‘G20’ શું છે?: કોણ-કોણ છે આ સંગઠનના સભ્યદેશો
By-Gujju10-01-2024
‘G20’ શું છે?: કોણ-કોણ છે આ સંગઠનના સભ્યદેશો
By Gujju10-01-2024
આ વર્ષે G20 જૂથની અધ્યક્ષતા ભારત પાસે છે. પ્રથમ વખત ભારતને આ તક મળી છે. ગત વર્ષે 2022માં ઇન્ડોનેશિયામાં યોજાયેલી વાર્ષિક સમિટમાં ભારતને અધિકારીક રીતે અધ્યક્ષતા સોંપવામાં આવી હતી. ત્યારથી છેલ્લા 9 મહિનામાં ભારતના વિવિધ શહેરોમાં G20ની અનેક બેઠકો અને સમિટ યોજાઈ. હવે આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20નું શિખર સંમેલન રાજધાની દિલ્હીમાં યોજાશે, જેમાં તમામ દેશોના વડા ભાગ લેવા માટે આવી રહ્યા છે. આ સમારોહથી દ્વારા માત્ર G20 દેશો જ નહીં પરંતુ મહેમાન દેશો પણ નજીક આવશે અને આર્થિક સુધારા સંબંધિત ચર્ચાઓમાં ભાગ લેશે.
દિલ્હીમાં G20 સમિટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 8 થી 10 સપ્ટેમ્બર સુધી જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. એવામાં ઘણા લોકોને પ્રશ્ન પણ થતાં હશે કે G20 શું છે? તેનું કાર્ય શું છે અને ભારત માટે તેનું કેટલું મહત્વ છે? અહીં આપણે આ પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું.
શું છે G20 ?
G20 એટલે ગ્રુપ ઓફ 20 (Group of 20). 20 શક્તિશાળી દેશોના બનેલા એક ગ્રુપને G20 કહે છે. G20ની રચના વર્ષ 1999માં કરવામાં આવી હતી. તેનું વડુમથક કેનકન (Cancun), મેક્સિકોમાં આવેલું છે. 1973માં વિશ્વના સાત સૌથી વિકસિત દેશોએ ભેગા મળીને એક ગ્રુપની રચના કરી હતી. જેનું નામ G7 રાખવામાં આવ્યું હતું. G7 માત્ર સાત દેશોને દર્શાવે છે જેમાં કેનેડા, અમેરિકા, જર્મની, યુ.કે., ઈટાલી, ફ્રાંસ અને જાપાનનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયન કાયમી સભ્યપદ ધરાવતું નથી પરંતુ G7માં જોડાયેલું છે. ત્યારબાદ રશિયા G7માં જોડાયું હતું. રશિયાના જોડાવાથી તેનું નામ G7 માંથી બદલીને G8 કરવામાં આવ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં આર્થિક મહામંદીની આંધી ફૂંકાઈ હતી. આથી આર્થિક નીતિઓના નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહકાર ઊભો થાય એવું અનિવાર્ય બની ગયું હતું. 1999માં G8 દેશોની કોલોન્જ સમિટમાં G20 દેશોનું સંગઠન બનાવવાનો વિચાર જન્મ્યો અને ત્યારબાદ 26 સપ્ટેમ્બર, 1999ના રોજ G20 સંગઠનની રચના કરવામાં આવી હતી. G20માં દુનિયાના સૌથી વિકસિત અને વિકાસશીલ એવા 19 દેશો અને એક યુરોપિયન યુનિયન એમ કુલ મળીને 20 સભ્યો છે. તેથી આ ગ્રૂપનું નામ G20 પાડવામાં આવ્યું છે.
શરૂઆતમાં G20 નાણાંમંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોનું સંગઠન હતું. તેની પ્રથમ પરિષદ ડિસેમ્બર 1999માં જર્મનીના બર્લિનમાં યોજાઇ હતી. 2008-2009માં દુનિયામાં ભયંકર મંદી આવી હતી. આ મંદી બાદ આ સંગઠનમાં બદલાવ કરવામાં આવ્યા અને તેને ટોચના નેતાઓની સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.
G20માં કયા સભ્ય દેશોનો સમાવેશ થાય છે ?
G20એ 19 દેશોથી બનેલું સમૂહ છે. તેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, ચીન, કેનેડા, ફ્રાંચ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, UK તથા અમેરિકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે. જેને ગણીએ તો સભ્યસંખ્યા 20 થાય છે.
G20નો ઉદ્દેશ્ય અને કાર્યપ્રણાલી
G20નો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ છે. આમાં સામેલ દેશોની કુલ GDP વિશ્વભરના દેશોની 85 ટકા છે. G20એ શરૂઆતમાં મોટાપાયે વ્યાપક આર્થિક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે ત્યારબાદ અન્ય એજન્ડા પણ જોડવામાં આવ્યા છે. જેમાં વ્યાપાર, સતત વિકાસ, સ્વાસ્થ્ય, કૃષિ, ઉર્જા, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન તથા ભ્રષ્ટાચાર વિરોધી બાબતોનો સમાવેશ થાય છે.
G20 તેના સભ્યો વચ્ચે આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર અને નિર્ણય લેવા માટેનું મુખ્ય મંચ છે. G20 નેતાઓ વર્ષમાં એકવાર મળે છે. એ સિવાય વર્ષ દરમિયાન દેશોના નાણાંમંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં સુધારા કરવા, નાણાકીય નિયમન સુધારવા અને દરેક સભ્ય દેશોમાં જરૂરી મોટા આર્થિક સુધારા અંગે ચર્ચા કરવા માટે નિયમિતપણે મળતા રહે છે.
G20ના પ્રેસિડેન્સી એટલે કે અધ્યક્ષતા કરનાર દેશ એક વર્ષ માટે G20 એજન્ડા ચલાવે છે. G20માં બે સમાંતર ટ્રેક હોય છે, ફાયનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક. નાણાંમંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નર ફાયનાન્સ ટ્રેકનું નેતૃત્વ કરે છે, જ્યારે શેરપા ટ્રેકનું નેતૃત્વ શેરપા દ્વારા કરવામાં આવે છે. શેરપા એટલે G20 સભ્ય દેશોના નેતાઓનો પ્રતિનિધિ. જે સંમેલનમાં એજન્ડા વચ્ચે સમન્વય સાધે છે. G20ની અધ્યક્ષતા એક પ્રણાલી મુજબ દર વર્ષે બદલાતી રહે છે. જેમ કે 2023ના વર્ષે G20ની અધ્યક્ષતા ભારત પાસે છે તો આવનારા વર્ષની અધ્યક્ષતા અન્ય સભ્ય દેશ પાસે જશે.
ભારત માટે G20 કેમ મહત્વનું
ભારત દ્વારા G20ની યજમાની હેઠળ દેશમાં આશરે 200 જેટલી બેઠકો વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવી રહી છે. ભારતને કેટલીક ખાસ સત્તા મળે છે, જેમ કે કોઈ દેશ G20 ગ્રુપનો ભાગ ન હોય તો તેવા દેશને પણ ભારત આમંત્રણ આપી શકે છે. એ સિવાય વર્ષ દરમિયાનના તમામ એજન્ડા ભારત નક્કી કરે છે. નક્કી કરેલા એજન્ડા પર ચર્ચા અને વિચારણા કરવામાં આવે છે.
ભારતે આ વર્ષે બાંગ્લાદેશ, મૌરેશિયસ, સિંગાપોર, ઈજિપ્ત, નેધરલેન્ડ, નાઈજીરિયા, ઓમાન અને સ્પેન જેવા દેશોને ખાસ આમંત્રણ પાઠવ્યું છે. આ સિવાય ભારત એક વિશ્વનેતા તરીકેની ભૂમિકા અદા કરી રહ્યું છે. G20 સમિટ 2023ના લોગો અને થીમ પરથી ભારતની સંસ્કૃતિ અને ભારતના ઈરાદાની ઝલક વિશ્વ સમક્ષ જાય છે. વિશ્વના શક્તિશાળી અર્થતંત્ર ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન ઘણું મહત્વનું છે. G20 સમિટને લઈને ભારતનું કુશળ નેતૃત્વ પણ દુનિયાને દેખાયું છે. સાથે જ અન્ય દેશો દ્વારા ભારતમાં રોકાણ પણ વધ્યું છે.
ભારતમાં થઈ રહેલા G20 સમિટનો લોગો અને થીમ
G20 સમિટ 2023 માટેનો લોગો ભારતના રાષ્ટ્રીય ધ્વજના જીવંત રંગો કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રેરિત છે. લોગોમાં ભારતના રાષ્ટ્રીય પુષ્પ કમળને પૃથ્વી ગ્રહની સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જે સમસ્યાઓની વચ્ચે વિકાસને દર્શાવે છે. G20 સમિટ 2023 લોગોની નીચે દેવનાગરી લિપિમાં ભારત લખવામાં આવ્યું છે.
ભારત માટે G20 સમિટ 2023 થીમનો વિષય “वसुधैव कुटुम्बकम्” અને “એક પૃથ્વી-એક કુટુંબ-એક ભવિષ્ય” છે. જે મહા ઉપનિષદના પ્રાચીન સંસ્કૃત પાઠમાંથી લેવામાં આવ્યો છે. G20 સમિટના ભારતના લોગો અને થીમ પરથી ભારતની મહાન વિચારધારાના દર્શન થાય છે. ભારતનું કુશળ નેતૃત્વ અને દુનિયાના અન્ય દેશોને મદદ કરવાની ભાવના ભારતને અનન્ય અને ખાસ બનાવે છે.