Wednesday, 23 October, 2024

દ્રોણની અવહેલના

262 Views
Share :
દ્રોણની અવહેલના

દ્રોણની અવહેલના

262 Views

Sage Bhardwaj had a son named Drona, Bhardwaj’s friend – Prushata had a son named Drupada. Drona and Drupada were of same age and had good friendship. After the death of his father, Drupada became King of Panchal. While Drona performed penance and achieved extraordinary powers. Drona also got married to Krupi and became father of a son named Ashwathama.

Drona then visited Kingdom of Panchal to see his old friend Drupad. When he reached at Drupada’s place, he was given a lukewarm welcome. Drona made Drupad remember their old friendship, replying to which Drupada said that it was meaningless to remember old friendship. Drupada further added that Kings never keep friendship with poor and useless people. If in the past they had friendship, that time was different. Now the time has changed so there was no meaning recaping it. Drona was obviously hurt at his best friend’s behavior. He left the place at once but resolved to teach him a lesson. Humiliation did not let Drona sleep peacefully. 

 
ઉત્તમ વ્રતનિયમવાળા, ગંગાદ્વાર આગળ વાસ કરતા, ભરદ્વાજ નામે મહાન ઋષિ.

એમના દ્રોણ નામના પુત્ર.

મહર્ષિ ભરદ્વાજના મિત્ર રાજા પૃષતાનો પુત્ર દ્રુપદ.

દ્રોણ અને દ્રુપદ બંને લગભગ સમવયસ્ક. એ બંનેની વચ્ચે મિત્રતાનો સંબંધ થયો.

ક્ષત્રિયક્ષેત્ર રાજપુત્ર દ્રુપદ રોજ મહર્ષિ ભરદ્વાજના શાંત એકાંત કુદરતી સૌન્દર્યસંપન્ન આહલાદક આશ્રમમાં જઇને દ્રોણ સાથે કલાકો સુધી ક્રીડા કરતો અને અધ્યયનરત રહેતો.

રાજા પૃષતના અવસાન પછી દ્રુપદનો ઉત્તર પાંચાલના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો.

મહર્ષિ ભરદ્વાજના સુખદ સ્વર્ગારોહણ પછી પરમતપસ્વી દ્રોણે ગંગાના એ પવિત્ર તટવર્તી સ્થાનમાં રહીને તપ કરવા માંડયું. વેદવેદાંગમાં વિદ્વાન તથા સતત તપશ્ચર્યાના અનુષ્ઠાનથી નિર્મળ બનીને શરદવાનની સુપુત્રી કૃપી સાથે લગ્ન કર્યું.

ધર્માચરણ, ઇન્દ્રિયદમન અને અગ્નિહોત્રમાં તત્પર કૃપીને દ્રોણ દ્વારા અશ્વત્થામા નામે પુત્ર થયો. જન્મતાંની સાથે જ એણે ઉચ્ચૈઃશ્રવા નામના અશ્વની પેઠે હણહણાટ કરવાથી એનું નામ અશ્વત્થામા પડયું.

દ્રોણે મહેન્દ્ર પર્વત પર પહોંચીને ભૃગુનંદન પરમ શક્તિશાળી પરશુરામ પાસેથી ઉત્તમ પ્રકારનાં અલૌકિક અસ્ત્રોને પ્રાપ્ત કરીને એમના અસાધારણ અનુગ્રહથી એમના પ્રયોગ, ઉપસંહાર અને રહસ્યના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની ઉપલબ્ધિ કરી. ધનુર્વેદના સાંગોપાંગ સંપૂર્ણ શિક્ષણને પણ મેળવી લીધું.

એવી રીતે સર્વ પ્રકારે કૃતાર્થ થઇને દ્રોણ પોતાના વિદ્યાવસ્થાના પરમપ્રિય ઘનિષ્ઠ મિત્ર રાજા દ્રુપદ પાસે પહોંચ્યા. એમણે પોતાની પુરાતન પ્રીતિ તથા મૈત્રીને યાદ કરીને દ્રુપદ સાથે એના અનુસંધાનમાં નિખાલસપૂર્વક વાર્તાલાપ કરવા માંડયો, પરંતુ દ્રુપદે એમનો સમુચિત સત્કાર ના કર્યો. તે હવે મિત્રતાને રાજ્યસુખના મદમાં પડીને કે કોઇક બીજા કારણે ભૂલી ગયેલો.

એ ઉભયની મિત્રતા રામ અને સુગ્રીવની કે કૃષ્ણ અને સુદામાની મિત્રતાની પેઠે પારદર્શક તેમજ ચિરસ્મરણીય રહેવા નહોતી સરજાયલી. કૃષ્ણે ઉજ્જયિની નગરીમાં સાંદીપનિ મુનિના ગુરુકુળમાં રહીને સાથે ભણેલા પોતાના સાધારણ સ્થિતિવાળા સન્મિત્ર સુદામાનો વરસો પછી દ્વારિકામાં પોતાની સર્વોપરી સમૃદ્ધિના સ્વર્ણ સમયમાં સંપૂર્ણ સન્માન સાથે સમુચિત સત્કાર કરીને દીનહીન અભાવગ્રસ્ત સુદામાને લેશ પણ ઓછું આવવા ના દીધું. એમણે સંસારના સાંસ્કૃતિક ઇતિહાસને મૈત્રીનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું. રામ અને સુગ્રીવે પણ છેવટ સુધી એકમેકની પડખે રહીને, એકમેકમાં સુખદુઃખને પોતાનાં સમજીને, એકમેકને ઉપયોગી થવા માટે બનતું બધું જ કરી બતાવ્યું.

દ્રુપદ તથા દ્રોણના સંબંધમાં એથી ઊલટું જ બન્યું. દ્રોણના મૈત્રીપૂર્ણ વ્યવહારના બદલામાં દ્રુપદે ક્રોધ અને આવેશમાં ભ્રકુટિને ચઢાવીને, લોચનને લાલ કરીને ઐશ્વર્ય મદથી ઉન્મત્ત બનેલા અંતઃકરણની ઓળખાણ આપતાં જે ઉદ્દંડ વચનો કહ્યા તે એકદમ અનુચિત, દાઝયા પર ડામ દેનારા અને શત્રુને છાજે તેવાં હતાં. એ વચનો દ્રોણને માટે અસહ્ય બની ગયાં અને એનું પરિણામ અતિશય અશુભ આવ્યું.

એ વચનો દ્રોણને માટે મર્મભેદક બની ગયાં.

એ અવિવેકયુક્ત વિષ કરતાં પણ વધારે વિષમય વચનો આ રહ્યાઃ

“હે બ્રહ્મન્ ! તમારી બુદ્ધિ એકદમ અપરિપક્વ, સ્વાનુભવ અને સમજણ વગરની છે. તમે સાહસપૂર્વક કહ્યું કે હું તમારો મિત્ર છું. હે મંદબુદ્ધિ ! ઐશ્વર્યસંપન્ન રાજાઓને ઐશ્વર્યહીન અને ધનભ્રષ્ટ મનુષ્યો સાથે મૈત્રી નથી જ હોતી. માનો કે એવી મૈત્રી હોય તોપણ વખત વીતતાં તે મૈત્રી જીર્ણ થઇ જાય છે.પૂર્વે મારી તમારી સાથે સમાન સામર્થ્ય બંધનરૂપે મૈત્રી હોય તોપણ કોઇના પણ હૃદયમાં મૈત્રી અજરામર રહેતી નથી. કાળ એને છૂટી પાડે છે અથવા ક્રોધ ઉખેડી નાખે છે. એ જીર્ણ મૈત્રીને ઉપાસો નહીં. દૂર કરો.

તે વખતે તમારી સાથે મારે કોઇ પ્રયોજન નિમિત્તે મૈત્રી થઇ હતી. દરિદ્રી ધનવાનનો મિત્ર ના હોય, તેમ અવિદ્વાન વિદ્વાનનો મિત્ર ના હોય. ષંઢ કદી પણ શૂરવીરનો મિત્ર ના હોય. તમે જૂની મૈત્રીને શા માટે આગળ કરો છો ? ધનમાં સરખા અને વિદ્વત્તામાં સમાન હોય તેમની વચ્ચે જ વિવાહ તથા મૈત્રી થાય છે. જે શ્રોત્રીય નથી તે શ્રોત્રીય નો મિત્ર નહીં થાય. જે રથવાળો નથી તે રથવાળાનો મિત્ર નહીં થાય. જે રાજા નથી તે રાજાનો મિત્ર નહીં થાય. તો પછી તમે શા માટે અગાઉની મૈત્રીને આગળ લાવો છો ? મને તેની સ્મૃતિ સુખદ નથી લાગતી. એ મારા પર કોઇ પ્રકારનો સહેજ પણ પ્રભાવ નથી પાડતી.”

દ્રુપદના શબ્દોને સાંભળીને દ્રોણાચાર્ય ક્રોધે ભરાયા.

એ શબ્દો, એમની પાછળની વ્યંજના સાથે એમને માટે અતિશય અશાંતિદાયક બની ગયા.

પાંચાલપતિ દ્રુપદ પ્રત્યેની કટુતા, દ્વેષ તથા પ્રતિશોધ ભાવનાને હૃદયમાં ધારણ કરીને તે હસ્તિનાપુર પહોંચ્યા.

હસ્તિનાપુરમાં કૃપાચાર્યને ત્યાં ગુપ્તરૂપે રહીને એ પાંડવોને અસ્ત્રવિદ્યા શીખવવા લાગ્યા.

દ્રુપદે કરેલી ઘોર અવહેલનાને એ કેમે કરીને ભૂલી શકતા ન હતા.

એ અવહેલના આગળ જતાં દ્રુપદને માટે અમંગલ આપનારી અથવા અભિશાપરૂપ નીવડી. મહાભારતના મહાયુદ્ધમાં એનો ફાળો પણ નોંધપાત્ર હતો.

કોઇએ કોઇ સામાન્ય માનવનું પણ અપમાન શા માટે કરવું જોઇએ ? કોઇએ કોઇની પણ અવજ્ઞા શાને માટે કરવી જોઇએ ? સૌએ પદ, પ્રતિષ્ઠા, ધન, યશ, યૌવન, સૌન્દર્યથી ઉદ્દંડ બનવાને નમ્ર અને સેવાભાવી બનવું જોઇએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *