માટે લઇ જાય ત્યારે, કપડાનાં પોટલા ઘરેથી નદીએ અને નદીએથી ઘરે ગધેડાની પીઠ પર લાદીને લઇ આવતો. અને કૂતરો તો જાણે તેનો સાથી હોય તેમ, ધોબી જ્યાં જાય તેની પાછળ પાછળ તેનો કૂતરો પણ જાય; ઉપરાંત, એ ઘરનું રક્ષણ પણ કરતો. ધોબીએ આ બંને પ્રાણીઓને રહેવા માટે ઘરનાં આંગણે જ એક છાપરું બાંધી આપેલું. બંને પ્રાણીઓ ખુબ લગનથી પોતાનાં માલિકને કામમાં મદદ કરતા છતાં, ધોબી ક્યારેય પણ તેમની સાથે પ્રેમથી વર્તતો ન હતો.
એક રાત્રે ખૂબ કામ કરીને થાક્યા બાદ, ધોબી અને તેનો પરિવાર ઘસઘસાટ સુઈ ગયા. ગધેડો અને કૂતરો પણ પોતાનાં છાપરા નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે, એક ચોર ઘરમાં દાખલ થયો. કૂતરાએ એ જોયું ખરું પરંતુ, એ ભસ્યો નહીં.
આ જોઇને ગધેડાએ કૂતરાને પૂછ્યું, “જો તો ખરો ભાઈ, ચોર ઘરમાં દાખલ થયો છે. તું રાહ શેની જુએ છે? માલિકને જલ્દી જગાડ.”
કૂતરાએ જવાબ આપ્યો, “તું તારું કામ કર, તારે મને મારી ફરજ યાદ કરાવવાની જરૂર નથી. માલિકનાં ઘરનું રક્ષણ કેમ કરવું એ મને આવડે છે. વર્ષોથી હું એ કામ કરી રહ્યો છું પણ, તું જાણે છે ને કે માલિકે ક્યારેય મારા કામની કદર કરી નથી. તું જોતો નથી કે, એ છેલ્લા કેટલાક દિવસથી આપણને સારી રીતે ખાવાનું પણ આપતો નથી? જો તેને આપણી કદર ના હોય તો, હું પણ આજે તેની મદદ નહીં કરું. આજે ભલે ચોર બધું લુંટી જતો, માલિકને આપણી કિંમત પછી જ સમજાશે.
ગધેડાને તો આ સંભાળીને આઘાત જ લાગી ગયો. તેણે કૂતરાને ઠપકો આપતા કહ્યું કે, “અત્યારે ફરિયાદ કરવા માટે યોગ્ય સમય નથી, તું જોરથી ભસ એટલે માલિક જાગી જાય.
કૂતરાએ એમ કરવાની ઘસીને ના પાડી દીધી. ગધેડાએ ગુસ્સે થતાં કહ્યું, “અરે મૂરખ, માલિકને તારી સૌથી વધારે જરૂર છે ત્યારે જ તું એમને દગો આપે છે! પણ, હું તારા જેવો નિમકહરામ નથી. હું મારા માલિકનો સાથ આવા મુસીબતનાં સમયમાં નહીં જ છોડું. હું એમને જગાડું છું, તું જો!”
આટલું કહીને ગધેડો તો, જોર-જોરથી ભૂંકવા લાગ્યો.
અડધી રાત્રે ગધેડાને ઊંચા અવાજે ભૂંકતો સાંભળી, ધોબી અને તેનો પરિવાર જાગી ગયા. ચોર તો આ અવાજ સાંભળી; પકડાઈ જવાનાં ડરથી, પહેલા જ ભાગી ગયો હતો. ધોબીએ ઘરની બહાર આવી જોયું તો, આસપાસમાં કોઈ જ નહોતું અને ગધેડો તો હજી કર્કશ અવાજે હોંચી-હોંચી કરી રહ્યો હતો. આ જોઇને, ધોબીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તેને થયું કે, “આ મૂર્ખ પ્રાણીને આજે તો પાઠ ભણાવવો જ પડશે એટલે, બીજી વખત મારી ઊંઘ બગડતા પહેલા વિચાર કરે.” તેણે એક દંડો લીધો અને માંડ્યો ગધેડાને ઝૂડવા. બિચારો ગધેડો તો માર ખાઈને અધમૂઓ થઇ ગયો. કૂતરો શાંતિથી બેઠા બેઠા આખો તાલ જોઈ રહ્યો. તે મનમાં ને મનમાં બોલ્યો, “મૂઢ પ્રાણી! પોતાનાં કામથી કામ રાખ્યું હોત તો, આ કંઈ થયું જ ના હોત ને.”