Wednesday, 11 September, 2024

દુર્ગાસ્તુતિ

276 Views
Share :
દુર્ગાસ્તુતિ

દુર્ગાસ્તુતિ

276 Views

{slide=Durga Stuti}

Pandavas twelve years exile was about to come to an end so they prepared themselves for a year of incognito. After through discussions, and taking into consideration their skills and capacity, Pandavas decided on their future course of action. Draupadi also made her own plan to pass a year in incognito. Sage Dhaumya advised Pandavas that they should stay in the city of Virata, in the Kingdom of Matsya.

When the day approached, Pandavas changed their clothes and headed towards city of Virata. To conceal their identity, they decided to hide their weapons. They tied their weapon together and placed them on a tree in a deserted place. To discourage possible approach of curious minds, they tied a dead body on top of it.

Yudhisthir worshipped Goddess Durga and sought her blessings on their entry into Virata. Sage Vyas has elaborated on Yudhisthir’s recitation of Durga Stuti in his own way. Yudhisthir’s worship pleased the Goddess Durga and she blessed him victory and an all round success in the forthcoming battle against Kauravas. She also blessed for Pandavas safe passage from a year of incognito. One more example of the fact that worship of Goddess always benefits.
 

અજ્ઞાતવાસમાં રહેવા માટે તૈયાર થયેલા પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાની પ્રકૃતિ, રુચિ તથા પસંદગી પ્રમાણે કયા કયા કાર્યો કરવાં અને કોણે કયાં કેવી રીતે રહેવું તે નક્કી કર્યું.

દ્રૌપદીએ પણ એમને અનુસરી, એમની સાથે પરામર્શ કરીને, પોતાના ભાવિ કાર્યક્ષેત્રને પસંદ કર્યું.

સૌએ ધૌમ્યમુનિની સલાહને લક્ષમાં લઇને મત્સ્યદેશના વિરાટનગરમાં રહેવાની યોજના ઘડી.

સુયોગ્ય સમયે વીર પાંડવોએ તલવાર તથા ધનુષબાણને ધારણ કરી, પીઠ પાછળ ભાથાં બાંધી, ચામડાનાં મોજાં પહેરીને, યમુના નદી તરફ ચાલવા માંડયું.

બાર વરસના વખતને પૂરો કરીને સ્વરાજ્યને પાછું મેળવવાના મનોરથવાળા પાંડવો યમુનાના દક્ષિણ તટપ્રદેશ તરફ પગપાળા ચાલી નીકળ્યા.

પર્વતો તથા વનના વિકટ વાતાવરણમાં વાસ કરતા, માર્ગમા મૃગોનો શિકાર કરતા, પાંડવોએ દ્રૌપદી સાથે અન્ય દેશોમાંથી પસાર થઇને છેવટે મત્સ્ય દેશમાં પ્રવેશ કર્યો.

માર્ગના પ્રખર પરિશ્રમથી દ્રૌપદી સ્વાભાવિક રીતે જ થાકી ગયેલી.

રાજ્યની રાજધાનીનું નગર વિરાટનગર પાસે આવ્યું એટલે પાંડવોએ એમનાં આયુધોને કોઇક સુરક્ષિત સ્થળે મૂકીને નગરમાં પ્રવેશવાનો સંકલ્પ કર્યો.

પરંતુ આયુધોને કયાં રાખવાં એ પ્રશ્ન પેદા થયો.

અર્જુનના મહાન મહિમાવાળા ગાંડીવ ધનુષને સૌ કોઈ ઓળખી શકે તેમ હતું. એવી રીતે અર્જુન અને પાંડવો પણ ઓળખાઈ જાય તો વિચિત્ર સમસ્યા પેદા થાય. પાંડવોની પ્રતિજ્ઞા પ્રમાણે એ જો એમના અજ્ઞાતવાસ દરમિયાન ઓળખાઈ જાય તો એમને બીજાં બાર વરસનો વનવાસ ભોગવવો પડે. વનવાસની એ કલ્પના જ અતિશય કરુણ અથવા ભયંકર હતી.

એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી અર્જુને માર્ગ કાઢયો. નગરની બહારના સ્મશાન પાસે ઊંચા ટેકરા પર એક વિરાટ ગહન શમીવૃક્ષ હતું. એની આજુબાજુ સાપ તથા વાઘથી ઘેરાયેલું વન વિસ્તરેલું હોવાથી એની પાસે કોઈ સહેલાઈથી આવી શકે તેમ નહોતું. અર્જુને એ શમીવૃક્ષ પર શસ્ત્રાસ્ત્રોને મૂકીને વિરાટનગરમાં પ્રવેશવાનો પ્રસ્તાવ મૂક્યો. એ પ્રસ્તાવ સૌને પસંદ પડ્યો.

યુધિષ્ઠિરના આદેશને અનુસરી નકુલે શમીવૃક્ષની બખોલોમાં ધનુષને મૂકીને તેમને મજબૂત પાશથી બાંધી દીધાં. પછી પાંડવોએ એના પર એક શબને બાંધ્યું જેથી એની ભયંકર દુર્ગંધથી કોઈ પણ પાસે ના આવે.

યુધિષ્ઠિરે પાંડવોના જય, જયંત, વિજય, જયત્સેન અને જગદબલ એવાં ગુહ્ય નામો પાડયાં.

એ પછી સૌએ તેરમા વરસે અજ્ઞાતવાસ માટે વિરાટનગરમાં શાંતિપૂર્વક પ્રવેશ કર્યો.

રમણીય વિરાટનગરમાં પ્રવેશતી વખતે યુધિષ્ઠિરે પરમ શ્રદ્ધાભક્તિપૂર્વક, યશોદાના ઉદરમાંથી પ્રાદુર્ભાવ પામેલાં, નારાયણને અતિશય પ્રિય, નંદગોપાલના કુળમાં જન્મેલાં, મંગલ અર્પનારાં, કુળનું સંવર્ધન કરનારાં, કંસને હઠાવનારાં, અસુરોનો અંત આણનારાં, શિલાખંડ પર પછાડતાં જ આકાશમાં ઊડી જનારાં, વાસુદેવનાં બહેન, દિવ્ય સુવાસિત સુમનમાળાઓથી સુશોભિત, દિવ્ય વસ્ત્રને ધારનારાં, તલવાર તથા ઢાલને સજનારાં, ત્રિભુવનેશ્વરી દુર્ગાદેવીનું મનથી સ્તવન કર્યું.

મહાભારતકાર લખે છે કે જે મનુષ્યો પૃથ્વીના ભારને ઉતારનારાં, પુણ્યસ્વરૂપા તથા સદૈવ કલ્યાણમયી, કલ્યાણકારિણી એ દુર્ગાદેવીનું સ્નેહપૂર્વક સ્મરણ કરે છે તે મનષ્યોને કાદવમાં ખૂંચેલી દૂબળી ગાયની જેમ તે પાપતાપમાંથી તારી લે છે.

દેવીના દર્શનની આકાંક્ષાવાળા યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈઓ સાથે વિવિધ સ્તોત્રાત્મક નામો વડે એ દેવીની વારંવાર સ્તુતિ કરવા માંડી.

એ સ્તુતિ આ રહી.

હે વરદાયિની ! હે કૃષ્ણા ! હે કુમારી ! હે બ્રહ્મચારિણી ! હે બાલસૂર્ય સમાન આકારવાળાં ! હે પૂર્ણચંદ્ર સમાન મુખવાળાં ! તમને નમસ્કાર હો !

હે ચતુર્ભુજા ! હે ચાર મુખવાળાં ! હે મોરપીચ્છનાં કંકણવાળાં ! કેયૂર અને બાજુબંધને ધારનારાં દેવી ! તમે નારાયણપત્ની લક્ષ્મી જેવા શોભો છો.

હે ખેચરી ! તમારું સ્વરૂપ અને તમારું સ્વરૂપ બ્રહ્મચર્ય વિશુધ્ધ છે. તમારા શરીરનો વર્ણ નીલમેઘના જેવો છે. તમારું મુખ સંકષણ સમાન છે. તમારા બાહુઓ ઈન્દ્રધ્વજ જેવા ઊંચા અને વિશાળ છે. તમે તમારા હાથોમાં પાત્ર, કમળ, ઘંટા, પાશ, ધનુષ્ય, મહાચક્ર આદિ વિવિધ આયુધોને ધારણ કરો છો.

પૃથ્વીમાં તમે જ વિશુધ્ધ સ્ત્રીરૂપ છો. કુંડળોથી ભરેલા બે કાનો વડે તમે અત્યંત શોભી રહ્યાં છો. દેવી, તમે ચંદ્રની સ્પર્ધા કરતા વદન સાથે વિચિત્ર મુકુટ સાથે સુશોભિત કેશબંધ સાથે વિરાજી રહ્યાં છો. સર્પના જેવા આકારવાળી ઝળહળતી કટિમેખલાને ધારણ કરવાથી તમે સર્પથી વીંટાયેલા મંદર પર્વતની જેમ શોભી રહ્યાં છો.

કૌમાર્યવ્રતને ધારણ કરીને તમે સ્વર્ગને પાવન કર્યું છે. દેવો તમારી સ્તુતિ કરે છે અને તમને પૂજે છે.

ત્રણે લોકના રક્ષણ અર્થે મહિષાસુરનું મર્દન કરનારાં દેવી ! તમે મારા ઉપર પ્રસન્ન થાવ. હે સુરશ્રેષ્ઠા ! તમે દયા કરો; કલ્યાણકારિણી બનો. તમે જયા છો, વિજયા છો, સંગ્રામમાં જયદાયિની છો અને વરદાત્રી છો. તો મને પણ વિજય આપો. હે કાલી ! કાલી ! મહાકાલી ! ગિરિશ્રેષ્ઠ વિંધ્ય ઉપર તમારું સનાતન સ્થાન છે. જે મનુષ્યો ત્યાં તમારી યાત્રાએ આવે છે તેમને તમે વરદાન આપો છો.

હે ભૂમિના ભારને ઉતારનારાં ! જે મનુષ્યો તમારું સ્મરણ કરે છે અને જેઓ તમને પ્રભાતે પ્રણામ કરે છે, તે મનુષ્યોને આ પૃથ્વીમાં કશું જ દુર્લભ રહેતું નથી. હે દુર્ગા ! તમે દુર્ગ(સંકટ) માંથી તારો છો. તેથી લોકો તમને દુર્ગા કહે છે. વનવગડામાં રખડી ગયેલા, મહાસાગરમાં ડૂબી ગયેલા, અને ચોર-ડાકુઓથી ઘેરાઈ ગયેલા માણસો માટે તમે જ પરમ આધાર છો. હે મહાદેવી ! જળતરણમાં અને વનોમાં તથા દુર્ગમસ્થાનોમાં જે મનુષ્યો તમારું સ્મરણ કરે છે તેઓ દુઃખ પામતા નથી.

તમે કીર્તિ છો, લક્ષ્મી છો, દ્યુતિ છો, સિદ્ધિ છો, લજ્જા છો, વિદ્યા છો, સંતતિ છો અને મતિ છો. તમે જ સંધ્યા અને રાત્રિ છો. પ્રભા અને નિદ્રા છો. જયોત્સ્ના અને કાંતિ છો. ક્ષમા અને દયા છો. તમારી પૂજા કરવાથી તમે મનુષ્યોનાં બંધન, મોહ, પુત્રનાશ, ધનનાશ, વ્યાધિ, મૃત્યુ અને ભયનો નાશ કરો છો. આથી રાજયથી ભ્રષ્ટ થયેલો હું તમારે શરણે આવ્યો છું. હે દેવી ! હે સુરેશ્વરી ! હું મસ્તકને નમાવીને તમને પ્રણામ કરું છું. હે પદ્મપત્રનયના ! મારું રક્ષણ કરો. હે સત્યા ! તમે અમને સત્યરૂપે દર્શન આપો. હે દુર્ગા ! હે શરણાગતરક્ષિણી ! હે ભક્તવત્સલા ! મને આશ્રય આપો.

યુધિષ્ઠિરે એ પ્રમાણે સ્તુતિ કરી એટલે દેવીએ તેમને દર્શન આપ્યું અને કહ્યું કે સંગ્રામમાં થોડાક વખતમાં જ વિજય મળશે. મારી કૃપાથી તું કૌરવસેનાને પરાજય આપીને તથા તેનો નાશ કરીને રાજયને નિષ્કંટક કરશે અને પૃથ્વીને પુનઃ ભોગવશે. વળી તારા ભાઈઓ સાથે પુષ્કળ આનંદ પામશે. મારી કૃપાથી તને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થશે. આ લોકમાં જે પુણ્યશીલ મનુષ્યો મારા આ સ્તોત્રનું સંકીર્તન કરશે તેમને હું પ્રસન્ન થઈ રાજય, દીર્ઘાયુ, સુંદર દેહ અને સંતતિ આપીશ. પ્રવાસમાં, નગરમાં, સંગ્રામમાં, શત્રુ તરફના સંકટમાં, ભયંકર વનમાં, સાગરમાં અને ગહનગિરિ ઉપર જે મનુષ્યો, તેં જેમ કર્યું છે તેમ, મારું સ્મરણ કરશે તેમને આ લોકમાં કશું પણ દુર્લભ રહેશે નહિ. જે મનુષ્ય આ ઉત્તમ સ્તોત્રને ભકિતપૂર્વક સાંભળશે અથવા તેનો પાઠ કરશે તેનાં સર્વ કાર્યો સિદ્ધ થશે. મારી કૃપાથી તમે સૌ વિરાટનગરમાં રહેશો ત્યારે કૌરવો કે ત્યાંનાં નિવાસીઓ તમને ઓળખી શકશે નહિ.

યુધિષ્ઠિરને એ પ્રમાણે કહીને તથા પાંડુનંદનોની રક્ષા કરીને તે વરદાયિની દેવી ત્યાં ને ત્યાં જ અંતર્ધાન થઈ ગયાં.

દેવીની સ્તુતિના પ્રભાવથી યુધિષ્ઠિરને વિના વિલંબ દેવદુર્લભ લાભ મળ્યો અને અમોધ વરદાનોની પ્રાપ્તિ થઈ. જગદંબાનું શરણ તથા સ્મરણ સદા લાભકારક છે. એના અનુગ્રહથી કશું અશકય નથી રહેતું. એ અનુગ્રહનો અનુભવ જે ધારે તે કોઇયે આજે પણ કરી શકે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *