દિવાળી નિબંધ
By-Gujju05-10-2023
દિવાળી નિબંધ
By Gujju05-10-2023
આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. તે ‘તહેવારોનો રાજા’ કહેવાય છે.
દિવાળી આસો મહિનામાં આવે છે. આસો માસ શરૂ થતાં લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. લોકો તેમનાં ઘરોની સાફસફાઈ કરે છે, રંગરોગાન કરાવે હું દિવાળીના દિવસોમાં દુકાનો અને મકાનો પર રાતે રોશની કરવામાં આવે છે. લોકો નવાં કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં ઊમટી પડે છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેઃ ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેની ખુશાલીમાં લોકો દીપમાળા પ્રગટાવે છે. કાળીચૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે.
દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. વેપારીઓ ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન કરે છે. કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે, મિત્રો અને સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકો મિત્રો અને સગાંવહાલાંને નૂતન વર્ષાભિનંદન કાર્ડ મોકલે છે. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન જમાડે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે.
સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવે છે. સ્ત્રીઓ ધરના આંગણામાં ઘી-તેલના દીવા પ્રગટાવે છે. લોકો મિષ્ટાન્ન આરોગીને, નવાં વસ્ત્રો પહેરીને અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઊજવે છે.
આપણને કોઈ સાથે મનદુઃખ થયું હોય તો તે ભૂલી જઈને તેને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. દિવાળીનો તહેવાર ‘માફ કરો અને ભૂલી જાઓ’ની ભાવના વિકસાવવાનો તહેવાર છે. તે અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે. આમ, દિવાળી દિલમાં દીવો પ્રગટાવવાનો તહેવાર છે.