એક ફૂલની આત્મકથા નિબંધ
By-Gujju07-11-2023
એક ફૂલની આત્મકથા નિબંધ
By Gujju07-11-2023
છાતી કાઢીને , આકાશ તરફ જોઈને ચાલવાને બદલે જરા ધરતીની ધૂળ તરફ પણ નજર નાખો. જુઓ ! તમે કચડો છો મને ! મારી વેદનાના સ્વરો તરફ તમે ધ્યાન પણ આપ્યું નહિ ! હા, એ તરફ તમારું ધ્યાન કેવી રીતે જઈ શકે ? હું તો નકામું ગણી, ફેંકી દેવાયેલું એક કરમાયેલું ફૂલ છું. થોડી વારમાં તો હું માટીમાં મળી ગયું હોઈશ !
તમે ક્યાંક જવાની ઉતાવળમાં હશો, પણ જતાં પહેલાં મારી વાત જરા સાંભળતા જાઓ. ત્રણ દિવસ પહેલાં જ એક છોડની ટોચે ઊગેલી કળીના રૂપમાં મારો જન્મ થયો હતો. મારી સાથે બીજી અનેક કળીઓ પણ એ છોડ પર ઊગી હતી. એ સમયે આખા બગીચામાં સુગંધનું સામ્રાજ્ય છવાયું હતું. ભમરાનું એક ઝુંડ મધુર સ્વરે ગુંજારવ કરતું કરતું ચારે તરફ ઘૂમી રહ્યું હતું. પવનની મંદ મંદ શીતળ લહેરોથી હું આમતેમ ડોલી રહ્યું હતું. ઊગતા સૂર્યનાં સોનેરી કિરણો મારામાં નવી ચેતનાનો સંચાર કરી રહ્યાં હતાં. બગીચાના એક વૃક્ષની ડાળી પર બેઠેલી બુલબુલ મધુર ગીતો ગાઈ રહી હતી. હું આસમાન સાથે વાતો કરતું હતું.
ધીરે ધીરે મારી પાંખડીઓ ખીલવા લાગી અને જોતજોતામાં હું એક સુંદર પુષ્પ બની ગયું. મારા મધુર સ્મિતથી આકર્ષાયેલાં પતંગિયાં આનંદવિભોર બનીને મારી આસપાસ ઘૂમવા લાગ્યાં. ભમરા પણ મારી આસપાસ ગુંજારવ કરવા લાગ્યા.
વહેલી સવારે ફરવા નીકળેલા લોકો અમારા સામે તરસી નજરે જોવા લાગ્યા, પણ માળીની હાજરીને કારણે અમને સ્પર્શવાની તેમનામાં હિંમત ન હતી.
શીતળ હવાની લહેરોમાં ઝૂમતાં ઝૂમતાં હું ચારે તરફ મારી સુગંધ ફેલાવી રહ્યું હતું . એટલામાં માળી મારી પાસે આવ્યો. તેનો નિર્દય ચહેરો જોઈને મને ધ્રુજારી આવી ગઈ. પણ શું કરું ? હું લાચાર હતું. તેણે અમારી આજીજીઓ પર ધ્યાન આપ્યા વિના ડાળીઓ પરથી તોડીને અમને એક છાબડીમાં એકઠાં કર્યાં. આટલેથી જ અમારી યાતનાઓનો અંત આવ્યો નહિ. એ માળીએ એક અણીદાર સોય વડે અમારાં હ્રદયવીંધી અમને દોરામાં પરોવી દીધાં. એ વખતે અસહ્ય વેદનાને લીધે મને મૂર્છા આવી ગઈ. જ્યારે ભાન આવ્યું ત્યારે મેં જોયું તો એક સુંદર હારમાં મારી શોભા અનેક ગણી વધી ગઈ હતી.
હારમાં સ્થાન મળવાથી મને ખૂબ આનંદ થયો. એક સભામાં પ્રમુખસ્થાન શોભાવવા માટે પધારેલા નેતાજીને એ હાર પહેરાવવામાં આવ્યો. એમણે તરત જ ગળામાંથી હાર ઉતારીને પોતાની સાથે આવેલા પટાવાળાને સોંપી દીધો. પટાવાળાએ એ હાર બાજુ પર મૂક્યો. અંતે એ હાર એક છોકરાએ ત્યાંથી ઉપાડી લીધો. સમય જતાં હારમાં ગૂંથેલાં લગભગ બધાં ફૂલો કરમાવા લાગ્યાં. સદ્નસીબે હું હજુ થોડું તાજું રહ્યું હતું. પેલા છોકરાએ હળવેકથી મને હારમાંથી અલગ કર્યું અને હારને કચરાપેટીમાં નાખી દીધો. થોડી વાર સુધી છોકરો મને સૂંઘતો રહ્યો. છેવટે તેણે પણ મને જમીન પર ફેંકી દીધું. ધીમે ધીમે હું કરમાવા લાગ્યું. થોડી વાર પહેલાં જે લોકો મને અહોભાવથી જોઈ રહ્યા હતા, એ જ લોકો હવે મને પગ નીચે કચડીને જઈ રહ્યા છે !
મેં મારા અલ્પકાળમાં જીવનનાં અનેક રૂપો જોયાં છે. મને લાગે છે કે જીવનમાં ભલે સંઘર્ષ આવે એવી સ્થિતિમાં પણ વ્યક્તિએ શાંત અને સ્વસ્થ રહેવું જોઈએ. સુખ અને દુઃખ તો આવતાં – જતાં રહેવાનાં જ.
મને બિલકુલ અસોસ નથી. ઊગે તે આથમે એવા તત્ત્વજ્ઞાનમાં મને રસ નથી. મારું લક્ષ્ય હતું – પૂર્ણપણે વિકસવું . એ સિદ્ધ કરીને આનંદની પ્રાપ્તિ મેં માણી લીધી. રૂપ – રંગ બીજાને માટે ધરી દીધાં.
મારા જીવનની સાર્થકતા જ અન્યના જીવનને પણ ધન્યતા આપી રહેશે.