Saturday, 27 July, 2024

ગામડું બોલે છે.. વિષય પર નિબંધ

119 Views
Share :
ગામડું બોલે છે.. વિષય પર નિબંધ

ગામડું બોલે છે.. વિષય પર નિબંધ

119 Views

શહેરોની જેમ ગામડાં પણ આધુનિક થયાં છે, છતાં તેનું અસલ સ્વરૂપ હજુ જળવાઈ રહ્યું છે. ગામડેગામડે આંગણવાડી તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ થઈ છે. તેને કારણે ગામ સુધારા અને પ્રગતિને પંથે આગળ વધી રહ્યું છે.

જૂના જમાનામાં ગામમાં કોઈને ત્યાં ફોન નહોતા. ત્યારે ફોન કરવા માટે ચાલીને પાંચ માઈલ દૂરની પોસ્ટ-ઑફિસે જવું પડતું. આજે તો ગામમાં વૃક્ષો કરતાં મોબાઇલટાવર વધી ગયાં છે અને દરેક જણ પાસે મોબાઇલ ફોન છે. કોઈ પણ વ્યક્તિ ધારે ત્યારે, ધારે ત્યાં ફોન કરી શકે છે. પહેલાં ગામમાં પાકા રસ્તા નહોતા, વરસાદ પડે એટલે આખા ગામમાં કાદવકીચડ થઈ જાય.

ગામમાં હરવા-ફરવાનું મુશ્કેલ થઈ જાય. હવે સરકારે આખા ગામમાં પાકા રસ્તાઓ બાંધ્યા છે. એક રસ્તો ગામને હાઈવેની સાથે જોડે છે. ગામમાં દર કલાકે નજીકના નગરમાંથી બસની અવર-જવર થાય છે.

થોડાં વર્ષો પહેલાં ગામમાં પાકાં મકાનો માત્ર દસેક હતાં. બાકીનાં ઘરોની દીવાલો માટીથી ચણેલી હતી અને તેને નળિયાંવાળાં છાપરાં કે પતરાં હતાં. આજે તો આવું એકેય મકાન શોધ્યું જડતું નથી. વર્ષો પહેલાં ફક્ત સરપંચને ઘેર જીપ, ટ્રેક્ટર અને મોટરસાઇક્લ હતાં.

પાંચેક જણ પાસે સાઈકલ અને એકાદ જણની પાસે મોટરસાઇકલ હતી. એને બદલે આજે ઘેરઘેર બેથી ત્રણ બાઇક છે. ખેતી કરનાર દરેક જણે પોતાનું ટ્રેક્ટર વસાવી લીધું છે. દરેક વિદ્યાર્થીની પાસે સાઇકલ છે.

થોડાંક વર્ષો પહેલાં ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેતી નહોતી, હવે જ્યોતિગ્રામ યોજના હેઠળ અહીં ચોવીસ કલાક વીજળી મળે છે. પહેલાના સમયમાં ગામમાંથી ચાર-પાંચ લોકો નોકરી કરતા હતા. બાકીના ખેતીકામ સાથે જોડાયેલા હતા. 

આજે લગભગ તમામ યુવાનો નોકરી-ધંધે લાગી ગયા છે. કેટલાંક લોકો મોટાં શહેરોમાં જઈને વસી ગયા છે. તેથી ગામનાં અડધાં ઉપરાંત ઘરોને તાળાં છે.

વાર-તહેવારે ગામના લોકો હળવા-મળતા. તહેવારો સમૂહમાં ઉજવાતા, દર અઠવાડિયે અહીં હાટ ભરાતી. પ્રસંગોપાત્ત મેળા યોજાતા. ગામના મંદિરે સાંજની આરતીમાં આખું ગામ ઊમટતું. ત્યાં હવે ચાર-પાંચ વૃદ્ધો જોવા મળે છે ! ગામમાં સડક, વીજળી, પાણી, દવાખાનું, બસવ્યવહાર, પોસ્ટ-ઑફિસ અને બૅન્ક જેવી તમામ સગવડો થઈ ગઈ છે. પણ ગામડાનો માણસ શહેરની ભીડમાં ખોવાઈ ગયો છે. તમામ સુખ-સગવડો હોવા છતાં ગામ ખાલી થઈ રહ્યું છે. 

નોકરી-ધંધા માટે જે લોકો શહેરમાં ગયા હતા. તે કાયમ માટે ત્યાં જ વસી ગયા છે. તેમને હવે ગામમાં આવવાનું કે અહીં રહેવાનું ફાવતું નથી. નોકરી-ધંધાની આવક શરૂ થતાં ઘણા લોકોએ ખેતીકામ સાવ છોડી દીધું છે. તેથી ઘણાં ખેતરો ઉજ્જડ પડ્યાં છે.

પહેલાં સગવડોનો અભાવ હતો છતાં ગામડું સજીવ હતું. આજે તમામ સુવિધાઓ હોવા છતાં ગામ નિર્જીવ બની ગયું છે. ગામને જાણે કે કોઈની નજર લાગી ગઈ છે. ગામના લોકો કાયમ ગામમાં જ રહે અને તેમને અહીં જ મનગમતો કામધંધો મળી રહે, એવો કોઈ ઉપાય શોધવો જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *