Saturday, 20 April, 2024

દુર્યોધન અને વિદુર

184 Views
Share :
દુર્યોધન અને વિદુર

દુર્યોધન અને વિદુર

184 Views

મહાભારતના ઉદ્યોગપર્વમાં બે પરસ્પર વિરોધી પ્રકૃતિવાળાં પાત્રો દેખાય છે. એક પાત્ર વિદુરનું છે અને બીજું દુર્યોધનનું. બંનેની લાગણી, વૃત્તિ, બુદ્ધિ તથા દૃષ્ટિ જુદી જુદી છે. એક સાત્વિકતાનું સુપ્રભાત છે તો બીજું અવિદ્યાયુક્ત અહંકારથી આવૃત્ત તમોગુણની ઘોર અંધારી રાત. એકની દિવ્યતા પ્રગટ થયેલી છે તો બીજાની દબાયલી, અવિકસિત. એકને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે તો બીજાને દ્વેષ, તિરસ્કાર, અણગમો. એને લીધે બંનેના એમની પ્રત્યેના વ્યવહારમાં પણ વિરોધ દેખાય છે. મહાભારતકારે એનું વર્ણન સારી રીતે કરી બતાવ્યું છે. એ વર્ણન વિચારવા જેવું છે.

એને વિચારીને માનવે પોતે વિદુર થવું કે દુર્યોધન બનવું તે નક્કી કરવાનું છે. જે અસત્ય, અન્યાય, અધર્મમાંથી મુક્તિ મેળવે તે વિદુર. એમાં રત રહે કે રાચે તે દુર્યોધન. વિદુર શુદ્ધ છે અને દુર્યોધન અશુદ્ધ. વિદુર જ્ઞાની છે તો દુર્યોધન અજ્ઞાની. વિદુર પ્રભુપ્રેમી છે તો દુર્યોધન વિષયપ્રેમી. વિદુર નમ્ર તથા નિઃસ્વાર્થ છે તો દુર્યોધન અહંકારી અને સ્વાર્થી.

દુર્યોધનને મળવા માટે કૃષ્ણ એને ત્યાં ગયા. એ વખતનું મહાભારતકારે કરેલું વિવરણ જોઇ જઇએ. મહાભારતકાર લખે છે કે શત્રુઓને દમનારા, દુષ્ટજનોને દંડ દેનારા, ઇન્દ્રિયોના અધીશ્વર શ્રીકૃષ્ણ કુંતીની રજા લઇને તથા પ્રદક્ષિણા કરીને ઇન્દ્રના મહાલય જેવા પરમશોભાસંપન્ન, ચિત્રવિચિત્ર આસનોથી અલંકૃત, દુર્યોધનના મહેલમાં દાખલ થયા. દ્વારપાળોના અંતરાય સિવાય તે મહેલનાં ત્રણે દ્વારોને ઓળંગી ગયા, અને પાણીથી ભરેલા મેઘના જેવા દેખાવવાળા, પર્વતના શિખર સરખા ઊંચા અને લક્ષ્મીથી ઝળકતા તે રાજમહેલ પર ચઢી ગયા.

ત્યાં એમણે હજારો રાજાઓ અને કૌરવોથી ઘેરાઇને સિંહાસન ઉપર બેઠેલા મહાબાહુ દુર્યોધનને જોયો.

દુર્યોધનની સમીપમાં દુઃશાસનને, કર્ણને, તથા સુબલના પુત્ર શકુનિને પણ આસન ઉપર બેઠેલા જોયા.

યાદવવંશી શ્રીકૃષ્ણને પાસે આવેલા જોઇને મહાયશસ્વી દુર્યોધન એ મધુસૂદનને માન આપવા માટે, પોતાના પ્રધાનોની સાથે ઊભો થયો.

શ્રીકૃષ્ણ પ્રથમ અમાત્યોસહિત દુર્યોધનને મળ્યા અને પછી ઉંમરના પ્રમાણમાં બીજા રાજાઓને પણ મળ્યા. ત્યાં જાતજાતનાં પાથરણાંઓથી પાથરેલા, સારી રીતે તૈયાર કરેલા, એક સુવર્ણમય પલંગ ઉપર બેઠા.

સર્વ રાજાઓ તથા કૌરવો નિર્મળ સૂર્યના જેવી કાંતિવાળા ગોવિંદની સેવા કરવા લાગ્યા.

દુર્યોધને વિજયીઓમાં શ્રેષ્ઠ શ્રીકૃષ્ણને ભોજનને માટે આમંત્રણ આપ્યું, પરંતુ કેશવે તે સત્કાર્યું નહીં. એટલે દુર્યોધને ઉપરથી મૃદુ પણ અંદરથી શઠતા ભરેલાં વાક્યો વડે કહ્યું કે તમારે માટેનાં અનેક પ્રકારના ખાનપાન, વસ્ત્રો, શય્યાઓ વગેરે લાવવામાં આવ્યાં છે, છતાં તમે તેનો શા માટે અસ્વીકાર કરો છો ? તમે બંને પક્ષને સહાય આપનારા તથા બંને પક્ષના હિતમાં તત્પર છો. વળી ધૃતરાષ્ટ્રના સંબંધી અને પ્રીતિપાત્ર છો. ધર્મ અને અર્થના તત્વને સુચારુરૂપે સંપૂર્ણરૂપે સમજો છો. તો હે ચક્રગદાધર ! હું આનું કારણ સાંભળવા ઇચ્છું છું.

કૃષ્ણે જણાવ્યું કે દૂતો પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી જ ભોજન કરે છે તથા સત્કારને સ્વીકારે છે. એથી મારું કાર્ય સિદ્ધ થાય એટલે મારો અને મારા મંત્રીઓનો સત્કાર કરજો.

