ગરબા બાદ નાસ્તા માટે આ જગ્યાઓ છે બેસ્ટ
By-Gujju13-10-2023
ગરબા બાદ નાસ્તા માટે આ જગ્યાઓ છે બેસ્ટ
By Gujju13-10-2023
મોડી રાત સુધી ગરબા અને પછી પેટપૂજા એ નવરાત્રિ દરમિયાન તમામ ખેલૈયાઓનું રૂટિન બની જાય છે. લાંબા સમય સુધી નોન સ્ટોપ ગરબા ગાવાથી ભૂખ લાગે, ત્યારે તો પાર્ટીપ્લોટના સ્ટોલ્સથી કામ ચાલી જાય છે. પરંતુ જેવા ગરબા પતે કે પાર્ટીપ્લોટ પણ ખાલીખમ થઈ જાય. ત્યારે નાસ્તો કરવા માટે યંગસ્ટર્સ પહોંચે છે કેટલીક એવી જગ્યાઓ જે મોડી રાત સુધી ધમધમે છે, અને જ્યાંના નાસ્તા ફેમસ છે. આમ તો આ નાસ્તાના આ તમામ હોટસ્પોટ આખું વર્ષ ધમધમતા રહે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી અહીં ખેલૈયાઓની લાઈનો લાગે છે. તો ચાલો જાણી લઈએ આવી જ કેટલીક જગ્યાઓ વિશે.
1. ઈસ્કોન, અમદાવાદ
અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોન ચાર રસ્તાની રોનક નવરાત્રિ દરમિયાન કંઈક અલગ જ જોવા મળે છે. એક તો એસ.જી.હાઈવે પરની ક્લબ્સ અને મોટા ભાગના પાર્ટી પ્લોટ્સ પણ અહીં હોવાને કારણે અહીં નાસ્તા માટે હકડેઠઠ ભીડ જામે છે. તેમાંય ઈસ્કોનના ગાંઠિયા અને રબડી ચા માટે ખેલૈયાઓ ખાસ ઉમટે છે. તો ઈસ્કોન પર જ શરૂ થયેલા અને ટૂંકાગાળામાં ફેમસ થયેલા ખેતલાઆપાની ચા માટે પણ અહીં લોકો ઉમટી પડે છે.
2. ખાઉગલી, લૉ ગાર્ડન, અમદાવાદ
આમ તો કેટલાક મહિનાઓ પહેલા ટ્રાફિક ડ્રાઈવ અને પાર્કિંગ ઝુંબેશના કારણે ખાઉગલીનું નામોનિશાન નથી રહ્યું. પરંતુ એક સમયે લૉ ગાર્ડનની ખાઉગલી આખું વર્ષ મોડી રાત સુધી ધમધમતી હતી. એમાંય નવરાત્રિ દરમિયાન ગરબા બાદ નાસ્તા માટે ખાઉગલી પણ ખેલૈયાઓની પસંદ હતી. પાંઉભાજીથી લઈને પરાઠા સુધી અહીં એક જ જગ્યાએ મળતી વેરાઈટી એ ખાઉગલીની ખાસિયત છે. કદાચ આ નવરાત્રિમાં અમદાવાદી યંગસ્ટર્સ ખાઉગલીને જ સૌથી વધુ મિસ કરશે.
3. માણેકચોક, અમદાવાદ
અમદાવાદમાં નાસ્તાના હોટસ્પોટની વાત થતી હોય તો માણેકચોકને કેવી રીતે ભૂલી શકાય. કહી શકાય કે નવરાત્રિમાં ગરબા પતે પછી માણેકચોકમાં તો ખરેખર સવાર પડે છે. ગરબા બાદ પશ્ચિમ અમદાવાદમાંથી નાસ્તાના મોટાભાગના શોખીનો માણેકચોક જ પહોંચી જાય છે. પાઈનપેલ સેન્ડવીચ અને ચોકલેટ સેન્ડવીચની સાથે સાથે પંજાબી અને ચાઈનીઝ સુધીની વેરાઈટી, ગિરીશ કોલ્ડ્રિંક્સની લસ્સી અને ચાના શોખીનો માટે ચા બધું જ અહીં રેડી મળે છે. જો કે પાર્કિંગની સમસ્યા આ વર્ષે માણેકચોકના રસિકોને પરેશાન કરી શકે છે.
4. યાજ્ઞિક રોડ, રાજકોટ
અમદાવાદની જેમ જ રાજકોટમાં પણ કેટલીક જગ્યાઓ વર્લ્ડ ફેમસ છે ! એમ પણ રાજકોટ રંગીલું છે, અને નવરાત્રિમાં રાજકોટના રંગ કંઈક અનોખા જ હોય છે. ગરબા બાદ રાજકોટીયન્સની પહેલી પસંદ હોય છે યાજ્ઞિક રોડ. કાઠિયાવાડની ફેમસ ચા સાથે નાસ્તો અને જાતભાતના ફરસાણ આરોગવા અહીં ખેલૈયો વહેલી સવાર સુધી જમા થાય છે.
5. સૂર્યકાંત હોટેલ, રાજકોટ
તો સૂર્યકાંત હોટેલના થેપલા અને ગાંઠિયા પણ રાજકોટિયન્સની પહેલી પસંદ છે. રાજકોટિયન્સ સ્વાદના શોખીન તો છે જ, તેમાંય જો ગરબા પછી થેપલા અને ગાંઠિયા મળતા હોય તો પછી રાહ શેની જોવાની. એટલે જ નવરાત્રિમાં ગરબા રમીને થાક ઉતારવા અને ભૂખ શમાવવા માટે ખેલૈયાઓ અહીં પણ ભીડ કરે છે.
6. અલ્કાપુરી, વડોદરા
વડોદરાના નામ સાથે જ ખાવાની બે ચીજ સીધી યાદ આવી જાય. એક તો સેવ ઉસળ અને બીજી વડોદરાની સેન્ડવીચ. વડોદરાના નામે સેન્ડવીચ હવે આખા ગુજરાતમાં વેચાય છે, પરંતુ ઓરિજિનલ ફ્લેવર ખાવા તો આ સંસ્કારી નગરીની જ મુલાકાત લેવી પડે. તેમાં અલ્કાપુરીની સેન્ડવીચ તો લોકોને મોઢામાં પાણી લાવી દે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અલ્કાપુરીમાં સેન્ડવીચ આરોગવા પણ લાઈન લાગે છે.
7. રાત્રિબજાર, સૂરસાગર તળાવ, વડોદરા
વડોદરાના રાત્રિબજારની રોનક પણ અનોખી છે. નામ પ્રમાણે આ બજાર રાત્રે જ ભરાય છે. તેમાંય નવરાત્રિમાં અહીંની ઝાકમઝોળ લોકોને આકર્ષે છે. ગરબા પૂરા થયા પછી મોડી રાત્રે પણ ખુલ્લુ રહેતું રાત્રિબજાર લોકોના માટે નાસ્તાનો હોટસ્પોટ બની ચૂક્યુ છે. ચાઈનીઝ ફ્રેન્કીથી લઈને મસ્કાબન સુધીની વેરાયટી એક જ જગ્યાએ મળવાના કારણએ રાત્રિબજાર પર પણ ખેલૈયાઓ ઉમટી પડે છે.
8. પીપલોદ રોડ, સુરત
નાસ્તા અને ખાણીપીણીની વાત સુરત વગર પૂરી ન જ થાય. સુરતીલાલાઓનો બીજો અર્થ જ ખાણીપીણીનો શોખ થાય છે. ત્યારે નવરાત્રિમાં સૂરતીઓ પણ પાછળ નથી. ખાસ કરીને સુરતનો પીપલોદ રોડ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓનું મુખ્ય ઠેકાણું બની જાય છે. ફાસ્ટફૂડની એવી વેરાયટી જે આખા ગુજરાતમાં ન મળે એ સુરતીલાલાઓને પીપલોદ રોડ પર મળી રહે છે.
9. ચોપાટી, સુરત
ચોપાટી પણ નવરાત્રિ દરમિયાન નાસ્તા અને ખાણીપીણી માટેનું હોટસ્પોટ બની જાય છે. ચોપાટી પર મળતી ચા અને રેંકડીના નાસ્તા સુરતીઓના ફેવરિટ છે. તેમાંય ગરબા રમ્યા પછી થાક ઉતારવા માટે તાપીના કિનારે ઠંડા પવનની લહેરકી સાથે મસ્ત સ્વાદિષ્ટ નાસ્તો આરોગવા સુરતીલાલાઓ પહોંચી જાય છે.