Thursday, 5 December, 2024

કર્ણ અને કુંતી

371 Views
Share :
કર્ણ અને કુંતી

કર્ણ અને કુંતી

371 Views

શ્રીકૃષ્ણ કર્ણને સમજાવીને પાંડવોના પક્ષમાં પ્રવેશ કરાવવાના કાર્યમાં સફળ ના થઇ શક્યા તે પછી કુંતીએ કર્ણની પાસે પહોંચીને એના જન્મની સત્ય હકીકતથી માહિતગાર કરવાનો ને પાંડવો પ્રત્યે વાળવાનો પ્રયત્ન કરી જોયો.

એ પ્રયત્ન પ્રામાણિક તથા પ્રેમપૂર્વકનો હોવાં છતાં સમયસરનો હોવાને બદલે મોડો હતો.

તટસ્થાપૂર્વક વિચારતાં એવું લાગ્યા વિના નથી રહેતું.

કુંતીએ કર્ણની આગળ એના જન્મનું રહસ્યોદઘાટન દ્રૌપદીના સ્વયંવર વખતે કે તે પહેલાં જ કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી હોત. પાંડવોને પણ એવા રહસ્યોદઘાટનથી લાભ થયો હોત.

પરંતુ હવે તો ઘણું મોડું થઇ ગયેલું.

છતાં પણ કુંતીએ માતા તરીકેના મમત્વ તથા સંવેદનથી પ્રેરાઇને પ્રયત્ન કરી જોયો.

એ પ્રયત્ન પાર વિનાની શક્યતાઓથી ભરેલો અને મૂલ્યવાન હતો.

કર્ણના જન્મની ગૂઢ રહસ્યવાતને એટલાં બધાં વરસો સુધી અંતરમાં સંઘરી રાખીને અન્યને અજ્ઞાત રાખીને જીવવામાં કુંતીને કાંઇ ઓછું કષ્ટ નહિ પડયું હોય; ઓછું તપ નહિ કરવું પડયું હોય.

એ પોતાના કાર્યને પાર પાડવા માટે પવિત્ર ગંગાતટ પર પહોંચી ગઇ.

ત્યાં ગંગાતીર પર એણે દયાળુ તથા સત્ય પ્રતિજ્ઞાવાળા પોતાના પુત્રના વેદાધ્યયનનો ઘોષ સાંભળ્યો. કર્ણ ઊંચા હાથ રાખીને, પૂર્વ તરફ મુખ કરીને, ઊભો રહીને જપ કરતો હતો. તેના એ જપની સમાપ્તિની વાટ જોતી તપસ્વિની કુંતી, પોતાના કાર્યને માટે તેની પાછળ જઇને ઊભી રહી.

નિયમિત વ્રતવાળો કર્ણ દિવસના પાછલા ભાગ સુધી જપ કરીને પાછો ફર્યો ત્યારે કુંતીને અવલોકીને આશ્ચર્ય પામ્યો. તેને તેણે બે હાથ જોડીને પ્રણામ કર્યા.

કુંતીએ કર્ણને કહ્યું કે તું કુંતીનો પુત્ર છે; રાધાનો પુત્ર નથી. અધિરથ તારા પિતા નથી. તું સૂતકુળમાં જન્મ્યો નથી. તું તારા સાચા ભાઇઓને ઓળખ્યા વિના અજ્ઞાનથી ધૃતરાષ્ટ્રના પુત્રોની સેવા કરે છે તે યોગ્ય નથી. પુત્રે અનન્ય દૃષ્ટિવાળી માતાને સંતોષવી એ જ એનો પરમ ધર્મ છે. પૂર્વે અર્જુને સંપાદન કરેલી પણ પછી દુષ્ટ કૌરવોએ લોભથી હરી લીધેલી યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મીને તું પાછી કૌરવો પાસેથી ખૂંચવી લઇને તેનો ઉપભોગ કર. કર્ણ અને અર્જુનની જોડી થાય તો કશું પણ અસંભવ નહીં રહે.

કુંતીએ એ પ્રમાણે કહ્યું ત્યારે કર્ણે સૂર્યમંડળમાંથી નીકળેલી સૂર્યે ઉચ્ચારેલી વાણીને સાંભળી કે કર્ણ ! પૃથાએ સત્ય વાત કહી છે. તું માતાના વચન પ્રમાણે ચાલ. તે પ્રમાણે આચરણ કરવાથી તારું કલ્યાણ થશે.

તોપણ સત્યધૈર્યવાળા કર્ણની બુદ્ધિ ડગી નહીં.

