દિવાળીઃ લક્ષ્મીપૂજન- ચોપડા પૂજન વિધિ
By-Gujju11-10-2023
દિવાળીઃ લક્ષ્મીપૂજન- ચોપડા પૂજન વિધિ
By Gujju11-10-2023
આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાંની હારમાળાને કારણે જ તેને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.
દિવાળી પર લક્ષ્મીજીની સાથોસાથ ગણેશ, કુબેર, સરસ્વતી અને કાલિકાની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓના કહેવા અનુસાર, આ વખતે 17 વર્ષ પછી દિવાળી પર સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે, જેને કારણે આ દિવસે કરવામાં આવેલી પૂજાનું ફળ બમણું થઈ જાય છે.
ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજાવિધિ
પંચોપચાર પૂજનમાં તદ્દન ઓછો સમય લાગે છે. આ પૂજા વિધિ સમયનો અભાવ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે. પંચોપચારમાં સામાન્ય વિધિથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પૂજા કરી શકે છે. આ વિધિથી પણ મોટી પૂજા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ પૂજામાં સૌપ્રથમ ત્રણ વખત આચમન કરવું જોઈએ. એટલે કે ત્રણ વખત પાણી ગ્રહણ કરો. ત્યારબાદ હાથ સાફ કરો. પોતાની જાત પર અને પૂજન સામગ્રી પર પાણીનો છંટકાવ કરીને તમામ વસ્તુઓને પવિત્ર કરો. પૃથ્વી દેવીને પ્રણામ કરો. સંકલ્પ કરો. દીપાવલી પર લક્ષ્મીજીનાં તમામ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ.
લક્ષ્મી પૂજાની પહેલાં ગણેશજીનું પૂજન કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો. જેમ કે શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. ત્યારબાદ વિષ્ણુજીની પૂજા કરો અને વિષ્ણુ મંત્રોનો જાપ કરો. જેમ કે, ૐ નમો નારાયણાય. મહાલક્ષ્મીની પૂજા શરૂ કરો. દેવી તમારા ઘરમાં જ બિરાજમાન છે એવો ભાવ કરો. દેવીનો સત્કાર કરો.
દેવીને પૂજન સામગ્રી ચડાવો. પુષ્પહાર ચડાવો. ધૂપ-દીપ પ્રગટાવો. ભોગ લગાવો. ફળ અર્પણ કરો. દીવા પ્રગટાવીને દેવીની આરતી કરો. આરતી પછી દેવીને પ્રસાદ અર્પણ કરો અને પછી તમે પણ ગ્રહણ કરો. મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરો. છેલ્લે પૂજામાં જાણ્યે-અજાણે થયેલી ભૂલ માટે દેવી પાસે ક્ષમાયાચના કરો. પૂજા પછી જમીન પર જળ રેડો અને આ જળ તમારી આંખો પર લગાવો. આ પછી તમે ઊભા થઈ શકો છો. આ રીતે પૂજા પૂરી થઈ જાય છે.
દીપાવલી પર કરવામાં આવતી અન્ય પૂજા વિધિ
દિવાળી લક્ષ્મીજીની સાથે જ દેહલી વિનાયક (શ્રીગણેશ), કલમ, સરસ્વતી, કુબેર અને દીપકની પણ પૂજા કરવામાં આવે છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દીપાવલી પૂજાનો જ એક ભાગ છે. તેની પૂજાથી સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથોસાથ દીપની પૂજાથી તમામ પ્રકારનાં દુઃખ અને પાપનો નાશ થાય છે.
ઉંબરાની વિનાયક પૂજા
દુકાન કે ઓફિસની દીવાલો પર સિંદૂરથી ૐ શ્રીગણેશાય નમઃ, સ્વસ્તિક ચિહ્ન, શુભ-લાભ લખો અને લખતી વખતે ૐ દેહલીવિનાયકાય નમઃ મંત્રનો જાપ કરતા જાઓ. સાથોસાથ પૂજા સામગ્રી અને ફૂલથી પૂજા કરો.
મહાકાળી પૂજા
શાહીના ખડિયોને મહાલક્ષ્મીની પાસે ફૂલ અને ચોખા પર રાખો. તેના પર સિંદૂર લગાવીને નાડાછડી વીંટી દો. ૐ શ્રીમહાકાલ્યૈ નમઃનો જાપ કરતાં કરતાં પૂજાની સુગંધિત વસ્તુઓ અને ફૂલોથી શાહીના ખડિયા અને મહાકાળીની પૂજા સંપન્ન કરીને પ્રણામ કરો.
લેખની પૂજા
લેખની (કલમ) પર મૌલી (નાડાછડી) બાંધીને સામે રાખો અને ૐ લેખનીસ્થાયૈ દેવ્યૈ નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં ગંધ, ફૂલ, ચોખાથી પૂજા કરીને પ્રણામ કરો.
વહીખાતા અથવા ચોપડા પૂજન
વહીખાતા પર કંકુ કે કેસર-ચંદનથી સ્વસ્તિક દોરો. તેના પર હળદરની પાંચ ગાંઠ, ધાણા, કમળકાકડી, ચોખા, દૂર્વા અને થોડા રૂપિયા મૂકીને ૐ વીણાપુસ્તકધારિણ્યે શ્રીસરસ્વત્યૈ નમઃ મંત્રોચ્ચાર કરતાં કરતાં ગંધ, ફૂલ, ચોખા ચડાવો અને સરસ્વતી માતાને પ્રણામ કરો.
કુબેર પૂજા
તિજોરી કે નાણાં રાખવાની જગ્યા પર સ્વસ્તિક દોરીને કુબેરનું ધ્યાન કરો. ૐ કુબેરાય નમઃ બોલતાં બોલતાં પૂજા સામગ્રી અને ફૂલોથી પૂજા કરો. પૂજા કર્યા બાદ પ્રાર્થના કરતાં કરતાં હળદર, ચંદન, કેસર, ધાણા, કમળકાકડી, રૂપિયા અને દૂર્વા તિજોરીમાં રાખો. ત્યારબાદ કુબેરને ધનલાભ માટે પ્રાર્થના કરો.
દીપમાલિકા (દીપક) પૂજન
– એક થાળીમાં 11, 21 કે તેનાથી વધારે દીવા પ્રગટાવીને મહાલક્ષ્મી પાસે રાખો.
– એક ફૂલ અને થોડાં પાંદડાં હાથમાં લો. તેની સાથે સમગ્ર પૂજન સામગ્રી પણ લો.
– ત્યારબાદ ૐ દીપાવલ્યૈ નમઃ મંત્ર બોલતાં બોલતાં ફૂલ-પાનને તમામ દીવાઓ પર ચડાવો અને દીપમાલિકાઓની પૂજા કરો.
– દીવાની પૂજા કરીને સંતરા, શેરડી, ધાન્ય વગેરે પદાર્થો ચડાવો. ગણેશ, મહાલક્ષ્મી તથા અન્ય તમામ દેવી-દેવતાઓને ધાણી અર્પણ કરો