દિવાળીના છ દિવસનું મહત્વ
By-Gujju20-10-2023
દિવાળીના છ દિવસનું મહત્વ
By Gujju20-10-2023
અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ એટલે દિવાળી. જેમ ઋતુઓની રાણી તે વર્ષા તેમ તહેવારોનો રાજા એટલે દિવાળી. આબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે દિવાળીનો અવસર પરસ્પરના સાથ-સહકારથી આનંદિત થઈને ઉજવે છે. દિવાળી એ મૂળ શબ્દ દીપમાળા કે દીવડાની હારમાળા પરથી બન્યો છે. માટે જ ભારતીય સંસ્કૃતિમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. દીપમાળા પ્રગટાવીને આપણે ભારતીય સંસ્કૃતિને સજાવી છે. દિવાળી એટલે તેજ કે પ્રકાશ અને આ પ્રકાશનું પ્રતીક એ દીપક છે. આ દીવડો માત્ર અજવાળું આપતો દીવો નથી પરંતુ અંધકાર પર પ્રકાશના, અજ્ઞાન પર જ્ઞાનના અને આસુરીવૃત્તિ પર દૈવી સદ્વૃત્તિના વિજયનું પ્રતીક છે. દેવી-દેવતાઓના કાળથી જ્ઞાન, પ્રગતિ અને અંધકારના ઉદ્ધારક દીવાના જ્યોતથી પ્રકાશતા અજરામર, જ્યોતિર્મય અંધકારમય જીવનને ઝળાહળા કરી દેતો દીપક સ્વયં બળીને બીજાને પ્રકાશ આપવાનો મહિમા ધરાવે છે. માટે જ દીપકને પ્રકાશનું પ્રતીક અને અંધકારને દૂર કરનાર ચેતનવંતુ પ્રતીક કહ્યો છે.
શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને લંકા પર વિજય હાંસલ કરી સીતાજી સહિત આ જ દિવસે અયોધ્યા પાછા ફર્યા હતા માટે ઉત્સાહ પ્રગટ કરવા અયોધ્યાવાસીઓએ દીપમાળા પ્રગટાવી હતી અને ત્યારથી આ દિવાળીનો તહેવાર ઉજવાય છે. કેટલાક લોકો કહે છે કે આ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીએ જનજાગૃતિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આવી કેટલીય દંતકથાઓના કારણે દીપોત્સવી તહેવાર ઉજવાય છે.
આ તહેવાર માત્ર હિંદુ ધર્મનો જ નથી કે માત્ર ભારત પૂરતો જ સીમિત નથી. દુનિયાના ઘણાં દેશો અને જુદા-જુદા ધર્મોના લોકો ધામધૂમથી ઉજવે છે. દીપોત્સવી પર્વ એ માત્ર એક જ દિવસ માટે ઊજવાતું પર્વ નથી. ગુજરાતી પ્રજા માટે તો એ સતત છ દિવસનો તહેવાર છે. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને અંતે ભાઈબીજ એમ છ દિવસ સતત ઊજવાય છે. આ છ દિવસો દરમિયાન સૌ કોઈ ઘરઆંગણું વિવિધ રંગોળીથી સુશોભિત કરે છે.
વાઘબારસ :
વાઘબારસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય પ્રજા વાઘ જેવી સશક્ત બને. ભારતમાં એવી ઘણી પ્રજા વસે છે જે હરણા અને સસલા જેવું નિષ્પાપી, નિર્દોષ જીવન જીવી રહી છે જેઓ શૂરવીરતાના અભાવે બીજાના ખોરાકનો ભોગ બની રહી છે. આજના આતંકવાદી યુગમાં આવી નિર્દોષ અને ભોળી પ્રજા વાઘ જેવી હિંસક નહીં પરંતુ શૂરવીર અને બળવાન બને એવો સંદેશ વાઘબારસનો છે.
ધનતેરસ કે લક્ષ્મીપૂજન :
આ દિવસે ગુજરાતમાં મહાકાળી, સરસ્વતી અને મહાલક્ષ્મીનું પૂજન થાય છે. પૌરાણિક આખ્યાનો અનુસાર લક્ષ્મીપૂજન સર્વપ્રથમ વિષ્ણુ ભગવાને કર્યું હતું. ત્યારબાદ બ્રહ્મા, શિવ, ઈન્દ્ર વગેરે દેવતાઓએ લક્ષ્મીપૂજન કર્યું હતું. પૌરાણિક કથાનુસાર લક્ષ્મીજીના મોટાં બહેન દરીદ્રા જેને અંધકાર પ્રિય છે, જેનો સ્વભાવ લક્ષ્મીજીથી ઊલટો છે. તે કાર્તિકી અમાસના દિવસે બંને બહેનો ગરુડ પર બેસીને જાય છે ત્યારે દરિદ્રતા પોતાને ઘેર ન આવે અને લક્ષ્મીજીનું આગમન થાય તે આશયે ઘેર ઘેર દીપ પ્રગટાવવામાં આવે છે એમ મનાય છે. વેપારીવર્ગ ચોપડાપૂજન કરી ચોપડાની બંને બાજુ શુભ-લાભ લખે છે. ચોપડા પૂજનારે આ દિવસે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે તેઓ ચોપડામાં ખોટું કે અસત્ય લખશે નહીં. લક્ષ્મીપૂજનનો અર્થ થાય છે ‘ધન ધોવું’ આ દિવસે સૌ કોઈ પંચામૃત બનાવી તેમાં ધન ધોવે છે. આ પર્વ પ્રજાને પ્રેરણા આપે છે કે જેમ જીવનની અસ્મિતા માટે શૌર્ય અને પરાક્રમ જરૃરી છે તેવી જ રીતે સ્વમાનપૂર્વક જીવવા ધનની જરૃર છે. સાથોસાથ મન પર છવાયેલ મેલની મલિનતાને ધોવી પણ જરૃરી છે. ધન ધોવાનો બીજો અર્થ એ પણ થાય છે કે ધન હરામનું, અત્યાચારનું કે અનીતિનું તો નથી ને? આવું ધન કલ્યાણકારી બની શકે નહીં.