એણે કુંતીને જણાવ્યું કે હવે તારી આજ્ઞા પ્રમાણે વર્તવાથી અધર્મ થશે. હું ક્ષત્રિય જાતિમાં ઉત્પન્ન થયો હતો તો પણ તારે લીધે મને ક્ષત્રિયોની સત્ક્રિયાનો લાભ ના મળ્યો. જ્યારે મને ક્ષત્રિયોને યોગ્ય સંસ્કાર કરવાનો સમય હતો ત્યારે તેં મારો ત્યાગ કર્યો. હવે સંસ્કારનો સમય વીતી ગયા પછી આજે તું પોતાના કાર્યને માટે મને પ્રેરણા કરે છે ! પૂર્વે તેં પ્રથમથી જ માતાની પેઠે મારું હિત કર્યું નહીં; અને આજે કેવળ પોતાના હિતને માટે તું મને પુત્ર તરીકે બોલાવે છે. હવે યુદ્ધ સમય સમીપ આવતાં હું ભાઇ તરીકે પ્રકટ થઇને પાંડવોની પાસે જઉં તો ક્ષત્રિયમંડળ મને શું કહેશે ? ધૃતરાષ્ટ્રના પુત્રોએ આજ સુધી મને સર્વ વૈભવો અર્પણ કર્યા છે અને મારું સારી રીતે સન્માન કર્યું છે. તે ઉપકારને હું કેવી રીતે નિષ્ફળ કરું ? તેમના મનોરથને હું કેવી રીતે ભાંગી નાખું ?

દુર્યોધનથી આજીવિકા મેળવનારાઓ માટે તેના ઋણમાંથી છૂટવાનો આ સમય છે. એ સમયમાં મારે પણ પ્રાણની દરકાર ના રાખતાં તેનું ઋણ અદા કરવું જોઇએ. અસ્થિર ચિત્તવાળા પાપી મનુષ્યો સ્વામીએ તેમને સારી રીતે પોષણ આપીને કૃતાર્થ કર્યો હોય તો પણ સ્વામીનું કાર્ય આવી પડતાં તેના તરફ દૃષ્ટિ રાખતા નથી અને વિરુદ્ધ થઇને બેસે છે. તે નિમકહરામ સ્વામીદ્રોહી તથા પાપીઓને આ લોકમાં સુખ નથી સાંપડતું; તથા પરલોક પણ નથી  મળતો. હું ધૃતરાષ્ટ્રના પુત્રોને માટે સંપૂર્ણ બુદ્ધિબળ અને શક્તિનો આશ્રય કરીને તારા પુત્રોની સાથે યુદ્ધ કરીશ.

તો પણ તારો ઉદ્યોગ મિથ્યા નહીં થાય એટલું વચન આપું છું. સંગ્રામમાં તારા વધ કરવા યોગ્ય અને હણી શકાય એવા પુત્રોને પણ હું મારીશ નહીં. યુધિષ્ઠિરની સેનામાં એક અર્જુન સિવાય બીજાની સાથે હું યુદ્ધ નહીં કરું. માત્ર અર્જુનની સાથે જ યુદ્ધ કરીશ. કારણ કે સંગ્રામમાં અર્જુનને મારવાથી મારું જીવન સફળ થશે; અને અર્જુનને હાથે હું મરીશ તો મને યશ મળશે. આમ તારા પાંચ પુત્રો કાયમ રહેશે. અર્જુન મરશે તો મારી સાથે તારા પાંચ પુત્રો કાયમ રહેશે અને હું મરીશ તો અર્જુન સાથે પાંચ જીવતા રહેશે.

કર્ણના એવાં વચનોને સાંભળીને કુંતી કર્ણને આલિંગન આપીને બોલી કે કર્ણ ! તું કહે છે તેમ જ થશે. કૌરવોનો સંહાર થશે, કારણ કે દૈવ અતિ બળવાન છે. તેં તારા ચાર ભાઇઓને યુદ્ધમાં જતા કરવાનું અભયવચન આપ્યું છે તેનું તું યથાર્થ રીતે પાલન કરજે. તારું આરોગ્ય અખંડ રહો અને કલ્યાણ થાવ.

કર્ણના કુંતી સાથેના સંવાદ પરથી સમજાય છે કે કર્ણને કુંતીએ પ્રથમથી જ ત્યાગવાને બદલે, કે એના આવિર્ભાવને અંધકારમાં રાખવાને બદલે, પાળ્યોપોષ્યો હોત કે પાછળથી પણ સત્ય વાતથી સુપરિચિત કર્યો હોત તો કર્ણનું મન જરૂર બદલાયું હોત. હવે તો કર્ણ પોતાને પોષનાર ને બધી રીતે બળવાન બનવા માટે મદદ કરનારા દુર્યોધનને વળગી રહેવા માગે છે. એના દૃષ્ટિબિંદુને એણે સ્પષ્ટ કર્યું છે. એ છતાં પણ એ એની મહાનતા છે કે એણે અર્જુન સિવાયના અન્ય પાંડવો સાથે યુદ્ધ કરવાના અને એમને મારવાના મનોરથોનો ત્યાગ કર્યો. એ ત્યાગ કાંઇ નાનોસૂનો ન હતો.

કર્ણના વ્યક્તિત્વની એ વિશેષતા હતી. એની ઉદાતત્તા, ઉદારતા તથા વિશાળતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *