નેત્રદાનઃ મહાદાન વિષય પર નિબંધ
By-Gujju07-11-2023
નેત્રદાનઃ મહાદાન વિષય પર નિબંધ
By Gujju07-11-2023
આપણે આંખનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આપણા જીવનમાં આંખ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ વિષય, વસ્તુનું જ્ઞાન મેળવવા માટે આપણે આંખ અને કાન, બંનેનો ઉપયોગ કરીએ છીએ, પણ જો આંખ જ ન હોય તો ? આંખ વગરના જીવનની કલ્પના અશક્ય છે. તેથી નેત્રહીનતાને જીવનનો અભિશાપ માનવામાં આવે છે.
જેને હાથ અથવા પગ ન હોય, તેને માટે કૃત્રિમ હાથ અને પગ મળી રહે છે. આંશિક બહેરાશ ધરાવતા લોકો માટે શ્રવણયંત્ર મળે છે. પણ નેત્રહીન વ્યક્તિને જોવામાં મદદરૂપ થઈ શકે એવા કોઈ સાધનની શોધ હજુ થઈ શકી નથી. એટલે કે આંખનો વિકલ્પ માત્ર આંખ છે, બીજું કશું જ નહીં.
થોડાં વર્ષો પહેલાં નેત્રહીન વ્યક્તિઓ ભગવાનને ભરોસે જીવતા હતા. પરિવાર માટે તેઓ બોજારૂપ મનાતા હતા. પણ હવે નેત્રહીનોના પુનવસ માટે ઘણી સંસ્થાઓ કામ કરે છે. જે તેમને ગીત-સંગીત અને હસ્તકલાની તાલીમ આપે છે અને રોજી પણ આપે છે. તેથી નેત્રહીન વ્યક્તિ તેની જરૂરિયાત જેટલા પૈસા કમાઈ શકે છે. આમ છતાં તેના જીવનમાં અધૂરપ રહે છે. સૃષ્ટિના સૌંદર્યને આંખથી જોવાનો, જાણવાનો અને માણવાનો અનેરો આનંદ છે.
નેત્રહીન વ્યક્તિ આવા આનંદથી વંચિત રહી જાય છે. આથી નેત્રહીન લોકોને દેખતા કરવા માટે ‘આઈ-બૅન્ક’ની સ્થાપના કરવામાં આવી છે.
નેત્રદાન કરવા માગતી કોઈ પણ વ્યક્તિ તેમાં નામ નોંધાવી શકે છે. આઈ-બૅન્કમાં નોંધાયેલા નેત્રદાતાના મૃત્યુ બાદ તેનાં નેત્રોનું બે નેત્રહીન વ્યક્તિઓના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. એક નેત્રદાતા આવી રીતે બે નેત્રહીન વ્યક્તિઓને દષ્ટિ આપી શકે છે.
રક્તદાન વડે કોઈને જીવન આપી શકાય છે, જ્યારે નેત્રદાન વડે જીવનને માણવા માટે દષ્ટિ આપી શકાય છે , જીવન દરમિયાન રક્તદાન અગત્યનું છે તે જીવન બાદ નેત્રદાન પણ એટલું જ મહત્ત્વનું છે.
આઈ-બૅન્કની પાસે નેત્રહીન વ્યક્તિઓની ખૂબ લાંબી યાદી છે. એક નેત્રદાતાનું મૃત્યુ થાય ત્યારે માત્ર બે વ્યક્તિઓને દષ્ટિ આપી શકાય છે. બાકીના નેત્રહીન વ્યક્તિઓએ ઇંતેજાર કરવો પડે છે. ઘણી વાર આમ જ તેમની જિંદગી પણ પૂરી થઈ જાય છે પણ તેમને દષ્ટિ આપી શકાતી નથી.
નેત્રહીનોને દૃષ્ટિ આપવા માટે નેત્રદાન જ એકમાત્ર ઉપાય છે. જુનવાણી વિચારોને લીધે આપણા દેશમાં નેત્રદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. તેની સામે નેત્રહીન લોકોની સંખ્યા ઘણી વધારે છે. આપણે સૌ નેત્રદાનનો સંકલ્પ કરીશું તો ઘણા નેત્રહીનોના જીવનમાં રોશની થશે.