કાળી ચૌદશ :
સમગ્ર જીવમાત્રને સૌથી મોટો ભય મૃત્યુનો છે. સ્મશાન એ મૃત્યુનું ઘર ગણાય છે. ખાસ કરીને લોકો ભૂતપ્રેતના ભયથી પિડાતા હોય છે. ભૂતપ્રેતમાં માનનારા મેલીવિદ્યાના ઉપાસકો આ દિવસે સ્મશાનમાં જઈ કપરી સાધના કરે છે. આ દિવસે મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે. આ પર્વ આસુરી શક્તિ, ભૂતપ્રેત, કાળ સાથોસાથ કામ, ક્રોધ, મોહ, માયા, અહંકાર જેવા આસુર તત્ત્વો પર વિજય હાંસલ કરવા માટે તેમના નાશ માટે મહાકાળીની ઉપાસના કરવાની પ્રેરણા આપે છે. આ પર્વ ‘મનછા ભૂત અને શંકા ડાકણ’ને બહાર કાઢવાનું સૂચન કરે છે. ઉપરાંત શસ્ત્ર-અસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. તેલુગુ, તામિળનાડુમાં આ દિવસે અભ્યંગ સ્નાન કરી ઘરની બહાર પગ મૂકવાનો રિવાજ છે. તો સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ ચાર રસ્તે ઘરને લાગેલી નજર નાખવામાં આવે છે.
દીપાવલી :
દીપાવલીનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ઘેર ઘેર સગા-સંબંધીઓ એકબીજાને મીઠાઈ વહેંચે છે. ભેટ-સોગાદની આપ-લે કરે છે. દિવાળીની રાત્રે આબાલવૃદ્ધ સૌ કોઈ ફટાકડા ફોડીને તહેવારનો આનંદ માણે છે. ગુજરાતમાં દર વર્ષે ત્રણ કરોડ રૃપિયાનું દારૃખાનું ફૂટવાનો અંદાજ છે. દીપાવલીનું પર્વ લક્ષ્મી ઉપાસના કરી અજ્ઞાનરૃપી અંધકારનો નાશ કરે છે.
બેસતુંવર્ષ :
આ દિવસે લોકો પરસ્પર, એકબીજાને મળી વર્ષ દરમિયાનની ભૂલોની ક્ષમા માંગી નવા વર્ષથી નવજીવન નવું કાર્ય શરૃ કરે છે. જેઓ રૃબરૃ મળી શકે તેમ ન હોય તેઓ અભિનંદન પત્રો (ગ્રીટિંગ્સ કાર્ડ) મોકલી ‘સાલમુબારક’ પાઠવે છે. આ દિવસે સૌ કોઈ એકબીજાને ઘેર જઈ મોઢાં મીઠા કરે છે ને કડવાશને ધોઈ નાંખે છે. સૌ એકબીજાને ‘હેપ્પી ન્યૂ ઈયર’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ પાઠવે છે. મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. બેસતું વર્ષ સૌને પ્રેરણા આપે છે કે સંબંધોને મધુર બનાવો. સામે ચાલીને એકબીજાને મળી જૂની કડવાશને ધોઈ નાંખો.
ભાઈબીજ :
ભાઈબીજ એ ભાઈ-બહેનના મિલનનું અનોખું પર્વ છે. ભાઈ બહેન બંને એક જ ડાળના બે ફૂલ. બાળપણમાં સાથે જ રમેલા, સાથે જ જમેલા, ઉછરેલા. પોતાના નાના ભાઈને કેડમાં તેડી રમાડતી, પારણામાં નાંખી હાલરડાં ગાતી બહેન મોટી થઈ પરણીને પારકે ઘેર જાય છે, બહેન પારકે ઘેર સુખી દુઃખી ? તેનું માન-સન્માન કેવું છે? એ જોવા જાણવા આ દિવસે ભાઈ-બહેનને ત્યાં સામે ચાલીને જાય છે. બહેન-ભાઈના ભાલ પર ચાંલ્લો કરી તેનું સન્માન કરી આદરપૂર્વક પ્રેમભરી રસોઈ જમાડે છે. ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપે છે.