એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
આપણાં માતાપિતા પેટે પાટા બાંધીને આપણને ભણાવે છે. તેમને એવી આશા હોય છે કે તેમનું સંતાન ભણીગણીને સારી નોકરી મેળવે, સારી કમાણી કરે અને ઘરમાં સુખનો સૂરજ ઊગે. પરંતુ કેટલીક વાર માતાપિતાની આ આશા ઠગારી નીવડે છે.
મધ્યમવર્ગના એક ખેડૂત કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારાં માબાપે મને હોંશે હોંશે નિશાળે ભણવા મૂક્યો. હું ભણવામાં હોશિયાર. તેથી મારા પિતાજીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં મારા ભણતરનો ખર્ચો વેઠતા રહ્યા. મેં એસ. એસ. સી. અને હાયર સેકન્ડરીની પરીક્ષાઓ સારા ગુણ સાથે પાસ કરી. મારા ગામમાં કૉલેજ ન હોવાથી મારાં માબાપે દેવું કરીને મને શહેરની કૉલેજમાં ભણવા મોક્લ્યો. ત્યાં મેં B. Sc. અને પછી M. Sc.ની ડિગ્રી મેળવી. ત્યારપછી મેં B. Ed.ની ડિગ્રી પણ મેળવી લીધી. મારા ભણતર પાછળ મારા પિતાજીએ પચાસ હજાર રૂપિયાનું દેવું કર્યું હતું.
મારું ભણતર પૂરું થયાંને બે વર્ષ થઈ ગયાં છે. હજુ હું નોકરી મેળવવા માટે ફાંફાં મારી રહ્યો છું. હું છાપાંમાં આવતી જાહેરાતો નિયમિત વાંચું છું. મારા લાયક જાહેરાત વાંચીને હું અરજી પણ કરું છું. ક્યારેક મને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. પણ મારી પસંદગી કરવામાં આવતી નથી, કારણ કે મારી પાસે લાયકાત છે પણ લાગવગ નથી.
હું નોકરી મેળવવા માટે દોઢ-બે લાખ રૂપિયાનું ડોનેશન પણ આપી શકું તેમ નથી. આથી મારા કરતાં ઓછી ગુણવત્તા ધરાવતા ઉમેદવારોની પસંદગી થઈ જાય છે પણ મારી પસંદગી થતી નથી! શિક્ષણ હવે માત્ર વેપાર જ છે.