દુર્યોધને તેમને કહ્યું કે તમારે અમારી સાથે આવું અયોગ્ય વર્તન રાખવું યોગ્ય નથી. તમે તમારા કાર્યમાં સફળ થાવ કે નિષ્ફળ થાવ, અમે તો સંબંધને લીધે જ તમારો સત્કાર કરવાનો યત્ન કરીએ છીએ. તમે તે સ્વીકારતા નથી એટલે અમે શું કરી શકીએ ? અમે પ્રીતિથી તમારી પૂજા કરીએ છીએ પણ તમે તેનો અનાદર કરો છો.

શ્રીકૃષ્ણે દુર્યોધનની તરફ જોઇને જાણે હસતા હોય તેમ ઉત્તર આપ્યો કે હું કામથી, ક્રોધથી, દ્વેષથી, ધનના કારણથી, કપટથી કે લોભથી ધર્મનો કોઇ પણ રીતે ત્યાગ કરું તેમ નથી. હે રાજન્ ! ઉત્તમ પ્રીતિવાળા માનવના અન્નનું ભોજન કરાય કે આપત્તિમાં આવી પડયા હોઇએ તો પારકાના અન્નનું ભોજન કરાય. પરંતુ તમે અમારા ઉપર ઉત્તમ પ્રીતિ ધરાવતા નથી, અને અમે અન્ન ના મળે એવી આપત્તિમાં પણ પડયા નથી. પાંડવો સ્નેહીઓને અનુસરનારા છે, તમારા બંધુઓ છે, અને સર્વ ગુણોથી સંપન્ન છે, છતાં તમે તેમનો જન્મથી આરંભીને દ્વેષ કરો છો. પાંડવોનો કારણ વિના દ્વેષ કરવો અયોગ્ય છે. પાંડવો સર્વદા ધર્મમાં રત છે. જે પુરુષ તેમનો દ્વેષ કરે છે, તે મારો દ્વેષ કરે છે. અને જે પુરુષ એમને અનુસરે છે, તે મને જ અનુસરે છે. કારણ કે ધર્માચરણ કરનારા પાંડવોની સાથે હું એકરૂપ થઇ ગયો છું. જે પુરુષ કામક્રોધને અધીન થઇને ગુણવાન પુરુષોનો દ્વેષ કરે છે, અને વિરોધ કરવા ઇચ્છે છે. તેને વિદ્વાનો અધમ પુરુષ કહે છે. જે પુરુષ ઉત્તમ ગુણવાળા સંબંધીઓ તરફ દોષદૃષ્ટિથી અથવા ધનહરણ કરવાની દાનતથી જુએ છે, તે ક્રોધી અને અવશ અંતઃકરણવાળા પુરુષની પાસે લક્ષ્મી લાંબા સમય સુધી રહેતી નથી. બીજી બાજુ જે પુરુષ પોતાના મનને અપ્રિય છતાં પણ ગુણસંપન્ન પુરુષોને પ્રિય વર્તનથી વશ કરી લે છે, તેનો યશ ચિરકાળ સુદી ટકી રહે છે. તમારું અન્ન દુષ્ટોના સંબંધવાળું છે માટે મારે માટે ખાવા યોગ્ય નથી. મારે માત્ર વિદુરનું અન્ન જમવું જોઇએ એવો મારા મનનો નિશ્ચય છે.

દુર્યોધનને એ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણ દુર્યોધનના મહેલમાંથી બહાર નીકળ્યા. ઉદાર મનવાળા શ્રીકૃષ્ણ ત્યાંથી નીકળીને વિદુરના ઘેર રહેવા માટે ગયા.

વિદુરે અપરાજિત યદુનંદનનો સર્વપ્રકારની પ્રિયવસ્તુઓને અર્પણ કરીને સત્કાર કર્યો.

શ્રીકૃષ્ણે એમનો સહર્ષ સ્વીકાર કર્યો.

દુર્યોધનની છળભરેલી ભાષા એમને ભરમાવી ના શકી, વિદુરના સાચા સ્નેહ અને સેવાભાવથી એ સંતૃપ્તિ પામ્યા.

દુર્યોધને કૃષ્ણના શુભાગમનના સમાચારને સાંભળીને એ પોતાની પાસે પધારે ત્યારે એમને કેદ કરવાનો વિચાર કરેલો.

એ વિચારને એણે મંત્રીઓ તથા ધૃતરાષ્ટ્રની આગળ રજૂ કરેલો.

ધૃતરાષ્ટ્રે તથા ભીષ્મે એ વિચારનો વિરોધ કરેલો.

કૃષ્ણ પોતાની પાસે પાંડવોના દૂત તરીકે આવવાના હતા. એમને કેદ કરવાનો વિચાર પણ ધર્મથી, નીતિની પ્રસ્થાપિત પરંપરાગત પ્રણાલિકાથી અને માનવતાથી વિરોધી છે એ વાતનું દુર્યોધનને વિસ્મરણ થયેલું.

કૃષ્ણને કેદ કરીને પાંડવોને નિરાધાર બનાવવાની યોજના હતી.

પરંતુ…..એ યોજના ના ફળી. એટલું એનું સદભાગ્ય કહેવાય.

વિદુરમાં અને દુર્યોધનમાં એવી રીતે આકાશ-પાતાળ જેટલો તફાવત હતો. એથી જ કૃષ્ણે નિર્મળ મનના વિદુરના અતિથિ બનવાનું પસંદ કર્યું.

એક રીતે વિચારતાં એ વિદુરની પવિત્રતા તથા પ્રીતિનો પ્રત્યક્ષ પુરસ્કાર હતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *